ઝાલાવાડી જલજીરા: 1932ની સાલમાં વિક્ટર હાલપેરીને વિશ્વની પ્રથમ ઝોમ્બી ફિલ્મ બનાવી હતી. ફિલ્મનું નામકરણ કરવામાં આવેલું વ્હાઈટ ઝોમ્બી. ઈતિહાસ ખૂબ લાંબો છે. ભારતમાં 2013માં ગો ગોઆ ગોન ફિલ્મથી ઝોમ્બીની પ્રથમ સત્તાવાર એન્ટ્રી થઈ. ફિલ્મનું કથાવસ્તુ દર્શકોને પસંદ આવ્યું હતું. જે ગોવા રખડવા અને મોજ મસ્તી કરવાની વસ્તુ છે ત્યાં આ સંભવ છે. અંતે કોણ ગોવા નથી જતું? નેટફ્લિક્સ દ્વારા બેતાલ નામનો એક નિષ્ફળ પ્રયાસ પણ થયો છે. હોલિવુડમાં બનતી ઝોમ્બી પરની અઢળક ફિલ્મો હિટના વર્તુળમાં નથી આવતી, પણ દક્ષિણ કોરિયા દર વખતે ઝોમ્બી ફિલ્મોથી એક નવો પર્વત સર કરી લે છે.
આ વર્ષે સાઉથ કોરિયા ઓલ ઓફ અસ આર ડેડ નામની વેબ સિરીઝ લઈ આવ્યું છે. કોરીયા જ્યારે ઝોમ્બી પરની ફિલ્મ લઈ આવે છે ત્યારે તેની પ્રથમ તુલના ટ્રેન ટુ બુસાન સાથે થાય છે. આ ફિલ્મ ઝોમ્બી ક્લાસિક છે અને તેણે ઝોમ્બીના માપદંડ ઘડી કાઢ્યા છે. એ માપદંડ પર હવે દરેક ઝોમ્બી ફિલ્મે ખરું ઉતરવાનું છે. ઓલ ઓફ અસ આર ડેડને કોરોના વાઈરસના કારણે વધારે મહત્વ સાંપડી રહ્યું છે. ડાઈલોગ ડિપાર્ટમેન્ટનું કામકાજ ઝોમ્બી પર આધારિત ડાઈલોગ ઘડવાનું હતું, પણ આપણે તેને પ્રવર્તમાન મહામારીની સોઈના કાણામાં પણ પરોવી શકીએ. એક એવી બસ જેની ઉપર બોર્ડ કંઈક અલગ માર્યું છે અને વિરૂદ્ધ દિશામાં જઈ રહી છે પણ આપણને તે નિયત લાગી રહ્યું છે.
સાઉથ કોરિયાએ 1981ની સાલમાં ગોઈશી નામની પ્રથમ ઝોમ્બી ફિલ્મ બનાવી હતી. ઓલ ઓફ અસ આર ડેડ સુધીનો તેનો ઝોમ્બી રેકોર્ડ શાનદાર છે. એનો કોઈ પણ દિગ્દર્શક જ્યારે પણ ઝોમ્બીની પટકથા તૈયાર કરે છે, કાગળ પર જ હીટ થઈ જાય છે. ઓલ ઓફ અસ આર ડેડ મૂળ ‘નાઉ એટ અવર સ્કૂલ’ પર આધારિત છે. જેથી તેણે ફક્ત જીવતા માણસો અને સ્પેશિયલ ઈફેક્ટનો ઉપયોગ કરવાનો હતો. આ એક સર્વાઈવલ ડ્રામા છે. ખતરો કે ખિલાડીની માફક. ખતરો કે ખિલાડી મનઘડંત રિયાલિટી શો છે. પણ દિગ્દર્શક અહીં બાળકો, જે કોઈ દેશનું ભવિષ્ય હોય છે, તેની સાથે મહામારીની ઘટના બને તો તેને બચાવવા સરકાર શું કરે છે? તે દિશામાં આખી ફિલ્મને લઈ જાય છે. અલબત ઝોમ્બીની ભયાનકતા અને બચાવ માટેના હવાતિયાં વચ્ચે આવા સંદેશાઓ દીવાને ફૂંક મારો અને ઓલવાય જાય એમ ઓલવાય જાય છે.
બાર એપિસોડ અને તે પણ એક-એક કલાકના બનાવ્યા પછી સર્જકની નહીં પણ દર્શકની ધીરજની ખરી કસોટી થાય છે. સર્જકના કૌવતથી સાઉથ કોરિયા સિવાયના દેશો અપરિચિત છે. દર્શક આટલી લાંબી સિરીઝ જોવાનું જોખમ લે છે અને પછી જેટલા માથા એટલા વિચારો. તોપણ ઓલ ઓફ અસ આર ડેડ દર્શકની નજરોમાં એક ઊંડી છાપ છોડી જાય છે. પટકથા મહામારીના સંજોગોમાં તમારા જેની સાથે બોલવાના પણ સંબંધ નથી, એની સાથે તમારો વ્યવહાર કેવો છે એ દિશામાં કામ કરે છે. આંતરિક વિખવાદ, કાયરોનાં જોખમ લેવામાંથી ઉદ્દભવતી નીડરતા અને ગાંધીની આંખના બદલામાં આંખ માગશો તો આખી દુનિયા આંધળી થઈ જશેની વાત મુખ્ય પ્રોટોગોનિસ્ટ અને એન્ટોગોનિસ્ટના ચરિત્ર ચિત્રણમાં ગોઠવાયેલી છે.
દિગ્દર્શકે લીધેલા એક એક શોટમાં નાવીન્યતા છે. ડ્રોન શોટનો ભરપૂર ઉપયોગ કર્યો છે. વનટેકમાં ફિલ્માવાયેલું એક દૃશ્ય ચકિત્ત કરી દે છે. માતા અને પિતાનો સંતાનો પ્રત્યેનો અપાર સ્નેહ બે અલગ અલગ પાત્રોમાં દર્શાવ્યો છે. ભલે માતા શારીરિક રીતે સશક્ત ન હોય પણ તે પોતાના પુત્રને બચાવવા માટે જીવ સટોસટનો ખેલ ખેલવા તૈયાર થાય છે અને જીવ સટોસટનો ખેલ ખેલી અંત સુધી પહોંચી ચૂકેલો એક પિતા પુત્રીને બચાવવા જીવનની આહુતિ આપી દે છે.

આ આખી સિરીઝ વિજ્ઞાનના ગાંડપણ પર રચાયેલી છે. માનવ નિર્મિત કોઈ પણ વસ્તુના ફાયદા ઓછા અને ગેરફાયદા વધારે હોય છે. અહીં ખલનાયકની ભૂમિકામાં વિજ્ઞાન છે. વૈજ્ઞાનિક જ્યારે હારી જાય છે ત્યારે ધર્મ પાસે જાય છે અને ધર્મ તો પહેલાથી જ અપંગ છે. ઓલ ઓફ અસ આર ડેડને એક બેઠકે જોઈને સમજી નહીં શકો. એમાં ચારે દિશા અને ચારે ખૂણામાંથી કથાઓનું ખળખળ વહેતું ઝરણું આવે છે. તકલીફ એ છે કે આપણે તમામમાં હાથ બોળવાના છે. કોરા ન રહી જાય એ રીતે.
મહામારીમાં પણ વ્યૂઅર્સ વધારવાનું સોશિયલ મીડિયાનું પાગલપન નજરે ચડશે અને એ સોશિયલ મીડિયા સેવીઓ જ બોલે છે કે, ‘આ મીડિયાવાળા ક્યાં સાચું દેખાડે છે. એ તો ડરપોક છે.’ આ શ્રેણીમાં ઝોમ્બી તો મનોરંજનનું સાધન માત્ર છે. શ્રેણીને જે વસ્તુ એવરેસ્ટ પર ચડાવે છે એ સંવાદો, દૃશ્યનું ધારદાર લેખન, પાત્રોનું સર્જન, આંતરિક ખટપટ, મહામારીનો આપમનસાઈ માટે ઉપયોગ, સ્વજનો ગુમાવવું, હોશિયાર વિદ્યાર્થીનું પણ અણીના સમયે માર ખાઈ જવું, સાહસ, નીડરતા, કાયરતા, ઘેલછા અને કેટલું બધું એક સાથે ચાલે છે.
આ શ્રેણીનું શીર્ષક છે ઓલ ઓફ અસ આર ડેડ અર્થાત્ આપણે બધા મરી ગયા છીએ. શ્રેણી આ ટાઈટલનો પરંપરાગત પ્રતીકવાદ તરીકે ઉપયોગ કરી રહી છે. બધા નથી મરી ગયા, કેટલાક જીવતા છે અને જે જીવતા છે એ પણ જીવતે જીવ મરેલા છે. મિતરો…. આ સાઉથ કોરિયા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
