Homeતાપણુંઊના નગરપાલિકા ચૂંટણીઃ ભાજપે પોતાના નિયમો જ ન પાળ્યા, ઉમેદવારોમાં સગાવાદની ભરમાર

ઊના નગરપાલિકા ચૂંટણીઃ ભાજપે પોતાના નિયમો જ ન પાળ્યા, ઉમેદવારોમાં સગાવાદની ભરમાર

Team Chabuk Political Desk: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપે મૂરતિયાઓ જાહેર કરી દીધા છે. ભાજપ વિધિવત ચૂંટણી પ્રચારમાં પણ લાગી ગઈ છે.

ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકામાં ચૂંટણીનો જંગ રસપ્રદ બન્યો છે. ઊના નગરપાલિકામાં ભાજપે પસંદ કરેલા ઉમેદવારોમાં ઉડીને આંખે વળગે તેવા ઉમેદવાર છે ભાવેશ વાજા. ભાવેશ વાજા માત્ર 24 વર્ષના ઉમેદવાર છે જેમને ભાજપે વોર્ડ નંબર 1માંથી ટિકિટ આપી છે. તેમની પેનલમાં અન્ય ત્રણ ઉમેદવાર અસ્મિતા મહેશ બાંભણિયા, અફસાના તારીફ કાસમાણી અને નિહાદ યુસુફ રિન્દબ્લોચ છે. ઊના નગરપાલિકામાં કુલ 9 વોર્ડ છે. આ નવ વોર્ડમાં કુલ 36 ઉમેદવારમાં ભાવેશ સૌથી યુવા ઉમેદવાર છે. ગઈ ચૂંટણીના પરિણામમાં 36માંથી 35 બેઠક ભાજપના ફાળે ગઈ હતી.

આ તો થઈ યુવા ઉમેદવારની વાત. પરંતુ જો સી.આર.પાટીલ ફોર્મ્યૂલાની વાત કરવામાં આવે તો ઊનામાં આ ફોર્મ્યૂલા સદંતર નિષ્ફળ ગઈ તેમ કહી શકાય. ઊના નગરપાલિકા માટે પાટિલના શબ્દો ખોટા પડ્યા છે. ઊનામાં ભાજપમાંથી મોટામાંથાની ટિકિટ કપાઈ છે. જેઓએ ત્રણ ટર્મ પૂરી કરી હતી પરંતુ તેમના સગા સંબંધીઓને ટિકિટ આપી દેવામાં આવી છે. એમ પણ કહી શકાય કે ઊના સી.આર.પાટીલ માટે અપવાદ છે. ઊના નગરપાલિકામાં વર્ષોથી એકહથ્થુ શાસન ચાલી રહ્યું છે.

જે લોકોની ટિકિટ કપાઈ છે તેમાં ઊનાના પૂર્વ ધારાસભ્ય અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કે.સી.રાઠોડ તેમના પત્ની મંજુલા રાઠોડ અને કે.સી.રાઠોડના ભાઈ ભોળાભાઈ રાઠોડનું નામ પણ સામેલ છે. વોર્ડ નંબર 6માંથી કાના બાંભણિયા, વોર્ડ નંબર 8માંથી મુક્તા બાંભણિયા, વોર્ડ નંબર 9માંથી પૂનમ ચંદ ઝાલાનું પણ પત્તુ કપાયું છે. આ ઉપરાંત વોર્ડ નંબર 1માંથી રામજી વાજાની ટિકિટ પણ કપાઈ છે. જોકે, તેમના પુત્ર ભાવેશ વાજાને ટિકિટ આપવામાં આવી છે.

બીજી તરફ કે.સી.રાઠોડના પુત્ર વિજય રાઠોડને ટિકિટ મળી ગઈ છે. કે.સી.રાઠોડના ભાઈ ભોલુ રાઠોડના પત્ની હર્ષા રાઠોડને પણ ટિકિટ આપવામાં આવી છે. તો કે.સી.રાઠોડના પુત્રી જલ્પા બાંભણિયાને પણ ટિકિટ આપવામાં આવી છે. એટલે કે એક જ પરિવારના ત્રણ લોકો નગરપાલિકાની ચૂંટણી લડશે. આ ઉપરાંત સાંસદ રાજેશ ચુડાસમાના વેવાઈ બાબુ ડાભીના પત્ની અને બાબુ ડાભીના ભાઈ રાજુ ડાભી જે જિલ્લા ભાજપના હોદ્દેદાર પણ છે તેમના પુત્રને પણ ટિકિટ અપાઈ છે. કલ્પેશ રાજુ ડાભી વોર્ડ નંબર 5 અને જયાબેન ડાભી વોર્ડ નં 9માંથી ચૂંટણી લડશે.બાબુ ડાભી જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના વેવાઈ પણ થાય. તો વોર્ડ નંબર 4માં ભાજપ શહેર મહામંત્રી ઈશ્વર જેઠવાને ટિકિટ મળી છે. સી.આર.પાટિલે અનેક સભાઓ અને પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, આ વખતે ત્રણ ટર્મ પૂરી કરેલા નગરસેવકને રિપીટ નહીં કરાય કે તેના સગા-સંબંધીને પણ ટિકિટ નહીં આપવામાં આવે.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયા હતા. સી.આર.પાટીલે કહ્યું હતું કે, પાર્લામેન્ટ્રી બોર્ડમાં ત્રણ મહત્વના નિર્ણય લેવાયા છે. 60 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારને ટિકિટ નહીં મળે. આ ઉપરાંત ત્રણ ટર્મ ચૂંટાયેલા નગરસેવકને પણ ટિકિટ આપવામાં નહીં આવે. તેમજ આગેવાનોના સગા સંબંધીને પણ ટિકિટ ન આપવી.

નગપાલિકાની સાથે સાથે તાલુકા પંચાયતના ભાજપાના ઉમેદવારોનું લિસ્ટ પણ જાહેર કરાયું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments