Homeવિશેષખેડૂત આંદોલન : આ મુદ્દાનો ઉકેલ કેવો આવશે ?

ખેડૂત આંદોલન : આ મુદ્દાનો ઉકેલ કેવો આવશે ?

કૃષિ પત્રકાર-અશોક સરિયા : લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનનો હજુ કોઇ સમાધાનકારી ઉકેલ આવ્યો નથી. પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોના ખેડૂતો દિલ્હીમાં રસ્તાઓ ઉપર બેઠા છે. કડકડતી ઠંડીમાં અને સરકાર દ્વારા તેમને રોકવા માટે કરાતા પ્રતિકારમાં ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવામાં કેટલાક ખેડૂતોએ પોતાનો જીવ પણ ખોયો છે.

અહીં આંદોલન કરી રહેલા ખેડૂતો અને ખેડૂત સમુહોને દેશભરમાંથી ખેડૂત સંગઠનો દ્વરા સપોર્ટ મળી રહ્યો છે. ખેડૂતો અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે કેટલીય વાટાઘાટો અને ચર્ચાઓ થઇ છે છતાં પણ આ બાબતે કોઇ સમાધાન મળી શક્યું નથી. સરકાર તેણે લાવેલા કાયદાને પાછા ખેંચવા તૈયાર નથી અને ખેડૂતો આ કાયદા પાછા ન ખેંચાય ત્યાં સુધી દિલ્હીમાંથી હટવા તૈયાર નથી. આમ બંન્ને પક્ષે હવે વાત વટે ગઇ છે.

સરકાર ખેડૂતોના સુચનોને સાંભળવા તૈયાર છે એવી વાતો કરે છે અને કાયદામાં ફેરફાર કરવાની તૈયારીની વાતો કરે છે પરંતુ એ પ્રમાણે કાંઇ થઇ રહ્યું ન હોય એવું લાગતું હોવાથી હજુ પણ ખેડૂત આંદોલનનો અંત દેખાતો નથી. જોકે અત્યારે સરકારનું જે પ્રકારનું વલણ છે એવું વલણ જો કાયદાને પસાર કર્યા એ પહેલાં આ બધાં જ મુદ્દાઓ ઉપર ખૂલ્લા મને વિચાર વિમર્શ કરીને કાયદાઓને પસાર કર્યા હોત તો કદાચ તેની અસરકારકતા સારી રહી હોત. પરંતુ કાયદાને કોઇપણ ભોગે પસાર કરાવી દેવાની ઉતાવળના કારણે હવે સરકાર ખેડૂતો સમુદાયથી ઘેરાઇ રહી છે.

વિશ્વમાં ગણનાપાત્ર લોકશાહી રાષ્ટ્રમાં ભારતનો સમાવેશ થાય છે. અને જે પ્રકારે સરકાર દ્વારા ખેડૂત આંદોલનને રોકવાના પ્રયાસો થઇ રહ્યા છે એ જોતા લોકશાહી ઉપર ઊલ્ટી અસર થતી જણાઇ રહી છે. સરકારના ઇશારે લોકોનો વિરોધ પ્રદર્શીત કરવાનો હક્ક પણ છીનવાતો હોય એવું જણાઇ રહ્યું છે. ખેડૂતોને આંદોલન કરતા રોકવા માટે રસ્તાઓ ખોદાવ્યા, તેમના ઉપર વોટરગન અને ટીઅર ગેસના કાર્તુસો ફેંકવામાં આવ્યા, ખેડૂતો દિલ્હીમાં પ્રવેશે નહીં એ માટે રસ્તામાં આડા બેરીકેટ્સ ગોઠવવામાં આવ્યા, એટલું ઓછું હોય એમ હવે તો રસ્તાઓમાં લોખંડના ખીલાઓ બેસાડી દીધા, તેમના ખાવા-પીવા માટેની મુખ્ય વ્યવસ્થા ખોરવવામાં આવી રહી છે. અને ખેડૂત આંદોલનને કોઇ પણ રીતે ડામી દેવાના પ્રયાસો થઇ રહ્યા છે.

આ માટે ખેડૂત આંદોનને બદનામ કરવાના પ્રયોસો પણ થઇ રહ્યાં છે. આટલા લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનથી જાણે સરકારને કોઇ ફેર જ ન પડતો હોય એવું વલણ જણાઇ આવે છે અને તે પોતે લાવેલા કાયદાને યથાવત્ રાખવા માટે પૂરતા પ્રયાસો કરી રહી છે.

જોકે આંદોલનને લઇને સુપ્રિમ કોર્ટે પણ ખેડૂતોના વિરોધ પ્રદર્શિત કરવાના હકને સમર્થન કર્યું અને સરકારને જલ્દી સમાધાન લાવવા માટે હુકમ કર્યો. તો સરકાર હવે તેને દોઢ વર્ષ માટે સ્થગિત કરવાનું કહી રહી છે. તો ખેડૂતોના સુચનોને સ્વીકારી એ પ્રમાણે ફેરફાર કરવાનું કેમ ધ્યાને નથી લેતી. એમએસપીના મુદ્દે સરકાર કહે છે કે તે ચાલું જ રહેશે તો તેને કાયદાના રૂપે લાવવા માટે કેમ કોઇ પ્રયાસ નથી કરતી. માત્ર મૌખિક વાતો જ કેમ દોહરાવ્યા રાખે છે.

ત્રણે કૃષિ કાયદા ખેડૂતોના હકના છે કે મોટા બિઝનેસ ગ્રુપોને ઉપયોગી થશે, એ બાબતની શંકા અને ચર્ચા જ્યારથી તે કેટલાક સાંસદોના વિરોધ છતાં પસાર કરાવી દેવામાં આવ્યા, આ માટે ચર્ચાને કોઇ સ્થાન ન આપ્યું ત્યારથી ચાલી રહી છે.

હવે તો આ આંદોલન ચર્ચાનો એક વૈશ્વિક મુદ્દો બની ગયો છે. વિશ્વવિખ્યાત ગાયિકા રેહાના, પર્યાવરણ બચાવો અભિયાન સાથે જોડાયેલ ગ્રેટા થુનબર્ગ, અમેરિકાના વાઇસ પ્રેસીડેન્ટ કમલા હેરીસ, યુકે અને કેનેડાના લોકોએ પણ આ આંદોલન વિશે પોતાની ટ્વીટ કરીને ચર્ચાને વિશ્વવ્યાપી બનાવી છે. ત્યારે આ આંદોલનનો શક્ય એટલો ઝડપથી ઉકેલ લાવવા સરકારે પ્રયાસ કરવો જોઇએ. અહીં સરકાર અને ખેડૂતો બંન્નેએ સમાધાનકારી ઉકેલ લાવવા માટે કટિબદ્ધતા બતાવવી રહી. પરંતુ જોવાનું એ રહે છે કે આ મુદ્દાનો ઉકેલ ક્યારે અને કેવો આવે છે ?

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments