Team Chabuk-Literature Desk: અનિલ જોશીની ઓળખ કવિ અને ગીતકાર તરીકેની છે. આ બેમાં તેઓ શૂરા છે. વર્ષો સુધી તેમણે કવિ અને ગીતકાર તરીકે એટલું અને એવું સારું કામ કર્યું છે કે તેઓ નિબંધકાર પણ છે તેની ઓળખ ઠીક ઠીક વિસરાય ગયેલી. નવજીવન પ્રકાશન તેમના સ્ટેચ્યૂ નિબંધસંગ્રહને ફરી સપાટી પર લાવ્યું અને એક ગમતું પણ ખોવાયેલું પુસ્તક ફરી મળ્યાનો હરખ થયો. કોઈ સાહિત્યમાં હમણાં હમણાં પાપા પગલી કરનારો અને અનિલ જોશી તો માત્ર કવિ જ છે તેવી વાતો કરતાં હોય તો એ એમના સ્ટેચ્યૂ નિબંધસંગ્રહથી પરિચિત નહીં જ હોય. ડિજીટલ માધ્યમોનાં જમાનામાં હવે તો સ્ટેચ્યૂની વાતો થવા લાગી છે.
કોઈ પણ લેખકનાં વ્યક્તિગત નિબંધસંગ્રહની ગમતી વસ્તુ હોય તો એનું બાળપણનું નિવાસસ્થાન, એ નિવાસસ્થાનની આજુબાજુ વસતા અને લેખકના જીવન પર પ્રભાવ પાડનારા પાત્રો, ખાસ જો હોય તો તેના ગામની નદી. ઘરની આજુબાજુની ઘટનાઓ-‘ઘર પછવાડેની ઘટનાઓ’ આવો જનક ત્રિવેદીનો મારો અસબાબમાં નિબંધ પણ છે. જનક ત્રિવેદી તો એ નિબંધમાં ચિત્રો દોરી પોતાના જસદણ ગામ કોઠીની નયનરમ્ય સૃષ્ટીમાં આટો મારવા પણ લઈ ગયેલા. વ્યક્તિગત નિબંધમાં લેખક પોતાના વીતી ગયેલા ભૂતકાળમાં ડોકિયું કરે છે. એક ખંખોળિયું ખાય છે. વારે વારે હિજરાયા કરતાં જીવને એ નિબંધમાં બાંધી દે છે.
સુરેશ જોષીએ જનાન્તિકેમાં પોતાના ગામનું નામ ન કહીને, ‘મારું બાળપણ જે ગામમાં વીત્યું તેનું નામ હું તમને નહીં કહું. મોંઘો ખજાનો કોઈને ખબર ન પડે તેમ દાટીને સંતાડી રાખવો પડે.’ જેવી વાત ઉચ્ચારી હતી અને છતાં કેટલીય વાતો આપણે એમાંથી જાણી લીધી હતી. સર્જકની અંદર પણ શૈશવની વાતો જ્વાળામુખીનાં લાવારસની જેમ ખદબદતી હોય છે. એ એને પાનાનાં ખીંટે બાંધે છે. એને એવી જરાય ઈચ્છા નથી હોતી કે આનું પ્રકાશન થાય અને આખું ગામ એ હિંચકા ઉપર હિલોડા લે. પણ પોતે ક્ષેત્ર જ એવું પસંદ કર્યું છે કે જેમાં… હવે નથી રહેવાતું… હવે નથી રહેવાતું. આખરે પેલો જ્વાળામુખી ફાટે છે. ઈન્ડોનેશિયા કે જાપાનમાં ફાટે તો તારાજી જ સર્જવાનો છે, પણ અહીં સર્જકના ભૂતકાળનો જ્વાળામુખી ફાટે તો તે આનંદનો અતિરેક આપવાનો છે.
સ્ટેચ્યૂ નિબંધસંગ્રહ એક સ્થળ છે. આપણું વાંચન એ ગામડે ઉપડતી બસ છે. એ ગામમાં જતાં કેટલાય પાત્રો સાથે આપણે ઘર જેવો ઘરોબો કેળવવાનો છે. જેવો સર્જકે પોતે કેળવ્યો હતો. લેખકની બા, ઝીણો, જીવો ભરવાડ, મગન ઠાઠી, જીવાબાપા, ગોરધનભાઈ, મેરુ, ઝીણીમા અને એક જગ્યાએ તો મનોજ ખંડેરિયા પણ આવે છે. આ નિબંધસંગ્રહમાં નિર્જીવ વસ્તુ પણ પાત્ર બનીને ઊભરે છે. બોલપેન પર લખાયેલો નિબંધ હોય કે લેખકની માતા ફોતરાં નિબંધમાં જે ફોતરાં ઉડાવતી હોય ત્યારે લેખકે શબ્દબદ્ધ કરેલ અભિવ્યક્તિ હોય. આ બધું અહીં અહર્નિષ આકર્ષ્યા કરે છે.
નિબંધકારની આદત નથી જવાની, એ પોતાના સર્જનમાં લાગણીઓ સાથે રમત માંડે છે. લેખક અહીં ત્રણ વખત આપણી સાથે રમ્યાં છે. તેણે ઝીણાનું સ્ટેચ્યૂ રમવાની મજા નિબંધમાં મોતનું જે દૃશ્ય આપણી સમક્ષ ખડું કર્યું એ કમકમાટી છોડાવી જાય છે. કાબરીનું મરણ પણ એવું જ છે. માણસના ચરિત્ર નિબંધો તો થાય છે, થતાં રહેશે, પણ જાનવરના ચરિત્ર નિબંધો, એ પણ આટલો સબળો નિબંધ. કહી શકાય કે સમગ્ર નિબંધસંગ્રહમાં ‘મોત’ એ કેન્દ્રસ્થાને છે. ખૂદ લેખક અહીં મૃત્યુ વિષેનો પોતાનો ભય વસંતઋતુ નિબંધમાં છત્તો કરે છે, ‘‘મને સ્મશાનમાં જતાં બહુ બીક લાગતી એટલે ડાઘુઓ પાસેથી સ્મશાનની વાતો સાંભળવામાં રસ પડતો.’’
આ નિબંધસંગ્રહના પ્રથમ બે નિબંધો જ આપણી છાતીમાં બારસાખ ખોડવા માટે પર્યાપ્ત છે. બંને નિબંધમાં મૃત્યુ છે. અંતે તો કોઈનું મોત જ આપણે માનવ છીએ તેનો પૂરાવો આપતું હોય છે. આપણે કેટલા ગળગળા થઈ જઈએ છીએ. આંખો ભીની થઈ જાય છે. પુરુષ વાચક હોય તો એ મૂંગા મોઢે આઘાતને સહી લે છે અને પોતાની અંદર લેખકના શબ્દોને સાચવીને રાખે છે. સ્ત્રી હોય તો એ રડી લે છે. એની આંખોના ખૂણાં થોડા તો થોડા ભીના થઈ જાય છે. આરંભના બંને નિબંધો આપણા પર આવી ગાઢ અસર છોડે છે. એક વખત તે આશ્લેષમાં જકડી લે છે તો તમે છૂટી નથી શકતાં. સ્ટેચ્યૂ રમવાની મજા નિબંધમાંથી ઝીણાનો દાખલો આપતા તો હુંય છૂટી નથી શકતો.
‘‘મારા ભેરુઓમાં ઝીણો કરીને એક ભરવાડનો છોકરો હતો. એના લૂગડામાંથી ગાય, ભેંસ અને બકરાની વાસ આવતી. એના નાકમાંથી દ્રવ્ય સતત ટપકતું જ હોય. એ ગેટવાળી શેરીમાં રહેતો. ઊછળકૂદમાં એને કોઈ પહોંચી શકતું નહીં. એ છાપરા ઉપર કે ઝાડ ઉપર વાંદરાની જેમ સડસડાટ ચડી જતો. એ ઝીણો ‘સ્ટૅચ્યૂ’ કહેવામાં ભારે ઉસ્તાદ હતો. એ એટલો બધો ચપળ હતો કે અમને સ્ટૅચ્યૂ કહેવાનો મોકો જ મળતો નહીં. અમે બધા મનમાં ને મનમાં સમસમી રહેતા, પણ ઝીણાની ચપળતાનો કોઈ જવાબ નહોતો. ઝીણાને સ્ટૅચ્યૂ કહીને થિજાવી દેવાના અમે અનેક પ્લાન કર્યા પણ અમારી કારી ક્યાંય ફાવી નહીં.
એક દિવસ અમે ફળિયામાં નારગોલ રમતા હતા ત્યાં શેરીમાં મોટો હોહો-ગોકીરો થઈ ગયો. ડેલીઓ ફટોફટ ઊઘડી ગઈ. અમે નારગોલનાં ઢીકરાં એમ ને એમ મૂકીને ડેલી ઠેકતાંક ચોકમાં આવ્યા. ચૉકમાં આવીને જોયું તો ઝીણો વીજળીના થાંભલા સાથે ચોંટીને સ્ટૅચ્યૂ થઈ ગયો હતો. અમારો જીવ તાળવે ચડી ગયો. શેરીમાં ભેગા થયેલા લોકો ઊચક જીવે આ કંપારી છૂટે એવું દૃશ્ય જોઈ રહ્યા. વીજળીનો પ્રવાહ અટકાવીને થાંભલા ઉપરથી ઝીણાનું શબ નીચે ઉતાર્યું ત્યારે આખી શેરી રોવા જેવી થઈ ગઈ. અમારા બધા ભેરુઓની આંખ સામે ઝીણો સ્ટૅચ્યૂ થઈ ગયો. એ પ્રસંગ હજી આંખ સામેથી ખસતો નથી, પણ હવે ઝીણાને કોણ કહે કે અમે તને સ્ટૅચ્યૂ કહ્યું નથી ને તું સ્ટૅચ્યૂ શું કામ થઈ ગયો? તને કોણે સ્ટૅચ્યૂ કહ્યું? આ સવાલનો મને કોઈ જવાબ આપતું નથી.’’
લેખક પ્રસ્તાવનામાં એ વાત કહે છે કે, આપણે ત્યાં નિબંધનો ખૂબ મહિમા ગવાયો છે પણ જોઈએ એવું તાજગીભર્યું વિવેચન થયું નથી. લેખક સાચા એટલા માટે છે કારણ કે નિબંધને વિવેચનનાં ભાગરૂપે આપણે કોઈ દિવસ ગણ્યો નથી. વાર્તા, નવલકથા, કવિતા, નાટક, ચિત્રપટનું વિવેચન વાંચ્યું હશે, સાંભળ્યું હશે, પણ નિબંધનું વિવેચન થાય તેવું તો ભાગ્યે જ ધ્યાનમાં આવે છે. નિબંધો આમ પણ વિવેચનની તલવારથી બચી ગયા છે. બચી જવાનું કારણ કે નિબંધ એ માણવાની અને અનુભૂતિ કરવાની વસ્તુ બની ગઈ છે. નિબંધની અંદર કોઈ એક એવું તત્વ છે જેના ભાવમાં ભાવક (વિવેચક) તરી જાય છે અને પછી તેનું ધ્યાન દઈ વાંચવાનું અને મુદ્દા અલગ તારવવાનું વિસરાય જાય છે.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત