Homeસિનેમાવાદએક એન્જિનિયરે કોલેજમાં જે જોયું તે લખી નાખ્યું અને બનાવી ‘મિન્નલે’

એક એન્જિનિયરે કોલેજમાં જે જોયું તે લખી નાખ્યું અને બનાવી ‘મિન્નલે’

ઝાલાવાડી જલજીરા: મણિરત્નમની નવરસ નામની વેબ સિરીઝ છે. તેમાં એક રસ શાન્તિનો છે. શાન્તિના રસમાં એક કાળો, લાલચોળ આંખો, ટૂંકા વાળમાં અભિનય કરતો જુવાન દેખાય છે. એ જુવાન ખરેખર પ્રોઢ છે. જે ત્રણ લોકોની મર્યાદિત ટૂકડીનો વડો છે. તેનું નામ ગૌતમ વાસુદેવ મેનન. લવ સ્ટોરી ફિલ્મો બનાવવા માટે પંકાયેલા છે. નવરસ સિરીઝમાં જ તેમના ભાગે પ્રેમરસ હાથમાં આવ્યો. પ્રેમરસમાં તેઓ દુધની જેમ ઉફાણ લાવ્યા છે. એક દિવાના થા, કાખા કાખા (હિન્દીમાં ફોર્સ) જેવી પ્રેમ અને બદલાની કેટલીય વાર્તાઓ તેમણે આપણી સામે રાખી.

આ દિગ્દર્શક મૂળ તો એન્જિનિયરિંગનો વિદ્યાર્થી. એન્જિનિયરિંગ કરતા હતા એ સમયે તેમને ફિલ્મ લાઈનમાં ઘુસવાની ઈચ્છા થઈ ગઈ. તેમણે પરિવારને કહ્યું કે, એન્જિનિયરિંગમાં તો કંઈ કરવા નથી માગતો, બસ એક વખત ફિલ્મો પર હાથ અજમાવવા માગે છે. પરિવારના લોકોએ પુત્રને ટેકો આપ્યો. આ લાઈનની આગળ જે છે એ બધું તમને એક દિવાના થા ફિલ્મમાં જોવા મળશે. થોડા ટ્વીસ્ટ સાથે ગૌતમે પોતાના જ જીવનની વાર્તા આપણી સામે રાખી છે.

ફિલ્મનો શોખ પૂર્ણ કરવા ગૌતમ રાજીવ મેનનની પાસે ગયા. આસિસ્ટન્ટ બન્યા. જ્યારે આસિસ્ટન્ટ હતા ત્યારે પોતાની એક વાર્તા પર પણ તેઓ કામ કરી રહ્યા હતા. રાજીવ મેનનની ફિલ્મની પૂર્ણાહુતિ થતાં જ તેઓ પોતાની ફિલ્મની તૈયારીમાં લાગી ગયા. સામાન્ય રીતે આસિસ્ટન્ટ દિગ્દર્શકો પાંચથી છ ફિલ્મોમાં સહાયકની ભૂમિકા ભજવી ડગ માંડતા હોય છે. ગૌતમ આટલી રાહ જોવા નહોતા માગતા.

તેમણે લખેલી વાર્તા કોલેજની પ્રેમ કહાની હતી. એન્જિનિયરિંગના દિવસોમાં તેમણે અનુભવી હતી. એક અભિનેતાની જરૂર હતી, જે અભિનેતા તેમને મળ્યો તે પણ એન્જિનિયર જ હતો. તેમની માફક મેકેનિકલ એન્જિનિયરિંગ જ કરી ચૂક્યો હતો. હીરો આર.માધવન. આર.માધવને ત્યાં સુધીમાં અપની બાત અને ઘર જમાઈ જેવી ટીવી સિરીયલોમાં કામ કર્યું હતું. મણિરત્નમના દિગ્દર્શનમાં બનેલી અલૈપાયુદે તેની પ્રથમ સફળ ફિલ્મ હતી. ફિલ્મમાં માધવને રોમેન્ટીક હીરોનું પાત્ર ભજવ્યું હતું. ગૌતમને માધવન સિવાય આ પાત્રમાં કોઈ ફીટ નહીં બેસે એવું લાગ્યું.

ગૌતમ માધવનની પાસે પહોંચ્યા. માધવને કથા સાંભળી અને પછી મણિરત્નમને પૂછ્યું કે, ‘હું આ ફિલ્મ કરું કે ન કરું?’ મણિરત્નમને વાર્તા નબળી લાગતી હતી. જેથી તેમણે માધવનને સલાહ આપી કે સ્કિપ કરી દે. માધવનને તો મનમાં જ આ ફિલ્મ કરવાના ઓરતા જાગ્યા હતા. એણે ફિલ્મ માટે મણિરત્નમની જ બીજી સલાહ માની. મણિરત્નમે કહ્યું હતું, ‘ચાર ફિલ્મ ભલે બીજા માટે કરો પણ એક ફિલ્મ પોતાના માટે પણ કરો.’ માધવને ગૌતમને હા કરી દીધી.

માધવન અલૈપાયુદ ફિલ્મ કરી સફળ થઈ ગયો હતો. તેના પર બધા પ્રોડ્યુસર્સ પૈસા લગાવવા માગતા હતા, પણ દિગ્દર્શક પર લગાવવા નહોતા માગતા. દિગ્દર્શક નવોસવો હતો. માધવન અને ગૌતમે ઘણા પ્રોડ્યુસર્સને ત્યાં ચપ્પલ ઘસ્યાં પણ કંઈ થયું નહીં. આખરે ડોક્ટર મુરલી પાસે ગયા જેમણે એશ્વર્યાની ફિલ્મ જીન્સ પ્રોડ્યુસ કરી હતી. માધવને તેમને કહ્યું કે, ‘દિગ્દર્શક, આર્ટ ડિરેક્ટર, મ્યુઝિક ડાયરેક્ટર બધા નવા છે.’ મુરલી ચિંતામાં ગરકાવ થઈ ગયા પણ માધવને તેમને કહ્યું, ‘તમારા પૈસા ડૂબશે નહીં. વિશ્વાસ રાખો…’ મિન્નલે નામથી ફિલ્મ રિલીઝ થઈ અને સુપરહીટ ગઈ. હિન્દીમાં પણ બનાવવામાં આવી. રહેના હૈ તેરે દિલ મે.

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments