બોલિવૂડમાં કેટલાક સ્ટાર્સ એકદમ સ્વચ્છ છબી ધરાવે છે. વ્યક્તિગત રીતે વિવાદોથી હંમેશાં પર રહે છે. આંગળીના ટેરવે ગણાય તેટલી નિરસ ફિલ્મો સિવાય તેમણે ફિલ્મો પણ એકથી એક ચઢિયાતી આપી છે. મોટાભાગે વિવાદોથી દૂર રહેનારો અક્ષય એવો કલાકાર છે જે પોતાના કામ પર જ ફોકસ કરે છે, પરંતુ જો કોઈ તેની સળી કરે તો તે વળતો જવાબ આપવાનું પણ નથી ચુકતો. ભૂતકાળમાં તો નથી બન્યું, પણ ભૂતકાળમાં ન બને તેનો અર્થ થોડો છે ભવિષ્યમાં પણ ન બને. ભૂતકાળમાં ઈન્ટરનેટ થોડું હતું!! આવો જ એક કિસ્સો અક્ષય સાથે બન્યો. એક યુટ્યૂબરને અક્ષય પર આરોપ લગાવવા ભારે પડી ગયા. અક્ષય કુમારે યુટ્યુબરને 500 કરોડના માનહાનિના દાવાની નોટિસ ફટકારી દીધી છે.
યુટ્યૂબર બિહારનો છે. નામ છે રાશિદ સિદ્દીકી. રાશિદે કોઈ પુરાવા વગર જ અક્ષયનું નામ સુશાંતસિંહ રાજપુત કેસમાં સામેલ કર્યું. કોઈ કારણો વગર બેફામ નિવેદનો કર્યા એટલે અક્ષયને ગુસ્સો આવ્યો. પોતાની બદનામી થયાનો અહેસાસ થયો અને કાયદાકીય લડત શરૂ કરી દીધી.
રાશિદે આરોપ લગાવ્યો કે, અક્ષય કુમારે રિયા ચક્રવર્તીને કેનેડા મોકલવામાં મદદ કરી હતી. એટલું જ નહીં રાશીદે આનાથી પણ ગંભીર આરોપ લગાવ્યો કે, અક્ષયે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે સાથે સુશાંતસિંહ કેસ મુદ્દે ગુપ્ત વાતચીત કરી હતી. રાશીદ એટલેથી નથી અટકતો તે કહે છે કે, અક્ષય એ વાતથી અપસેટ હતો કે સુશાંતસિંહ રાજપુતને તેના બદલામાં એમ.એસ.ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં કાસ્ટ કરી લેવાયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, યુટ્યુબર રાશિદ સિદ્દીકી. રાશિદ સિદ્દીકી ff નામથી યુટ્યૂબ ચેનલ ચલાવે છે અને ફોલોઅર્સ વધારવા માટે તે આવા ફેક ન્યૂઝનો સહારો લઈ રહ્યો હતો. વિગતો એવી પણ સામે આવી છે કે સુશાંતના ન્યૂઝ પહેલાં તેના ફોલોઅર્સ 1 લાખ હતા જે વીડિયો પોસ્ટ કર્યા બાદ ત્રણ લાખ સુધી પહોંચી ગયા હતા. આમ, ફેક ન્યૂઝ આપી રાશીદે ખુબ કમાણી પણ કરી.
અક્ષય કુમારની આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા નથી આવી. પરંતુ માનહાનિના દાવાથી યુટ્યૂબરની ઉંઘ જરૂર ઉડી ગઈ છે. કદાચ હવે તે આવા ફેક ન્યૂઝ બનાવતા પહેલાં સો વાર વિચાર કરશે.
14 જૂન 2020ના રોજ સુશાંતસિંહ રાજપુતે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતે મુંબઈ સ્થિત પોતાના ઘરે ગળેફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધું હતું. જે બાદ તેની આત્મહત્યા પાછળની અનેક થિયરીઓ સામે આવી હતી. આ કેસમાં ડ્રગ્સ એંગલ પણ સામે આવ્યો છે. જેમા કેટલાય નામી-અનામી કલાકારો પર કાયદાનો ગાળિયો કસાયો છે. સુશાંતની આત્મહત્યાથી તેના ફેન્સ આજે પણ દુઃખી છે.
મિત્રો ચાબુક આપને વિનંતી કરે છે કે, આવા ફેક ન્યૂઝથી દૂર રહો. સોશિયલ મીડિયા પર આવા અનેક ફેક ન્યૂઝ ફરતા હોય છે. જેને ફોરવર્ડ કરતા પહેલા તેની પુષ્ટિ કરી લેવી જોઈએ. જો કોઈ વીડિયો ફેક લાગે તો તેને ફોરવર્ડ કરવાની જગ્યાએ તાત્કાલિક ડિલિટ કરવો જોઈએ. અથવા તો આ વાત ખોટી છે તેવી માહિતી વાઈરલ કરનારને આપવી જોઈએ.
જેની પાસે આજે મોબાઈલ છે તે પોતાને શૂરવીર બતાવે છે. યુટ્યૂબમાં જાણવા જેવું ઓછું અને કચરો વધો ગયો છે. તર્ક લગાવી સંદર્ભો વિના એક કાલ્પનિક સૃષ્ટીની રચના કરવામાં આવે છે. એ જોનારાઓની સંખ્યા પણ ગણી ન શકાય એટલી હોય છે. એ વાઈરલ થાય છે. વાઈરલ થયા પછી બીજા પણ જુએ છે. સમજ્યા વિના તેને શેર કરવામાં આવે છે. આને આંખ હોવા છતાં માનસિક રીતે રતાંધળાપણાનો શિકાર થયા કહેવાય.
થોડું અક્ષયની આવનારી ફિલ્મો વિશે ટૂંકમાં
અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ચાર મિનિટ લાંબુ છે. અડધી ફિલ્મ ત્યાં જ જોવાઈ ગઈ છે. કોરોનાના કારણે ફિલ્મ હજુ સુધી રિલીઝ થઈ શકી નથી. હવે ટૂંક સમયમાં સૂર્યવંશી રિલીઝ થાય તેવી શક્યતા છે. હાલમાં જ અક્ષયે પોતાની વધુ એક ફિલ્મ ‘રામસેતુ’ની જાહેરાત કરી દીધી છે. આ ઉપરાંત અક્ષય કુમાર અતરંગી રે, બેલ બોટમ અને પૃથ્વીરાજ જેવી ફિલ્મોમાં જોવા મળશે. જોકે છેલ્લી લક્ષ્મી ફિલ્મે ધબડકો વાળી દીધો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત