Homeસિનેમાવાદભૂત પોલીસ રિવ્યૂ: નવ કરશો કોઈ શોક ‘ભૂતડા’ નવ કરશો કોઈ શોક

ભૂત પોલીસ રિવ્યૂ: નવ કરશો કોઈ શોક ‘ભૂતડા’ નવ કરશો કોઈ શોક

ઝાલાવાડી જલજીરા: ભૂત પોલીસ ફિલ્મ શૂટ તો વહેલી જ થઈ ગયેલી, મેકર્સ સમજવામાં માત ખાઈ ગયા કે હવે જ્યારે તમામ ફિલ્મો થીએટરમાં રિલીઝ થઈ રહી છે તો એમણે પણ શા માટે મોટા પડદા પર રિલીઝ ન કરી! જોકે થીએટરમાં રિલીઝ કરી હોત તોપણ કોઈ જોવા જવાનું નહોતું, એનો ખ્યાલ જે જે લોકોએ ડિઝની+હોટસ્ટાર પર નહીં પરંતુ ટેલિગ્રામમાંથી ડાઉનલોડ કરી જોઈ તેમને આવી જ ગયો હશે. આ એક એવી ફિલ્મ છે જેના રિવ્યૂ એ રીતે લખાઈ રહ્યા છે કે, સ્ત્રી જેવું ન નીકળ્યું. અરે, અભણ રિવ્યૂખોરો.. સ્ત્રી ફિલ્મ પાસે તો વિષયવસ્તુ હતું. આ ફિલ્મ પાસે તો વિષયવસ્તુનો પૂરતો અભાવ છે. થીમ જ નથી.

ભૂત પોલીસ પાસે શીર્ષકને યથાર્થ સાર્થક કરવા માટે જાવેદ જાફરી છે. જેનો સીન માત્ર બારેક મિનિટ જેટલો જ છે. ગણિત કાચું હોવાથી કહી શકું કે કદાચ એનાથી પણ ઓછો છે. ફિલ્મ જોતી વખતે અને જાવેદ જાફરી જ્યારે જ્યારે ચિત્રમાં આવે છે ત્યારે ત્યારે એ વિચારમાં ખોવાઈ જઈએ છીએ કે આ માણસે આટલા અમથા રોલ માટે ફિલ્મ સાઈન કરી નાખી. ભાગતા ભૂતની લંગોટી પણ કામની. જાવેદ પાસે આમ પણ કંઈ ખાસ કામ નથી. તેણે પરંપરાગત વેશભૂષા ધારણ કરી છે. કોમેડી છે એવું લાગે આ માટે નાના અમથા રોલમાં રાજપાલ યાદવ પણ છે અને જોની લીવરની પુત્રી પણ છે. ને છતાં આ હોરર કોમેડીની સૌથી મોટી દુવિધા એ છે કે નથી તે હસાવતી નથી તે ડરાવતી.

ફિલ્મમાં સૈફ અલી ખાન અને અર્જુન કપૂર ભાઈના રોલમાં છે. હું તો ત્યાં સુધી કઉં છું કે આ ફિલ્મની આખે આખી સ્ટોરી અહીં લખી નાખું, તો તમે ફિલ્મના રહસ્યમાંથી પડદો હટાવી દીધો એવું પણ મને નહીં કહો. તમે મારો આભાર માનશો અને કહેશો કે તમે અમારો સમય બચાવ્યો. આ ફિલ્મના અંતમાં જે ભૂત આવે છે, તેનો વાસ્તવિક ચહેરો પણ તેલુગુ હોરર ફિલ્મ ધ હાઉસ નેક્સ્ટ ડોરમાંથી ઉઠાંતરી કરી લીધો હોય તેવી વારંવાર ગંધ આવ્યા કરે છે. કન્ઝ્યુરિંગમાંથી થોડું થોડું લઈ લીધું છે. ઘોસ્ટબસ્ટર્સ ફિલ્મમાં આવતી ગાડી તૈયાર કરી છે. ખાટલો ઊંચો થવાનો સીન કે ખાટલો હલબલવાનો સીન તો કઈ ભૂતની ફિલ્મમાં નથી દેખાડતા!

મોરથૂથૂનું દ્વાવણ કેવું આવે મને ખબર નથી, કારણ કે મેં એ દ્રાવણ હજુ સુધી સુંઘ્યું નથી. જો આ દ્રાવણ સુંઘવાથી ચહેરો શીથીલ થઈ જતો હોય, તો બસ આવો જ અભિનય અર્જુન કપૂરે કર્યો છે. તેને તો અભિનય પણ ન કહેવાય. અભિનય સિવાયનું કંઈ હોય તો વિચારો. મારા જ્ઞાનમાં વધારો કરો. સારું થયું સૈફ અને જેક્લીને તેને ફિલ્મની વચ્ચે જ દહીંમાં ઉંઘવાની સાતેક ગોળી નાખી ઉંઘાડી દીધો. તોપણ એ ચબરાક વ્યક્તિ દસ જ મિનિટમાં આપણી ઉંઘ બરબાદ કરવા જાગી ગયો.

સૈફ અલી ખાને ફિલ્મમાં કોમેડી લાવવાનો નિરર્થક પ્રયાસ કર્યો છે. કોઈ કોઈ વખત હસવું આવી જાય છે, પણ પછી આપણી સ્મૃતિ ચેતનવંતી થતાં ખ્યાલ આવે છે કે સૈફ અલી ખાને જેટલી વખત દર્શકોને હસાવ્યા એ બધું તો મેકર્સ ટ્રેલરમાં જ દેખાડી ચૂક્યા છે. નબળું ટ્રેલર આ રીતે જ બનતું હોય છે, તેની ઉન્મેષોએ નોંધ લેવી.

અત્યાર સુધી આપણે એવું માનતા આવ્યા છીએ કે ટીવી પર દેખાડવામાં આવતી હોરર સિરીયલોમાં કશું હોતું નથી. તો તમને કહી દઉં કે ટીવીમાં દેખાડવામાં આવતી હોરર સિરીયલો આ ફિલ્મની કથા કરતાં પણ ચડીયાતી છે. તાંત્રિકો અને જે જે લોકો ભૂત ભગાડવાના વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે, તે લોકોની અંધશ્રદ્ધાનો ફાયદો ઉઠાવે છે. આટલી સરળ વસ્તુ પણ ફિલ્મની થીમ બની તેને ઉંચકી નથી શકતી, કારણ કે આ વાત હવે જૂની થઈ ગઈ છે.  

ફિલ્મમાં ભગવાનને ન દેખાડી દિગ્દર્શકે એક નવો ચીલો ચાતર્યો છે. નહીં તો પાદરી આવે, નહીં તો હનુમાન ચાલીસા બોલવામાં આવે, નહીં તો માતાજીના મંદિરમાં જઈ ત્રિશૂળ લાવી ભૂતને શ્રીફળની જેમ વધેરી નાખવામાં આવે. દિગ્દર્શકે આવું કશું નથી કર્યું. આ માટે તેમને ખાસ બે રેટિંગ, પણ તેમણે જે કરાવ્યું છે, એ જોશો, તો મેં આપેલા બે રેટીંગ કાપી માઈનસમાં જવા દેશો. દ્વિતિય નાયક – અર્જુન કપૂર કોઈ લાકડાનું પુસ્તક લઈ રખડે છે. એ આપણને દેખાડ્યા રાખે છે કે મારી પાસે આવું દૈવિય પુસ્તક છે. મારા બાપુજીએ મને આ જ એક વસ્તુ વારસામાં આપી છે. અર્જુન એ પુસ્તક ખુદ તો વાંચે છે પણ અસંખ્ય વખત આપણને પણ વંચાવે છે. પહેલા આપણને થાય છે કે લખનારના અક્ષરો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કરતા પણ ખરાબ છે. પછી આપણને થાય છે કે અલ્યા આ તો બીજી જ ભાષા છે. ભાષાની એક લિપી પણ છે. શાળાકાળમાં ગુજરાતીમાં સ્વરો અને વ્યંજનો નોખા પાડી શિક્ષક આપણને શીખવતા હતાં, તેમ તેના પિતાએ જ તેની લીપી તૈયાર કરેલી છે. જોકે મફતમાં કંઈ મળતું નથી. એ રીતે અર્જુન-સૈફના પિતા એ લીપીને પણ ક્યાંક સંતાડી ગયા છે. મને સવાલ થાય છે આ લોકોએ બે કલાકમાં આટલું બધું મેનેજ કેવી રીતે કરી લીધું?

અત્યાર સુધીમાં હું 713 જેટલા શબ્દો લખી ચૂક્યો છું. આશા રાખું કે આપની ધીરજ ખૂટી નહીં હોય. ન ખૂટી હોય તોપણ ઝાલાવાડી જલજીરાએ તો લખવાનું જ છે. એનો તો આ ધંધો જ છે. કિચકિંડી એટલી વખત બોલે છે કે સૈફ અલી ખાનની ભૂલાઈ ગયેલી ફિલ્મ કાલાકાંડી યાદ આવી જાય છે. ફિલ્મ હોલિવુડના લેવલની છે, એનું તારણ એ ઉપરથી કાઢી શકાય કે ફિલ્મમાં ક્યાંક ગીત આવતા નથી. બોલિવુડ ફિલ્મ છે. બે છોકરા છે. બે છોકરીઓ છે. માથાના વાળ કાળા કર્યાં હોવાથી જુવાન પ્રતિત થાય છે. ને છતાં તેઓ રોમાન્સ કરતા નથી. યામી અને જેક્લીન બેઉ બહેનોનો વ્યવસાય કોરોનાના કારણે નહીં પણ કિચકિંડીના કારણે પડી ભાંગ્યો છે! તોપણ આ બહેનો સરસ વસ્ત્રો પહેરે છે. ખાસ જેક્લીન.

ભૂત પોલીસ આધુનિક છે. તેમાં ભૂત પકડનારા કોઈ મંદિર સાથે સંકળાયેલા નથી પણ પ્યોર ઢોંગી છે. તેઓ વસ્ત્રો પણ આધુનિક પહેરે છે. મોબાઈલનો ઉપયોગ કરે છે. નાગીન સિરીયલ જુએ છે. GST માગે છે અને 2000 રુપિયાની નોટ ક્યારે બંધ થઈ જાય ખબર નહીં? તેવા સંવાદો થકી આપણને આધુનિક વિકાસનું સ્મરણ કરાવે છે.

આ ફિલ્મ જોવાનું કારણ એ પણ રહ્યું કે ફિલ્મમાં આપણા પોતાના અમિત મિસ્ત્રી પણ છે. જેમનું 23 એપ્રિલ 2021માં હ્રદયરોગના હુમલાના કારણે નિધન થયું હતું. આ તેમની અંતિમ ફિલ્મ છે. જતાં જતાં તેઓ આ ફિલ્મ પૂર્ણ કરતાં ગયાં. કેવું કહેવાય, અમિતભાઈએ સ્ટીફન કિંગની IT નવલકથાનું જે હિન્દી સંસ્કરણ ‘વો’ બન્યું હતું, તેમાં પણ રોલ પ્લે કર્યો હતો. હોરરથી તેમને લગાવ કે હોરર પાત્રો અને કથાનકો જ તેમને મળતાં હતાં? આ બધું રહસ્ય તો તેમની સાથે જ ચાલ્યું ગયું. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments