ઝાલાવાડી જલજીરા: વિલનના દેખાવ પછી તેનો ઘેઘૂર અવાજ દર્શકને સૌથી વધુ આકર્ષિત કરે છે. વિલનમાં તેના ગેટઅપ સિવાય તેનો અવાજ ચીરસ્થાયી બનીને રહી જાય છે. અવાજનો એટલો પ્રભાવ હોય કે હીરો કે વિલનનું ચિત્ર તમારી આંખો સામે રાખી દેવામાં આવે તો મનમાં સંગીત અને સંવાદની કેસેટ ચાલવા લાગે. એ પછી સંવાદને પ્રેઝન્ટ કરવાની જેવી જેની કળા. આમાં સૌથી અલગ તરી આવે અજીત. અજીતને તેની નામ બોલવાની ખાસિયતે મશહૂર કરી દીધા હતા. લોયલ, લિલિ ડોન્ટ બી સિલી, મોના ડાર્લિંગ…

અજીતનું સાચું નામ હામિદ અલી ખાન હતું. તેમને નાનપણથી જ અભિનેતા બનવાનો શોખ હતો. અભિનેતા બનવા તેઓ ઘરેથી ભાગી મુંબઈ આવી ગયા હતા. મુંબઈ જવા તેમની પાસે પૈસા નહોતા તો તેમણે પુસ્તકો વેચી મુંબઈની ટિકિટ કપાવી હતી. અહીં આવ્યા પછી તેઓ મુંબઈ નગરીની સાચી સ્થિતિથી પરિચિત થયા. મોટા ઉપાડે આવી તો ગયા પણ રહેવાનું ઠેકાણું કયાં?

મુંબઈમાં અજીત પાસે રહેવા માટે કોઈ ઘર નહોતું એટલે એ સમયે જેમ લોકો સિમેન્ટના પાઈપમાં આંખો મીંચી ઉંઘી જતા અને સપના જોતા તેમ અજીતભાઈ પણ ઉંઘી ગયો. એક ઈન્ટરવ્યૂમાં અજીત આ વાતનો આ રીતે ખુલાસો કરે છે, ‘કોઈ મજબૂત કદ કાઠીનો વ્યક્તિ મારી પાસે પાઈપમાં રહેવાના પૈસા માગવા આવ્યો હતો. મેં તેને લાત ઘુસા મારી ધોઈ નાખ્યો. બીજા દિવસે હું ત્યાંનો નામચીન દબંગ બની ગયો. આ કારણે મને મફતમાં ખાવાનું પણ મળતું હતું અને પાઈપમાં રહેવાના પૈસા પણ નહોતા આપવા પડતા.’

1946માં અજીતના ફિલ્મી કરિયરની શરુઆત થઈ. એ શરુઆત કંઈ શાનદાર નહોતી. ભૂખ લાગી હોય તો વાસી રોટલી પણ ભાવે એમ અજીતને પણ આ નાની શરૂઆત બીજું કંઈ નહીં તો આનંદ આપી ગઈ. શરૂઆતમાં નામ તો હામિદ ખાન જ હતું પણ 1950માં ફિલ્મ બેકસૂરની શૂટિંગ દરમ્યાન નિર્દેશક કે.અમરનાથે તેમને નામ બદલવાની સલાહ આપી. એ સમયે અને 90ના દાયકા સુધી દિગ્દર્શકો બીજું કંઈ ન આપી શકતા તો સંઘર્ષ કરી રહેલા જૂનિયર આર્ટિસ્ટોને કમ સે કસ નામ બદલવાની સલાહ આપી દેતા હતા. અમરનાથની વાત સ્વીકારી હામિદ ખાને પોતાનું નામ અજીત કરી નાખ્યું.

1966માં રાજેન્દ્ર કુમારની ફિલ્મ સૂરજમાં અજીતે ખલનાયકની ભૂમિકાથી શરૂઆત કરી. 1976માં આવેલી ફિલ્મ કાલીચરણ બાદ તેઓ હિન્દી ફિલ્મ ઉદ્યોગ જગતમાં લોયલના નામથી ખ્યાતનામ થઈ ગયા. તેમની આ ભૂમિકા અને સંવાદને સોફ્ટ વેથી પ્રેજન્ટ કરવાની કળાના કારણે તેમના ચાહકો વધી ગયા. અજીતનો અવાજ તો તેનો પોતીકો છે પણ ધ્યાનથી સાંભળીએ તો આરોહ-અવરોહ થોડો થોડો પ્રાણ સાહેબ જેવો લાગશે.

એમના પુત્ર શેહજાદ ખાને પણ તેમના જ બુટમાં પગ ઘુસાડવાની કોશિશ કરી. ચહેરો થોડો ઘણો અજીતની માફક જ મળતો આવતો હતો. ઊંચાઈ વધારે હતી. ચોકલેટી દેખાવ હતો, જે એ વખતમાં અભિનેતા બનવા માટેનો બીજો સર્વોચ્ચ ગુણ માનવામાં આવતો હતો. પ્રથમ ગુણ હિન્દી ઉદ્યોગ જગતના માલદાર શેઠને ત્યાં જન્મ લેવો. તેણે પિતાના પેંગડામાં પગ ઘુસાડવાનો પ્રયાસ કર્યો. અંદાજ અપના અપના તો મોટાભાગના દર્શકોએ જોઈ જ હશે. તેમાં અજીતની નકલ દેખાશે. ઘણી ફિલ્મો અને સિરીયલોમાં તેણે આબેહુબ પિતાની માફક નકલ કરી. જોકે અજીત ખાન જેવું ગાડું ન દોડ્યું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત