HomeસિનેમાવાદGodzilla vs Kong: સાવ નવરી બજાર હોવ તો જ જોજો

Godzilla vs Kong: સાવ નવરી બજાર હોવ તો જ જોજો

ઝાલાવાડી જલજીરા: જો તમે સાવ નિવૃત્ત છો. હમણાં હમણાં કોરોનાના કારણે નોકરી પણ ચાલી ગઈ છે, કે પછી નોકરી પૂરી કરીને આવ્યા બાદ કોઈ જવાબદારી તમારા માથા પર નથી. જોવા લાયક તમામ ફિલ્મો અને સિરીઝો જોઈ ચૂક્યા છો હવે કંઈ બાકી રહેતું નથી. ગમે તે પ્રકારની ફિલ્મ જુઓ તમારું માથુ દુખતું નથી. અંગ્રેજી ફિલ્મના ચાહક છો અને ખાસ એવી ફિલ્મના જેમાં વિશ્વ બચાવ અભિયાન ચાલતું હોય. કરફ્યૂ છે, પણ તમે તો કરફ્યૂ પહેલાથી જ રાત્રિ કરફ્યૂ પાડીને રાખ્યો છે. એટલે કે રાત્રે ઘરેથી નીકળતા જ નથી. કાં ટીવી જોવ છો અને કાં ફિલ્મ જોવ છો. તો પણ આ ફિલ્મ ન જોતા.

આપણે એક દૃશ્યથી વાતની શરૂઆત કરીએ. અભિનેત્રી મિલી બોબી બ્રાઊન (સ્ટ્રેન્જર થીંગ્સ) સ્પેસમાં પહોંચી જાય છે. અંદર ગયા બાદ જાસૂસ બ્રાયન ટ્રી હેનરી ચિંતામાં ગણગણે છે, ‘અહીંથી બીજો રસ્તો…’ અને ત્યાં ફટાક દેતા, એ જ સેકન્ડે મિલી બોબી બ્રાઊન – કહે છે, ‘અહીંથી.’

એક સીન 10થી પણ ઓછી સેકન્ડમાં પતી ગયો. આટલી સ્પીડે તો ઓલમ્પિકનો દોડવીર પણ નથી ભાગતો. આટલા નાના સીન માટે પણ ઓસ્કર એવોર્ડ મળવો જોઈએ. ખૂબ હાઈપ મચાવી રાખેલી જ્યારે ગોઝિલા (Godzilla – D સાઈલેન્ટ છે.) અને કોંગની પ્રથમ તસવીર સામે આવી હતી. લોકોને લાગ્યું હતું કે કોરોનામાં પણ બોક્સઓફિસના ભાંગીને ભૂક્કા થઈ જવાના છે. જોકે એવું કંઈ થયું નહીં. એ મર્યાદિત કમાણી સાથે ધીમી ગતિએ ચાલી રહી છે. ભારતમાં તો કોઈ જોવા જાય તો પણ ઠીક, જોકે બિચારી ગોઝિલા વર્સેસ કોંગ ઓનલાઈન લીક થઈ ચૂકી છે.

સ્પેશિયલ ઈફેક્ટનો ખાસ શોખ હોય તો અચૂક જોવી. સ્પેશિયલ ઈફેક્ટની હું સરાહના કરું છું. સ્વીકારું છું કે સ્પેશિયલ ઈફેક્ટ ક્ષેત્રે ભારતની ફિલ્મો કરતાં સારું કામ કર્યું, અમેરિકન ફિલ્મોની સાપેક્ષે સારું કામ નથી કર્યું. જો આપણે માર્વેલ અને અવતાર જેવી ફિલ્મોની સ્પેશિયલ ઈફેક્ટ જોઈ ચૂક્યા હોઈએ તો આપણી અપેક્ષા તો વધી જ જવાની છે.

વાર્તા કંઈક એવી જ જૂની પુરાણી છે કે કોંગ માટે હવે તેનું રહેઠાણ રહેવા લાયક નથી. એટલે ભૂરિયાઓ અજ્ઞાત આવાસ યોજના અભિયાન હેઠળ તેને બીજી જગ્યાએ લઈ જવાના કામમાં લાગ્યા છે. એક મિનિટ!! સરકારની કોઈ ભૂમિકા હોય છે કે નહીં? કોંગને લઈ જાય છે અને રસ્તામાં ગોઝિલા આવી જાય છે. એનાં પૂર્વજો જન્મ જન્મના વેરી છે. પછી કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે એવું બોલ્યા વિના, બેઉં ઢીશૂમ… ઢીશૂમ… ઝઘડે છે. કોંગ પર ગોઝિલા કે ગોઝિલા પર કોંગ ? કોણ કોના પર ભારે પડે છે એ યુટ્યુબ પર થોડા સમયમાં ક્લિપ આવી જશે, ક્લિપ જોઈ લેજો બાકી ફિલ્મ નહીં.

ફિલ્મ ફાસ્ટ ફોરવર્ડમાં ચાલી રહી છે. કોરોના જેટલી ઝડપથી ફેલાઈ એટલી જ ઝડપથી. તમને ખબર છે વિલન કોણ છે. હીરો કોણ છે એ પણ ખબર છે. જે પહેલાના વિલનો કરી ચૂક્યા હતાં એ જ આ નવા જમાનાનો વિલન કરી રહ્યો છે. અહીં ક્લાઈમેક્સની ફાઈટ હોંગકોંગમાં રાખી છે. કેમ ભાઈ ?  અમેરિકનોએ જે રીતે રશિયનોને ફિલ્મો દ્વારા ધોઈ નાખ્યાં, એ રીતે ચાઈનાની નજીક આવેલા અને સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ રિજયન હોવાના કારણે, ઉપરાંત કોરોનાનાં કારણે તો નહીં ને ? તો પછી વુહાનમાં જ અંતિમ ફાઈટ રાખવી હતી.  

WWEમાં તમારા મન પસંદ લડવૈયાને તેનો દુશ્મન પાડી દે. પછી એ દુશ્મનને કોઈ બીજો દુશ્મન આવી અને મારે. આ વખતે તમારો મનપસંદ ફાઈટર આપના ચિયરનાં કારણે ઊભો થાય અને તેને મારનારા દુશ્મનની મદદ કરે. આખો ક્લાઈમેક્સ ઝાલાવાડીએ કહી દીધો.

2014માં ગોઝિલા આવી હતી. ગોઝિલા પહેલા પણ બની ચૂકી છે. યાદ કરો જે રીતે સૂર્યવંશમ સેટ મેક્સની ધરોહર છે એ રીતે સ્ટાર ગોલ્ડની એ ધરોહર હતી. તેની નબળી વિઝ્યુઅલ ઈફેક્ટ અને દેખાવે નબળો લાગતો ગોઝિલા આજની પ્રબળ ટેક્નોલોજી અને બુદ્ધીજીવીઓનાં યુગમાં તો ખમતીધર જ દેખાવાનો છે. 2014 બાદ કોંગ ધ સ્કલ આઈલેન્ડ ફિલ્મ બનાવી. એ ફિલ્મ ગોઝિલા કરતાં પણ સરસ હતી.

ગોઝિલા કેટલી વખત આવ્યો એ તમને તારીખ પ્રમાણે કહી દઉં. ગોઝિલા 1954માં પહેલી વખત ફિલ્મ સ્વરૂપે નિર્માણ પામી. 1955માં ગોઝિલા રેઈડ્સ અગેઈન, 1956માં ગોઝિલા કિંગ ઓફ ધ મોન્સ્ટર, 1962માં કિંગકોગ વર્સેસ ગોઝિલા, 1964માં મોથ્રા વર્સેસ ગોઝિલા, 1964માં ગિડોરા થ્રી હેડેડ મોન્સ્ટર, 1965માં ઈનવેસિયન ઓફ એસ્ટ્રો મોન્સ્ટર, 1966માં એબીરા હોરર ઓફ ધ ડીપ, 1967માં સન ઓફ ગોઝિલા, 1968માં ડિસ્ટ્રોય ઓલ મોન્સ્ટર, 1969માં ઓલ મોન્સ્ટર અટેક, 1971માં ગોઝિલા વર્સેસ હેડોરહ, 1972માં ગોડઝિલા વર્સેસ ગિગન, 1973માં ગોઝિલા મેગાલોન, 1974માં ગોઝિલા વર્સેસ મેકગોઝિલા, 1975માં ટેરર ઓફ મેકગોઝિલા, 1984માં રિટર્ન ઓફ ગોઝિલા, 1985માં ગોઝિલા, 1989માં ગોઝિલા વર્સેસ બિઓલેનેટ, 1991માં ગોઝિલા વર્સેસ કિંગ ગિડોરા, 1992માં ગોઝિલા મોથરા, 1993 ગોઝિલા વર્સેસ મેકગોઝિલા, 1994માં ગોઝિલા વર્સેસ સ્પેસ ગોઝિલા, 1995માં ગોઝિલા સ્પેસ ડિસ્ટ્રોયર, 1999માં ગોઝિલા 2000, 2000ની સાલમાં ગોઝિલા વર્સેસ મેગાગ્યુરિયસ, 2001માં ગોઝિલા, મોર્થા એન્ડ કિંગ ગિડોરા.. લિસ્ટ હજુ લાંબી છે મિત્રો….

જોવી હોય તો 2014ની ગોઝિલા, 2019ની ગોઝિલા કિંગ ઓફ મોન્સ્ટર અને તમારામાં જો હિંમત હોય તો 2021ની ગોઝિલા વર્સેસ કિંગકોંગ જોઈ લેવી. બાકી ઊપરમાં તો કાગળનો બનાવેલો ગોઝિલા ફિલ્મમાં દેખાડતા હોય એવી લાગશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments