વાર્તાનું ગુજરાતી શીર્ષક- : કોર્ટના દરવાજા પર
લેખક : ફ્રેંઝ કાફ્કા
મૂળ શીર્ષક અંગ્રેજીમાં : Before the Law
જે ભાષામાં લખાઈ તે જર્મન ભાષાનું શીર્ષક : Vor dem Gesetz
અનુવાદ- Team The Chabuk
આ વાર્તા એ મૂળ લોકકથા છે. જે કાફ્કાની ટ્રાયલ નવલકથામાં પણ છે.
કાયદાના દરવાજા પર એક ચોકીદાર ઊભો છે. એ દેશનો એક સામાન્ય માણસ તેની નિકટ આવીને કોર્ટની સામે રજૂ થવાની પરવાનગી માગે છે. પણ તે તેને પ્રવેશ કરવાની મંજૂરી નથી આપતો.
માણસ તો વિચારવા લાગે છે. પછી પૂછે છે – ‘થોડા સમય પછી મારી વાત સાંભળવામાં આવશે?’
‘જોઈએ.’ ચોકીદાર કહે છે, ‘પણ આ સમયે તો બિલકુલ નહીં.’
કોર્ટનો દરવાજો આજે પણ ખૂલો છે જેમ હંમેશાં હોય છે. એ માણસ તેની અંદર જુએ છે.
તેને આ રીતે વર્તન કરતો જોઈને પેલો ચોકીદાર હસવા માંડે છે, ‘મારી મનાઈ છતાં તું અંદર પ્રવેશ કરવા માટે આટલો અધીરો છો તો પછી પ્રયત્ન કરીને શા માટે નથી જોતો. પણ હા, યાદ રાખજે – હું ખૂબ જ કડક છું. જોકે હું બીજા ચોકીદારોની તુલનાએ ખૂબ જ નાનો છું. અહીં એક કક્ષથી બીજા કક્ષ સુધી દરેક દરવાજા પર એક ચોકીદાર છે અને દરેક ચોકીદાર તેના અગાઉના ચોકીદારથી વધારે શક્તિશાળી છે. કેટલાકની સમક્ષ હાજર થવાની હિંમત તો ખૂદ મારામાં પણ નથી.’
એ માણસે તો કોઈ દિવસ સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે કાયદાના દરવાજા સુધી પહોંચવા માટે તેને આટલી બધી વિડંબણાઓનો સામનો કરવો પડશે. એ તો એમ જ વિચારતો હતો કે, કાયદા સુધી પહોંચવા માટે દરેક માણસની પહોંચ ગમે તેવા ટાણે હોવી જ જોઈએ. એ ચોકીદારનું અણિયાળું નાક, વધેલી અને વેર વિખેર થયેલી લાંબી દાઢીને નજીકથી જોયા પછી, એ અનુમતિ મળવા સુધી બહાર પ્રતિક્ષા કરવાનો નિશ્ચય કરે છે.
ચોકીદાર તેને દરવાજાની બીજી તરફ એક સ્ટુલ બેસવા માટે આપે છે. એ ત્યાં કેટલાય દિવસો સુધી બેઠો રહે છે. ત્યાં સુધી કે વર્ષોના વર્ષ વિતી જાય છે. આ વચ્ચે અંદર પ્રવેશ કરવા માટે તે ચોકીદારની સામે ગળગળો થઈ અસંખ્ય વખત ભીખ માગે છે.
ચોકીદાર તો વચ્ચે વચ્ચે પોતાના આગવા અંદાજમાં તેને તેના ઘર અને ઘણી વાતો વિશે પૂછવા લાગે છે. પણ દર વખતે તેની વાતચીતનો દોરો ત્યાં જ સમાપ્ત થઈ જાય છે કે અંદર પ્રવેશ નહીં મળે.
મુસાફરી માટે એ માણસે કેટલોક સામાન એકઠો કર્યો હતો અને બીજું જે કંઈ પણ તેની પાસે હતું, બધું એ ચોકીદારની ખુશામત કરવા માટે ખર્ચી નાખ્યું. એ ચોકીદાર તો એ રીતે સઘડી વસ્તુઓનો સ્વીકાર કરતો જાય છે માની લો કે તેના પર દયા દાખવી રહ્યો હોય.
વર્ષો સુધી આશા ભરેલી નજરોથી ચોકીદારની સામે જોતા એ બીજા રક્ષકો વિશે ભૂલી જાય છે! એ માણસ જવાનીના દિવસોમાં ઊંચા અવાજથી અને પછી ઘરડો થતાં હળવે હળવે ગણગણીને પોતાના નસીબને દોષ આપતો રહે છે. એ એક બાળક જેવો થઈ જાય છે. વર્ષો સુધી ચોકીદારનું એકધારું નિરીક્ષણ કરવાના કારણે એ તેના ખભ્ભાના કોલરમાં છુપાયેલા જંતુઓ વિશે જાણી જાય છે. માથાની એ જૂના પણ તે વખાણ કરે છે, જેથી તે ચોકીદારને પટાવી લે અને પોતાના પક્ષમાં કરી અંદર પ્રવેશ કરી શકે. અંતે તેની આંખો જવાબ દેવા માગે છે. એ સમજી નથી શકતો કે દુનિયા સાચે જ વધારે કાળીડિબાંગ થઈ ગઈ છે કે પછી તેના ચક્ષુઓ તેને દગો આપી રહ્યા છે. પણ હજુએ તે ચારે તરફના અંધકારની વચ્ચે કાયદાના દરવાજાની મધ્યમાંથી નીકળતા પ્રકાશ પૂંજની અનુભૂતિ કરે છે.
એ તેની સમીપ આવતી મૃત્યનો અનુભવ કરે છે. મૃત્યુ પહેલા એક સવાલ, જે વર્ષોની રાહ બાદ તેને તંગ કરી રહ્યો હતો. એ ચોકીદારને પૂછવા માગે છે. એ હાથના ઈશારા દ્વારા ચોકીદારને નજીક બોલાવે છે, કારણ કે બેસી બેસીને તેનું શરીર એ રીતે જકડાઈ ગયું છે કે હવે તે ઈચ્છતો હોવા છતાં પોતાની જગ્યા પરથી ઊભો નથી થઈ શકતો. ચોકીદારને તેની નજીક આવી નમવું પડે છે, કારણ કે કદમાં ખાસ્સુ અંતર આવવાના કારણે એ ઘણો જ ઠીંગણો દેખાઈ રહ્યો છે.
‘હવે તારે શું જાણવું છે.’ ચોકીદાર પૂછે છે, ‘તારી ઈચ્છાઓનો કોઈ અંત પણ છે?’
‘કાયદો તો દરેક માટે છે.’ એ માણસ કહે છે, ‘પણ મને તો એ નથી સમજાઈ રહ્યું કે, આટલા વર્ષોથી મારા સિવાય કોઈએ પ્રવેશ કરવાના હેતુ અહીં દરવાજો કેમ ન ખટખટાવ્યો ?’
એ ચોકીદારને આ વાત સમજતા થોડી પણ વાર નથી લાગતી. તે માણસ તેના જીવનની અંતિમ ક્ષણો ગણી રહ્યો હતો. એ તેના બહેરા થતાં કાનમાં રાડ પાડીને કહે છે, ‘કોઈ બીજા માટે અહીં પ્રવેશનો કોઈ અર્થ જ નહોતો, કારણ કે કાયદા સુધી પહોંચવાનો આ દરવાજો માત્ર અને માત્ર તારા માટે જ ખોલવામાં આવ્યો હતો. અને હવે હું આ દરવાજો બંધ કરવા જઈ રહ્યો છું.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત