Team Chabuk-Political Desk: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે કેજરીવાલે ગુજરાતને લઈને મહત્વની જાહેરાત કરી છે. સુરત મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે સુરતમાં જાહેરાત કરી છે કે, જો ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત થશે અને સરકાર બનશે તો ગુજરાતના લોકોને 300 યુનિટ વીજળી ફ્રી અપાશે. આ નિર્ણયની અમલવારી સરકાર બન્યાના ત્રણ મહિનામાં જ કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલની સામે પાટીદાર ભવન ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતમાં મફત વીજળી આપવાની જાહેરાત કરાઈ છે. દિલ્હી અને પંજાબમાં જે રીતે લોકોને સસ્તા ભાવે અને મફતમાં વીજળી મળી રહી છે એ રીતે ગુજરાતમાં પણ આમ આદમીની પાર્ટીની સરકાર બને તો લોકોને વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી છે.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, જે રીતે અમે દિલ્હી અને પંજાબમાં વીજળી મફત આપી રહ્યા છીએ એવી જ રીતે ગુજરાતમાં પણ આપીશું. આ અમારી ગુજરાતને પહેલી ગેરંટી છે. સરકાર બનવાના ત્રણ મહિના બાદ તરત જ અમલમાં મૂકાશે. અમારી બીજી એ ગેરંટી છે કે 24 કલાક વીજળી મળશે. ગુજરાતમાં જ્યાં વીજળીકાપ છે ત્યાં પણ 24 કલાક વીજળી આપવામાં આવશે.
અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પહેલીવાર આ પ્રકારે 24 કલાક વીજળી આપવી અને એ પણ ફ્રીમાં આપવી આ માત્ર કુદરતે મને જ શીખવ્યું છે. આ કોઈને આવડતું નથી, કોઈ રાષ્ટ્રીય પક્ષને પણ નથી આવડતું, પરંતુ આ મને આવડે છે. અમારી સરકારે દિલ્હી અને પંજાબમાં કરી બતાવ્યું છે. 31 ડિસેમ્બર પહેલાંનાં તમામ ડોમેસ્ટિક બિલ જે છે એ અમે માફ કરી દીધાં છે. જૂનાં જેટલાં પણ બિલ હોય છે એ અમે માફ કરી દઈશું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતો માટે વીજળીનું અમે અલગથી વિચારી રહ્યા છે. આ ખૂબ મોટો મુદ્દો છે, એને લઈને આગામી દિવસોમાં ફરીથી હું ગુજરાતમાં આવીશ અને આ મુદ્દે વાત કરીશ. દિલ્હીમાં ભાજપ સરકારના લોકોને મફતમાં વીજળી નહીં જોઈતી હોય એવો લેખિતમાં આપી દે, એટલે ત્યાંથી તેમને વીજળી આપવામાં આવશે નહીં. ખોટો વિરોધ કરીને તેઓ અમારો વિરોધ કરી રહ્યા છે.
કેજરીવાલે આગળ જણાવ્યું હતું કે ગુજરાતમાં જે દારૂબંધી છે એને યથાવત્ રાખવામાં આવશે, દારૂબંધીનું યોગ્ય રીતે પાલન કરાવવામાં આવશે. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. આ લોકોએ બૂમાબૂમ કરીને કહ્યું કે ગુજરાતમાં દારૂ વેચાય છે. દારૂબંધી હોવા છતાં પણ ગેરકાયદે રીતે વેચાઈ રહ્યો છે, એના પૈસા કોની પાસે જાય છે?
મફતની રેવડી અંગે જવાબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થોડા દિવસ પહેલાં મફતની રેવડી કહીને કેજરીવાલ સરકાર પર કટાક્ષ કરાયો હતો ત્યારે આ અંગે જવાબ આપતાં કેજરીવાલે કહ્યું કે, આ જેને રેવડી કહેવામાં આવી રહ્યું છે એ ભગવાનનો પ્રસાદ છે. રેવડી પ્રસાદમાં મળે છે. લોકોને મફતમાં વીજળી મળે, હોસ્પિટલમાં સારી સુવિધા મળે, આ બધો ભગવાનનો પ્રસાદ છે, પરંતુ પોતાના અંગત મિત્રોને રેવડી આપે છે એ પાપ છે. પોતાના મિનિસ્ટરોને જે મફતમાં આપવામાં આવે છે એ રેવડી પાપ છે. ભાજપની સરકાર ગુજરાતની પ્રજાને પેકેટ ફોર ગ્રાન્ટેડ લે છે. આ લોકો આપણા સિવાય બીજા કશે જવાના નથી, એવી તેમની માનસિકતા છે. એમ તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, પરંતુ આ વખતે તમે બધા હિંમતપૂર્વક આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં લઈ આવો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
