Homeસાહિત્યઅનરાધાર-એક –નિબંધ -મયૂર ખાવડુ

અનરાધાર-એક –નિબંધ -મયૂર ખાવડુ

મયૂર ખાવડુ: અમદાવાદ ચારેકોરથી અંધારાની ઝપટમાં આવી ગયું છે. હવે એ છૂટવાનું નથી. ધીમે ધીમે ઉકળાટથી મુક્તિ મળી રહી છે. બે ચાર છાંટા પડ્યા પછી ઉકળાટ ફરી વધી જાય છે. અસહ્ય ઉકળાટથી રહેવાતું નથી. કેવું કહેવાય, ચોમાસાનું ક્ષણિક વાર માટે આવી ચાલ્યા જવું એ દેહ માટે ઝેર જેવું કામ કરે છે. કવિ માટે આ આળસનો ત્યાગ કરવાની ઋતુ છે. હવે તો આ ઋતુમાં કવિતાનો મજાક ઉડાવવા મકડાઓય જમીનમાંથી ધોધમાર નીકળી પડે છે. એ થોડી પ્રસિદ્ધિ મેળવવા માટે એક પોસ્ટ કરે છે અને કવિની મજાક ઉડાવે છે. એનાં લખાણનું આયુષ્ય કાળજયી નથી હોતું. એ પેલા ચોમાસામાં બહિર્ભવ પામતાં મકોડા જેવું જ તુચ્છ લખાણ હોય છે.

અમદાવાદનો વરસાદ એ ઓડકારનો વરસાદ છે. એક ગંદો ઓડકાર. આ ભૂમિએ કેટ કેટલું ભોગવ્યું અને ભર્યું. એના પેટાળમાં શું શું નથી ભર્યું? વાહનોમાંથી નીકળતા ધૂમાડા, એરકન્ડિશનરની ઉષ્ણ હવા, મીલના ડાચા ખોલીને ધૂમાડા કાઢતા ઊભેલા ભૂંગળાઓ, નદીમાં વહેતો કચરો, પાનની પીચકારીઓ, ડમ્પિંગ સાઈટ. આમાંથી મોટાભાગનું તો આકાશમાં અદ્ધર જાય છે. અદ્ધરથી જ વરસાદ નીચે આવે છે અને શું વરસાદ પણ એવો દૂષિત પડતો હશે? એની ખબર તો જાનકીને જ હશે. આઠ આઠ મહિના સુધી અમદાવાદની ધરતી આ બધો અત્યાચાર નિષ્પાપ ભોગવે છે અને પછી આવે જ મેઘરાજા.

વેજલપુરના નાના એવા મકાનમાં અમે પાંચ મિત્રો ભાડે રહેતા ત્યારે વરસાદ આવ્યાની ખબર અમને સૌની પહેલા આવી જતી હતી. અમે ભાડે મકાન લીધું હતું ત્યારે નહોતી ખબર કે ઉપરથી પાણી માટલાની જેમ ઝરશે. અમારી ઘસઘસાટ ઊંઘમાં એ પાણી પ્રભાતનો કૂકડો બનશે. ચિંતન, સુજય, ધવલ અને સંજય એક સાથે સીધા ઉંઘતા હોય અને હું એમના પગની પાસે આળોટતો હોઉં. બારણાની કોરમાંથી આવતી ઠંડી ઠંડી હવા પર્વત ઉપર ચડ્યાની અનુભૂતિ કરાવતી. એકબીજાનાં પગ અથડાય એટલું દુ:ખ તો નહોતું જ. રાતના બે વાગ્યે મેઘરાજાનો મોર્નિંગ એલાર્મ વાગે. અમે આખા દિવસનો થાક લઈ પડ્યા હોઈએ અને ત્યાં મારા માથા ઉપર એક ટીપું પડે. હું કોઈ પારકાનાં સ્વપ્નમાંથી સીધો બેઠો થાઉં. એ પાણીનું ટીપું મારા સ્વપ્નને પણ વીસરાવી દે. એક ટીપાંની અસીમ શક્તિ. હું ગોદડું લઈ હડફ કરતોક ઊભો થઈ જાઉં.

હું ઊભો થયો હોઉં એટલે ક્ષણેકવારમાં કોઈ બીજો પણ ઊભો થાય. એના માથા પર પણ હળવો હળવો જળસ્ત્રાવ થવા લાગે. અમે બંને પછી રસોડામાં ઊંઘીએ. હું મારા ચોપડાની આડે પથારી કરું. પુસ્તકો પણ આખો દિવસ મારા હાથની થપાટ ખાઈ ખાઈ થાકીને ઉંધા-ચત્તા પડ્યા હોય. જોરથી વાછટ આવી જાય તો એના પાનાંની પણ ઊંઘ ઊડી જાય. એની ઉંઘ ઉડે એટલે મારી ઉંઘ પણ ઉડાવી દે.

જુહાપુરા અમારી પાછળનો જ વિસ્તાર. નવા નવા આવેલા ત્યારે ન્યાં ધીંગાણું ફાટી નીકળેલું. જોકે એ તો અહીં માટે નજીવો બનાવ કહેવાય. મનેય એ વિસ્તાર જોવાની ચાનક ચડેલી. ઉનાળાનાં એ છેલ્લાછેલ્લીનાં દિવસો હતા. બપોર પછી હું, ચિંતન અને સંજય ત્યાં પહોંચી ગયા. ખોટનો ધંધો થયો. કાંઈ જોયું તો નહીં પણ મેઘરાજાને જોયા. અમદાવાદના મેઘરાજાને!

અમે પહોંચ્યા કે ઝરમર છાંટા વરસવા લાગ્યાં. મસ્જિદના બગીચામાં આવેલ ઝાડની ઓથે અમે ત્રણે જાણે એ ઝાડના મૂળમાંથી ફૂટી નીકળેલી કારણ વિનાના ફુલ-છોડ હોઈએ એમ ઊભા રહી ગયા. ખિસ્સામાં મોબાઈલ, એનીય પલળવાની ચિંતા સતાવતી હતી. ઝરમર છાંટા હમણાં જાય… હમણાં જાય…. હમણાં જાય…. એની જગ્યાએ આણે તો વિસ્મયકારક સ્વરૂપ ધારણ કર્યું. અમે તો અમદાવાદ આવ્યા પછી કેટલાકના મુખડે સાંભળેલું કે, ‘અહીં વધારે વરસાદ ચ્યાં પડે છે?’ બીજી કોઈ બાબતે ખોટું બોલે કે ન બોલે પણ અમદાવાદી વરસાદની બાબતે તો ખોટું બોલે જ છે. એ ખોટું બોલનારો પાછો મૂળ અમદાવાદી નથી હોતો. એ તમારી જાણ ખાતર હું કહી દઉં.

ઝાડની નીચે ઊભા રહો એટલે વરસાદ આવતો હોય એનાં કરતાય વધારે લાગે. ઝાડનાં પાંદડામાંથી સરકીને આવતા ટીપાંના નિર્દોષ ઘા પણ આપણે સહન કરવાના. કોઈ વખત તો ટીપું ભાલાની જેમ આવે અને સટ કરતું લાગે. મોમાંથી બોલાય જાય, ‘વરસાદ હારે ક્યાંય બરફ તો નથી પડતો ને?’ આપણે બોલીએ અને એ ધ્વનિનો પ્રવેશ કોઈ બીજાની કર્ણેન્દ્રિયમાં સ્પર્શે ત્યારે એ આપણી વાતમાં રહેલા તથ્યને તપાસવાની દિશામાં ચક્ષુઓને કરામત કરાવશે. આ જ તો છે નિતાંત સત્ય શોધવાની પ્રવૃતિ. સંશય વિનાનું જીવતર નકામું છે.

ઘાયલ કરતો વરસાદ કોને સારો લાગે? સીતા માતા શ્રીરામના વિરહમાં ગળતા જતાં હતાં અને અમે વરસાદના ગમનની પ્રતિક્ષા કરી રહ્યાં હતાં. ભારે થઈ. જાવાનું નામ ન લે. મગજમાં ચાલતી વિચારોની અતિવૃષ્ટી વચ્ચે અમારા ચિંતનભાઈ રોક્યા ન રોકાય, ‘હાલો રીક્ષા કરીએ.’ એ તો દોડ્યો અને એની સાથે હું અને સંજય પણ પાણીમાં છબ છબ કરતાં ભાગ્યાં. ઝાડની ઓથેથી દૂર થયા તો વરસાદનું રૌદ્રસ્વરૂપ દેખાયું. ફરી પેલા મુરબ્બીનું સ્મરણ થઈ ગયું, ‘અહીં વધારે વરસાદ ચ્યાં પડે છે?’

એક રીક્ષા તો ઘરેરાટી કરતી અમારી જ રાહ જોતી હતી. એની ઉપર પાણી ગિરનારના જટાશંકરમાં વહેતા ઝરણાની જેમ અવિરત વહેતું હતું. કાચમાં જ્યાં ને ત્યાં પડેલું પાણી કોઈ વૃદ્ધને વધારે નમ્બરના ચશ્મા હોય અને એ કાઢી નાખે ત્યારે એને કેવું દેખાય? બસ, એવું જ એ દૃશ્ય હતું. અમારી આંખમાં મેઘ માટેનો ગુસ્સો દુર્વાસાની જેમ ફૂટી નીકળતો હતો અને ઘરે જવા માટેની વ્યાકુળતા પેલો ઓટોવાળો ભાસી ગયો. એ તો ધંધાની સાથે મગજનો પણ કિમીયાગર છે. હું મોજીલો કિમીયાગર! રીક્ષા મારંમાર ચલાવતો અમારી પાસે આવ્યો અને ચિંતને બધું ઠેકાણે પાડી દીધું.

અમદાવાદના વરસાદનું અનરાધાર રૂપ અમે ત્યાં જોયું. એ રોકાતો નહોતો. અમારી રીક્ષાની જેમ એને નીકળવા માટે કોઈએ જગ્યા નહોતી આપી. સંધાયે પચાવી પાડી હતી. જમીનમાં ઠેકઠેકાણે બંધાયેલા ઘરોની અંદર ઘુસી ગયેલો મેઘો લોકોને એનાં જ ઘરમાંથી બહાર કાઢી પોતાની જગ્યા માટેનો હક જમાવતો હતો. મેઘરાજને લોકો બહાર તગેડતાં હતાં અને એ કોઈ સાપની માફક માણસને ચકમો આપી પાછો અંદર ઘુસી જતો હતો. કુદરત તમારા ઘરમાં તમારી પૃચ્છા કરીને નથી ઘુસતી. એ ટકોરા નથી મારતી.

વાદળે પડખું ફર્યું અને ટાંટીયા ધ્રૂજાવી દે તેવી વીજળી થઈ. એનું પડખું ફરતાં જ તેણે કોઈ ખૂણે દાબીને રાખેલો વરસાદ વધારે વેગથી પડવા લાગ્યો. રીક્ષા ફસાઈ ગઈ. હું ઉતર્યો અને રીક્ષાને ધક્કો મારવા લાગ્યો. મારાથી કાંઈ ન થતાં સંજયે ઉતરીને પણ બે હાથ લગાવ્યા. રીક્ષા થોડી હલી….. હવે થોડી….. હવે થોડી…. અને એ નીકળી ગઈ. નીકળી ગયાનો હર્ષોલ્લાસ અમારા અવાજમાં રણકતો હતો. ઉગ્ર થયેલું એક વાદળું બીજા વાદળા સાથે અથડાયું અને અમારી ઉપર અનરાધાર વર્ષા થઈ. કુદરત સામે અત્યાધિક આનન્દ પણ પ્રગટ ન કરવો! અમદાવાદના અનરાધારની સામે તો બિલકુલ નહીં.

રૂમે પુગ્યા ભેગા બે બે ડબલા ડિલ ઉપર રેડી લીધાં. શરીરમાં મેઘરાજાએ આપેલી ખારાશ અને ચિકાશ દૂર થઈ. એ હવે ધીમો પડેલો. અમારી સામે તેનો પરાજય થયેલો. સુજય નોકરી પતાવી આવી ગયો હતો. અમે સાગમટે અગાશી પર ગયા. સામેથી આવી શરીર સાથે જોરથી અથડાઈ કાચની જેમ તૂટી પડતો પવન અમને હિમાલય હોવાની અનુભૂતિ કરાવતો હતો. મને તો વાદળાઓમાં પણ વિષાદ દેખાયો. ત્રણ માળના ઘરમાં અમે સૌથી ઉપર હતા. અમારો રૂમ પણ નદી બની ગયેલો. નીચે કૂતરાઓ ભસી રહ્યાં હતાં. ક્યાંક ટાયરમાંથી નીકળીને બીજી શેરીનાં કૂતરાનું મૂતર પાણી ભેગું ભળી ગયાના ભયમાં! બે નાનાં ટાબરિયાં સામેના ખોરડામાં મેઘરાજનો આનંદ ઉઠાવી રહ્યા હતા. સામેનું મેદાન તળાવ બની ગયેલું. જેમાં ત્રણ તોફાની બારકસો ટાયર ઘુમાવતા દેખાયા. એની મને ઈર્ષ્યા થઈ આવી. આકાશમાં ગર્જણ થતા અમને મેઘરાજાએ પોતાના આગમનની નોટિસ પાઠવી. બાળકો એ ધ્વનિ સાંભળી પ્રફુલ્લિત થઈ ગયા. અગાશી પર અમે ચારે એક ખૂણે એકઠા થયા. મસ્જિદમાં બાંગ વાગી જે મેઘરાજાના ટંકાર સાથે ભળી ગઈ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments