ઝાલાવાડી જલજીરા: 90માં બોડી બિલ્ડીંગનો જમાનો આવ્યો નહોતો. હીરો બસ એક્ટિંગ કરતાં, ઘણી વખત ઓવરએક્ટિંગ કરતા હતા. છેલ્લે ફાઈટ કરતા હતા. માતા, બહેન, પત્ની, બાળક, ગર્લફ્રેન્ડને દૈત્યોથી બચાવતા હતા અને હેપ્પી એન્ડીંગ. સન્ની દેઓલનું શરીર હતું પણ તે જીમમાં બનાવેલી બોડી નહોતી. સલમાને શરૂઆત નહોતી કરી. સંજય દત્તે આરંભ કર્યો હતો પણ તેમની પહેલી ફિલ્મ રોકીને જુઓ તો તેમણે પહેલી ફિલ્મથી તો બોડી નહોતી જ બનાવી. એવામાં પહેલી ફિલ્મથી જ શરીર સૌષ્ઠવ દર્શાવી કોઈએ મેદાન માર્યું હોય તો તે બલવાન ફિલ્મથી ડેબ્યુ કરનાર સુનીલ શેટ્ટી.
1992ની સાલમાં અનિલ કપૂરની બેટા રિલીઝ થઈ હતી. આ એ વર્ષની સૌથી મોટી હીટ હતી. શાહરૂખ ખાને હેમા માલિનીના પ્રોડક્શનની દિવાનાથી ફિલ્મજગતમાં એન્ટ્રી મારી હતી. અમિતાભ બચ્ચનની ખુદા ગવાહ હતી. જેની પટકથા અને ગીતો બંને હીટ નીવડ્યા હતા. અજય દેવગનની જિગર આવી હતી. જે પણ યંગસ્ટર્સને ખૂબ ગમી હતી. અક્ષય કુમારની ખિલાડી સુપર ડુપર હિટ રહી હતી. કોઈને લાગતું ન હતું એ હીટ જાય પણ તે કરિશ્મો કરી ગઈ. ધર્મેન્દ્રની તહેલકા, ધરમપુત્ર સન્નીની વિશ્વાત્મા અને ઋષિ કપૂરની બોલ રાધા બોલ. હીટની લાઈન લાગી ગઈ હતી. એની વચ્ચે એક છોકરો ઘુસી ગયો. એની ફિલ્મ પણ હીટ થઈ ગઈ. એ ફિલ્મ સરપ્રાઈઝ હીટ હતી. ફિલ્મનું નામ બલવાન.
આ ફિલ્મ સુનીલ શેટ્ટી માટે નહીં દિવ્યા ભારતી માટે રેકોર્ડ બનાવી ગઈ. દિવ્યા ભારતીએ એ વર્ષે જ બોલિવુડમાં પગ મૂક્યો હતો. બે વર્ષ સુધી તમિલ અને તેલુગુ સિનેમામાં કામ કર્યું હતું. બોલિવુડમાં આવતા જ તેણે દસ ફિલ્મો ધડાધડ સાઈન કરી નાખી અને ઉપરાછાપરી રિલીઝ પણ થવા માંડી હતી. ડેબ્યુ સાથે એક જ વર્ષમાં દસ ફિલ્મ રિલીઝ કરવાનો રેકોર્ડ બનાવી લીધો. અને પછી એ અકસ્માત થયો.
અક્ષય કુમાર સાથે ડઝન કરતાં વધારે ફિલ્મોમાં જોડી બનાવનાર સુનીલ શેટ્ટી આજે ફિલ્મી દુનિયાથી ગાયબ છે. અક્ષય કુમાર આજે પણ વર્ષની ચાર ફિલ્મો સાઈન કરે છે. સુનીલને એ સમયે વિવેચકોએ ફટકાર લગાવી હતી કે આ માત્ર લાકડાનાં રમકડાં જેવો હીરો છે. સુનીલ એ વાતને યાદ કરતા કહે છે કે, મને વિશ્વાસ નથી આવતો કે મેં બલવાન ફિલ્મમાં જાતે સ્ટન્ટ કર્યા હતા. ઉપરથી સળગીને નીચે કૂદવાનું હતું. હું બાઈક પર સ્વીમિંગ પુલના કિનારે ઊભો હતો અને વિચારી રહ્યો હતો કે કંઈ ભૂલ થઈ ગઈ તો? એ પછી ફિલ્મ મેકર્સે સુનીલ શેટ્ટીને એક્શન ફિલ્મો માટે જ સાઈન કર્યા. 2005ની સાલ સુધી સુનીલની એ એક્શન ઈમેજ એમની એમ જ રહી. વચ્ચે વચ્ચે તેઓએ કોમેડી ફિલ્મો કરી, પણ એક્શનની ઈમેજ આજે પણ નથી ગઈ.
એક દિવસ રાજુ ભવાનીએ સુનીલ શેટ્ટીને બલવાન ફિલ્મની વાર્તા સંભળાવી અને કહ્યું કે ચાલો આના પર ફિલ્મ બનાવીએ. દીપક આનંદ ફિલ્મના દિગ્દર્શક હતા અને એ.મુથુ ફિલ્મના એડિટર હતા. મુથુએ બાદમાં અભિષેક બચ્ચનની સાથે તેરા જાદુ ચલ ગયા ફિલ્મ બનાવી હતી. સુનીલ શેટ્ટીની ફિલ્મમાં સંગીત મહેશ કિશોરે આપ્યું હતું. સંવાદ પ્રમોદ શર્માએ લખ્યા હતા. ફિલ્મમાં કેન્દ્રસ્થાને એક્શન હતું એટલે કે જીવસટોસટના ખેલ કરવાના હતા. રવિ દિવાને એક્શન સીન્સ તૈયાર કર્યા હતા. રવિ દિવાન એ એક્શન સ્ટાર છે જેમણે સુનીલ શેટ્ટીની એક્શન એન્ટ્રી તેમના બે હાથ અને પગ પર જમ્પ મારીને કરાવી હતી.
એ દૃશ્યમાં કેટલાક ગુંડાઓ એક યુવતીની છેડતી કરતાં હોય છે. ટોળું ઊભું ઊભું જોતું હોય છે. અંધારામાંથી સુનીલ શેટ્ટી બહાર આવે છે અને લાઈટ તેના પર ફેંકાય છે. પુલ પરથી સુનીલ શેટ્ટી કૂદકો મારે છે અને જમીન પર બે હાથ અને પગને લાવી પડે છે. એ પછી ફાઈટિંગની શરૂઆત પગ દ્વારા કિક મારવાથી થાય છે. આવી જ રીતે, ગંજી પહેરીને, વિદ્યુત જામવાલે પણ કેટલાક સ્ટન્ટ કર્યા છે. જેની શરૂઆત સુનીલ શેટ્ટીએ કરી હતી.
આ ફિલ્મમાં ફિલ્મના જે જે પાસા છે તેના પર સારી રીતે કામ કરી શકાયું હોત પણ થયું નહીં. ઉતાવળે બનાવેલી ફિલ્મ લાગી. એક્શન સીન્સ સિવાયના તમામ પાસાઓ નબળાં રહ્યા. ન તો સંગીતમાં કંઈ કાઢી લીધા જેવું હતું. સિનેમેટોગ્રાફી તો સાવ ઉતરતી કક્ષાની હતી. દક્ષિણની 60ના દાયકામાં આવતી એક્શન ફિલ્મ જેવું આજે બલવાનનું ખાતું લાગે.
આ ફિલ્મ દીપક તિજોરીને લઈને પણ ચર્ચામાં આવી હતી. દીપકે દાવા સાથે એવી વાત ફેલાવી રાખેલી કે આ ફિલ્મમાં પહેલા મેઈન લીડ રોલ તેનો હતો. પ્રોડ્યુસર રાજુ મવાની અને ફિલ્મ દિગ્દર્શક દીપક આનંદની વચ્ચે પણ વારંવાર સેટ પર ઝઘડો થતો હતો. ફિલ્મની રિલીઝ સમયે સુનીલ શેટ્ટી અને અનિલ કપૂર વચ્ચે કોલ્ડવોર ચાલ્યું હતું. એવી વાતો હતી જે કોઈએ એકબીજાને કહી નહોતી પણ કોઈના દ્વારા એ બંનેના કાને પહોંચી ગઈ હતી. આ યુદ્ધ અનિલ કપૂરની લાડલા ફિલ્મ રિલીઝ થઈ ત્યાં સુધી ચાલતું રહ્યું.
આવી વાતો કરવાથી ફિલ્મોને ફાયદો થાય છે. આજે પણ આવું થયા કરે છે. એક ફિલ્મમાં સાથે કામ કરતા અભિનેતા અને અભિનેત્રીના પ્રેમ પ્રસંગોની વાતો ઉડવા લાગે છે. એવોર્ડ શોમાં તેઓને હાઈલાઈટ કરી આવનારી ફિલ્મનું વટક વાળી દેવામાં આવે છે. એક ઘરમાં સાથે રહેવા લાગે છે. પછી ફિલ્મ પૂરી અને વાતેય પૂરી. ગોસિપ ઈતિહાસ બની જાય છે. જેને વાગોળ્યા કરવામાં આવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત