ઝાલાવાડી જલજીરા: હમણાં રાજકોટ ચર્ચાની એરણે ચડ્યું છે. કેમેરો ઝૂમ થાય છે. ત્યાં સુધી પહોંચે છે અને નગ્ન થઈ નૃત્ય કરતી યુવતીને કેદ કરી લે છે. સોશિયલ મીડિયા પણ આ ઘટનાથી પ્રફુલ્લિત થઈ ગયું છે. કોઈ જોક્સ બનાવે છે. કોઈ કાર્ટુન બનાવે છે. વેબ મીડિયાને મસાલો મળી ગયો છે. પોત પોતાની નુક્તેચિની સામે આવી રહી છે. મહત્વની વાત એ છે કે, આપણને કોઈના બેડરૂમમાં ઘુસવાનો અધિકાર છે?
8 ફેબ્રુઆરી 2010. કેટલાક લોકો બળજબરીપૂર્વક હાથમાં કેમેરો લઇ અલીગઢ યુનિવર્સિટીના એક મકાનમાં ઘુસી આવ્યા. શરીરે તગડા એવા બે લોકો હતા. મકાનની અંદર બે પુરૂષો હતા, જે પ્રેમમાં મશગૂલ હતા. તેમના પરાણે કપડાં ઉતારાવ્યા. અશ્લીલ તસવીરો ખેંચવામાં આવી. એટલામાં પાછળથી પ્રોફેસરના ચાર કલીગ આવી ગયા અને તેમણે પેલા બે વ્યક્તિને બાજુના રૂમમાં લઇ જઇ સવાલ જવાબો કર્યા. પ્રોફેસરે આજીજી કરી કે, આ વાત અહીં જ પતાવી દે, પણ બીજા દિવસે અન્ય પ્રોફેસરોના સ્ટેટમેન્ટ સાથે ઘટના છાપામાં છપાઇ ગઇ. વિરોધ થયો અને પ્રોફેસરને અલીગઢ યુનિવર્સિટીમાંથી માનસિક યાતના આપી બહાર ખદેડી દેવામાં આવ્યા. એ વ્યક્તિ એક જ વાત કહી રહ્યો હતો, ‘મેં અહીં બે દાયકા જેટલો સમય પસાર કર્યો છે. હું મારી યુનિવર્સિટીને પ્રેમ કરું છું. મેં કર્યો છે અને કરતો રહીશ. પણ મને આશ્ચર્ય છે કે ‘હું’ પ્રેમ કરું તો તેમને વાંધો છે, કારણ કે હું ગે છું.’
પ્રોફેસર રામચંદ્ર સીરસ તો કેસ જીતી ગયા, પણ કેસ જીત્યાની રાતે જ શરીરમાં પોઇઝન હોવાથી તેમનું મૃત્યું થયું. ઘટના સામાન્ય નહોતી અને એ ઘટના પરથી બનેલી ફિલ્મ અલીગઢ પણ સામાન્ય નથી. તેમાં હસવું આવે, તેમાં રડવું પણ આવે, સમાજ શું વિચારે છે અને તમે તે વ્યક્તિ વિશે શું વિચારો છો, તે તમામ વસ્તુ ફિલ્મ જોતી વખતે તમને ફિલ થાય.
ફિલ્મની શરૂઆત એક અંધારા સાથે થાય છે. ક્વાટરની લાઇટો ઓન ઓફ થઇ રહી છે. વાતાવરણ એકદમ શાંત છે. માત્ર ટ્રેનના આવવા જવાનો અવાજ જ બેકગ્રાઉન્ડમાં સંભળાય છે. સખત ઠંડી વચ્ચે બે લોકો આવે છે અને રૂમમાં પ્રોફેસર સીરસને રંગે હાથ ઝડપી લે છે. બીજા દિવસે અલીગઢ યુનિવર્સિટીનું વાતાવરણ તંગ બને છે. ઉહાપોહ થવા માંડે છે. આ આપણી યુનિવર્સિટીને શોભા ન દે તેવા નારાઓ લગાવવામાં આવે છે. આ ખબર અંગ્રેજી અખબારમાં કામ કરતા દિપુ સબેસ્ટિયનને હાથ લાગે છે. જે ચાર મહિનાની ઇન્ટર્નશીપ ઉપર છે. સત્ય જાણવા તે અલીગઢ જાય છે અને શરૂ થાય છે સોશિયલ, સેન્સિટીવ ડ્રામા ફિલ્મ અલીગઢ.
ફિલ્મમાં લીડ હિરો તરીકે ટેલેન્ટેડ એક્ટર મનોજ બાજપાઇ અને તેમનો જ અનુગામી રાજકુમાર રાવ છે. એટલે અભિનયની બાબતે તો કંઇ કહેવાનું ન રહે ! ફિલ્મમાં રિપોર્ટર તરીકે રાજકુમાર રાવે નાનો પણ સારો રોલ કર્યો. આખી ફિલ્મમાં રાજકુમારનું કેરેક્ટર ફિક્શનલ વધારે લાગે છે. માત્ર સ્ટોરીને આગળ વધારવા અને બંન્ને બાજુથી ત્રાજવું સમતોલ રહે એ માટે આ રોલને અહીં ઉમેરવામાં આવ્યો હોય શકે. જોકે રાજકુમાર રાવ સિવાય બીજા જેટલા પાત્રો તમને કારણ વિનાના લાગશે તે માત્ર સ્ટોરીને આગળ ધપાવવા માટે છે. ફિલ્મના અન્ય પાત્રોને મોઢે સંવાદ નથી, છે તો માત્ર હાવભાવ. એક કાળા અસત્યનો.
ફિલ્મની શરૂઆતમાં ડાયરેક્ટરની શૈલી તમને મણિ કૌલના દિગ્દર્શનની યાદ અપાવશે. ડાયરેક્ટરે જે અઢી મિનિટ સુધી ફિલ્મના સીન્સ બતાવ્યા છે, તેવો નેચરલ લવ મણિકૌલની ફિલ્મોમાં જોવા મળતો હતો. ફિલ્મ જેના પરથી બનાવવામાં આવી છે તે સામાન્ય વ્યક્તિ નથી. મરાઠી સાહિત્ય પરિષદે તેને તેના કાવ્યસંગ્રહ માટે સન્માનિત કરેલો છે. કોઇના જીવન પરથી ફિલ્મ બને ત્યારે તેમાં બે એલિમેન્ટ હોવા જોઇએ. ઘટના અસામાન્ય હોવી જોઇએ અથવા તો વ્યક્તિ અસામાન્ય હોવો જોઇએ. અહીં તમને એ બંન્ને વસ્તુ જોવા મળશે. આ ફિલ્મ એક સામાન્ય પ્રોફેસર અને લેખકની સાથે બનેલી અસમાન્ય ઘટના પર આધારિત છે. અસામાન્ય એટલા માટે કે અલીગઢમાં કોઇ આવું કરી શકે તેવું વિચારતા જ કંપારી છૂટી જાય છે.
એક કલાકારના જીવનમાં કેટલી મુસીબતો એક સાથે બનતી હોય છે, તે ફિલ્મમાં મનોજ બાજપાઇના ડાઇલોગથી ખ્યાલ આવી જશે કે, ‘હું લતા મંગેશકર અને કવિતાઓમાં રચ્યો પચ્યો રહ્યો ને મારી પત્ની મને છોડીને ચાલી ગઇ.’ તે કળાને વધારે પ્રેમ કરતા હતા, જેથી પત્નીને ખોવાનો વારો આવ્યો. પત્નીને સમય નહોતા આપી શકતા. જેની પાછળનું કારણ તેમની હોમોસેકસ્યુઆલિટી બિલ્કુલ નથી. બીજા એક સીનમાં સીરસને ટીવી પર લાઇવ કરવામાં આવે છે ત્યારે તેને પોતાનો મત રાખવાનો પણ અધિકાર આપવામાં આવતો નથી. વારંવાર સીરસ પોતાના આ કામને ‘પ્રેમ’નું ઉપનામ આપે છે. પણ મીડિયાની જોરોશોરોથી થઇ રહેલી ડિબેટમાં તેનો અવાજ દબાઇ જાય છે.
રાજકુમાર રાવની અલિગઢ મુલાકાત સમયે ત્યાંના ભાષા ભવનોની સમસ્યા ડાયરેક્ટરે સરસ રીતે છેડી છે. એક મહિલા પ્રોફેસર જ્યારે કહે છે કે, અહીં કોણ મલયાલમ ભાષા ભણવા માટે આવવાનું છે ? એટલે કે પ્રોફેસરો ત્યાં કામ વિનાના પડ્યા છે. તેમને ભણાવવું છે, પણ ભણાવી નથી શકતા, કારણ કે અહીં એ વિષયના વિદ્યાર્થીઓ જ નથી. મોટાભાગની ભાષાઓ સાથે આવું જ થઇ રહ્યું છે. પ્રોફેસરોને ભણાવવું છે પણ એ વિષયના વિદ્યાર્થીઓ ક્યાં છે ?
ડાયરેક્ટરે મેસેજ ફેલાવવા માટે બે પોંઇન્ટ ઓફ વ્યૂનો ઉપયોગ કર્યો છે. જર્નાલિસ્ટ દિપુ સબેસ્ટિયન બનેલો રાજકુમાર રાવ અને નમીતા બનતી દિલનાઝ ઇરાની વચ્ચે ઇન્ટીમેટ સીન બતાવ્યો અને એ સીન પૂરો થતાં જ મનોજ બાજપાઇ અને તેના ફ્રેન્ડનો સેકસ્યુઅલ સીન પ્લે કર્યો. જેનાથી એ બંન્ને વચ્ચે કોઇ ભેદ નથી માત્ર પ્રેમ છે તેવું હંસલ મહેતાએ અહીં બતાવી દીધું છે. ઉપરથી ફિલ્મના ક્લાઇમેક્સમાં હંસલ મહેતાએ જે બુદ્ધિ વાપરી છે તે એક ઉખાણું છે. તો વાર્તામાં ઇરફાનના રોલને ગૂંથવામાં રાઇટર અપૂર્વ અસરાની માત ખાઇ ગયા છે. રૂમનો દરવાજો ખૂલ્લો કોણે રાખ્યો ? એ સાથે છેલ્લે સુધી જોનારના મનમાં ઇરફાનનું જ નામ રહે, પણ ઇરફાનની બંદુક તો ફૂટતી જ નથી.
હોલિવુડમાં આવી અઢળક ફિલ્મો બને છે, પણ બોલિવુડમાં પસંદ કરેલી કેટલીક ફિલ્મો જ આવા વિષયને સ્પર્શતી હોય છે. મૂળ તો ફિલ્મની અંદર ટોમ હેન્કસની જ ફિલ્મ ફિલાડેલ્ફિયા પરથી પ્રેરણા લેવામાં આવી હોય તેવું તમને દેખાશે. હંસલ મહેતાએ ફિલ્મને રિયલ લોકેશનમાં શૂટ કરી છે. એવા લોકેશનમાં જ્યાં અસલી પ્રોફેસર સીરસ રહેતા હતા. પ્રોફેસરના જીવનનું એકલવાયું પણ તેમણે સ્ક્રિન પર સરસ રીતે બતાવ્યું છે. જોકે ફિલ્મ પહેલા હાફમાં હાંફતી દેખાય, પણ હંસલ મહેતાની જેટલી પણ ફિલ્મો છે તે બાયોપિક અથવા તો સંવેદનશીલ વિષયો પર હોવાથી તેની રફ્તાર ધીમી જ રહે છે. ફિલ્મમાં મ્યુઝિક નથી, પણ બેકગ્રાઉન્ડ સ્કોર બેસ્ટ છે. સીરસના શોખ પ્રમાણે ફિલ્મમાં લતા મંગેશકરના બે ગીતો છે. ફિલ્મ આખી જોયા બાદ એક જ વિચાર આવે કે તમને કોઇના અંગત જીવન વિશે વાત કરવાનો અધિકાર છે, પણ ત્યાંથી તમને સીધા બેડરૂમમાં ઘુસવાનો કોઇ અધિકાર નથી. અને જો ઘુસો તો ફિલ્મના ડાઇલોગ જેવું વાસ્તવમાં બને, ‘મારે અમેરિકા ચાલ્યા જવું છે.’

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત