Homeવિશેષઔરંગઝેબે દારાશિકોહનું માથું ધડથી અલગ કર્યું અને પિતા શાહજહાંને મોકલ્યું

ઔરંગઝેબે દારાશિકોહનું માથું ધડથી અલગ કર્યું અને પિતા શાહજહાંને મોકલ્યું

Team Chabuk-Special Desk: આજે મુઘલ શાહજાદા અને ઈતિહાસમાં જેનું નામ લેવાતી વખતે ઓરંગઝેબનું સ્મરણ કર્યા વિના નથી રહેવાતું એ દારાશિકોહનો જન્મદિવસ છે. 30 ઓગસ્ટ 1659નાં રોજ શાહજહાંનાં પુત્ર દારાશિકોહનું માથું ધડથી અલગ કરી દેવામાં આવ્યું હતું. મુઘલીયા સલ્તનત હલબલી ગઈ હતી. બાબરના જમાનાના કાંટ ખાયેલા દરવાજાની માથે રહેલી ધૂળ ખરી પડી હતી. આવું પણ થઈ શકે તેની સલ્તનતમાં કોઈને ખબર નહોતી.

મુઘલ ઈતિહાસમાં આ ઘટના પ્રથમ વખત નહોતી ઘટી પણ દારાશિકોહ અને ઔરંગઝેબનો જે કિસ્સો છે તે ઈતિહાસકારોનાં મોઢે ચર્ચાયો વધારે. આ પહેલા શાહજહાંએ પોતાના બંને ભાઈઓ ખુસરો અને શહરયારને મારી નાખવાનો આદેશ આપ્યો હતો. 1628માં ગાદી સંભાળતાની સાથે જ પિતરાઈભાઈઓને પણ બક્ષ્યા નહોતાં. શાહજહાના પિતા જહાંગીરે પણ પોતાના ભાઈ દાન્યાલને મરાવી નાખેલો.

શાહજહાંનાં ચાર પુત્રો હતા. એમાંથી દારાશિકોહ તેમને ખૂબ પ્રિય હતો. બાકીના પુત્રો કરતા શાહજહાંનો પ્રેમ દારા પ્રત્યે અપરંપાર હતો. આ જ એ વાત હતી જેનાથી ભાઈઓ ભાઈઓ વચ્ચે રોષ અને ઘૃણાનાં બીજનું વાવેતર થયું અને મોટું થતાં તેમાં દુશ્મની નામના ફળ ઉગ્યા. સત્તા પર કબ્જો જમાવવાની જંગે તેને મોટું સ્વરૂપ આપ્યું. ઔરંગઝેબે સત્તા માટે પોતાના જ ભાઈ સાથે યુદ્ધ કર્યું. તેને હરાવ્યો. તેને કેદ કર્યો અને પોતાના જ ગુલામના હાથે ભાઈનું માથું ધડથી અલગ કરી નખાવ્યું.

દારાશિકોહ વિદ્રાન હતો. ભારતીય ઉપનિષદ અને દર્શનની તેને ખબર હતી. અચ્છો અનુવાદક હતો. ઈતિહાસકારો જણાવે છે કે એ વિનમ્ર અને ઉદાર હ્રદયનો હતો. પણ જ્ઞાનનાં ઘમંડમાં તે પોતાના સિવાય બાકીના સૌને મૂર્ખ સમજતો હતો. લોકો સલાહ આપતા પણ તે ધ્યાનમાં ન લેતો. તેને તેના જ સુરક્ષાકર્મીઓ સૂચિત કરતાં ડરતાં હતાં. તેનો પોતાનો જ ભાઈ તેના વિરૂદ્ધ ષડયંત્ર રચી રહ્યો હતો, પણ જ્ઞાનનાં કારણે અંધ બની બેઠેલા દારા શિકોહનાં કાને વાત કેમ કરીને નાખવી ?

દારાશિકોહ ધ મેન વુ વુડ બી કિંગ નામના પુસ્તકમાં લેખક અવીક ચંદાએ લખ્યું છે કે, ‘‘દારાશિકોહ બહુઆયામી અને જટીલ વ્યક્તિત્વનો સ્વામી હતો. ખૂબ જ જોશીલો, વિચારક, પ્રતિભાશાળી કવિ, ઊચ્ચ કોટીનો ધર્મશાસ્ત્રી, સૂફી અને લલિત કલામાં પાવરઘો. બીજી બાજુ તેના વ્યક્તિત્વને રાજા બનવા ન છાજે તેવા ગુણ. પ્રશાસન અને સૈન્યમાં તેને કોઈ રુચિ નહોતી. એ સ્વભાવથી વહેમી હતો. લોકોને ઓળખવાની તેની સમજ બિલકુલ સંકુચિત હતી.’’

શાહજહાં યુદ્ધમાં પોતાના અન્ય પુત્રોને મોકલતા હતા પણ દારાશિકોહને પોતાની આંખથી અળગો થવા નહોતા દેતા. તેને પોતાની નજીક જ બેસાડતા હતા. જેથી યુદ્ધમાં જઈ અને જે ગુણો શીખવાના હોય તેની ઉણપ દારાશિકોહમાં રહી ગઈ જ્યારે તેના જ ભાઈ ઔરંગઝેબ, શાહશુઝા અને મુરાદબખ્શમાં તે ભવિષ્યમાં સત્તા મેળવવાની ઉપલબ્ધિ સમાન સાબિત થઈ. એ યુદ્ધમાં જતા હતાં. સૈન્યોને પરાજય આપતા હતાં. રાજકીય સમસ્યાનો વાટાઘાટો કરી નિવેડો લાવતા હતાં. સામે દારાશિકોહ લાલ જાજમ પાથરીને સુગંધિત્ અત્તરને ધ્રાણેન્દ્રિયમાં પધરાવતો બેઠો રહેતો હતો.

દારાશિકોહના લગ્ન થયા એ એ વખતે મુઘલ સલ્તનતના ઈતિહાસનાં સૌથી મોંઘા લગ્ન હતા. એ સમયે ઈંગ્લેન્ડથી ભારત ભ્રમણનાં કાજે આવેલા પીટર મેન્ડીએ પોતાના એક આર્ટિકલમાં લખ્યું છે કે, ‘‘એ વખતે દારાના લગ્નમાં કુલ 32 લાખ રૂપિયા ખર્ચ થયા હતાં. જેમાંથી 16 લાખ તો ફક્ત દારાની મોટી બહેન જહાંઆરા બેગમે આપ્યા હતાં.’’ અર્થાત્ શાહજહાની પ્રથમ સંતાન દારાને લાડ લડાવવામાં કંઈ બાકી નહોતું રાખવામાં આવ્યું.

શાહજહાં પોતાના ચાર પુત્રો દારાશિકોહ, શાહશુઝા, ઔરંગઝેબ અને મુરાદ બખ્શની અંટસથી ચિંતામાં રહેતો હતો. દીકારાઓની માથાકૂટથી ચિંતિત પિતાએ ચારેને ચાર સુબા સોંપી દીધા. દારાશિકોહને કાબુલ અને મુલ્તાન, શુઝાને બંગાળ, ઔરંગઝેબને દક્ખિન અને મુરાદ બખ્શને ગુજરાતની સત્તા સોંપી અલગ કરી દીધા. શાહજહાંનું તેમને અલગ કરવું એટલે તેમની વચ્ચે વેરનું જે ઝેર ફેલાઈ રહ્યું હતું એને અટકાવવું.

બાકીના તમામ ભાઈ તો પિતાની આજ્ઞા માની ચાલ્યા ગયા પણ દારાશિકોહ પિતા પાસે જ રોકાઈ ગયો. તેને મનમાં એ આશ હતી કે મોટો દીકરો હોવાનાં કારણે પિતા તેને દિલ્હીની તખ્ત આપી દેશે. શાહજહાં અને દારાશિકોહનાં સિંહાસન બાજુ બાજુમાં જ લાગતા હતાં. તેણે સલ્તનત પર પોતાનો દાવો ખીલો મારીને ઠોકી દીધો.

શાહજહાં બીમાર પડ્યા તો દારા જ દરબાર સંભાળતો હતો. દારાએ પોતાના કોઈ પણ ભાઈઓને પિતા સાથે મુલાકાત ન કરવા દીધી. દારાશિકોહનાં ભાઈઓએ પિતાને મળવા માટે દિલ્હી પર ચઢાઈ કરી. દારાએ તેમને રોકવા માટે ભાઈઓ વિરૂદ્ધ જ યુદ્ધનું બ્યુગલ ફૂંક્યું. શુઝા વિરૂદ્ધ લડવા માટે દારાએ પોતાના દીકરા સુલ્તાન શિકોહને મોકલ્યો અને ખૂદ ઔરંગઝેબ સામે લડવા ચાલ્યો ગયો.

દારાશિકોહના એ યુદ્ધ વિષે કહેવાય છે કે એ ઈતિહાસની સૌથી મોટી સેના લઈ ઔરંગઝેબ સામે લડવા ગયો હતો. પણ તેની સેનામાં સૈનિકો કરતા વધારે દુકાનદાર, મજૂર, કારકૂન ત્યાં સુધી કે વાસણ વેચનારાઓ પણ હતા. યુદ્ધ લડવા માટે જે અનુભવ જોઈએ તે તેમનામાં નહોતો. માત્ર જ્ઞાની દારાશિકોહના આદેશ પર જ આ લોકોને સૈન્યમાં ભરતી કરવામાં આવ્યા હતા. દારાશિકોહ પાસે 4 લાખ સૈનિક હતા અને ઔરંગઝેબની પાસે માત્ર ચાલીસ હજાર. પુસ્તકો કેટલા વાંચ્યા છે એ મહત્વનું નથી, વાંચ્યા એમાંથી યાદ કેટલું રહ્યું અને તમારા જીવનમાં કેટલા કામ આવ્યા એ પણ જોઈએ!

દારાશિકોહ પોતાની ભૂલો અને અભિમાનનાં કારણે જંગની જીતેલી બાજી હારી ગયો. દારાને હરાવવામાં તેનાં પોતાના જ વિશ્વાસપાત્રનો હાથ હતો. દારાશિકોહે એક સમયે તેને અપમાનિત કર્યો હતો. જંગના મેદાનમાં તેણે વ્યાજ સહિત બદલો લીધો.

ઈતિહાસકારો દારાના યુદ્ધનું વર્ણન કરતાં કહે છે કે – એ હાથીની ઉપર હતો. જંગ જીતી ચૂક્યો હતો. ઔરંગઝેબની પાસે ગણતરીની સૈનિકો રહ્યા હતા. એ સમયે જ તેના વિશ્વાસપાત્ર ખલીલુલ્લાહએ કહ્યું – ‘હઝરત સલામત, તમને જીત મુબારક. હવે તમે હાથી પરથી ઉતરીને ઘોડા પર બેસો. ખબર નહીં ક્યારે કોઈ તીર આવીને તમને વાગી જાય. જો આવું થઈ ગયું તો અમે તો શું કરીશું ?’ દારાશિકોહ કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વિના ઘોડા પર બેસી ગયો.

દારાશિકોહ જેવો હાથી પરથી ઉતર્યો. તેના સૈનિકો વચ્ચે દારાનાં મોતની અફવા ફેલાઈ ગઈ. યુદ્ધના મેદાનમાં અફરાતફરી મચી ગઈ. ઔરંગઝેબે તેનો ફાયદો ઉઠાવ્યો. દારાના સૈનિકો શહેનશાહના પરાજયથી બીને ભાગી ગયા. ઔરંગઝેબ અને મુરાદની મુઠ્ઠી જેટલી સેનાએ જંગ જીતી લીધી.

ઈતિહાસકાર જદુનાથ સરકારે આ આખી વાત આ રીતે લખી છે ‘‘ઘોડા પર ચાર કે પાંચ માઈલ ભાગ્યા પછી દારાશિકોહ આરામ કરવા માટે એક વૃક્ષની નીચે બેઠો છે. ઔરંગઝેબના સૈનિકો તેની પાછળ નહોતા દેખાઈ રહ્યા પણ જ્યારે દારાશિકોહ પાછળ વળીને જોતો ત્યારે તેને ઢાલના અવાજ સંભળાતા હતા. એ પોતાની છાતી પર ચોંટેલા કવચને ખોલવા ઈચ્છતો હતો, કારણ કે તેનાથી તેની ગરદન પર ઉઝરડા પડી ગયા હતા. પણ દારાશિકોહના હાથ એટલા થાકી ગયા હતા કે એ એ પણ નહોતો કરી શકતો. આખરે રાતના નવ વાગ્યાની આસપાસ કેટલાક ઘોડેસવારોની સાથે તે આગ્રાના મુખ્યદ્વાર સુધી પહોંચ્યો. તેમના હાથમાં મશાલ નહોતી. ઘોડા થાકેલા હતા. શહેરમાં શાંતિની ચાદર પથરાયેલી હતી, માની લો કે કોઈ દુ:ખ મનાવી રહ્યું હોય. એ પોતાના ઘરમાં ઘુસ્યો અને દરવાજો બંધ કરી દીધો. એ યુદ્ધ હારી ગયો હતો.’’

જંગ હાર્યા બાદ દારાશિકોહ ભાટકતો રહ્યો. કોઈ વખત મુલ્તાન, કોઈ વખત થટ્ટા અને કોઈ વખત અજમેર. છેલ્લે ઔરંગઝેબના જ એક સૈનિકના હાથે તે પકડાઈ ગયો. દિલ્હીમાં તેને ખરાબ રીતે અપમાનિત કરવામાં આવ્યો. તેને બીમાર અને ગંદા હાથી પર ઘુમાવવામાં આવ્યો. તેને ભીખારીઓનાં વસ્ત્રો પહેરાવવામાં આવ્યા.

દારાશિકોહને ઔરંગઝેબે કેદખાનામાં નાખી દીધો. એક દિવસ દારાશિકોહ અને તેનો પુત્ર કેદખાનામાં જ ભોજન બનાવી રહ્યા હતા ત્યારે ગુલામ નઝીરે તેનું માથું ધડથી અલગ કરી નાખ્યું. ઔરંગઝેબે તેનું માથું થાળીમાં રાખીને ધોવડાવ્યું. તેને વિશ્વાસ આવી ગયો કે આ દારા જ છે તો એ ફૂટીફટીને રડવા લાગ્યો.

ઔરંગઝેબના આદેશ પર તેના દેહને હુમાયુના મકબરામાં દફનાવવામાં આવ્યો. દારાના પરિવારની ખૂબ ખરાબ હાલત થઈ. તેના એક પુત્રને મારી નાખવામાં આવ્યો. બીજાને ગ્વાલિયરમાં કેદ કરી દેવામાં આવ્યો. દારાની બેગમ પોતાનો જીવ બચાવી લાહોર ભાગી ગઈ. બાદમાં તેણે પણ ઝેર ખાઈને મોતને વ્હાલું કર્યું.

ઔરંગઝેબે દારાશિકોહની હત્યા કરનારા ગુલામને પણ ન છોડ્યો. દારાને અપમાનિત કરી હાથીમાં ઘુમાવનારા જીવન ખાં અને તેનું માથું ધડથી અલગ કરનારા ગુલામ નઝીરને સૌ પ્રથમ મોટું ઈનામ આપી વિદાય કર્યા. એ પછી રસ્તામાં જ એ બંનેના માથા ધડથી અલગ કરી નાખ્યા.

ઈટાલીયન ઈતિહાસકાર નિકોલાઓ મનૂચીએ પોતાના પુસ્તક સ્ટોરિયા ધો મોગોરમાં લખ્યું છે કે, ‘‘ઔરંગઝેબે એતબાર ખાં દ્વારા પિતાને પત્ર મોકલવાનું નક્કી કર્યું. પત્ર શાહજહાંને પહોંચ્યો. તેમાં લખ્યું હતું કે, ઔરંગઝેબ, આપનો પુત્ર, તમારી આગળ આ વસ્તુ મોકલી રહ્યો છે. જેને જોઈ તમે આ કોઈ દિવસ નહીં ભૂલી શકો. એ પત્ર પામ્યા પછી શાહજહાં બોલ્યા, ભલું થાય પ્રભુનું મારો પુત્ર હજુ મારું સ્મરણ કરે છે. એ બોલ્યા અને તેમની સામે એક ઢાંકેલી થાળી રજૂ કરવામાં આવી. શાહજહાંએ તેની માથેનું વસ્ત્ર હટાવ્યું તો તેમની આંખો ફાટી ગઈ. તેમના મોટા અને પ્રિય પુત્ર દારાશિકોહનું તેમાં માથું હતું.’’

દારાશિકોહની કબર શોધવા માટે કેન્દ્ર સરકારે સાત લોકોની કમિટી નીમી છે. હુમાયુનાં મકબરામાં મુઘલોની કુલ 140 જેટલી કબરો હોવાના કારણે આ કાર્ય સરળ નથી. એવી વાતો પણ ઉડી હતી કે દારાશિકોહની કબર શોધીને સરકાર તેને ભારતનો સાચો મુસ્લિમ સાબિત કરવા માગે છે. કારણ કે દારાશિકોહે ગીતાનો ફારસીમાં અનુવાદ કર્યો હતો. 52 ઉપનિષદોનો પણ અનુવાદ કર્યો હતો. દારાએ હિન્દુ અને મુસ્લિમો વચ્ચેની સમાનતા શોધવાનું કામ કર્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments