ઝાલાવાડી જલજીરા: હિન્દી સિનેમાના યુગની શરૂઆત થઈ પછી દાયકાઓ સુધી આપણને પ્રભુ ભક્તિમાં લીન કરી દેતી ફિલ્મો જોવા મળી. મૂંગીમાંથી બોલકી ફિલ્મોમાં પ્રવેશ થયો ત્યાં સુધી પણ રામાયણ અને મહાભારના પ્લોટે સર્જકોને આકર્ષ્યા. ધીમે ધીમે દિગ્દર્શકોની નજર નવા વિષયો તરફ ફંટાઈ. 1949માં કમલ અમરોહીની મહલ ફિલ્મ ભારતની પ્રથમ હોરર ફિલ્મ તરીકે સ્થાપિત થઈ અને દર્શકોને ખેંચ્યા પણ ખરાં.
ભારતીય સિનેમાએ ઘણાં ઉતાર ચઢાવ જોયા પછી, 1965માં રિલીઝ થાય છે દિગ્દર્શક રાજ નવાથેની ફિલ્મ ગુમનામ. રાજ કપૂરની આગ, બરસાત અને આવરા ફિલ્મમાં તેઓ આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા. બસંત બહાર તેમની મ્યુઝિકલ સક્સેસ ફિલ્મ હતી. જોકે તેમને ખરી ખ્યાતી ગુમનામ ફિલ્મ થકી મળી. 1939માં પ્રકાશિત અગાથ ક્રિસ્ટીની નવલકથા એન્ડ ધેન ધેર વર નન પર આ ફિલ્મ આધારિત હતી. ખરેખર અદભુત બની હતી. સસ્પેન્સ થ્રીલર હોવા છતાં તેની અંદર સુંદર રીતે હોરરની વિભાવનાને સ્પર્શ આપવામાં આવ્યો હતો.
ગુમનામ ફિલ્મનું લતા મંગેશકરના કંઠે ગવાયેલું ગીત ‘ગુમનામ હૈ કોઈ…’ ઉનાળાના ધોમધખતા તાપમાં પણ રૂંવાડા ઊભા કરી દેવાનું કૌવત ધરાવે છે. હોરર ફિલ્મો તો આજે પણ નિર્માણ પામે છે, પણ કોઈ ગીત, કોઈનો રાગ અને પાત્રો સ્થળ પર જે રીતે આંખો વિવૃત કરી અહીંથી ત્યાં ખાંખાખોળા કરી રહ્યા છે, એ તો છાતીના પાટીયા બેસાડી દે છે. દરેકના મનમાં એક જ વાત ગણગણતી હોય કે ગીત તો માત્ર ફિલ્મમાં ગીત તરીકેનું કામ કરશે અને પછી વધૂની જેમ વિદાય લેશે. ગુમનામમાં એ ગીત જ છેલ્લે સુધી રહસ્ય બનીને રહે છે. કોણ ગાય છે એ ગીત? ક્યાંથી ગાય છે? ગીત ગાવાનો તેનો ઉદ્દેશ્ય શું? આ ત્રણ સવાલો આપણા ભેજામાં ધમાલ મચાવે છે.
અગાથાના ચાહક હોય અને પુસ્તક વાંચી ચૂક્યા હોય કે પછી 1945માં બનેલી એન્ડ ધેન ધેર વર નન ફિલ્મ જોઈ ચૂક્યા હોય તેમના માટે પણ ગુમનામ તાજો જ અનુભવ રહેવાનો છે. 1945માં બનેલી અંગ્રેજી ફિલ્મ કરતા ગુમનામ ચડીયાતી છે. તેમાં આપણું પોતીકાપણું છે. ગીતો છે. સુંદરી હેલન છે. અવાજ અને અભિનયનો એક્કો પ્રાણ છે. રહસ્યમ ડોક્ટર છે. ફિલ્મ માથા પર હથોડો ન મારે એટલે મહેમૂદની કોમિક ટાઈમિંગ છે.
‘હમ કાલે હૈ તો ક્યાં હુઆ દિલ વાલે હૈ…’ દ્વારા ફિલ્મ રંગભેદનો મુદ્દો ઉઠાવે છે. યુરોપ અને અમેરિકાની સંસ્કૃતિને ખબર છે કે નહીં, એની આપણને ખબર નથી, પરંતુ આ ગીત રંગભેદની વિરૂદ્ધ આંદોલન ચલાવવા ક્રાંતિનું ગીત પૂરવાર થઈ શકે એમ છે. સૂર સમ્રાટ મોહમ્મદ રફીનો મધ જેવો મીઠો સૂર હોય પછી શું કહેવું.
ફિલ્મ તેના મિસ્ટ્રી મેજીકના કારણે વાગોળવામાં આવે છે તેનાથી વધારે તેના ગીતોના કારણે ચર્ચામાં રહી હતી અને આજે પણ રહી છે. પરિસ્થિતિ પ્રમાણે ગીતો પેદા થાય. કંઈ ઢંગધડા વગર ગોઢવી નથી દેવામાં આવ્યા. એક પછી એક ખૂન થાય છે અને પ્રાણ અને હેલન દરિયા કિનારે ગીત ગાય છે ‘ગમ છોડ કે મનાઓ રંગરેલી.’ અગાઉ કહ્યું એ પ્રમાણે દિગ્દર્શકની હથોટી મ્યુઝિકમાં છે. પોતાના કૌશલ્યનો એમણે ભરપૂર ઉપયોગ કર્યો છે.
આજે જો રિલીઝ થાય તો તેની નીચે સ્મોકિંગ કોઝ કેન્સરની ટેગલાઈન હટાવવી જ ન પડે. વારે ઘડીએ ધૂમ્રપાનની જાહેરખબર આપવી પડે. પ્રાણ તો દારૂ ઢીંચ્યા ઢીંચ છે જ, પણ અન્ય કલાકારોય ધૂમ્રસેવી બન્યા છે. કોઈ સિગાર પીવે છે, તો કોઈ સિગરેટ પીવે છે. હીરો પડદા પર જે કરે તે સામાન્ય જનતા પણ તેને અનુસરીને કરવાની જ છે. ખાસ મુગ્ધાવસ્થામાં પગ મૂકનારા છોકરડાઓ. ગુમનામે એ રીતે ઘણાંને બીડી પીતા કર્યાં હોવા જોઈએ! પ્રાણ તો હેલનને પણ પીયક્કડ બનાવવામાં મથ્યો છે.
ફિલ્મની સૌથી પ્રભાવિત કરતી વાત તેનું લોકેશન છે. સ્થળ ગોવા છે. ગોવામાં ત્યારે ભારતનું નહીં પણ પોર્ટુગીઝોનું શાસન હતું અને ટૂંક સમયમાં ગોવા સ્વતંત્ર થઈ અખંડ ભારતનો હિસ્સો બની જવાનું હતું. એટલે કે આ ફિલ્મ શૂટ ભારતના ગોવામાં થઈ છે પરંતુ પોર્ટુગીઝોના શાસિત ગોવામાં. આજનું ગોવા જેટલું આંખોને આનંદ આપે છે એટલું ત્યારનું ગોવા નથી આપતું. કોઈ ભૂતાવળ નાચતી હોય તેવું લાગ્યા રાખે. જંગલ, મૂર્તિઓ, ખંઢેર, આ બધું ડરાવે છે. ડરાવે એટલે ક્લોઝઅપ શોટ્સનો ભરપૂર ઉપયોગ થયો છે. યુટ્યૂબ પર મફતમાં હાજરાહજૂર ફિલ્મ તમે પણ જુઓ અને ડરો!
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત