અશોક સરિયા : સમાજ વ્યવસ્થાના અભિન્ન અંગ તરીકે આપણે કેટલાય લોકોના સંપર્કમાં આવીએ છીએ. એમાંના કેટલાક સાથે આપણને મનમેળ પડે છે તો કેટલાકથી તિરસ્કાર પણ ઉપજે છે. આપણને જેની સાથે હળવા-મળવાથી આનંદ થાય એવા લોકો સાથે આપણે ઘરોબો કેળવીએ છીએ અને જેની સાથે બરાબર જામે નહીં તેનાથી દૂર રહેવાનો પ્રયાસ કરતા હોઇએ છીએ. છતાં પણ સમાજના દરેક અંગ સાથે આપણો કાયમી નાતો સતત અને સતત જળવાઇ જ રહેતો હોય છે.
માણસ તરીકે આપણા સમગ્ર જીવનકાળ દરમિયાન આપણે અનેક લોકોના સંપર્કમાં રહીએ છીએ. અને એક બીજા સાથે સારા સંબંધો જાળવતા હોઇએ છીએ. સારા સંબંધો… કેમ કે ખરાબ હોય એવા સંબંધોને આપણે સ્વીકારતા નથી.
સંબંધો બે પ્રકારના આપણે બનાવીએ છીએ. એક તો જે આપણા જન્મની સાથે જ આપણી સાથે જોડાય જાય છે એવા સંબંધો અને બીજા એવા કે જેને આપણે આપણી અનુકૂળતાના આધારે બાંધતા હોઇએ છીએ. આ દરેક પ્રકારના સંબંધોમાં ક્યારેક ને ક્યારેક તો ઉતાર-ચડાવ આવતા રહે છે. ક્યારેક એ સંબંધો જાળવવા માટે આપણે અનુસંધાન સાધી લઇએ છીએ તો કેટલાક સંબંધોને ત્યાં જ અટકાવી હંમેશને માટે તેમાંથી છૂટકારો મેળવી લેવાનો પ્રયાસ પણ કરીએ છીએ.
આ સંબંધો આપણને ક્યારેક ખૂબ સારા લાગે તો કેટલાક સંબંધોથી આપણને અરુચી પણ આવતી હોય. ઘણા સંબંધો આનંદ આપનારા તો ઘણા દુઃખદાયી પણ હોય છે. છતાં પણ સંબંધો એ આખરે તો સંબંધો જ હોય છે.
આપણી સાથે સંકળાયેલા અનેક લોકો સાથે આપણા સંબંધોની એક સાંકળ રચાય છે. આ સાંકળ એક બીજાને એકબીજા સાથે જોડી રાખે છે. સંબંધોની સાંકળનું આ જોડાણ સમાજનું નિર્માણ કરે છે અને ત્યાર પછી સામાજિક વ્યવસ્થાઓ ઊભી થાય છે. આ વ્યવસ્થાઓ આપણા સૌની અનુકૂળતા માટે આપણે જ ઊભી કરીએ છીએ અને એના થકી સંબંધોની સાંકળની મજબૂતાઇ જળવાઇ રહે છે.
વર્તમાન સમયની સ્વતંત્ર અને પશ્ચિમી વિસારસરણી અને કાર્યપ્રણાલિકાએ લોકોને એકલા રહેવા પ્રેર્યા છે. આવા સંજોગોમાં કેટલીક વખત લોકોને સંબંધો બોજ જેવા લાગે છે. સંબંધોની સાંકળ બંધનરૂપ લાગે છે. વિવિધ પ્રકારના અલગ અલગ સંબંધોમાં અટવાવા કરતા આપણે એકલા ભલા એવી વિચારસરણીનો વ્યાપ વધતો જાય છે. ત્યારે આપણી આર્યસંસ્કૃતિની સંયુક્ત કુટુંબની કેટલીક ખાસીયતો તરફ ધ્યાન દોરવાની જરૂરીયાત દેખાઇ રહી છે.
આ સંબંધો એક-મેકનો સહારો બની રહે છે. સંબંધીઓનો સહકાર દરેકને ચિંતામુક્ત રાખવાનું ખુબ જ મોટું કામ કરે છે. હાલની સ્થિતિમાં લોકોમાં તણાવની સ્થિતિ પેદા થાય છે એ સંબંધોમાં સુસંગતતા જાળવી રાખવાથી મહદઅંશે ઓછી રહે છે. સંબંધોમાં સુદ્રઢતા કેળવાયેલી હોય તો માણસનું આખુ જીવન આનંદથી ક્યારે વિતી જાય એનો પણ એને ખ્યાલ રહેતો નથી.
ચિંતાતુર કરી મુકતી સમસ્યાઓનું સમાધાન પણ સંબંધીઓમાંથી જ મળી રહે છે. એકબીજાની જરૂરીયાતોમાં એકબીજાને ઉપયોગી બની રહે છે. સમસ્યાઓને પણ ચકમો આપવાની ક્ષમતા સંબંધોમાં રહેલી છે. એક રીતે કહીએ તો સંબંધોની સાંકળ આકરી સમસ્યાઓ સામે રક્ષણ માટે આપણો પહેરો પણ કરે છે. સમસ્યા આવે જ નહીં એ માટે આડી રહે છે અને છતાં પણ જો આવી જાય, તો તેને જકડીને દૂર કરવામાં પણ સહાયક બને છે. આ વાત જેણે સંબંધોના લીધે કોઇ સમસ્યામાંથી મુક્તિ મેળવી હોય એ સુપેરે સમજી શકશે.
સંબંધોની સાંકળને આપણે આપણા દ્રષ્ટિકોણથી મુલવતા હોઇએ છીએ. એટલે એ ક્યારેક આપણને બંધન કરતી જંઝીર લાગે છે. પરંતુ હકીકતે તો એ સાંકળ આપણી સુરક્ષા કરતી રેલીંગ જેવી છે. જે આપણને પડતા રોકે છે અને પડી ગયા હોઇએ તો સહારો આપે છે. સમસ્યાઓથી સતર્ક કરે છે અને બચાવે પણ છે. પણ હા એ માટે આપણે આ સંબંધોની સાંકળને ક્યારેય કાટ ન લાગે એ માટે તેનું જતન કરતા રહેવું પડે છે.
સંબંધો જાળવવા કંઇ કેટલાય સમાધાનો સાધવા પડે છે અને સમજણશક્તિ પણ કેળવવી પડે છે. છતાં પણ એ વાત ચોક્કસ છે કે સંબંધોની સાંકળને આપેલું ઉંજણ આપણી ગતિને સુગમ બનાવવામાં ખૂબ મોટું યોગદાન આપે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત