Team Chabuk-Cinema Desk: રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને ખ્યાતિપ્રાપ્ત અભિનેત્રી સુરેખા સીકરીનું હ્રદયરોગના હુમલાના કારણે 75 વર્ષની વયે નિધન થયું છે. તેઓ બાલિકા વધુ સિરીયલમાં દાદી સાની ભૂમિકાને લઈ ઘરે ઘરે જાણીતા બન્યા હતા. સુરેખાજીએ આયુષ્માન ખુરાના સાથે બધાઈ હો ફિલ્મમાં કામ કર્યું હતું. એ બાદ તેમની પાસે કોઈ મોટો પ્રોજેક્ટ નહોતો. ગત્ત વર્ષે તેમણે મહારાષ્ટ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલ 65 વર્ષથી અત્યાધિક ઉંમરના અભિનેતાઓ પરનો પ્રતિબંધ હટાવવાની માગણી કરી હતી.
સુરેખા સીકરીને પહેલા 2018માં મહાબળેશ્વર ખાતે એક ટીવી શોનાં શૂટિંગ દરમિયાન બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. તેઓ જમીન પર પડી જતાં માથાના ભાગે ઈજા પહોંચી હતી. એ સમયે ચર્ચા હતી કે તેમને પક્ષઘાતનો હુમલો આવ્યો છે. જોકે સમય જતા તેઓ પુન: સ્વસ્થ થઈ ગયા હતા અને કામ પર લાગી ગયા હતા. લોકડાઉન દરમ્યાન તેમને બીજી વખત સ્ટ્રોક આવ્યો હતો. તેમને ICUમાં દાખલ કરવા પડ્યા હતા. ડોક્ટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, મગજના ભાગે બનેલ બ્લડ ક્લોટ દવાઓ આપવાથી હટી ગયું હતું.
પોતાના સંઘર્ષના સમયને યાદ કરતા એમણે કહેલું કે, ‘જાહેરાતો આવે છે પણ એ પર્યાપ્ત નથી. મારે વધારે કામ કરવું પડશે, કારણ કે દાક્તરી સારવારના ખર્ચ સિવાય પણ મારા અગણિત ખર્ચાઓ છે. લોકોએ મારી આર્થિક મદદ કરવાની કોશિશ કરી છે. હું તેમની આભારી છું. જો કે મેં કોઈ પાસેથી આર્થિક મદદ લીધી નથી. મને કામ આપો હું સન્માનથી પૈસા કમાવા ઈચ્છું છું.’
સુરેખા સીકરી થીએટર, ફિલ્મ અને ટેલિવિઝનનો સૌથી ચર્ચાસ્પદ ચહેરો રહ્યા. નાના અને મોટા પડદા પર 50 વર્ષનો તેમનો કાર્યકાળ રહ્યો હતો. ઉત્તર પ્રદેશમાં જન્મેલા સુરેખાજીએ 1971ની સાલમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રવેશ મેળવી પોતાના અભિનયની ધાર કાઢી હતી. 1978ની સાલમાં આવેલી ફિલ્મ કિસ્સા કુર્સી કાથી તેમણે અભિનયમાં ડગ મૂક્યા હતા. આ ફિલ્મમાં તેમના પાત્રનું નામ મીંરા હતું. ફિલ્મના દિગ્દર્શક અમૃત નાહ્ટા હતા. એ પછી આર્ટિસ્ટિક ફિલ્મોમાં કામ કર્યું. જેવા કે સલીમ લંગડે પે મત રો, સરફરોશ, સરદારી બેગમ અને રેનકોટ. તમસ, મમ્મો અને બધાઈ હો જેવી ફિલ્મોમાં ઉત્કૃષ્ટ અભિનય કરતા બેસ્ટ સહાયક અભિનેત્રીના રોલ માટે નેશલન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
થોડા સમય માટે તેઓ ફિલ્મોથી નોખા થઈ ગયા અને સિરીયલોમાં કામ કરવા લાગ્યા. બનેગી અપની બાત, પરદેસ મેં હૈ મેરા દિલ અને બાલિકા વધુ ખાસ છે. આયુષ્માન ખુરાનાની બધાઈ હો અને છેલ્લે ઝોયા અખ્તરની શોર્ટ હોરર ફિલ્મ ઘોસ્ટ સ્ટોરિઝમાં તેમણે જ્હાનવી કપૂરની સાથે કામ કર્યું હતું. ઉંમર થઈ ગઈ હોવા છતાં, અભિનયથી ઉર્જાવાન બની તેમણે કોઈ પણ પ્રકારના મેકઅપ વિના દર્શકોને ડરાવ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત