Homeતાપણુંગાંધીનગર મનપાનો જંગઃ મતદાન શરૂ, કોણ મારશે બાજી ?

ગાંધીનગર મનપાનો જંગઃ મતદાન શરૂ, કોણ મારશે બાજી ?

Team Chabuk-Political Desk: રાજ્યમાં આજે રવિવારની રજાના દિવસે ગાંધીનગર મહાનગરપાલિકા સહિત વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ખાલી પડેલી બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. સવારે મતદાન પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. સવારથી જ મતદાતાઓ મતદાન કેન્દ્રો પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. સવારે 8 વાગ્યે મતદાન શરૂ થઈ ગયું છે. જો કે આ ચૂંટણીમાં સૌ કોઈની નજર પાટનગર એવા ગાંધીનગરની મહાનગરપાલિકાની ચૂંટણી પર ટકેલી છે. કેમ કે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટીની પણ એન્ટ્રી થઈ છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાની થરા નગરપાલિકા અને તાપીમાં પણ આજે મતદાન ચાલી રહ્યું છે.

rps-baby-world-1

થરા, ઓખા અને ભાણવડ નગરપાલિકાની ચૂંટણીમાં 78 બેઠક પર 205 ઉમેદવાર વચ્ચે જંગ ખેલાઈ રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાની બે બેઠક પર મતદાન થઈ રહ્યું છે. અને જૂનાગઢ મહાનગરપાલિકાની પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના 3-3 મળી કુલ 10 ઉમેદવાર વચ્ચે સ્પર્ધા છે. રાજ્યમાં વિવિધ નગરપાલિકાની 42 બેઠક પર 117 ઉમેદવાર અને વિવિધ તાલુકા પંચાયતની 43 બેઠકો પર 123 ઉમેદવાર વચ્ચે હરીફાઈ જોવા મળશે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયુ છે. ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કુલ 162 ઉમેદવારો મેદાને છે. આ માટે ગાંધીનગર મનપા ચૂંટણી માટે 284 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં 144 સંવેદનશીલ, તો 4 અતિસંવેદનશીલ મતદાન મથકો જાહેર કરાયા છે. ગાંધીનગર મહાનગરપાલિકાના 2,81,897 મતદારો મતદાન કરશે. જેમાં 1,45,130 પુરુષ મતદારો અને 1,36,757 સ્ત્રી મતદારો અને 9 અન્ય મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પાંચ જેટલા ચૂંટણી અધિકારીઓ સમગ્ર પ્રક્રિયા પર ચાંપતી નજર રાખી રહ્યા છે. મતદાન માટે 317 સીયુ મશીન, 461 બીયુ મશીન ઉપયોગમાં લેવામાં આવ્યા છે. 1775 પોલિંગ સ્ટાફ મતદાનની કામગીરી સંભાળી રહ્યા છે. મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થા માટે 1270 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં છે. આજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બે દિવસ પછી એટલે કે 5 ઓક્ટોબરના રોજ 5 સ્થળોએ મત ગણતરી થશે.

advertisement-1

અમદાવાદ મહાનગરપાલિકાની ઈસનપુર બેઠક પર પણ આજે પેટાચૂંટણીનો જંગ ખેલાઈ રહ્યો છે. ચાલુ કોર્પોરેટર ગૌતમ પટેલના નિધન બાદ ખાલી પડેલી બેઠક આજે મતદાન થઈ રહ્યુ છે. ગૌતમ પટેલના પુત્ર મૌલિક પટેલને ઉમેદવાર બનાવાયા છે. ઈસનપુરની બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. ભાજપના મૌલિક પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભાવેશ દેસાઈ છે. તો ચાંદખેડા બેઠક પર રીના પટેલ ભાજપના ઉમેદવાર અને દિવ્યા રોહિત કોંગ્રેસના ઉમેદવાર છે. ભાજપના પ્રતિભાબેને નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામુ આપ્યુ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments