Homeવિશેષભાગમતી હતી કે નહોતી : કલ્પના અને વાસ્તવિકતા વચ્ચેની ટક્કર

ભાગમતી હતી કે નહોતી : કલ્પના અને વાસ્તવિકતા વચ્ચેની ટક્કર

યોગી આદિત્યનાથ હૈદરાબાદની મુલાકાતે જાય છે અને બોલી ઉઠે છે કે ‘કેટલાક લોકોએ મને કહ્યું કે, હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર કરી નાખીએ.’ પહેલી વખત એક વિશાળ શહેરનું નામ બદલવાની વાત સામે આવી છે. અમદાવાદના નામને કર્ણાવતી કરવાની વાત તો વર્ષોથી ચાલી આવી રહી છે. હવે મુદ્દો હૈદરાબાદ તરફ ફંટાયો છે. આજે પણ હૈદરાબાદમાં કેટલાક એવા લોકો છે જે હૈદરાબાદની જગ્યાએ ભાગમતી અથવા તો ભાગ્યનગર બોલવું પસંદ કરે છે.

ઘણા લોકો કોરી કલ્પનામાં માનતા હોય છે. સલીમ અને અનારકલી. આ ફિલ્મો અને નવલકથાના વિષય સિવાય કંઈ નથી એવું માનનારાઓની મોટી સંખ્યા છે. ઈતિહાસકારો કહે છે સલીમ અને અનારકલી હતા. હવે ભાગમતી કોણ હતી એ જાણીએ.

આજથી 500 વર્ષ પહેલા હૈદરાબાદ પ્રાંતના ચિચલમ ગામડામાં પેદા થયેલી અથવા તો આ ગામ સાથે સંબંધ રાખનારી ભાગમતી હિન્દુ નૃત્યાંગના હતી. દક્ષિણ ભારતની પાંચ સલ્તનતમાંથી એક ગોલકોંડા રાજવંશમાં કુતુબ શાહ (વર્ષ 1580-1611) શાસક બન્યા. તેમણે હૈદરાબાદ શહેરની સ્થાપના કરી. એક નવા શહેરની સ્થાપનાની પાછળ ભાગમતી અને તેમની પ્રેમકહાનીને જ કારણભૂત માનવામાં આવે છે.

એ હૈદરાબાદના ચિચલમ ગામમાં પેદા થઈ હતી. કુતુબ શાહ તેના નૃત્ય અને તેના સૌંદર્યથી આકર્ષિત થઈ ગયા. તેની સાથે તારામૈત્રક થઈ ગયો. શાહના પિતા ઈબ્રાહીમ કુતુબ શાહને આ પ્રેમ મંજૂર નહોતો. આખરે દીકરાનો અખૂટ પ્રેમ જોઈને તેમણે 1598ની સાલમાં ભાગમતી સાથે તેમના વિવાહ કરાવી દીધા. કુલી કુતુબે ગોલકોંડા સલ્તનતમાં સામેલ થયા પછી ભાગમતીના નામ પર જ ભાગ્યનગરની સ્થાપના કરી હતી. જેને પછીથી હૈદરાબાદ નામ મળ્યું.

હૈદરાબાદ નામ એટલા માટે મળ્યું કારણ કે કુતુબ શાહે પોતાની પ્રેમિકાને હૈદર મહલની ઉપાધિ આપી હતી. હવે થોડા થોડા સમયે આ નામને પુન:બદલી ભાગ્યનગર કરી દેવાની ચર્ચાઓ ચાલતી રહે છે. યોગી આદિત્યનાથ તો પહેલા પણ આ ચર્ચા છેડી ચૂક્યા છે. એમણે આ વાત કરી પછી સોશિયલ મીડિયા પર લોકો હૈદરાબાદી બિરયાની માટે નવું નામ શોધવાની પણોજણમાં પડી ગયા છે.

નિજામ ટ્રસ્ટના સાંસ્કૃતિક સલાહકાર અને ઈતિહાસકાર મોહમ્મદ સફીઉલ્લાહ કહે છે કે, ભાગમતીની આ વાતનો જેટલા પણ લોકો સમર્થન કરે છે તે કોઈ પણ રીતે તેને સાબિત નથી કરી શક્યા. 16મી સદીમાં હૈદરાબાદ શહેરનું નામકરણ થયા પર 100 પેજમાં વિસ્તૃત ચર્ચા કરનારી પુસ્તક ફોરેવર હૈદરાબાદ લખનારા સફીઉલ્લાહ કહે છે.

16મી સદીની કોઈ પાંડુલિપિ, નક્કાશી, શિલાલેખ સિક્કા, મઝાર અથવા તો સ્મારક કંઈ નથી. જેનાથી ભાગમતીની વાર્તાનું સમર્થન મળે. તેની હયાતી હોવાની કોઈ પુષ્ટી મળે. ભાગમતી છે આ માટે ફક્ત બે મિનિયેચર બતાવવામાં આવ્યા હતા. જે 18મી અને 19મી સદીના છે. જે હૈદરાબાદની સ્થાપનાના વર્ષો બાદ સામે આવ્યા. હૈદરઅલી અને ટીપુ સુલ્તાનના સમયે.

કુતુબશાહીમાં ઘણી ગૈર મુસ્લિમ યુવતીઓ તેમની પત્ની બની. ઈબ્રાહીમ કુતુબની પત્ની ભાગ્યવંતી હતી…. કુતુબ શાહીમાં સરમ્મા, તારામતી, પ્રેમાવતી જેવી કેટલીય મહિલાઓના ઐતિહાસિક પ્રમાણ મળે છે પણ ભાગમતીના નથી મળતા.

સફીઉલ્લાહનું કહેવું છે કે 16મી સદીની એક મહિલા જેનું પ્રમાણ 19મી સદીમાં મળે છે. એ ફક્ત વર્ષો સુધી કરવામાં આવેલી કલ્પનાથી વધારે કંઈ નથી. ઐતિહાસિક કે વાસ્તવિક બિલ્કુલ નથી. બીજી બાજુ જે લોકો માને છે કે રાણી ભાગમતીનું અસ્તિત્વ હતું એ એમ પણ માને છે કે હૈદરાબાદ નામ તેમના નામ પર ન હતું. ત્રીજો પક્ષ કળાનો છે. જેને એ વાતથી લાગતું વળગતું જ નથી કે ભાગમતીનું અસ્તિત્વ છે કે નથી. ભાગમતી ઐતિહાસિક પાત્ર છે કે નહી. તેમની પ્રેમ કહાની પ્રચલિત છે અને ડ્રામાથી ભરપૂર છે.

મશહૂર નાટક દિલો કા શહેજાદાના લેખક મોહમ્મદ અલી બેગ હૈદરાબાદના નામકરણને લઈને કહી ચૂક્યા છે કે આ બસ એક પોલિટિકલ એજન્ડા છે. તેનાથી એ શહેરની વિરાસત કે પરંપરા પર કોઈ ફર્ક નથી પડતો.

ઈતિહાસકાર સૈયદ મોહિઉદ્દીન કાદરીએ ભાગમતીની વાર્તા લખીને આ વિષય પર રસપ્રદ ચર્ચા કરી હતી. એમણે કહ્યું કે, ઈતિહાસને વાંચવું એ ખૂબ જ કંટાળાજનક કામ છે, જો તમે તેમાં કાલ્પનિક વાર્તા કે રોમાન્સ વગેરેનો તડકો ન લગાવો. તો મજા ન આવે.

તો આ તમામ વાતો પછી સત્ય છે કે અસત્ય જેના પરથી એક શહેરનું નામ બદલી શકાય કે પછી ન બદલી શકાય. વાસ્તવિકતા અને કલ્પનાની સામસામી ટક્કર છે ભાગમતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments