ઝાલાવાડી જલજીરા: તકલીફ ત્યારે નથી થતી જ્યારે તમે ફેલ થાઓ, તકલીફ ત્યારે થાય છે જ્યારે તમારો મિત્ર તમારાથી આગળ નીકળી જાય. ગરમ મસાલા પણ 2009માં રિલીઝ થયેલી 3 ઇડિયટ ફિલ્મના ડાઈલોગ જેવી છે. મસાલેદાર અને ચટાકેદાર છે. થીએટરમાં ફિલ્મ જોઈ આફરિન થયેલી ઓડિયન્સ સીટી વગાડે, જ્યારે ગરમ મસાલા જોઈ જીભને ઉપલા જડબા સાથે ભીંસી ઠક્કક અવાજ કરવાનું મન થાય એવી મનમોહક ફિલ્મ છે. એક્શનમાંથી કોમેડી સ્ટાર બનેલા અક્ષય કુમાર અને જ્હોન અબ્રાહમની આ પહેલી ડ્યુઅલ હીરોવાળી ફિલ્મ હતી. ફિલ્મમાં મૌજ મસ્તીના કારણે ફસાતા બે યુવાનોની વાત હતી. જુઠ્ઠુ બોલવાની પણ એક કળા હોય છે. બોલ્યા પછી એ શબ્દોમાં સામેનો વ્યક્તિ સાચું માની લે તો તે પણ એક ટેલેન્ટ જ છે. ગરમ મસાલા ફિલ્મમાં અભિનેતાઓ ફિલ્મની શરૂઆતથી જ એટલું ખોટું બોલ્યા કે બાદમાં જ્હોન અબ્રાહમે જુઠ્ઠા હી સહી જેવી ફિલ્મ કરી નાખી !
બે ફોટોગ્રાફર છે. એક છે મેક. બીજો છે શ્યામ. બંન્ને ગરમ મસાલા મેગેઝિનમાં કામ કરે છે. આખો દિવસ ફોટોસ્ટોરી માટે રખડ્યા કરે છે પણ એક ઢંગનો ફોટો નથી પાડી શકતા. મેગેઝિનના માલિક પણ તેમની આ અદભૂત ટેલેન્ટથી પરેશાન છે. સપના મોટા મોટા છે પણ કામ શૂન્ય છે. એવામાં શ્યામ એક ફોટોગ્રાફર પાસે જઈ તેની નેગેટિવ લઈ આવે છે અને વર્ષના સર્વશ્રેષ્ઠ ફોટોગ્રાફરનો એર્વોડ જીતી જાય છે. મેકને ગુસ્સો આવે છે. પણ તે કંઈ કરી નથી શકતો. આખરે તો કેમ કર્યું એ મહત્વનું નથી પણ કરી દેખાડ્યું ને એ મહત્વનું છે. અત્યાર સુધી સિનિયરની પોઝીશનમાં રહેલો મેક હવે શ્યામનો આસિસ્ટન્ટ બની જાય છે. આ વાતથી રોષે ભરાયેલો મેક પોતાના આસિસ્ટન્ટ એડિટર મુફ્તીની મદદ લે છે. જે કોઈ કામ મફતમાં નથી કરતો. ઉપરથી મેકની મદદ કરે છે બબન. જે તેનો ડ્રાઈવર દોસ્તાર છે. બબનની મદદથી એક મકાન સાચવવાની જવાબદારી લઈ મેક ત્રણ એર હોસ્ટેસ પટાવે છે અને એક મહાકાય સમસ્યામાં ફસાય જાય છે.
ફિલ્મનું ડાયરેક્શન 21મી સદીની શરૂઆતમાં હિન્દીમાં મબલખ કોમેડી ફિલ્મો બનાવનારા ડાયરેક્ટર પ્રિયદર્શને કર્યું છે. 1985માં પ્રિયદર્શને મલયાલમ ભાષામાં બોઈંગ બોઈંગ નામની ફિલ્મ બનાવી હતી. જે દુકાન તેમની પણ નહોતી. આ ફ્રેન્ચ ભાષાના સુપ્રસિદ્ધ નાટક બોઈંગ બોઈંગમાંથી ઉઠાવવામાં આવેલો પ્લોટ હતો. અદ્દલ આ નામની જોડણીમાં જ થોડો અમથો ફેરફાર કરી અમેરિકામાં બોઈંગ બોઈંગ નામની ફિલ્મ બની હતી. જેની સાથે બોઈંગ 707 નામના પ્લેનનું નામ જોડી દેવામાં આવ્યું હતું. જેથી શીર્ષક એક સરખું ન લાગે. નોયર ફિલ્મો બનાવતા ખ્યાતનામ ડાયરેક્ટર ક્વોન્ટન ટેરેન્ટીનોને આ ફિલ્મ એટલી પસંદ આવી ગઈ હતી કે પોતાના ફિલ્મ ફેસ્ટિવલ માટે પણ તેમણે આ ફિલ્મની પસંદગી કરી હતી. જે પછી 2005માં દિવાળી ટાણે ભારતમાં ગરમ મસાલા રિલીઝ થઈ.
ગરમ મસાલાની કથા લફંગાગિરી કરતા યુવાનોની શાણપણ અને અંદરોઅંદર પનપેલી ઈર્ષ્યાની આસપાસ ફરે છે. ફિલ્મમાં પ્રિયદર્શને રાખેલા કલાકારોના નામ પર નજર કરીએ તો દિમાગની બત્તી પ્રજવલિત થશે. સ્વીટી, મેગી, મેમ્બો આ બધી વાનગીઓના નામ છે. મેમ્બો એ આફ્રિકન વાનગીનું અપભ્રંશ છે. ફિલ્મમાંય પરેશ રાવલ જે રોલ પ્લે કરી રહ્યો છે તે મેમ્બોનું કામ તો ભોજન બનાવવાનું જ છે. જે એર હોસ્ટેસની ફ્લાઈટ ઘરમાં લેન્ડ કરી તેના માટે એ જ પ્રકારના વ્યંજનો બનાવવાના.
શ્યામ, અંજલી, પુજા, નાગેશ્વર આ ચાર નામો ધર્મ અને ભક્તિ સાથે જોડાયેલા છે. ફિલ્મમાં માત્ર હસાવવા માટેના લક્ષ્યથી નામો રાખવામાં નથી આવતા. નામોમાં પણ કેટલાક પ્રતીક હોય છે. અક્ષય કુમારનું નામ મેક છે. પણ તેની થનાર પત્ની તેને મેકની જગ્યાએ ‘મકાન’ કહી બોલાવે છે અને પછી જે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બને છે તે પણ મકાનની અંદર જ બને છે.
મેગી બનતી નેહા ધૂપિયા, અક્ષય અને જ્હોનનો એક મસ્ત કોમેડી સીન છે. જેમાં જ્હોન અને અક્ષયના પર્સ ચોરી થઈ જાય છે અને બિલ નેહા ધૂપિયાને ભરવાનો વારો આવે છે. આ સીન મૂળ બોઈંગ બોઈંગમાં નથી. પ્રિયદર્શનને હિન્દીમાં કંઈક નવું બતાવવું હતું. જેથી તેમણે 1985માં રિલીઝ થયેલી પોતાની જ સ્લેપસ્ટિક કોમેડી ફિલ્મ અરમ અરમ કિન્નરમમાંથી આ સીન ઉઠાવી લીધો. સ્લેપસ્ટિક કોમેડી એટલે જ્યાં વારંવાર ભૂલો કરવામાં આવે અને હસાવવામાં આવે, પાત્રને તદ્દન કાર્ટૂનની રીતે દર્શાવવામાં આવે. મૂળ તો મગજ ઘેર મુકીને જવાનું અને જોવાનું.
ગરમ મસાલાને પણ સ્લેપસ્ટિક કોમેડીના સેક્શનમાં મૂકી શકીએ. તેમાં માત્ર હસવાનું છે. કોઈ દિવ્ય તેજોમય અને ઝિંદગી સુધારી દેતો સંદેશ નથી મળતો. હસવાનું અને થીએટરની બહાર નીકળી જવાનું. પ્રિયદર્શન જેમ પોતાની જ ફિલ્મો ઉઠાવી અનુવાદ કરી મુકે છે તે રીતે ગરમ મસાલામાં પણ તેના સિવાય કશું નથી. હા, ફિલ્મનો એક ડિપાર્ટમેન્ટ ખૂબ મજબૂત છે.
2005માં પ્રિતમે ત્રણ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. ચોકલેટ, એક ખિલાડી એક હસીના અને ગરમ મસાલા. ફિલ્મમાં 6 ગીતો છે. નેટ પર જોશો તો તેમાં ફલક દેખુ અને અદા ગીતની સાથે અમર ડીઆબનું નામ હશે. જેની ધૂન આ બે ગીતમાં લેવામાં આવી હતી. ફિલ્મની શરૂઆતમાં જ ધમાકેદાર ગીત અદા અને તેમાંય અમરની મિક્સ ટ્યૂન હોય તો ગીતો બાબતે કોઈ રોકી શકવાનું નથી. ફિલ્મના ગીતો એકથી એક ચડીયાતા હતા. અદનાન સામીના અવાજમાં તુ હૈ મેરા ગરમ મસાલા સાંભળો કે, સુખવિંદર સિંહના અવાજમાં ચોરી ચોરી સાંભળો. આ તમામ ગીતોમાં એક ખાસિયત છે કે જ્યાં સુધી મેલ વોઈસ તમારા કાને ન અથડાય ત્યાં સુધી મઝા ન આવે. ગીતો સાંભળ્યા બાદ થીએટરમાં જાઓ કે ટીવીમાં જુઓ તો પણ ક્યારે મેલ વોઈસ આવે ? તેની જ રાહ જોયા રાખો. ફિલ્મનું સૌથી રોમેન્ટિક ગીત ફલક દેખુ. આ ગીત મયૂર પુરીએ લખ્યું છે. સ્ત્રીની પ્રશંસામાં જેટલા પણ શબ્દો આવે તે ઠાંસી ઠાંસીને ભરી દીધા. ઉપરથી સોનુ નિગમે સૂર આપ્યો એટલે પૂર્ણ.
પ્રિયદર્શનની પટકથાના પેટાળમાં મૂંઝવણ ભરેલી હોય છે. અહીં પાત્રો એક સરખી કન્ફ્યૂઝનની સમસ્યામાં ફસાયા છે. તેમાંથી બહાર નીકળવાના રસ્તા શોધ્યા રાખે છે. એક્ટિંગના નામ પર જ્હોન અબ્રાહમમાં ઓવર એક્ટિંગ દેખાશે. પણ અક્ષય કુમાર ટુ બ્રિલિયન્ટ. જ્યારે સમસ્યાએ ગળામાં અજગર ભરડો લીધો હોય તેવા જ તેના ચહેરાના એક્સપ્રેશન લાગશે. બીજા પાત્રો થોડા થોડા મજેદાર લાગશે. તેમાંય પરેશ રાવલની પીઠ થાબડવી પડે. મેમ્બોના રોલમાં પરેશ રાવલનો એક સીન છે. તસવીરો બદલતા સમયે મેકની પ્રેમિકા નંબર બેની એન્ટ્રી થાય છે અને પછી મોમ્બોના ચહેરાના હાવભાવ જોતા કોઈ સાંપ સુંઘી ગયો હોય તેવું લાગ્યા વિના નહીં રહે. રાજપાલ યાદવે બીજી વખત ડ્રાઈવરનો રોલ પ્લે કર્યો. ગરમ મસાલા અને પછીથી આવેલી ભાગમભાગમાં. બંન્નેમાં તેનો મિત્ર અક્ષય કુમાર જ રહ્યો. પ્રિયદર્શનની જ નહીં પણ આજની મોટાભાગની કોમેડી ફિલ્મોમાંથી રાજપાલ યાદવની ગેરહાજરી ખૂબ ખલે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત