Team Chabuk-Political Desk: ઉત્તર પ્રદેશમાં જિલ્લા પંચાયતની ચૂંટણીનું પરિણામ સામે આવી ગયું છે. ભારતીય જનતા પાર્ટીને 75માંથી 67 સીટો મળી છે. અર્થાત્ પ્રદેશમાં યોગીનો જાદુ બરકરાર છે. જિલ્લા પંચાયતની 53 સીટો માટે આજે મત ગણતરી થઈ હતી. જેમાંથી એટા, સંતકબીરનગર, આઝમગઢ, બલિયા, બાગપત, જૌનપુર અને પ્રતાપગઢને છોડીને તમામ જિલ્લાઓમાં ભાજપની પાર્ટીનો ભવ્યાતિભવ્ય વિજય થયો છે.
વિપક્ષી સમાજવાદી પાર્ટી (સપા)ના ઉમેદવારોએ એટા, બલિયા, સંતકબીરનગર અને આઝમગઢમાં જીત મેળવી છે. જૌનપુરમાં અપક્ષ, બાગપતમાં રાષ્ટ્રીય લોક દળ(એલઆરડી) અને પ્રતાપગઢમાં જનસત્તા દળના ઉમેદવારોનો વિજય થયો છે. આ પહેલા 22 જિલ્લાઓમાં પંચાયત અધ્યક્ષની ચૂંટણી યોજાઈ હતી જેમાં 21 પર ભાજપ અને એક પર સમાજવાદી પાર્ટીનો વિજય થયો હતો. આ રીતે 67 જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટી, પાંચ જિલ્લાઓમાં સમાજવાદી પાર્ટી અને એક-એક સીટ પર જનસત્તા દળ, રાષ્ટ્રીય લોકદળ અને એક સીટ પર અપક્ષ ઉમેદવારને જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ વિજયી ઉમેદવારોને ટ્વીટર પર શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ભાજપની જીતનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની લોક કલ્યાણકારી નીતિઓને આપતા કહ્યું હતું કે, આ પ્રદેશમાં સ્થાપિત સુશાસનનાં પ્રત્યે જનતાનો વિશ્વાસ પ્રદર્શિત કરે છે. સીએમ યોગી આદિત્યનાથે વિજેતા ઉમેદવારોને ઉજ્જવળ કાર્યકાળની શુભકામનાઓ પણ પાઠવી હતી અને જણાવ્યું હતું કે, આપ સૌની જીત પંચાયતી રાજ્ય વ્યવસ્થાને અત્યાધિક મજબૂત બનાવશે.
બાગપતમાં રાષ્ટ્રીય લોકદળના ઉમેદવારોને જીત મળી હતી. લખમીપુર ખીરીથી ભાજપના ઉમેદવાર ઓમ પ્રકાશ ભાર્ગવ વિજેતા બન્યા હતા. આ રીતે જ સોનભદ્રથી ભાજપ ગઠબંધનના સહયોગી એવા અપનાદળના રાધિકા પટેલ વિજય થયા હતા. અલીગઢમાં પણ ભાજપના જ ઉમેદવારને જીત પ્રાપ્ત થઈ હતી. ભાજપની શીતલ સિંહ સિદ્ધાર્થનગરમાં વિજય ઘોષિત થઈ હતી. તો એટામાં સમાજવાદી પાર્ટીની રેખા યાદવે જીત મેળવી હતી.
કોંગ્રેસના ગઢ રહી ચૂકેલા અમેઢીમાં પણ કમળ ખીલ્યું હતું. ભાજપની ટિકિટ પર જિલ્લા પંચાયત અધ્યક્ષની ચૂંટણીમાં ઉતરેલા રાજેશ અગ્રહરિ વિજેતા બન્યા હતા. બીજી બાજુ ફિરોઝાબાદમાં સમાજવાદી પાર્ટીની રૂચિ સિંહ યાદવને બીજેપીની હર્ષિતા સિંહે હરાવી હતી. હાર બાદ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ચોધાર આંસુએ રડી પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશની ચૂંટણી ટૂંક સમયમાં થવાની છે. એવામાં આ પરિણામો યોગી આદિત્યનાથ અને ભાજપ માટે સુપરહીટ ટ્રેલર સમાન સાબિત થયા છે. ઉત્તર પ્રદેશને ભાજપ રામ મંદિર બાદ પોતાનું ‘લેન્ડ’ બનાવવા માગે છે. તેવામાં આ ચૂંટણીના પરિણામો ભાજપ માટે ખુશી તો અન્ય પાર્ટીઓ માટે ચિંતન શિબીરો યોજવાની ક્ષણ લઈ આવ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત