Team Chabuk-Political Desk: સમયની સૌથી મોટી દુર્ઘટના એ છે કે એ બદલી જાય છે. એ કોઈ એકના પક્ષમાં રહેવા માટે ટેવાયેલો નથી. કોંગ્રેસનું એકચક્રિય શાસન હતું, આજકાલ ભાજપનું એવું જ શાસન ચાલી રહ્યું છે. બીજી પાર્ટીઓ ફક્ત રાજ્યમાં થોડું ઘણું જોર લગાવી શકે છે, પણ થોડા મહિના પસાર થતા ભાજપ સમયનું ચક્ર ફેરવી નાખે છે. 22 વર્ષ સુધી પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહ કોંગ્રેસના થઈને રહ્યા. કેપ્ટને હવે કોંગ્રેસ છોડવાની ઘોષણા કરી બળવાનો રાગ આલાપી દીધો છે. હાલ તો એવી વાતો ચાલી રહી છે કે અમરિન્દર સિંહ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ નહીં થાય પણ પંજાબ પ્રાન્તના નિરાશ નેતાઓના ડબ્બાને પોતાની સાથે જોડી રાજનીતિની છૂકછૂક ગાડીને પાટા પર લાવી દોડાવવાનો પ્રયાસ કરશે.

કેપ્ટનની નોકરશાહી પર પકડ મજબૂત હતી. સરકાર અને સંગઠન કેવી રીતે ચલાવવું તેની તેમને જાણકારી હતી. પણ કેપ્ટનને નરેન્દ્ર મોદીની માફક મનોમન એવું પણ લાગતું હતું કે હું નહીં તો કોણ? તેમની આ થીયરી પર જ પાણી ફેરવવા માટે સિદ્ધુ 68 દિવસ માટે અધ્યક્ષ બન્યા અને રાજનીતિનું ચલક ચલાણું રમી કોંગ્રેસના બેય બગાડ્યા. એક તો એમણે પદ પરથી રાજીનામું આપી દીધું અને બીજું અમરિન્દરની ખુરસી પણ છિનવી લીધી. સિદ્ધુ પંજાબમાં સર્વોપરી બનવા માગતા હતા. તેમને ચશ્મા પણ પોતાની મનપસંદ દુકાનમાંથી જ ખરીદવા હતા, એ દુકાન જ્યાં વેપારી પણ એનો જ હોય, આવું જ બુટ અને સ્યૂટનું પણ!

હાઈકમાન્ડે સિદ્ધુના કેટલાય વચનો પૂર્ણ કર્યા પણ બાદમાં ધારાસભ્યો અને સ્થાનિક મજબૂત નેતાઓને હતાશ કરી કોંગ્રેસ પોતાના જ ઢેકા પર ઢીંકો મરાવવા નહોતી માગતી. અત્યાર સુધી અન્ય રાજ્યોમાં કોંગ્રેસની સ્થિતિ અત્યંત ખરાબ છે. ટેકા ઉપર ચાલી રહી છે. પંજાબમાં તેમની પાસે ચૂંટણીમાં કૃષિ કાયદાનો મજબૂત મુદ્દો છે. કોંગ્રેસ તેના બળે આબોહવાને પોતાના તરફ કરી શકતી હતી પણ હવે એ મુદ્દાની જગ્યાએ આયારામ અને ગયારામની ચર્ચાઓનો શંભુમેળો પંજાબના પાદર પર બરાબરનો જામ્યો છે.

પંજાબમાં રાજિન્દર કૌર ભટ્ટલ બાદ કેપ્ટન અમરિન્દર સિંહે જ્યારે કોંગ્રેસની કમાન સંભાળી હતી તો પાર્ટી શૂન્ય હતી. 1997માં કોંગ્રેસના માત્ર 14 ધારાસભ્યો હતા. ભાજપ અને અકાલી દળની અહીં બલ્લે બલ્લે ચાલતી હતી. કેપ્ટન અમરિન્દર સિંહે પાર્ટીને ઊભી કરવાનું કાર્ય કર્યું. 2002માં તેમને સત્તા મળી. 14 ધારાસભ્યો ધરાવતી કોંગ્રેસ 61 સુધી પહોંચી ગઈ. સૌથી મોટો ઝટકો અહીં ભાજપને લાગ્યો હતો, જેના માત્ર ત્રણ ધારાસભ્યો પસંદ પામ્યા હતા. 2007માં ફરી કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. કેપ્ટનના નેતૃત્વમાં કોંગ્રેસના 44 ધારસભ્યો જીત્યા હતા. કોંગ્રેસની કમાન મોહિન્દર સિંહ કેપીના હાથમાં આવી અને બાદમાં પ્રતાપ બાજવાને પણ, બંને કોંગ્રેસને સત્તાના બારણા સુધી ન લઈ જઈ શક્યા. 2012માં કોંગ્રેસના 46 ધારાસભ્યો વિધાનસભામાં પહોંચ્યા.

હાઈકમાન્ડે ફરી કેપ્ટનને કોંગ્રેસના કેપ્ટન બનાવ્યા અને 2017માં કેપ્ટને ફરી કોંગ્રેસને પોતાના નેતૃત્વ હેઠળ સત્તા અપાવી. 77 ધારાસભ્યોની જીત સાથે વિધાનસભામાં પહોંચ્યા. કેપ્ટને જ્યારે મુખ્યમંત્રી પદ સંભાળ્યું ત્યારે પ્રદેશ પ્રધાન સુનીલ જાખડ બન્યા. બંને વચ્ચે સમતોલન હતું. પ્રતાપ બાજવા, અશ્વની સેખડી, સાંસદ શમશેર સિંહ દૂલો સહિતના કેટલાય નેતાઓ કેપ્ટન વિરોધી રહ્યા પણ સરકારમાં સમતોલન બરકરાર રહ્યું. આ જ નેતાઓ સિદ્ધુ જ્યારે પ્રદેશ પ્રધાન બન્યા ત્યારે નિરાશ દેખાઈ રહ્યા હતા. જાણે કોઈએ ખિસ્સુ કાપી લીધું હોય એવું લાગતું હતું, ચુન્નીનું નવું મંત્રીમંડળ બન્યું અને વરિષ્ઠ નેતાઓને કિનારે કરી દીધા તે જોતા કેપ્ટન મોકાની તાકમાં જ છે.

સુત્રો કહી રહ્યા છે કે કેપ્ટને તમામ નિરાશવદની નેતાઓની સાથે સંપર્ક સાધ્યો છે. એ પોતાનો અલગ પક્ષ બનાવવાના હોવાની વાતો ચર્ચાય રહી છે. કેપ્ટનના નજીકના નેતાઓમાં ગુરપ્રીતસિંહ કાગડા, સુંદર શ્યામ અરોડા, સાધૂસિંહ ધર્મસોત, બલવીરસિંહ સિદ્ધુ સામેલ છે. કેપ્ટન અલગ પાર્ટીની વાતોમાં નાખી ક્યાંક પંજાબ ભાજપમાં સામેલ ન થઈ જાય તેના પર પણ સૌની બાજદૃષ્ટી છે. અમિત શાહ સાથેની તેમની મુલાકાતે અગણિત એન્ગલના બાણો વરસાવ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત