Team Chabuk-Entertainment Desk: આજે વાત કરવી છે એક એવા કોમેડી સુપરસ્ટારની જેણે અભિનયના જોરે લોકોના દિલમાં સ્થાન જમાવ્યું છે. દર્શકોને હસાવવા ઘણું મુશ્કેલ કામ છે. એમાં પણ સાત્વિક કોમેડી ખૂબ જ અઘરી છે. પરંતુ કેટલાક કલાકાર આવી કોમેડી કરવાની કળા જાણે છે. આવા જ એક કોમેડી સુપરસ્ટાર છે દિલીપ જોશી. ગુજરાતી થિયેટરની દુનિયામાં પાપા પગલી કરીને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ જેવી સુપરહિટ સિરિયલમાં મહત્વનો જેઠાલાલનો રોલ ભજવતા દિલીપ જોશી એક્ટિંગની દુનિયાનું અલગ જ ઘરેણું છે.
દિલીપ જોશીનો જન્મ 26 મે, 1968ના રોજ ગુજરાતના પોરબંદરના ગોસા ગામમાં વસતા બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. અભિનય ઉપરાંત દિલીપ જોશી વાંચન, ટ્રાવેલિંગ અને ક્રિકેટનો શોખ ધરાવે છે. તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રદ્ધા ધરાવે છે અને વેજીટેરિયન છે. દિલીપ જોશી ખાવાના બહુ શોખીન છે. દિલીપ જોશીના પત્નીનું નામ જયમાલા જોશી છે. તેમની પુત્રીનું નામ નિયતી જોશી અને પુત્રનું નામ ઋત્વિક જોશી છે.
દિલીપ જોશીથી જેઠાલાલ સુધીની સફરની વાત કરીએ તો, બાળપણથી જ અભિનયનો શોખ ધરાવતા દિલીપ જોશીએ 12 વર્ષની ઉંમરે પ્રથમ ગુજરાતી નાટક ‘અડધિયો રાક્ષસ’થી થિયેટરમાં કામ કરવાની શરૂઆત કરી. નાટકમાં દિલીપ જોશીને પાપા પગલી કરાવનાર તેમના શિક્ષક નામદેવ લહુટે હતા. નાટકોમાં અભિનય કરતાં કરતાં અભિનયનુ ઝુનુન એવું ચઢી ગયું કે કોમર્સમાં ગ્રેજ્યુએશન વચ્ચે જ છોડી દીધું. ગુજરાત બાદ તેમણે 80ના દશકમાં મુંબઈમાં આવેલા પૃથ્વી થિયેટરમાં પણ ઘણા નાટકો કર્યા. 1991 સુધી તેઓ શોખ ખાતર જ નાટકો કરતાં ત્યારબાદ આ શોખને તેમણે પ્રોફેશનમાં બદલ્યો. ધીમેધીમે કોમર્શિયલ થિયેટરમાં ચાન્સ મળ્યો. તમે કદાચ નહીં જાણતા હોય કે સુપરસ્ટાર સલમાન ખાનની લીડ રોલ ડેબ્યુ ફિલ્મ ‘મેને પ્યાર કિયા’થી જ દિલીપ જોશીએ ફિલ્મી કરિયરની શરૂઆત કરી. 1997માં ‘ક્યા બાત હૈ’ સિરિયલથી દિલીપ જોશીએ ટેલિવિઝનની શરૂઆત કરી.
ધીમે ધીમે અભિનયના જોરે દિલીપ જોશી આગળ વધતા ગયા. એક ડઝનથી વધુ ફિલ્મો અને એક ડઝનથી વધુ સિરિયલમાં કામ કર્યા બાદ દિલીપ જોશીના જીવનમાં આવ્યો એક અદભુત ટર્નિંગ પોઈન્ટ. અને આ ટર્નિંગ પોઈન્ટ હતો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં મળેલો જેઠાલાલનો રોલ. જો કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ મળી તે પહેલા દિલીપ જોશી પાસે એક-દોઢ વર્ષ કોઈ કામ ન હતું. સિરિયલના પ્રોડ્યુસર આસિત મોદીએ દુનિયાને ઉંધા ચશ્મા નામની તારક મહેતાની કોલમ પરથી સિરિયલ બનાવવાનું નક્કી કર્યું. આ સિરિયલ અંગે આસિત મોદીએ જ્યારે દિલીપ જોશીને વાત કરી ત્યારે દિલીપ જોશી રોમાંચિત થઈ ગયા. આસિત મોદીએ દિલીપ જોશી સમક્ષ બે પાત્ર રાખ્યા, એક ચંપકલાલનું અને બીજો જેઠાલાલનું. આસિત મોદીની આ ઓફર સાંભળીને દિલીપ જોશીએ આસિત મોદીને કહ્યું કે ચંપકલાલ તો હું નહીં લાગું પરંતુ જેઠાલાલના પાત્રને ન્યાય આપવા હું કોશિશ કરીશ અને બસ આસિત મોદીએ દિલીપ જોશી પર ભરોસો મુક્યો અને શરૂ થઈ જેઠાલાલની સફર.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ અને જેઠાલાલનું પાત્ર એટલું હિટ થઈ ગયું કે આજે લોકો દિલીપ જોશીને તેમના મુળ નામ કરતા જેઠાલાલના નામથી વધુ ઓળખવા લાગ્યા છે. અનેક લોકોના નિરાશ અને હતાશ ચહેરા પર હાસ્ય લાવી દેતું જેઠાલાલનું આ પાત્ર એમ કહી શકાય કે અમર થઈ ગયું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
