Homeસિનેમાવાદઆલોકનાથ: જેની પહેલી ફિલ્મે 8 ઓસ્કર એવોર્ડ જીત્યા હતા અને પછી બાબુજી...

આલોકનાથ: જેની પહેલી ફિલ્મે 8 ઓસ્કર એવોર્ડ જીત્યા હતા અને પછી બાબુજી બનીને રહી ગયા

ઝાલાવાડી જલજીરા: હિન્દી સિનેમામાં એક બાબુજી છે. માતાજીઓ અનહદ લોકપ્રિય થઈ. જ્યારે માતૃત્વ દિવસનો પ્રસંગ આવે છે ત્યારે સમાચારમાં કઈ માતાઓ શ્રેષ્ઠ આ ઉપક્રમે એક મહાન આર્ટિકલની રચના થાય છે. જોકે પિતૃત્વ દિવસે હિન્દી સિનેમાનાં શ્રેષ્ઠ પિતાજી કોણ?

ઘણા બધા છે. એમાંથી એક ચહેરો જે આંખો મીંચો અને સામે આવી જાય તે સંસ્કારી બાબુજી આલોકનાથ. 2017માં તેમના પર અઢળક મીમ્સ બન્યા. મીમ્સનું ઘોડાપૂર આવી ગયું જે આજે પણ આથમ્યું નથી. આલોકનાથે હિન્દી સિનેમામાં શરૂઆત તો એક રોમેન્ટીક હીરો તરીકે કરી હતી. આજે તો કોઈ એન્ગલથી એવું ન લાગે કે આલોકનાથ રોમેન્સ કરતા હીરો હશે.

તેમની વાણીમાં દીકરી માટે પ્રેમનો વિસ્ફોટ જોવા મળે. પુત્ર માટે અપરંપાર અનુરાગ જોવા મળે. પુત્ર અને પુત્રી તેમની પરંપરાનું વિચ્છેદન કરી જ્યારે ત્રીજો રસ્તો કાઢે ત્યારે તે રડી રડીને આખું થીએટર ગજવી મૂકે. આ આલોકનાથની આવી સાહિત્યિક વાતો આપણે આજે શું કામે કરીએ છીએ? આલોકનાથજીનો આજે જન્મદિવસ છે.

જે સમયે દીકરી સાપનો ભારો જેવી વાતો સમાજમાં થતી હતી ત્યારે આલોકનાથજીએ પડદા પર દીકરીને ભરપૂર વાત્સલ્ય આપી સમાજમાં દીકરીનું મહત્ત્વ સમજાવ્યું હતું. માવતર કમાવતર ન થાય એ કહેવતની પરિપૂર્તિ કરી બતાવી હતી. ચિત્રપટ એક એવું માધ્યમ કે તેનાં લાગણીના પ્રવાહમાં બધા તરી જાય. આલોકનાથે સૌને ‘પ્રેમ’થી તરાવી કિનારે પહોંચાડી દીધા.

10 જૂલાઈ 1956નાં રોજ આલોકનાથનો જન્મ થયો. પિતા એક ડોક્ટર હતા અને માતા ગૃહિણી હતા. પિતાની એવી અદમ્ય ઈચ્છા હતી કે પુત્ર પણ તેમના રસ્તે ચાલી દાક્તર બને. આલોકનાથે શાળાકીય ભણતર અને સ્નાતક દિલ્હીમાંથી કર્યું. કોલેજમાં આવ્યા બાદ તેમનું મન અભિનય બાજુ વળવા લાગ્યું. પડદા પર સંસ્કારી પિતા બનનારા આલોકનાથ ખૂદનાં પિતાના સ્વપ્નનો છેદ ઉડાવી ગયા.

કોલેજમાં તેઓ રૂચિકા થીએટર ગ્રુપમાં જોડાયા. ત્રણ વર્ષ સુધી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભ્યાસ કર્યો. કોમળ અભિનય શીખ્યો! થીએટરમાં જે અભિનયની સર્વાંગલક્ષી તાલીમ તેમને મળી તે આજે પણ તેઓ બખૂબી નિભાવે છે. મોટા પડદા પર તો પિતા તરીકેની છબી કાયમ રાખી પણ છેલ્લે છેલ્લે તો નાના પડદા પર પણ પિતા બન્યા. 140 ફિલ્મો અને 15થી વધારે ટીવી સિરિયલમાં આલોકનાથ કામ કરી ચૂક્યા છે. મોટાભાગના પાત્રો તેમણે પિતાના ભજવ્યા છે.

એમની પહેલી ફિલ્મ હોલિવુડની ગાંધી હતી. રિચાર્ડ એટનબરો તેના દિગ્દર્શક હતા. આલોકનાથે આ ફિલ્મમાં તૈયબ અહેમદનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મે આઠ ઓસ્કર એવોર્ડ જીત્યા હતા. જોકે આલોકનું પાત્ર નાનું હોવાથી અને ફિલ્મમાં તેમના સિવાય અધધધ કલાકારો હોવાથી તેઓ ક્યાં મુખ્યધારામાં આવવાના હતા. આ ફિલ્મ રિલીઝ થયા પછી તેમને પાંચ વર્ષ બાદ હિન્દી ફિલ્મોમાં નાના નાના રોલ મળવા લાગ્યા.

ગાંધી બાદ આલોકનાથ મુંબઈ આવી ગયા. બીજી ફિલ્મ તેમને પાંચ વર્ષ સુધી નહોતી મળી. સંઘર્ષનો સમય હતો. બે વર્ષ નદિરા બબ્બરની સાથે થીએટરમાં કામ કર્યું. ફરી આલોકનાથને એક ફિલ્મ મળી. ફિલ્મનું નામ મશાલ. ખૂબ નાનો રોલ હતો. ધીમે ધીમે આલોકનાથ રોમેન્ટીક હીરોની ઈમેજ બનાવતા જતા હતા. 1987માં આવેલી ફિલ્મ કામાગ્નિમાં તેમણે રોમાન્સ પણ કર્યો અને હોટ સીન્સ પણ આપ્યા. એક તરફ શરીર સૌષ્ઠવ ધરાવતા હીરો અને બીજી બાજુ ફાંદ વધારેલા આલોકનાથ. આવો હીરો ચાલે?

વિનાશક, ષડયંત્ર, બોલ રાધા બોલમાં તેમની હાલની ઈમેજથી વિરૂદ્ધ દિશામાં કાંટો દોડાવ્યો અને વિલન બન્યા. આ એ વખત હતો જ્યારે તેઓ કોઈ પણ રોલ નિભાવતા હતા. જોકે દર્શકોને તેઓ માત્ર અને માત્ર સકારાત્મક રોલમાં જ પસંદ આવ્યા. આલોકને સૌ પહેલા જીતેન્દ્રના પિતા બનવાની ઓફર થઈ હતી. જીતેન્દ્ર એમનાથી 14 વર્ષ મોટા. આલોકે આ રોલ માટે ઈન્કાર કરી દીધો. આલોકને ખબર નહોતી કે તેનું નસીબ તેને પિતા બનવા તરફ જ દોડાવી રહ્યું છે.

એ પછી જેટલા પણ રોલ કર્યા તેમાંથી મોટાભાગના બાબુજીનાં જ કર્યા. મેને પ્યાર કિયા, હમ આપકે હૈ કોન, વિવાહ, એક વિવાહ ઐસા ભી… તેઓ અભિનય કરે તો પાષાણ હ્રદયના માનવીના હૈયા પણ પીગળી જાય. નાના પડદા પર બુનિયાદ અને હમલોગમાં જોવા મળ્યા હતા. તેમણે પોતાની ઈમેજ બદલવા માટે ભરપૂર પ્રયાસ કર્યા પણ વાત બની નહીં. લોકોને બસ બાબુજી જોઈએ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments