આલેખનઃ સુરેશ જે મિશ્રા- વડોદરા-માહિતી વિભાગ: ઇડરનો ડુંગર એની તોતિંગ શિલાઓ માટે મશહૂર છે. એના વિશાળ ખડકો જાણે કે પ્રકૃતિની રમ્યતા અને ભવ્યતાના ગીતો સદીઓથી ગણગણી રહ્યાં છે. જો કે ગીત ગાતાં પથ્થરોને સાંભળવા હોય તો છેક ઇડર સુધી જવાની જરુર નથી. બસ વડોદરાથી પાવાગઢ થઈને ઘોઘંબા તરફ જાવ તો ચેલાવાડા પાસે નાના નાના ડુંગરો પર, અગણિત શિલાઓ જાણે કે વિખ્યાત ફિલ્મ નિર્દેશક વ્હી. શાંતારામની કલ્પના અને રામલાલના અવિસ્મરણીય સંગીતને સાકાર કરતાં ગીતો ગણગણી રહી છે…
ગીત ગાયા પથ્થરો ને
સાંસો કે તાર પર..
ધડકન કી તાલ પર..
દિલ કી પુકાર કા..
રંગ ભરે પ્યાર કા…
ગીત ગાયા પથ્થરો ને…
આ ડુંગરો પર ઠેર ઠેર મોટા મોટા ખડકો કોઈ ટેકા વગર એકબીજાને અઢેલીને વર્ષોથી અડીખમ કોઈની પ્રતીક્ષા કરી રહ્યાં છે. ડુંગર પરથી દૂર દૂર વહેતી નદીનો નજારો જોનાર માટે નયનરમ્ય બની રહે છે. હરિયાળી એની શોભા વધારે છે. માતા પ્રકૃતિની બરછટ સુંદરતા પથરાળ હોવા છતાં રમ્ય લાગે છે. આ ચેલાવાડા આદિજાતી સમુદાયોના પ્રકૃતિના દેવ જેવા બાબાદેવનું તીર્થ ધામ છે.

વડોદરામાં વસતા અને પંચમહાલ, છોટાઉદેપુર, મધ્યપ્રદેશના મુખ્યત્વે રાઠવા અને અન્ય આદિજાતિ સમુદાયો અત્રેના આ ડુંગરવાસી દેવમાં ખૂબ શ્રધ્ધા ધરાવે છે. પાવાગઢથી ઘોઘંબાના રસ્તે મસ્ત ડુંગર પર બાબાદેવનું મંદિર છે. ચારે તરફ પથ્થર જ પથ્થર અને વચ્ચે મંદિરમાં દેવ બિરાજે છે. લોકો અહીં બાધા માનતા પૂરી કરવા, દર્શન કરવા આવે છે. દેવની કૃપા ફળે એટલે માટી ના ઘોડા ચઢાવવા,બકરા, મરઘાં રમતા મૂકવા અને અન્ય રીતે ચઢાવાની પરંપરા છે. આ ખૂબ પવિત્ર દેવ થાનક(મંદિર) છે.

દેવ નામની એક નાનકડી નદી આ ડુંગરમાંથી જ નીકળે છે. બાબા દેવના પવિત્ર ડુંગરમાંથી નીકળતી હોવાથી જ એનું નામ દેવ પડ્યું છે. નદી એટલે શું? કાળમીંઢ ગણવામાં આવતી શિલાઓનું હૈયું પીગળે અને હર્ષના જે આંસુ ઝરણાંના રૂપમાં રેલાય એ જ આગળ જૈને નદી બને.

પથ્થરો પણ રમ્ય હોય એની અનુભૂતિ આ જગ્યા કરાવે છે. મધ્ય ગુજરાતના દેવગઢ બારીયા, રતન મહાલ, છોટાદેપુરમાં તેજગઢ અને કેવડી પાસે આવા પથ્થરિયા ડુંગરો આવેલા છે જે સ્ટોન ટુરિઝમ.. પથ્થર પ્રવાસનનો એક નવો આયામ બની શકે તેવા છે.

ચેતવણી: અહીં જે કોઈ આવે એનો આશય પ્રકૃતિને માણવાનો હોવો જોઈએ. કાળજી સાથે ટ્રેકિંગ અને સાહસિક પ્રવૃત્તિઓ અહીં માણી શકાય. હા સેલ્ફી લેતાં કે ફોટો પાડતા સમયે અવિચારી સાહસ ન કરવા અને સુરક્ષિત રહેવું. તેની સાથે આ દેવના ધામ જેવા પવિત્ર ડુંગરોમાં પ્લાસ્ટિક કે ખાદ્ય પદાર્થો કે અન્ય કચરો ન છોડી પ્રકૃતિની પવિત્રતા ની આમન્યા અવશ્ય જાળવવી.

ફરી એક વાર પથ્થરો ના ગીતની કડી યાદ કરીએ…
ઇનમે નહીં હૈ ઇન્સા કા ભેદભાવ,
ટુકડે હૈ યે એક દિલ કે,
ચાંદી કે રાગ પર,એકતા કી તાન પર…
ગીત ગાયા ( ચેલાવાડા ના ડુંગરોમાં) પથ્થરોને…
(ફોટો: નીતિન પરમાર/ હાર્દિક પરમાર- આ સ્ટોરી ગુજરાત સરકારના વડોદરા માહિતી વિભાગ દ્વારા કરવામાં આવી છે.)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત