Homeતાપણુંશું આ ચાર કારણોથી ગુજરાતમાં વિજયના વળતા પાણી થયા?

શું આ ચાર કારણોથી ગુજરાતમાં વિજયના વળતા પાણી થયા?

Team Chabuk-Political Desk: આનંદીબહેન પટેલ વખતે જે પાટીદાર અનામત આંદોલનનું તોફાન ચાલ્યું અને આનંદીબહેનની સત્તા ચાલી ગઈ તેવું વિજયભાઈના કિસ્સામાં કંઈ નથી થયું. નાના મોટા છમકલાઓ તો દરેક સરકાર વખતે થતાં જ હોય છે, વિજયભાઈ રૂપાણીની સરકારમાં પણ એવું થયું હતું. સંવેદનશીલ અને વિજયભાઈ તો એટલું ચાલ્યું કે એ એકબીજાના પર્યાયવાચી શબ્દ તરીકે લેખાવા લાગ્યા હતા.

પેટા ચૂંટણીઓ આવતા કોંગ્રેસના કેટલાય દિગ્ગજોની વિકેટો પડી ગઈ હતી અને સરકારમાં તેમને સ્થાન મળી ગયું હતું. આમ હોલેહોલે વિજયભાઈની 2017ની 97સીટ વાળી સરકાર પોતાના કદમાં વૃદ્ધિ કરતી ગઈ. વચ્ચે કેટલાક મુદ્દાઓએ વિજયભાઈ અને તેમની સરકારને ઘેર્યાં. જેમાંથી પણ તેઓ બચવામાં સફળ થયા. જો વિજયભાઈ રૂપાણીની સરકાર આવા મુદ્દાઓથી બચી ગઈ હોય અને કોઈ મોટું તોફાન સિવાય કે તાઉતે તેમની પાંચ વર્ષની મુખ્યમંત્રી તરીકેની કારકિર્દીમાં આવ્યું ન હોય તો સ્પષ્ટ છે કે તેમનું રાજીનામું તેમની નબળી કામગીરીના કારણે જ લેવાયું હોય. અત્યારે તો માત્ર અટકળો જ ચાલી રહી છે કે આ આ કારણો વિજયભાઈના ખુરસીમાંથી ખસકવાના હોય શકે.

કોરોનાએ ખુરસીનો પાયો તોડી નાખ્યો

ગુજરાતમાં જ નહીં પણ કેટલાય એવા રાજ્યો હતા જ્યાં કોરોના મહામારીમાં મુખ્યમંત્રીઓ પોતાની ફરજ નિભાવવામાં સદંતર નીષ્ફળ નીવડ્યા હતા. ગુજરાત પણ તેમાંથી એક જ હતું. રેમડેસિવિર, હોસ્પિટલની સુવિધા, ખાટલાની કટોકટી, ઓક્સિજનની અછત સહિતની કેટલીય ખામીઓ ઉડીને આંખે વળગી હતી. ઉપરથી સરકારનું બેફામ નિવેદન કે ગુજરાતમાં ઓક્સિજનની ઉણપથી કોઈનું મૃત્યુ થયું નથી. એ પછી તો જનતાનો રોષ ભભૂક્યો હતો. અલબત્ત રસ્તામાં નહીં તો સોશિયલ મીડિયા પર તો જ્વાળામુખી ફાટ્યો જ હતો. વિજય રૂપાણીની ખુરસી આચકવામાં કોરોનાની મહત્ત્વની ભૂમિકા રહી છે. મોટી સમસ્યા હોય ત્યારે જ ખરી અગ્નિપરીક્ષા થાય અને વિજયભાઈની સરકાર એ પરીક્ષામાં ઉતીર્ણ નહોતી થઈ શકી.

એન્ટી ઈન્કમ્બન્સીનો ડર

હાલમાં જ વડાપ્રધાને કેન્દ્રિય મંત્રીઓને ગુજરાતમાં મોકલ્યા હતા, જ્યાં કેન્દ્રિય મંત્રીઓ જનસંવેદના યાત્રાના નામે ગુજરાતભરમાં ફર્યા. જનસંવેદના ના નામે મંત્રીઓએ આંતરિક સર્વે કર્યો હતો. અહીં તેમને જનતાની આંખમાં વિરોધનો જુવાળ જોવા મળ્યો હતો. એન્ટી ઈન્કમ્બન્સીનો ડર હતો. વિજય રૂપાણીની વિદાય પાછળ જનતાનો રોષ પણ એટલો જ જવાબદાર છે.

પ્રથમ ચૂંટણી

વિજયભાઈ રૂપાણીને પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરવા માટે અને પોતાનું કદ મુખ્યમંત્રી માટે શોભાયમાન છે તે દર્શાવવા 2017માં તક મળી હતી. 2017ની ચૂંટણી સમયે કોંગ્રેસ પાસે મુદ્દા હતા અને તે મજબૂત હતી. બીજી બાજુ હાર્દિક પટેલનું તોફાન હતું. અલ્પેશ અને જિજ્ઞેશ પણ મેદાનમાં હતા. આવી કટોકટી ભરેલી સ્થિતિમાં વિજય રૂપાણીની અગ્નિપરિક્ષા થઈ અને તેઓ પરાજીત તો ન થયા પણ ભાજપના શ્વાસ અદ્ધર અચૂક થઈ ગયા હતા. સૌરાષ્ટ્રમાં ભાજપનો સફાયો થઈ ગયો હતો અને કોંગ્રેસનો હાથ ઉપર હતો. ભાજપને 97 બેઠકો મળી હતી. એ પછી તો જોડતોડની રાજનીતિમાં ભાજપનું સંખ્યાબળ વધ્યું પણ 97નો આંકડો વિજય રૂપાણી માટે થોડો ખતરનાક હતો. સી.આર.પાટીલ પહેલાથી જ એલાન કરી ચૂક્યા છે કે આ વખતે 150 ઉપર સીટ કરવી છે. એટલે કે કોંગ્રેસના માધવસિંહ સોલંકીનો કિર્તીમાન તોડવા માટે ભાજપે કમરકસી લીધી છે. જો 97 સીટ જીતાડનારા વિજયભાઈ હોય તો આ ક્યાંથી શક્ય બને?

વિવાદમાં રૂપાણી

જીતુભાઈ વાઘાણીની વિદાય થઈ. તેમની વિદાય થોડી આકરી એટલા માટે હતી કે અલ્પેશ અને ધવલસિંહ ઝાલા જેવા નેતાઓ પણ પોતાના વિસ્તારમાં નબળી કોંગ્રેસ સામે પરાજય પામ્યા હતા. સી.આર.પાટીલ ભાજપના નવા અધ્યક્ષ બન્યા અને તેમની અને રૂપાણી વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો હોવાની ચર્ચાઓ સામે આવતી રહેતી હતી. આ વિવાદ ભરપૂર સપાટીએ ગુજરાતમાં આઠ સીટો પર યોજાયેલી પેટા ચૂંટણી વખતે આવ્યો હતો. તમામ સીટો ભાજપ જીતી ગઈ અને સારાવાના થયા પણ વિવાદનો કોંગ્રેસે ફાયદો ઉઠાવ્યો અને ભાઈ અને ભાઉની લડાઈમાં… જેવા નિવેદનો આપી મત ખેંચવાના પ્રયાસો કર્યા. એક સમયે તો સી.આર.પાટીલ એવું પણ કહેતા હતા કે આગામી ચૂંટણી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં લડાશે પણ આજે એ ચિત્રનું પણ વિલોપન થઈ ચૂક્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments