અશોક સરિયા: ઓટલા પરિષદનું નામ સંભળાય એટલે આપણે તુરંત જ આપણી કલ્પનાઓના ઘોડા ઉપર સવાર થઇને અનુમાન લગાવી દઇએ કે આ એવી ટોળકીની વાત થઇ રહી છે કે જે પોતાનો ફૂરસતનો સમય પસાર કરવા માટે ગપાટા મારવા માટે એકઠી થયેલી બેકાર લોકોની નાનકડી ભીડ હશે. જો કે મહદ અંશે એવું જ હોય છે. પરંતુ આવી ઓટલા પરિષદનું એક ઉત્કૃષ્ટ સ્વરૂપ પણ હોય છે, કે જે મોટા ભાગે ગામડાઓમાં જોવા મળે છે.

દિવસભર પોતાના ખેતરમાં કામ કર્યા પછી સાંજે વાળુ પાણી પતાવીને થોડી ક્ષણો માટે લોકો ગામના પાદરે કે શેરીના નાકે ઓટલે બેસવા માટે એકઠા થાય છે. અહીં લોકો પોતાના દિવસભરના કાર્યો અને પોત પોતાને થયેલા અનુભવોને વર્ણવીને એક બીજા સાથે પોતાના સવાલ જવાબોની આપ લે કરે છે. હા, આવી નાની નાની સભાઓ ભલે માત્ર થોડી હળવાશ માટે જ થોડા સમય માટે જ એકઠી થતી હોય, પરંતુ તેનું ઘણી વાર મોટું મહત્વ પણ બની રહે છે.

અહીં લોકો એક બીજા સાથે પોતાના પ્રશ્નોને વહેંચે છે. અને એ પ્રશ્નોનું સમાધાન અહીં ઉપસ્થિત લોકોમાંથી જ મહદઅંશે મળી જતું હોય છે. ક્યારેક વિકટ પ્રશ્ન ઉભો થયો હોય, તોપણ તેના સમાધાન માટે અહીંના તમામ લોકો પોતપોતાની રીતે પ્રયત્ન કરીને કોઇ એક વ્યક્તિના પ્રશ્નને સહિયારાપણાથી જોઇને તેના સમાધાનમાં દરેક વ્યક્તિ પોતાનું યોગદાન નોંધાવે છે.

કોઇને પાલતું પશુનો પ્રશ્ન હોય, કોઇને વળી પોતાની વાડીની મોલાતને રંજાડતા જંગલી પશુઓનો પ્રશ્ન હોય કે પછી વાડીની માલ મોલાતોના જતન અને સંવર્ધનનો પ્રશ્ન હોય તોપણ આવા તમામ પ્રશ્નોના સમાધાનો આવી ઓટલા પરિષદોમાંથી મળી રહેતાં હોય છે. એનું કારણ એ જ છે કે ભલે દરેક વ્યક્તિ બધું જ નથી જાણતો હોતો પરંતુ દરેક વ્યક્તિ કંઇક ને કંઇક તો જાણતો જ હોય છે. એટલે કોઇ પણ પ્રશ્નનું કોઇને કોઇની પાસેથી સમાધાન મળી જ રહે છે.

ઘણી વખત કોઇ વ્યક્તિ કોઇ બાબતે મુંઝાયો હોય તો અહીં તેને સધિયારો સાંપડે છે. કોઇનું કામ ક્યારેક અટકતું હોય અને તે બગડી જવા સંભવ હોય ત્યારે અહીં આવતા લોકો તેને મદદ કરીને તેનું કામ પાર પાડવામાં સહયોગી બને છે. આવું બધાં સાથે ક્યારેક ને ક્યારેક ઘટતું હોય છે ત્યારે તમામ લોકો એક બીજાને મદદ કરીને તમામના કામ સચવાય જાય એ માટે કટીબધ્ધ રહે છે. કેમ કે દરેક વ્યક્તિ એ વાત સમજે છે કે આપણે ક્યારેક કોઇને મદદ કરી હશે તો ક્યારેક આપણને જરૂર પડશે ત્યારે તેઓ આપણી મદદ કરશે.

અહીં દરેક પોતાના અનુભવો શેર કરે છે એટલે જો કોઇને કોઇ બાબતે ખરાબ અનુભવ થયો હોય તો તે પણ તે અહીં શેર કરશે જેથી અન્ય કોઇ આ જ બાબતનો આવો અનુભવ કરતા બચી જશે અને એ બાબતે સાવચેત રહીને પોતાનું કાર્ય કરશે. તો ક્યારેક કોઇ બાબત સારી રહી હોય અને અન્યએ પણ તે અપનાવવા જેવી હોય તો તે બાબત પણ અહીંથી જાણીને પોતાના કાર્યને ઉત્તમ રીતે કરવામાં ઉપયોગી સાબીત થતી હોય છે.

હવે તો ટીવી અને મોબાઇલના યુગે આવી ઓટલા પરિષદોને નાશઃપ્રાય કરી દીધી છે ત્યારે વ્યક્તિએ પોતાના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે પોતે જ મહેનત કરવી પડે છે. જ્યારે ઓટલા પરિષદના પિરિયડમાં વ્યક્તિના પ્રશ્નોનુ અનાયાસે જ અને આપમેળે સમાધાન આવી પરિષદની ચર્ચા દરમિયાન જ મળી જતું હતું. એક બીજાના અનુભવો એક બીજાને કામ આવતા હતા અને સારી નરસી બાબતને જોવા પારખવામાં ઉપયોગી બનતા હતા.

ભલે ઓટલા પરિષદ માત્ર થોડો ફૂરસતનો સમય પસાર કરવા માટે જ ભરાતી પરંતુ એમાં પણ જરૂરી મુદ્દાઓની ચર્ચા વિચારણા થકી તે એક બીજાને ઉપયોગી બની રહેતી. અત્યારે ભલે એને વેસ્ટ ઓફ ટાઇમ ગણવામાં આવતી હોય પણ આપણા વડિલોના અનુભવે કેટલાય એવા દાખલાઓ સાંભળ્યા હશે કે તેમણે ઉભી થયેલી સમસ્યોનું સમાધાન આવી રીતે જ મળ્યું હશે. એટલે જ કહી શકાય કે ઓટલા પરિષદ એ ફોકટ નહીં પણ અનુભવોની આપ લેની ચોક્કસ ફોર્મ્યુલા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત