Homeતાપણુંએક જ વર્ષમાં ત્રણ રાજ્યના મુખ્યમંત્રી બદલતી ભારતીય જનતા પાર્ટી

એક જ વર્ષમાં ત્રણ રાજ્યના મુખ્યમંત્રી બદલતી ભારતીય જનતા પાર્ટી

Team Chabuk-Political Desk: એક સમય હતો જ્યારે ગુજરાતમાં પહેલાથી જ નક્કી થઈ જતું હતું કે ભારતીય જનતા પાર્ટી જીતશે પણ હવે ચિત્ર થોડું બદલાયું છે. ગુજરાત પાસે એવો લોકપ્રિય નેતા નથી જે નરેન્દ્ર મોદીની તોલે આવી શકે. કેન્દ્રમાં ગયા પછી કેટલાક ગુજરાતીઓ નરેન્દ્ર મોદીની કામગીરીથી પણ ખુશ નથી. મહામારી બાદ વધેલી મોંઘવારી પર હજુ મલમ લાગ્યો નથી. નરેન્દ્ર મોદીની ગુજરાતમાંથી વિદાય પછી ત્રીજા મુખ્યમંત્રી હશે જે બદલશે. તેની સામે નરેન્દ્ર મોદીએ દાયકા સુધી શાસન કર્યું હતું.

2014 બાદ ગુજરાતની રાજનીતિમાં આવેલો આ ત્રીજો મોટો આંચકો છે. પ્રથમ આંચકો આનંદીબહેનના રાજીનામાથી લાગ્યો હતો, બીજો આંચકો નીતિનભાઈની જગ્યાએ વિજયભાઈનું મુખ્યપ્રધાન બનવું અને ત્રીજો આંચકો ગઈકાલે લાગ્યો જ્યારે એકાએક વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું. જોકે રાજકારણના આકંઠ રસ્યા અને ગળાડૂબ રહેતા લોકો તો એવી પણ વાત કરે છે કે, આ તો ભાજપે પાણી પહેલા પાળ બાંધવાની કવાયત આદરી છે. 15 મહિનામાં નવા મુખ્યમંત્રી ગુજરાતને શું આપશે?

આ પ્રથમ વખત નથી. નજીકના ભૂતકાળમાં ડોકિયું કરવામાં આવે તો ભાજપ, રાજ્યમાં મુખ્યમંત્રીઓ ગાદલાનો ઓસાળ બદલવાનો હોય એમ બદલ્યા રાખે છે. યેદિયુરપ્પાએ કર્ણાટકમાં અહર્નિશ મહેનત કરી હતી અને કોંગ્રેસ વત્તા જેડીએસની ગઠબંધનરૂપી સરકારનો ઢગલો કરી નાખ્યો હતો. કુમારસ્વામીને હટાવી સત્તા પર યેદિયુરપ્પા આવ્યા, પણ બિચારા યેદિના હાથમાં સત્તાનો લાડવો ટક્યો નહીં. હાલમાં જ તેમની જગ્યાએ નવા મુખ્યમંત્રી તરીકે વસવરાજ બોમ્મઇને નિમણૂક કરવામાં આવી.

આ જ રીતે માર્ચ મહિનામાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહનું રાજીનામું પડી ગયું. તેમના પછી તીરથ સિંહ રાવતને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. તેઓ પણ પોતાના નિવેદનોથી ચર્ચામાં રહ્યા હતા. ખાસ મહિલા અને જીન્સના નિવેદનથી. ગણતરીના દિવસોમાં જ તીરથને હટાવી પુષ્કરસિંહ ધામીને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા.

અને ગઈકાલે વિજયભાઈ રૂપાણીનું રાજીનામું પડી ગયું. આ વર્ષે ભાજપ અન્ય કારણોથી ચર્ચામાં તો રહ્યું જ છે, પણ મુખ્યમંત્રીઓ બદલવાથી પણ ચર્ચામાં રહ્યું છે. વિજય રૂપાણીના રાજીનામાથી સવાલ ઉભા થઇ રહ્યા છે કે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપની આ નવી રણનીતિ છે કે પછી મજબૂરીથી મુખ્યમંત્રીનું પરિવર્તન કરવું પડી રહ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments