ઝાલવાડી જલજીરા: ધરમવીર ફિલ્મમાં પોતાના કદ કરતા મોટો હથોડો લઈ ધડાંગ કરી ફટકારતા બાળ બોબી દેઓલના દર્શન થયેલા. 1995માં એડલ્ટ બોબી દેઓલ આવ્યો. લાંબા વાળ હતા. ચોકલેટી લૂક હતો. સ્ટાઈલીશ જેકેટ હતી. એક્શન અવતાર હતો. રોમેન્સ કરી જાણતો હતો. ડાન્સમાં જે પિતા અને ભાઈ ન કરી શક્યા તે કરી શકતો હતો. અભિનયમાં એટલો બધો પાકો નહીં. તોપણ બોબીજીનું સ્વાગત કરવામાં આવ્યું. એક ઈન્ટરવ્યૂમાં બોબી કહે છે, ‘અમે ફિલ્મોમાં આવ્યા તો એવું નહીં કે એક દિવસ આરામથી બેઠાં હતાં અને વિચાર્યું ને આવી ગયા. બીજા બધા વિશે મને ખ્યાલ નથી પણ મારી તો ખૂબ ટ્રેનિંગ થઈ હતી. પપ્પાએ મારી પાસે તનતોડ મહેનત કરાવી હતી. મારી પ્રથમ ફિલ્મ પહેલા હું ડાન્સની ટ્રેનિંગ લેવા જતો હતો. ઘોડેસવારી કરતો હતો. જુહુમાં બાઈક ચલાવતો હતો. ત્યાં જ સલમાન ખાન પણ આવતા હતા. અમારી મિત્રતા પણ ત્યારની જ છે.’
આમાં બોબીનો કોઈ વાંક નહોતો. બોબીએ અભિનય સિવાયના બીજા પાસાઓ પર ખૂબ ધ્યાન આપ્યું, કારણ કે 90Sમાં એ બધું ચાલતું હતું. અભિનયના ઉસ્તાદો હતા પણ એ આર્ટ ફિલ્મો જોવા તો કોણ જાય? આર્થિક ઉપાર્જન માટે આવી ફિલ્મો બનાવવામાં આવતી જેની કમાણીથી બીજી બે ચાર ફિલ્મો બનાવી શકાય. બોબીની પહેલી ફિલ્મ બરસાત 10 કરોડમાં બની હતી અને 40 કરોડની કમાણી કરી ગઈ હતી. આજે 2021માં આ લખાય છે ત્યારે તે કિંમત 250 કરોડ પ્લસ તો ગણવી જ. મનોરંજનનું માધ્યમ થીએટર હોય અને ટીવીમાં તો એકાદ વર્ષ પછી આવે. ઉપરથી બ્લેકનો જમાનો ખરો!
બોબી દેઓલ ધરમવીર ફિલ્મમાં ધર્મેન્દ્રના બાળપણનું કિરદાર પ્લે કરી પાછા ફરી રહ્યા હતા. સાથે પપ્પા હતા. નાના બોબીએ પપ્પાને ફરિયાદ કરી કે તમે અભિનય તો કરાવી લીધો પણ ફી તો ન આપી. ધર્મેન્દ્રને પણ લાગ્યું કે, ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પ્રથમ ફિલ્મ છે તો પૈસા આપવા જોઈએ. તેમણે ખિસ્સામાં હાથ નાખ્યો અને સો સો રૂપિયાની એક થપ્પી હતી તે બોબીને આપી દીધી. બોબીએ ઘરે જઈ તે પૈસા પોતાની દાદીને આપી દીધા અને દાદીએ તેના માથે ફેરવી ઘરમાં કામ કરનારા નોકરોમાં એ પૈસા વહેંચી દીધા. આ હતી બોબીની પહેલી કમાણી.
દીકરાને ધામધૂમથી લોન્ચ કરવો એવો ધર્મેન્દ્ર નિર્ધાર કરી ચૂક્યા હતા. 1990માં ધર્મેન્દ્રએ દીકરા પર મહેનત કરવાની શરુ કરી દીધી. ફળ સ્વરૂપે બરસાત ફિલ્મ બોબીને મળી. એ સમયે ફિલ્મનું પ્રથમ શીર્ષક બાદલ હતું. જે નાયકનું ફિલ્મમાં નામ છે. ફિલ્મની પહેલી હીરોઈન પણ કરિશ્મા કપૂર હતી.
અખબારોમાં જે પ્રકાશિત થાય તે સાચું માની લેવાની માનસિકતા થઈ ગઈ હતી, એવું જ મેગિઝનનું હતું. એક સામાયિકમાં ધર્મેન્દ્ર અને કરિશ્માની રોમેન્ટીક તસવીર છપાઈ અને હિન્દી ઉદ્યોગ જગત કરિશ્માને ફિલ્મો આપવા લાગ્યું. કરિશ્મા અને બોબીએ ત્રણ અઠવાડિયા સુધી બાદલ નામે બનતી ફિલ્મની શૂટિંગ કરી હતી. બાદમાં દિગ્દર્શક શેખર કપૂર ફિલ્મ છોડી ચાલ્યા ગયા. શેખરની વિદાયથી કરિશ્માની માતા બબીતા ચિંતિત થઈ ગઈ. તેમણે નક્કી કર્યું કે પુત્રીને કે. મુરલી મોહન રાવની ફિલ્મ પ્રેમ કેદીથી લોન્ચ કરવી. બાદલ ફિલ્મની ખૂબ વાત થતી હતી, એવામાં કરિશ્મા છોડીને ચાલી ગઈ એટલે નવી હીરોઈનની શોધ કરવાની હતી. આ બાજુ દર્શકોને નામ જૂનું ન લાગે એ માટે બાદલને બરસાત ટાઈટલ આપી દેવામાં આવ્યું. દિગ્દર્શક તરીકે એન્ટ્રી થઈ રાજકુમાર સંતોષીની.
આ ફિલ્મે શીર્ષક મુદ્દે ખૂબ સંઘર્ષ કર્યો છે. પ્રથમ ટાઈટલ બાદલ હતું. તેમાંથી જાન કર્યું. તેમાંથી મેરી જાન કર્યું. થોડા દિવસ પછી ટાઈટલ જીત કરી દેવામાં આવ્યું. કોઈએ કહ્યું સાતવાં આસમાન, તો એ પણ રાખ્યું. પછી પિતા ધર્મેન્દ્ર મેદાનમાં ઉતર્યાં અને કહ્યું સાતોં જહાં રાખો. આ ટાઈટલ એ સમયે દિગ્દર્શક કમાલ અમરોહીએ પોતાના પ્રોડક્શન હાઉસ માટે રજીસ્ટર્ડ કરાવીને રાખ્યું હતું. તેમની અને ધર્મેન્દ્રની વચ્ચે આંતરિક ખટરાગ ચાલતો હોવાથી તેમને આપવામાં ન આવ્યું. ધર્મેન્દ્રને એક જાન ટાઈટલ પણ બહુ ગમ્યું હતું. એ શીર્ષક સુભાષ ઘાઈ પાસે રજીસ્ટર્ડ હતું. તેમણે ઘસીને ના પાડી દીધી. આખરે બરસાત પર વાત આવી અટકી ગઈ.
કરિશ્મા બાદ ફિલ્મ માટે સોમી અલી, લીઝા રે, મધુ સપ્રે, રાજેશ્વરી, લુમ્બા અને ભાગ્યશ્રીની બહેન પૂર્ણિમા સિવાય ખૂદ ધર્મેન્દ્રએ પાકિસ્તાનની એક છોકરી સોમલનું પણ ઓડિશન લીધું હતું. અંતે ફિલ્મ હાથમાં આવી રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની પુત્રી ટ્વીકલ ખન્નાના હાથમાં. અક્ષય કુમારે કપિલ શર્માના શોમાં કહ્યું હતું કે, ‘મારી પત્નીએ 13 ફિલ્મો કરી જેમાંથી 12 ફ્લોપ આપી ઈન્ડસ્ટ્રી છોડી દીધી.’
આ ફિલ્મ કથાની દૃષ્ટીએ આજે નહીં ભાવે. ફિલ્મમાં મી ટુનો કન્સેપ્ટ વર્ષો પહેલા એડ કરવામાં આવ્યો હતો. વિલન ખતરનાક છે. ડેની ભાઈ છે તો સામે મુકેશ ખન્ના પણ છે. કોમેડી થકી ગામડા અને શહેર વચ્ચે પ્રવર્તતા મતભેદો દર્શાવ્યા છે. અમીરી અને ગરીબી વચ્ચે પાંગરતી બાગી પ્રેમીઓની કહાની છે. 5 ઓક્ટોબર 1995માં રિલીઝ થયેલી આ બરસાત પછી બોબીએ 19 ઓગસ્ટ 2005માં પણ એક બરસાત કરી હતી. જેનું દિગ્દર્શન સુનીલ દર્શને કર્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત