ઝાલાવાડી જલજીરા: મનોજ બાજપેયી કન્ટીન્યુ બેસ્ટ પરફોર્મન્સ આપી રહ્યો છે. તેની ફિલ્મ હીટ જાય કે ન જાય તેનું પરફોર્મન્સ હીટ જાય છે. આ કારણે જ મનોજની ફિલ્મો ખૂબ જોવાય છે. ભોંસલે ફિલ્મ માટે નેશનલ એવોર્ડ જીતી ચૂક્યો છે અને હવે કોરોના સંક્રમિત થયા બાદ તેની સાયલન્સ કેન યૂ હિયર ઈટ રિલીઝ થઈ છે. સસ્પેન્સ થ્રીલર ફિલ્મ છે. હત્યા ફિલ્મની મૂળ ઘટના છે. શું છે ફિલ્મમાં?
ચાર છોકરાઓ છે. પિકનિક મનાવવા માટે પહાડી પર જાય છે. ફોનની રિંગ વાગે છે પણ ચારે એકબીજાની સામે જુએ છે અને કહે છે, તારા ફોનની રિંગ વાગે છે, તારા ફોનની રિંગ વાગે છે. પણ કોઈના ફોનની રિંગ વાગી નથી રહી. તો મોબાઈલ ફોન વાગી કોનો રહ્યો છે ? આ માટે ચારે આજુબાજુ શોધખોળ કરે છે અને તેમની આંખોએ ચડે છે એક 29 વર્ષની કન્યાનો મૃતદેહ.
તો આ છે શરૂઆતની ચાર મિનિટ. આ પછી સસ્પેન્સ થ્રીલર ફિલ્મનું રહસ્ય છતું ન થઈ જાય આ માટે કંઈ કહેવામાં નહીં આવે. આવી ફિલ્મો પર લખવામાં પણ ધ્યાન રાખવું પડે છે. દાબી દાબીને પગ મૂકવો પડે છે. રહસ્યમયી ગુલાબનું એક પાંદડુ પણ ખોલી નાખવામાં આવે અને વાચકને જણાવી દઈએ તો પછી વાચક ટીપી નાખે. આખરે વાચનાર ફિલ્મ જોઈ શકે એવો રિવ્યૂ તો હોવો જોઈએને.
મનોજ બાજપેયી જ નહીં પણ એક એક કલાકારનો અભિનય ઉમદા છે. મનોજની સાથે કામ કરતાં ચાર પોલીસ ઓફિસરો કોઈ કોઈ વખત ઓવર એક્ટિંગનો નમૂનો પ્રસ્તુત કરે છે, પણ ફિલ્મનું મૂળ પાત્ર એ મનોજ જ છે. મનોજે આખે આખુ કનોજ જીતી લીધું છે! તેના શરીરમાં ઘણી વખત સરદાર ખાન ઉતરી જાય છે જ્યારે તે ગાળો ભાંડે છે. કોઈ કોઈ વખત એ સ્પેશિયલ 26નો સીબીઆઈ ઓફિસર પણ દેખાય છે. ફેમિલી મેનનું કેરેક્ટર પણ આવી જાય છે. જોકે શૂલ બાદ ફરી એક વખત મનોજને પોલીસના ગણવેશમાં જોવો એ આનંદની વાત છે. મનોજ જરા પણ નથી બદલ્યો.
મનોજ બાજપેયી એક ડાઈલોગ બોલે છે, ‘29 વર્ષની છે અને છતાં કોઈ અફેર નથી, શું ગે તો નહીં હોય ને?’ ગે નહીં લેસ્બિયન. ડાઈલોગ લખનારની ભૂલ છે. અન્યથા બીજા કેટલાય ડાઈલોગો સરસ લખાયા છે. મોત પણ મનોરંજન થઈ જાય છે. વિચારો નહીં તેના પર કામ કરો. જેવો સંવાદ મનોજ બાજપેયી વારંવાર ગુસ્સામાં બોલે છે.
દિગ્દર્શક અબન ભરૂચાને ફિલ્મ શૂટ કરવામાં વધારે માથાકૂટનો સામનો નહીં કરવો પડ્યો હોય. ત્રણ ઘર છે. એક જેની હત્યા થઈ છે એ છોકરીનું, બીજું છોકરીનાં મા-બાપનું અને ત્રીજું મનોજ બાજપેયીનું. હોસ્પિટલ આવે છે. એક વખત બાર આવે છે. વચ્ચે એક વખત પહાડી આવે છે અને એક આઉટડોર શૂટિંગ છે, મોડી રાતનું.
ફિલ્મ શીખવાડે છે કે કોઈ પણ નાની વાત કોઈને ન કહેવી. ડ્રાઈવરની સામે એક નાની એવી વાત છોકરીના પિતા બનતા શિશિર શર્મા બોલી જાય છે અને પછી મીડિયા કેવી ધમાચકડી મચાવે છે એ જોયા જેવી છે. ફિલ્મ મીડિયાનાં કાર્ય પર સવાલ ઊભા કરે છે. છોકરીના પિતા કેટલા ગુસ્સામાં બોલે છે, ‘આખા કેસને બી-ગ્રેડ ફિલ્મ બનાવીને રાખી દીધી છે.’ આ સંવાદ સમયે આરુષી હત્યાકાંડ યાદ આવી જતો હતો.
મીડિયા સૌ પ્રથમ વિચારે છે, એન્ગલ કાઢે છે અને જનતા સામે રજૂઆત કરે છે. એ સંશોધન બાદમાં કરે છે. જે પહેલા કરવાનું હોય છે. આ સમયે મરનાર કે આરોપીના પરિવાર પર શું વિતતી હશે તેનો વિચાર મીડિયાકર્મીઓએ કરી લેવો જોઈએ.
મનોજ બાજપેયીની મા ફોન પર વાતો કરે છે. દેખાતી નથી. એ લાગણીના સ્વરૂપે છે. જેમ લંચબોક્સની કાકી હતી. માત્ર ઉપરથી અવાજ કરે પણ દેખાય નહીં. તેની માતા સંગીતની શોખીન છે. એ વાત મનોજના ઘરમાં રહેલા ગિટારથી ખબર પડી જાય છે.
પ્રોટોગોનિસ્ટ એસીપી અવિનાશ વર્મા ઉર્ફ મનોજ બાજપેયી નાસ્તિક છે. બે વખત નાસ્તિકતાની વાતને વચ્ચે લાવે છે. એક વખત એમની દીકરી એમના માટે ટીશર્ટ મોકલે છે તેમાં પણ નાસ્તિકતાની વાત આવે છે. નાસ્તિક શું કામે છે એ વાત નથી બતાવી. કદાચિત્ પોલીસ માટે નાસ્તિક હોવું ફરજીયાત છે ? એને ધર્મ, જાતિ, જ્ઞાતિ બધું અભેરાઈ પર ચડાવી ફક્ત કેસ પર કામ કરવાનું હોય છે. એના માટે સાચો આરોપી શોધવો એ જ એનું કામ છે. એ જ એનો ધર્મ છે.
મનોજ બાજપેયી છોકરીનો કેસ હેન્ડલ કરતાં પહેલા ડિપાર્ટમેન્ટલ પોલિટિક્સની વાત કરે છે. આવું દરેક જગ્યાએ હોય છે. ઘણા ડિપાર્ટમેન્ટમાં કર્મચારીઓ એ માટે કામ કરતા હોય છે કે બીજાઓને કામ ન કરવા દેવા. મનોજ આ રીતે ઘણી વાતો ઉજાગર કરે છે. જેથી ફિલ્મ માત્ર એક રહસ્યનું તાતણું ખોલવા માટેનું સાધન બનીને નથી રહી જતી. એ બીજી વાતો સાથે પણ સંઘર્ષ કરતી જોવા મળે છે.
ઘણું ઘણું જોવાનું છે એ વચ્ચે સાયલન્સ જુઓ. કેટલાક ખાડાઓને લેટ ગો કરીએ તો સારી ફિલ્મ છે. થઈ જાય કે 2021ની સાલમાં અને મુંબઈ જેવા એક મહાનગરમાં એપાર્ટમેન્ટની અંદર એક સીસીટીવી કેમેરો ન હોય એ તો કેમ બને? ઘરેણાની વાતમાં દિગ્દર્શક મૌન થઈ ગયા છે અને એ એમની ભૂલ નથી. સસ્પેન્સ થ્રીલર ફિલ્મમાં આપણે આપણા ભેજાને કામે લગાડવાનો હોય. અબન ભરૂચાએ એ કેસ આપણને સોલ્વ કરવા આપ્યો છે. મેં તો કરી લીધો તમે પણ કરી શકશો.
ગુસ્સો માણસ પાસે બધું કામ કરાવડાવે છે. ગુસ્સો ક્ષણિક હોય છે. તેનું આયુષ્ય નાનું પણ નાગના બચ્ચા જેવું છે. એ જ્યારે માણસના માથાના ભાગે ફેણ ચડાવેલા નાગની જેમ સવાર થઈ જાય ત્યારે માણસને કશું ભાન નથી રહેતું. ગુસ્સો ન કરો. આ ફિલ્મ આપણને શીખવાડે છે.
ફિલ્મમાં જે રહસ્ય છતુ થાય છે એ તો ગમશે જ પણ રહસ્ય પછી જે છતુ થાય છે એ વધારે ગમશે. દિગ્દર્શકે ખૂન થયું એ દરમિયાન એક કેરેક્ટરનું ઘરમાં પ્રવેશવું કોઈનું બહાર નીકળવું એ ઝીણું કાતીને દર્શાવ્યું છે. આવતીકાલ રવિવાર આવે છે. કોરોનાને ધ્યાને લઈ ઘરમાં બેસો. મનોજ બાજપેયીની ફિલ્મ જુઓ અને માણો મજા. સુરક્ષિત પણ રહેશો અને મનોરંજન પણ મળશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત