ઝાલાવાડી જલજીરા: માંલ્લું એટલે ભૂત કાઢવાની વિધિ, ગોલ્લું એટલે ભૂતપ્રેતથી પીડાતો/પીડાતિ દરદી અને ગાંરાંણીની એટલે ભૂત મોકલનાર વ્યક્તિ. આ શબ્દો તમારા માટે અજાણ્યા હશે, મારા માટે પણ અજાણ્યા હતા. બાબુ સુથારની કૃતિ વળગાડમાં આ પ્રેતશબ્દોનો વૈભવ આવે છે. રામ ગોપાલ વર્માને આ શબ્દોની જાણ હોત તો તે શબ્દોને લઈને પણ પ્રયોગ કરી લેત.
આરજીવીએ રાત નામની ફિલ્મ બનાવી, જે વિવેચકો અને દર્શકોમાં ખૂબ વખણાય. આરજીવીનો બીજો સફળ હોરર પ્રયોગ ભૂતમાં થયો. ફિલ્મનું નિર્માણ કરતા પૂર્વે આરજીવીએ નક્કી કરી લીધું હતું કે, ગમે તેમ કરી સ્ત્રીભૂતને સફેદ સાડીમાંથી સ્વતંત્રતા અપાવવી. બીજું કે ભૂતને મહેલ, ખંઢેર, અવાવરું, જેવી જગ્યાઓમાંથી બહાર કાઢવું. આ બંને વસ્તુ આરજીવીએ કરી બતાવી. તેઓએ આધુનિક શહેર મુંબઈની વચ્ચે આવેલા એક જાજવલ્યમાન ફ્લેટમાં કોઈ સ્ત્રીને ભૂતનો વળગાડ કરાવ્યો.
‘મુંબઈનો વરસાદ ગમે ત્યારે શરૂ થઈ જાય.’ એવું કચવાટ કરતો મકાનનો દલાલ કહે છે અને અજય દેવગનની સાથે કારમાં ગોઠવાય છે. મુંબઈના વરસાદની ભયાનકતાથી સૌ પરિચિત છે. સાંબેલાધાર પડે ત્યારે સોથ બોલાવી નાખે. મુંબઈના એ ભયંકર વરસાદની વચ્ચે આરજીવીએ કાર ઉભી રખાવી અને સામે દેખાડ્યો ફ્લેટ જ્યાં ભૂત થાય. એક સાથે બે ભયાનકતાના દર્શન કરાવ્યા.
આરજીવીએ ગમતી અભિનેત્રી ઉર્મિલાને તો છે એવી જ બતાવી, પણ અજય દેવગનને આધુનિક દેખાડ્યો. ફ્રેન્ચ કટ દાઢી સાથે પહેલી વખત અજયે પોતાના પરંપરાગત લૂકમાં ફેરફાર કર્યો. મધ્યમવર્ગની જનતા એના હાથમાં રહેલા મોબાઈલ ફોનને જોઈ અચંબિત થઈ જાય એ હદે આધુનિક. અજયનું ફિલ્મમાં નામ છે વિશાલ. જે એનું સાચું નામ છે. વિશાલ વીરૂ દેવગન. માધવનની ક્લાસિક હોરર ડ્રામા 13B જોનારાઓને ખ્યાલ હશે કે લીફ્ટ કેવા ભયનું સર્જન કરે. લીફ્ટ થકી ભય આરજીવીએ ભૂતમાં પણ ઉભો કર્યો છે.
આ ફિલ્મમાં ગણિત રહેલું છે. જ્યાં નાયક વિશાલ અને નાયિકા સ્વાતી રહે છે, તે એપાર્ટમેન્ટ નંબર 1201 છે. એક દૃશ્યમાં કેમેરો તેના પર ફુલ ફોક્સ કરી થોડી વાર માટે ચમકતી પ્લેટ પર સ્થિર થઈ જાય છે. એ કારણ વિનાનું દૃશ્ય નથી. 12+1=13. 13 અપશુકનિયાળ આંકડો ગણવામાં આવે છે. આરજીવીની ફિલ્મમાં અભિનેતાઓની વણઝાર નથી. મુંબઈ છે પણ લોકેશનોનો ઠઠારો નથી. થીએટર અને મુંબઈની ચોપાટી સિવાય બહારની એક પણ જગ્યા દેખાડી નથી.
ધ્યાનથી જોશો તો આરજીવી બે અથવા તો ત્રણ લોકો સાથે જ સીનથી કામ પાર પાડે છે. એક કલાક અને સત્તરમી મિનિટે પ્રથમ એવો સીન આવે છે જ્યારે એક સંવાદની સાથે ચાર લોકો જોડાયેલા છે. નહીં તો બે અથવા તો ત્રણ લોકો જ દૃશ્ય ભજવણી પૂર્ણ કરે છે.

ફિલ્મની શરૂઆતમાં અજય દેવગન અને બ્રોકર. એ બંને જે મકાન માલિકના ઘરમાં જાય છે, તો થયા કુલ ત્રણ. ઉર્મિલા, અજય અને ચોકીદાર. જ્યારે અજય ન હોય ત્યારે ઘરમાં ભૂત અને કામવાળી બાઈ સીમા બિશ્વાસ. કામવાળી બાઈ ચાલી જાય તો બે ભૂત અને ઉર્મિલા. અજય દેવગન, મકાન માલિક અને નાના પાટેકર. અજય દેવગન, ડોક્ટર અને નાના પાટેકર. અજય, કામવાળી બાઈ અને રેખા…. ક્લાઈમેક્સ નહીં આવે ત્યાં સુધી કલાકારોની ત્રિવેણીનું ઝરણું આમ જ વહ્યા કરશે.


આરજીવીનું હોરર ગણિત ભૂતના ટોળાઓ ઉભા કરે છે. તેમની અંતિમ ફિલ્મ 12 ઓક્લોકમાં પાણીની અંદરથી નીકળતા અસંખ્ય હાથ અને બસમાં બેસેલા લોકો એક સાથે ઊભા થઈ, જેને વળગાડ લાગ્યો છે, તે યુવતીને ડરાવે છે. ભૂતમાં પણ આરજીવીએ એ જ કસબ વાપરી છે. સ્પાઈડર મેન ફિલ્મ જોવા ગયેલા દંપત્તિમાં ઉર્મિલાની સામે આખું થીએટર આંખો ફાડી ફાડી જોવા લાગે છે. થીએટરનું આ દૃશ્ય પણ 1992ની આરજીવીની પ્રથમ હોરર ફિલ્મ રાતના એક દૃશ્ય પરથી જ પ્રેરિત હતું.

જેમણે આરજીવીની પ્રથમ હોરર ફિલ્મ રાત જોઈ હશે તેમને ખ્યાલ જ હશે કે શરૂઆતના દૃશ્યમાં અભિનેત્રી ઉજ્જડ ગામમાં અહીંથી ત્યાં દોડતી હોય છે. કેમેરો તેની પાછળ એવી રીતે ભાગે છે કે આપણને મહેસૂસ થાય છે કે તેની પાછળ ભૂત પડ્યું છે. આરજીવી ભૂતના ક્લાઈમેક્સમાં ફરી એક વખત, એ જ વસ્તુ, ભિન્ન રીતે કરી બતાવે છે. તેઓ તમામ કલાકારને બ્લર કરી નાખે છે અને કેમેરો (ભૂત) ધીમે ધીમે પાછળ હટતું દેખાડે છે.

આરજીવીની ભૂતે હિન્દી સિનેમામાં વર્ષોથી ચાલ્યા આવતા કેટલાય નિયમોને પગ તળે કચડી નાખ્યા હતા. ફિલ્મમાં એક પણ ગીત નથી. એક કલાક અને સુડતાડીસ મિનિટની ફિલ્મ છે. કોઈ પણ પ્રોડ્યુસર્સ 2000ની સાલના હીટ ગીતોના જમાનામાં અને કેટલાક તો ગીતો જોવા જ થીએટરમાં જતાં હોય ત્યારે આ પ્રયોગનો અસ્વીકાર કરી લે. તોપણ લગ્ન હોય તો મહેંદી મૂકાવવી ફરજિયાત છે એમ, ફિલ્મનો અલગથી સાઉન્ડટ્રેક લોન્ચ કરવામાં આવ્યો હતો, બિચારો ફિલ્મની તુલનાએ એ ચાલ્યો નહીં. તેની સામે ગીતો વગરની ફિલ્મ હીટ ગઈ.

હોરર હોય તો ભયાનક બેકગ્રાઊન્ડ હોવું જોઈએ. આજની હોરર ફિલ્મોની સાપેક્ષે બેકગ્રાઊન્ડ ખૂબ ઓછું છે પણ જબરદસ્ત છે. ઓડિયન્સને ડરાવવા માટે એપાર્ટમેન્ટની ડોરબેલ, ખુરશી, પગથિયાં, ઢીંગલી, ચોકીદારની લાકડી, તપેલીના અવાજનો યથાયોગ્ય જગ્યાએ ઉપયોગ કર્યો છે. ખાસ વિશાલ બનતા અજય દેવગનના અવાજનો.

અજય પહેલા અભિષેક આ ફિલ્મની પસંદગી હતો. તે એલઓસી કારગિલ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી આરજીવીની ફિલ્મ ન કરી શક્યો. એલઓસીમાં જ અજય પણ છે. રામ ગોપાલે આ ફિલ્મની વાર્તા મનોજ બાજપાઈને સંભળાવી હતી પણ પછી ફિલ્મ અજયની સાથે જ બનાવવી પડી.

મનોવૈજ્ઞાનિક ડોક્ટર વિક્ટર બેનર્જી બને છે. ભૂત ફિલ્મના બાવીસ વર્ષ પહેલા રેખા, વિક્ટર બેનર્જી અને ઉર્મિલાએ કલિયુગ ફિલ્મમાં એક સાથે કામ કર્યું હતું. ઉર્મિલા ત્યારે બાળ કલાકારના કિરદારમાં હતી. ફિલ્મમાં વિક્ટર બેનર્જીની એન્ટ્રી પણ અણધારી જ થઈ હતી. રામ ગોપાલ વર્મા અને તેમનો સહાયક હોટલમાં વિક્ટર બેનર્જીને મળી ગયા. જ્યાં રામ ગોપાલે વિક્ટરને કહ્યું કે, હું તમારો કલિયુગ ફિલ્મ સમયથી ફેન છું. કલિયુગના એક એક સીનની વાત રામ ગોપાલે વિક્ટર આગળ ઉઘાડી. વિક્ટર તો લગભગ સીન ભૂલી ચૂક્યા હતા. એ પછી રામ ગોપાલે વિક્ટરને ભૂત માટે સાઈન કરી લીધા. વિક્ટર બેનર્જી 20 વર્ષ બાદ અભિનય ક્ષેત્રે પાછા ફર્યાં. ભૂત પહેલા તેમણે દૂસરી દુલ્હનમાં કામ કર્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત