એક છોકરીના હાથથી રૂમાલ પડે
એ લેવા આખુંય ગામ વળે નીચે
જુવાન આંખ ફાડે, બુઢ્ઢાઓ આંખ મીચે.
નામ કોનું રૂમાલમાં આ છોકરીએ ભર્યું છે,
એ બાબત પર ઠેર ઠેર ગરમી.
પડ્યા ગામના બગીચાઓ ખાલી કુંજાર
અને નાસ્તિકો થઇ ગયા ધરમી.
કારણ કે મંદિરે જાય છોકરી તો
લોક શું કરવા ટળવળે બગીચે ?
ગંધ છોકરીની આવી જે જીવને તે જીવની
ગંભીરતામાં પડી ગયો ગોબો.
સહુ છોકરાને અરીસાઓ ઠપકો આપે
કે જરા મોઢાઓ માંજો ને શોભો.
કારણ કે ફળિયાના હીંચકે આ છોકરી
એકલી બેસીને રોજ હીંચે.
-રમેશ પારેખ
Team Chabuk-Literature-Desk: વર્ષો પહેલાની આ વાત છે. જુવાનિયાં અને ઘરડા છોકરીઓ વિશે શું વિચારે છે તેની એક સભાનું આયોજન મહિલા દિવસ નિમિતે થયું હતું. હકડેઠઠ ભીડ જામી હતી. ડિબેટ થઈ રહી હતી. ઉર્જાવાન હોવાના કારણે છોકરાઓ તેમના સિનિયરને પુગવા નહોતાં દેતાં. એવામાં છોકરીનાં એક મુદ્દા પર ચર્ચા ચોંટી ગઈ તે ઉખડવાનું નામ ન લે. બુઢીયા અને જવાનિયાં બેઉં હાર ન માને. દર્શકોને પણ મજા આવી ગઈ. એ પણ તાળીઓ પાડી પાનો ચડાવે. એમાં એક છોકરો બોલી ગયો, ‘અરે, આ ઉંમરે પણ આંખ્યું ઠારતા શરમ નથી આવતી.’
પુરુષ હંમેશાં પુરુષ રહે છે. રમેશ પારેખનું આ ગીત. એમની ગઝલમાં પણ આનંદ આવે અને અછાંદસમાં આનંદની અનહદ સોડમ આવે. જોકે આ બંનેને ટપી જાય છે રમેશના ગીતો. સાવરિયો રે મારો સાવરિયોથી લઈને સોનલ અને છોકરીઓ પર તેમણે લખેલા એક એક અદભુત્ ગીતો તેના સમય કરતા ઘણા આગળ છે. એ ભાવકને નર અને માદા બંનેની યુવા પ્રકૃતિનો થનગનાટ અને પ્રેમમાં પડવાની ઉંમરનો આરંભ કેવી રીતે થાય તેનાથી પરિચિત કરાવે છે. રમેશનું આ ગીત એટલે ગામની એક માત્ર સુંદર છોકરી ઉપર લટ્ટુ થઈ પડેલા છોકરાઓનો સમૂહ. વિચારોમાં નોખા પડતા બધા છોકરાઓની પસંદગી એક સરખી છે, કે પછી એક છોકરીએ તેમને એક સરખા વિચારતા કરી દીધા છે.
એક છોકરી છે. તેના હાથમાંથી રૂમાલ પડી જાય છે. બધા છોકરાઓ એ છોકરીની પાછળ પડ્યા છે. પણ એ તો કોઈની પાછળ નથી પડીને? એને તો કોઈ પ્રિયતમ નથી મળી ગયો ને? વર્ષો પહેલા પ્રિયજનનાં નામ રૂમાલ પર અંકિત કરી રાખવામાં આવતા અને જ્યારે તેનું સ્મરણ આવે ત્યારે ઓષ્ઠ નજીક લાવી પ્રેમભર્યું ચુંબન રૂમાલને આપવામાં આવતું. એટલે છોકરીનાં હાથમાંથી રૂમાલ પડે છે એ જોવા જુવાનિયાંઓ આંખ ફાડે છે અને બુઢ્ઢાઓ આંખ મીંચે છે. બે જનરેશન વચ્ચનો ગેપ માત્ર ત્રણ લીટીમાં રમેશ પારેખે બતાવ્યો છે. આંખ ફાડવાથી લઈને આંખ મીંચવા સુધીનો. તમે જે હતા એ અમે આ પહેલા હતા.
આ છોકરી કોને પ્રેમ કરે છે? તેનો આશિક કોણ? એ વાતની માઈક્રોવેવ ઓવનની જેમ ગરમી તો ચડી જ છે પણ એક છોકરી પુરુષને શું નો શું બનાવી નાખે તેનું એક પંક્તિમાં રમેશ પારેખ મોટું ઉદાહરણ આપે છે. ગામના નાસ્તિકોને પણ હવે મંદિરે જવાના ઓરતા જાગ્યા છે, કારણ કે છોકરી મંદિરે જાય છે. એક છોકરી એક છોકરામાં કેવું પરિવર્તન લાવી દે અને તેને હતો ન હતો બનાવી દે છે.
રમેશ પારેખે ગીતમાં જેટલું સોનલ અને છોકરીઓ પર લખ્યું છે તેટલું જ અરીસાઓ પર પણ લખ્યું છે. તેમની જ એક ગીત રચના છે.
એક છોકરી ન હોય ત્યારે
કેટલાં અરીસાઓ
સામટા ગરીબ બની જાય છે
આ રચનામાં છોકરીનું અસ્તિત્વ ન હોય એટલે કે ધરતી પર જો છોકરી જ ન હોય તો અરીસાનું કાંઈ મૂલ્ય રહે? છોકરીને અરીસા સામે વારંવાર તાકવું ગમે. તૈયાર થતાં વાર લાગે. સોળે શણગાર સજે. આ અરીસાને છોકરાનાં પર્યાય તરીકે પણ જોઈ શકીએ. કોઈ છોકરી સાસરે ચાલી જાય છે તો પીયરનો અરીસો એકલો અટૂલો પડી જાય છે. ગામનાં જ એ ઘેલા છોકરાની જેમ? એ પ્રતીક્ષાને અહીં પારેખે કસોટી પર ચડાવી છે. આ ગીતમાં અરીસો તો છે એનો એ જ છે, પણ સામે પાત્ર બદલી ગયું છે. હવે છોકરાઓ છે અને અરીસો આ છોકરાઓને ઠપકો આપે છે કે કંઈક તો ડાચું સારું કરો.
ગીતના અંતમાં અરીસો હીરો બને છે. અરીસાએ આ વાત શું કામે કહી? કારણ કે છોકરી એકલી બેસી હિંચકે હીંચે છે. તેનો કોઈ પ્રેમી નથી. ઉતાવળ કરો એને પામવાની. જે જાણવા સહજ યુવાનોમાં કુતુહલ હોય છે, કે તેનું કોઈ બીજું તો નથી ને? ત્યાંથી આ કવિતા શરૂ થાય છે અને પછી રમેશ પોતાના સુધી વાતને સિમિત રાખી એ એકલી હીંચે છે તેવી વાત પ્રતિકાત્મક રીતે આપણી સમક્ષ રાખે છે. સુરેશ દલાલે આ કવિ માટે એક પંક્તિમાં લખ્યું છે, ‘સ્તનમાં ટહુકેલા મોર; એ રમેશ પારેખની કવિતાનું કુંવારું સ્મિત છે.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત