Homeસિનેમાવાદપીથાગમન: કયા પૂર્વજનો દીકરો ?

પીથાગમન: કયા પૂર્વજનો દીકરો ?

ઝાલાવાડી જલજીરા: પાપીઓ માટે મૃત્યુ અલગ રીતે તૈયાર કરવામાં આવ્યું હોય છે. એને ખબર નથી હોતી કે તેને કોણ મારવાનું છે. કેવી રીતે મારવાનું છે. નિમિત્ત કોણ બનશે. આખી સંરચના પહેલાથી જ ઘડાઈ ગઈ હોય છે. પીથામગનનો અર્થ થાય છે પૂર્વજનો દીકરો. અને ફિલ્મના દિગ્દર્શક ગુનાખોરીના પ્રોફેસર હોય એવું લાગે છે. દિગ્દર્શક બાલા પોતાની ફિલ્મોમાં ક્રાઈમનો એક નવો કોન્સેપ્ટ લઈને આવે છે, જે આ પહેલા કોઈએ જોયો નથી. એ ગુનાખોરીની દુનિયાની જડ સુધી જાય છે અને નસ ખેંચીને બહાર લઈ આવે છે.

એક મહિલા ગર્ભવતી છે. ચાલીને આવી રહી છે. બેકગ્રાઊન્ડમાં નેરેટર કહે છે કે એ મહિલાના પેટમાં કોઈ અજાણ્યાનું બીજ પડી ગયું છે. કોનું છે એ દર્શકને નથી કહેવામાં આવતું. એ મહિલા એક સ્મશાન પાસે આવીને ઊભી રહે છે અને પેટમાં અસહ્ય પીડા ઉપડે છે. સ્મશાનનો ચાંડાલ તેની મદદ કરે છે પણ મદદ કર્યા બાદ મહિલાનું નિધન થઈ જાય છે. છોકરો જંગલીની જેમ મોટો થાય છે. તે સમાજમાં રહેવાને લાયક નથી. બોલી શકતો નથી. સારો વ્યવહાર કરી શકતો નથી. કોઈ તેને અડકે તો મારે છે. તેને ઉછેરનાર ચાંડાલ પણ મૃત્યુ પામતા એ એકલો થઈ જાય છે. સામેની બાજુ એક બીજો યુવાન છે. જે લોકોને ધૂતે છે અને પૈસા કમાય છે. આ બંને યુવાન જેલમાં ભેગા થાય છે અને પછી એકબીજાના મિત્ર બની જાય છે. ફિલ્મ અહીંથી શરૂ થાય છે.

એક ઘરમાં કેટલા બધા રમકડાં છે. એ રમકડાં ગોઠવવામાં એક કલાક ચાલીસ મિનિટ લાગી ગઈ છે અને એ રમકડાંઓ વચ્ચે ઝઘડો કરાવતા અને કામ તમામ કરાવતા વીસ જ મિનિટ લાગે છે. બાલાએ પીથાગમનમાં આ કામ કર્યું છે. તેણે શરૂઆતથી એક એક ઘટનાને જોડી. એક બાજુ એ વિલનને વધારે ને વધારે ખતરનાક દર્શાવી રહ્યો છે. તેની આડે જે આવે તેને મરાવી રહ્યો છે. બીજી બાજુ એ લાગણીના સંબંધને ઊંચા લાવી રહ્યો છે. ભવિષ્યમાં આ બંને વચ્ચે ટક્કર કરાવવાની જ છે. આવું ભીષણ યુદ્ધ તો અંતમાં રુદન જ લાવે.

2021ની સાલમાં 2003ની ફિલ્મ જુઓ તો વિલન તમને એ કક્ષાનો નહીં લાગે, કારણ કે ત્યાં સુધીમાં તો તમારી આંખ નીચેથી કંઈ કેટલાય વિલનો પસાર થઈ ગયા હશે જે આનાથી પણ ખતરનાક હશે. જો 2003માં જ આ ફિલ્મ જોઈ નાખેલી હોય તો શક્ય છે ફિલ્મમાં વિલનનો અભિનય ઊંચી કક્ષાનો લાગે.

બાકીના તમામ પાત્રો એવરેજ છે સિવાય કે વિક્રમને છોડતા. એ બોલતો નથી. હાથને ભેગા રાખીને દોડ્યા રાખે છે છતાં તેની ઝડપ ઓછી થતી નથી. કોઈ મંજાયેલો કુસ્તીબાજ હોય એમ એ બધાને મારે છે. તેનાં દાંત પીળા છે. કપડાં લઘર વઘર છે. ગમે એટલી વખત નવડાવો કે તૈયાર કરો એ પહેલા હતો એવો જ લાગશે.

પીથાગમનમાં વફાદારી રહેલી છે. ચાંડાલે તેને ઉછેર્યો તો ચિંથન (વિક્રમ) તેનો થઈને રહી ગયો. મહિલાએ તેને ખાવા માટે ભોજન આપ્યું તો તેનો વફાદાર થઈ ગયો. માલિકે તેને કામ આપ્યું તો તેનો વફાદાર થઈ ગયો અને શક્તિએ તેને બચાવ્યો અને આસરો આપ્યો તો તેનો વફાદાર થઈ ગયો.

સિનેમાની શરૂઆત મૌનથી થઈ છે. પ્રથમ સંવાદ વિનાની ફિલ્મો જોવાનું આપણને ઘેલું લાગેલું હતું. અવાજ આવતા અને અત્યારના સમયે તો બેકગ્રાઊન્ડ અને સંવાદ વિનાની ફિલ્મો કલ્પી જ નથી શકતા. જે લોકો બોલી રહ્યા છે તેમનો અભિનય ન બોલતા વિક્રમની સામે પાંગળો પૂરવાર થાય છે. વિક્રમને એનર્જી વેસ્ટ નથી કરવાની. તેને બસ એક્સપ્રેશન અને કેરેક્ટરને ધ્યાનમાં રાખવાનું છે. અવાજ અને હાવભાવનું જે સમન્વય થવું જોઈએ તેનાથી વિક્રમને છૂટકારો મળી ગયો છે. એ એક માઈમ જ કરી રહ્યો છે. માઈમ સફેદ કલરના ચહેરાની સાથે થાય જ્યારે વિક્રમ ગંદા ચહેરાને લઈ કરી રહ્યો છે.

દિગ્દર્શકે કોઈ પાત્રમાં કાતર નથી મારી. એણે બધા પાત્રોને ઉછેર્યા છે. જન્મ આપ્યો, ઉછેર્યા અને પછી માર્યા. કોઈને શરીરથી જ મારી નાખ્યા અને કોઈને અંદરથી જ મારી નાખ્યા. દર્શકને પણ નથી છોડ્યા. પીથાગમનનો અર્થ થાય છે પૂર્વજનો દીકરો. કયા પૂર્વજનો દીકરો ? એ ડ્રગ્સ વેચનારાનો તો નહીં ને ? કારણ કે અહીં ખલનાયિકી તો એણે જ કરી છે. કર્મનું એક ચક્ર હોય છે. ફરી ફરીને તમારી જ સામે આવે છે. આપણને આપણા જ પૂગે. કયા પૂર્વજોનો દીકરો ? એ સવાલનો જવાબ નહીં મળે. એ બસ, પોત પોતાની રીતે ધારી લેવાનો છે અને વાગોળ્યા રાખવાનો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments