Team Chabuk-Political Desk: કોરોનાકાળમાં અખિલેશ યાદવનું નિવેદન ચર્ચાયું હતું. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ ડંકાની ચોટ પર કહ્યું હતું કે હું વેક્સિન નહીં લગાવું. હવે આ નિવેદનનું સૂરસૂરિયું થતું દેખાઈ રહ્યું છે. ગઈકાલે પ્રધાનમંત્રી દ્વારા રાજ્યોને મફતમાં વેક્સિન આપવાની જાહેરાત થતાં અખિલેશ યાદવ પોતાના નિવેદન પરથી ગુલાટ મારી ગયા છે. અખિલેશ યાદવે કહ્યું કે, ‘હું કેન્દ્ર સરકારની વેક્સિન લગાવીશ.’ તો આ પહેલા જે વેક્સિન હતી તે પણ કેન્દ્ર સરકારની જ હતી.
અખિલેશ યાદવે પ્રેસકોન્ફરન્સ કરી એ નિવેદન આપેલ કે હું ભાજપની વેક્સિન લેવાનો નથી. જોકે કોઈ જગ્યાએ કેન્દ્ર સરકારે આ ભાજપની વેક્સિન છે તેવો પ્રચાર કર્યો નહોતો. આ અંગે અખિલેશ યાદવે ટ્વીટ કર્યું છે. ટ્વીટમાં તેમણે લખ્યું છે કે, ‘‘જનઆક્રોશને જોતા આખરે સરકારે કોરોનાની વેક્સિનનું રાજનીતિકરણ કરવાની જગ્યાએ એ ઘોષણા કરી છે કે તેઓ ટીકો લગાવશે. અમે ભાજપના ટીકાની વિરૂદ્ધ હતા પણ ભારત સરકારના નહીં. ભારત સરકારના ટીકાનું સ્વાગત કરતાં અમે પણ ટીકો લગાવીશું. ટીકાની ઉણપથી જે લોકો વેક્સિન નહોતા લગાવી શક્યા તેમને પણ લગાવવાની અપીલ કરું છું.’’
આ વર્ષે જાન્યુઆરીમાં જ્યારે વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે અખિલેશ યાદવે એવું નિવેદન આપ્યું હતું કે, ‘ભાજપની વેક્સિન પર ભરોસો નથી. જ્યારે અમારી સરકાર આવશે ત્યારે મફતમાં વેક્સિન લગાવીશું.’
અખિલેશ યાદવનું આ નિવેદન એવે વખતે સામે આવ્યું હતું જ્યારે તેમના પિતા મુલાયમ સિંહ યાદવની એક તસવીર સામે આવી હતી. તસવીરમાં મુલાયમ સિંહ યાદવ કોરોના વેક્સિન લગાવતા જોવા મળ્યાં હતાં. એ પછી રાજનીતિમાં ગરમી આવી ગઈ હતી, કારણ કે અગાઉ પણ મુલાયમ સિંહ યાદવ કેન્દ્ર સરકારના વખાણ કરી ચૂક્યા હતા અને વેક્સિન લગાવવાથી શું તેઓ ભાજપ તરફ ઢળી ગયા છે? એવી ચર્ચાઓ થવા લાગી હતી. એક બાજુ અખિલેશ વેક્સિન લેવાની ના પાડી રહ્યાં હતાં ત્યારે પિતાએ જ વેક્સિન લઈ લેતા ભાંગરો વટાઈ ગયો હતો.
બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીની ઉત્તર પ્રદેશ યુનિટે અખિલેશ યાદવ પર તીખા વ્યંગબાણ કરવાના શરૂ કરી દીધાં હતાં. ભાજપના તમામ નેતાઓએ મુલાયમ સિંહ યાદવના વેક્સિન લગાવવાના સાહસનું સલામ ભરી સ્વાગત કર્યું હતું. સાથે જ કહ્યું કે, આશા રાખીએ કે અખિલેશ યાદવ અને સમાજવાદી પાર્ટીના અન્ય નેતાઓ પણ વેક્સિન લગાવશે.
ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યએ તો ટ્વીટ કરીને લખ્યું હતું કે, મુલાયમ સિંહ યાદવ દ્વારા વેક્સિન લગાવવાનું આ પ્રમાણ છે કે અખિલેશ યાદવ વેક્સિનને લઈ નરી અફવા ફેલાવી રહ્યાં છે. આ માટે અખિલેશજીએ માફી માગવી જોઈએ. કેશવ મોર્ય સિવાય બીજેપીના અન્ય નેતાઓએ પણ સમાજવાદી પાર્ટીને ઘેરી હતી અને તેમની ઉંઘ ઉડાવી દીધી હતી. આખરે ફરી અખિલેશ ત્યાં જ આવીને ઊભા રહી ગયા છે. આ વખતે વેક્સિન લેવાના છે. તેમની પાર્ટીના કાર્યકર્તાઓ પણ વેક્સિન લેશે, કારણ કે આ વેક્સિન કેન્દ્ર સરકારની વેક્સિન છે. તો શું આ પહેલા જે બે વેક્સિન મળતી હતી તેમાં કાંઈક બીજું જ પ્રવાહી ભર્યું હતું!!
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત