Homeસાહિત્યરશિયનો પર જોક્સ - મયૂર ખાવડુ

રશિયનો પર જોક્સ – મયૂર ખાવડુ

મયૂર ખાવડુ: આપણે ત્યાં ટૂચકાઓની સૂક્ષ્મ પરંપરા રહી છે. વિનોદ ભટ્ટ, જ્યોતીન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી સહિતના હાસ્યસર્જકોએ પોતાના નિબંધોમાં ટૂચકાઓને જીવંત રાખ્યા હતા. આજે ટૂચકા કહેવાની પરંપરા ચાલી તો નથી ગઈ પણ લુપ્ત થવાના આરે પહોંચી ગઈ છે. ગુજરાતી સાહિત્યના એક ઉચ્ચકોટીના સર્જકે ત્રણેક વર્ષ પૂર્વે મારા પરમ મિત્ર વિનોદને કહેલું કે હાસ્ય તે કંઈ લખવાની વસ્તુ હોતી હશે અને પછી હસેલા! હમણાંથી તેઓ વિનોદ પાસે વ્યંગ લખવાની તાલીમ લઈ રહ્યા છે! તેમના બે ચાર હાસ્યનિબંધો વિનોદે મને વંચાવ્યા છે અને એ પરથી કહું છું કે બીજા માટે હોઈ શકે પણ તેમના માટે તો હાસ્ય લખવાની વસ્તુ બિલકુલ નથી.

 *******

એક હાસ્ય કલાકારે પેટ્રોલના ભાવ વધારા પર જોક્સ તૈયાર કર્યો અને પછી પેટ્રોલ પમ્પ પાસે ઊભી ત્યાં સરકાર વિરોધી જોક્સનો વીડિયો બનાવ્યો. વીડિયો બનાવ્યા પછી તેણે સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યો. જ્યારે સત્તાધારી પક્ષના કાર્યકર્તાઓને ખબર પડી કે આપણી હાંસી ઊડાવતો ટૂચકો બન્યો છે અને વિરોધીઓને ભારે મજા આવી રહી છે તો તેમને ઉપરથી આ વીડિયો પર કડક પગલાં લેવાનું કહેવામાં આવ્યું.

બે મહિના પછી એમને ઉપરથી ફરી ફોન આવ્યો કે તમે પછી પેલા પેટ્રોલના ભાવ વધારા પર વાઈરલ થયેલા જોક્સમાં શું પગલાં લીધા?

જવાબદારોએ કહ્યું : ‘જી સર, પછી અમે રાતોરાત એ પેટ્રોલ પમ્પ જ હટાવી નાખ્યો અને વિધાનસભામાં કહ્યું પણ ખરું કે જે પેટ્રોલ પમ્પ પર જોક્સનો વીડિયો બન્યો છે, એવો કોઈ પેટ્રોલ પમ્પ એ વિસ્તારમાં અસ્તિત્વ ધરાવતો જ નથી.’

*******

અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે ભારેલો અગ્નિની સ્થિતિ છે. હું આભાર માનું છું રમણલાલ વસંતલાલ દેસાઈનો કે જેમણે ભારેલો અગ્નિ નામની નવલકથા લખી. નહીંતર આવો શબ્દ આપણને જડેત પણ કઈ રીતે! રશિયા ઉપર ભરપૂર જોક્સ બની રહ્યા છે. ભૂતકાળમાં બન્યા છે અને ભવિષ્યમાં બનતા રહેશે. રશિયા માટે આ કંઈ નવું નથી. આ સામ્યવાદી દેશમાં કોઈ પણ શાસકની શરમ રાખ્યા વગર ભરપૂરમાત્રામાં જોક્સ બની ચૂક્યા છે. કેટલાક જોક્સ તો ઈતિહાસ બની ચૂક્યા છે. આજે ઈતિહાસ બની ચૂકેલા એ ટૂચકાને હું ફરી જીવંત કરી તમારી સામે મૂકું છું.

[1]

બે રશિયન મિત્રો એક જીપમાં બેસી આનંદથી જતા હતા. રસ્તામાં એક સાઈન બોર્ડ આવ્યું, જેમાં લખેલું હતું કે ટ્રાફિક પોલીસ અહીંથી 100 મીટર દૂર છે. ચાલકની બાજુમાં બેઠેલા રશિયને પાકિટ કાઢ્યું અને પૈસા ગણવા લાગ્યો. પૈસા ગણાય ગયા પછી તેણે પાકિટ ખિસ્સામાં મૂકી દીધું.

જીપ ચલાવનારે મિત્રને પૂછ્યું: ‘પૈસા તો છે ને?’

મિત્રએ કહ્યું, ‘છે. પણ 100 પોલીસ ઓફિસરને થાય એટલા નથી.’

[2]

એક નવા રશિયને આર્કિટેક્ટને કહ્યું: ‘સાંભળ, મારે ત્રણ સ્વિમિંગ પુલ બનાવવા છે. એકમાં ઠંડુ પાણી, એકમાં ગરમ પાણી અને ત્રીજો પુલ પાણી વગરનો.’

આર્કિટેક્ટે પૂછ્યું : ‘સર પાણી વગરના પુલમાં તમે શું કરવાના છો?’

નવા રશિયને કહ્યું : ‘મારા કેટલાક મિત્રોને તરતા નથી આવડતું.’

[3]

એક દિવસ ઈવાનોવે કોમ્યુનિસ્ટ પાર્ટી માટે એપ્લાઈ કર્યું. પાર્ટીએ ઈવાનોવ માટે ઈન્ટરવ્યૂ રાખ્યો. ઈવાનોવ ત્યાં સમયસર પહોંચ્યો એટલે તેને પૂછવામાં આવ્યું: ‘કોમરેડ ઈવાનોવ તું સિગરેટ પી છો?’

‘હા, કોઈ કોઈ વખત…’

‘તને ખબર નથી કે કોમરેડ લેનિન ધુમ્રપાન નથી કરતા. તેમણે અન્ય કોમરેડોને પણ કહ્યું છે કે તેમણે પણ ધુમ્રપાન ન કરવું.’

ઈવાનોવે કહ્યું: ‘જો કોમરેડ લેનિને કહ્યું છે તો હું છોડી દઈશ.’

‘તું દારૂ પી છો?’

‘હા, કોઈ કોઈ વખત.’

‘કોમરેડ લેનિનને એવા વ્યક્તિઓ પણ પસંદ નથી.’

ઈવાનોવે કહ્યું: ‘તો હું એ પણ છોડી દઈશ.’

‘સ્ત્રીઓ વિશે શું?’

ઈવાનોવે કહ્યું: ‘મને ગમે છે.’

‘તને ખબર નથી, કોમરેડ લેનિન તેની નિંદા કરે છે.’

ઈવાનોવે કહ્યું: ‘તો હું સ્ત્રીઓને પ્રેમ કરવાનું પણ છોડી દઈશ.’

‘કોમરેડ ઈવાનોવ… શું તું પાર્ટી માટે તારી જિંદગીની કૂરબાની આપીશ?’

ઈવાનોવે કહ્યું: ‘ચોક્કસથી. આમેય સિગરેટ, દારૂ અને છોકરી વગરની જિંદગી કામની પણ શું?’

[4]

એક સસલું જંગલમાં દોડીને જતું હતું.

‘આમ ગાંડાની જેમ કેમ ભાગે છે?’ એક રીંછે તેને દોડતા જોઈ પૂછ્યું.

‘તને ખબર નથી, તેઓ બધા ઊંટની ધરપકડ કરી રહ્યા છે અને તેમને નપુંસક બનાવી રહ્યા છે.’ સસલાએ હાંફતા હાંફતા કહ્યું.

રીંછે કહ્યું: ‘પણ તું ક્યાં ઊંટ છો? તું તો સસલું છો.’

‘હા, પણ એ લોકો કાપી નાખ્યા પછી જ માને છે કે આ ઊંટ નથી.’ સસલાએ વાત પૂરી કરી અને આ વખતે તેની સાથે રીંછ પણ જંગલમાં દોડતું હતું.

[5]

સ્ટાલીને પોતાના વિશે જોક્સ બનાવીને લોકોને સંભળાવતા એક યુવાનની ધરપકડ કરી અને તેને કહ્યું : ‘તું મારા વિશે આવા ટૂચકા બનાવી લોકોને ન સંભળાવી શકે. આ અશિષ્ટ છે.’

યુવાને પૂછ્યું : ‘પણ કેમ?’

સ્ટાલિને કહ્યું: ‘હું એક મહાન નેતા છું, શિક્ષક છું અને દરેક વ્યક્તિનો મિત્ર છું.’

યુવાને કહ્યું : ‘પણ સર આ જોક્સ તો મેં કોઈને સંભળાવ્યો જ નથી.’

[6]

એક વખત હાથી ઉપર લખાયેલા શ્રેષ્ઠ પુસ્તકની સ્પર્ધાનું આયોજન થયું.

ફ્રાંસે સરસ મજાનું હાથીના ચિત્રોવાળું પુસ્તક તૈયાર કર્યું જેનું શીર્ષક હતું – ‘હાથીઓના પરિવારમાં પ્રેમત્રિકોણ.’

ઈંગ્લેન્ડે હાથીઓ પર મહાનિબંધ લખ્યો. જેનું શીર્ષક હતું – ‘હાથી અને વિશ્વ વ્યાપાર.’

જર્મનીએ 24 ભાગ પ્રકાશિત કર્યાં, જેનું શીર્ષક હતું – ‘એલિફેન્ટોલોજીનો પરિચય.’

રશિયાએ ત્રણ પુસ્તકો મોકલ્યા. જેના શીર્ષક આ પ્રમાણે હતા….

1) ઓક્ટોબર ક્રાંતિમાં હાથીઓની મહત્વની ભૂમિકા.

2) વિકસિત સામ્યવાદી રાષ્ટ્ર રશિયામાં સુખેથી રહેતા હાથીઓ.

3) રશિયા. હાથીઓની માતૃભૂમિ.

[7]

સ્ટાલિને એક લેખકને બોલાવી કહ્યું : ‘તારી નવલકથા મને ખૂબ ગમી છે, પણ તારે એક આર્ટિકલ પણ લખવો જોઈએ. જેનું શીર્ષક હોય કે જો દુશ્મન સરેન્ડર નહીં કરે તો તેને પતાવી દેવામાં આવશે.’

લેખકે કહ્યું: ‘હું ડરું છું કોમરેડ. મને નથી લાગતું કે હું આ કામ સંભાળી શકીશ. પાછું હમણાંથી મારી તબિયત પણ નાદુરુસ્ત રહે છે.’

સ્ટાલીને કહ્યું : ‘અમે તારી મદદ કરીશું. અમે તને થોડા સમય માટે જ્યોર્જિયા મોકલીશું. જ્યાં તારા માટે દારૂ હશે દ્રાક્ષની સગવડ હશે.’

‘હા કોમરેડ સ્ટાલીન…’ લેખકે કહ્યું અને પછી ઉમેર્યું, ‘તો મને છેલ્લી વખત મારા પરિવારને મળવા દો.’

સ્ટાલીને પૂછ્યું : ‘કેમ?’

‘ન કરે નારાયણ… ક્યાંક આર્ટિકલ નિષ્ફળ નીવડ્યો તો?’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments