Homeસિનેમાવાદબોમન ઈરાની : જેના રોલ તેના સિવાય બીજા કોઈ પ્લે ન કરી...

બોમન ઈરાની : જેના રોલ તેના સિવાય બીજા કોઈ પ્લે ન કરી શકે

ઝાલાવાડી જલજીરા : બોમન ઈરાની ભારતના એક એવા અભિનેતા છે જેમણે જે રોલ પ્લે કર્યા તેમના સિવાય બીજો કોઈ એ રોલ પ્લે કરેત તો ફિલ્મની હાલત કેવી થાત તેની કલ્પના કરતાં જ કમકમાટી છૂટી જાય છે. વાઈરસના રોલમાં તેના સિવાય કોણ ચાલે ? અસ્થાના તેના સિવાય કોણ બને ? રાજુ કુમાર હિરાણીના ઘરની પ્રોડક્ટ કહી શકાય. હિરાણીએ જેટલી પણ ફિલ્મો બનાવી તેમાં બોમનનો કોઈ પણ રોલ હોય અથવા તો બોમને કોઈ પણ રોલ ભજવ્યો હોય એ પોપ્યુલર થઈ જ જાય. પાત્રને સમર્પિત થઈ જવાની બોમનવૃતિ જૂજ અભિનેતાઓમાં જોવા મળે છે. એ જૂજ અભિનેતાઓ પણ બોમનની માફક સટાક કરતા કેરેક્ટરમાં ઘુસી નથી જતા.

બોમનના રોલમાં તેની હેરસ્ટાઈલ ઈમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. તેની મૂછો પણ અભિનય કરતી જોવા મળે છે. ટાલ પણ જોવા મળે છે. ઊંચાઈ પણ જોવા મળે છે. શરીરના એક એક અંગનો બોમને અભિનયમાં ઉપયોગ કર્યો છે. એ આર્મીમાં છે તો લાગે કે નહીં આર્મીમેન જ છે. તેની ઊંચાઈ તેને તેમાં સહાયતા પૂર્ણ પાડે. એ ડોક્ટર બને, માથામાં વાળ ન હોય તો આપના પાડોશમાં રહેતા ડોક્ટર સાહેબ યાદ આવી જાય કે તેને પણ ક્યાં વાળ છે. બરાબર ડોક્ટર તો આવો જ હોય ને!! એ ચકલીના માળા જેવા વાળ રાખે તો તમને તમારી શાળાના કે કોલેજના આચાર્ય યાદ આવી જાય. જેઓ મહેનત અને હું કહું એમ જ થાય એ શબ્દોને સમર્પિત હોય.

ડાયલેક્સિયા નામની એક બીમારી છે. ગૂગલ કરવું ન પડે એટલે કહી દઉં કે ડાયલેક્સિયા એ એવી બીમારી છે જેનાથી બાળક તોતડાવા લાગે. તેના ઉચ્ચારણ સરખી રીતે ન નીકળે. એ બોલે તો અડધો ભણેલો લાગે. નાનપણમાં બોમન પણ આ તકલીફથી પીડાતા હતા. પોતાની અંગત જિંદગીની પીડાનો રોષ તેમણે વાઈરસ બનીને ભરપૂર કાઢ્યો છે. વાઈરસ ઊર્ફ વીરુ સહસ્ત્ર બુદ્ધેની બોલવાની શૈલી જુઓ.

સમય જતાં તો એ બીમારી જીભમાંથી છટકી ગઈ પણ એ જ બીમારીને તેઓ વાઈરસના પાત્રમાં ભજવવા માટે પરત લઈ આવેલા હતા. એક્ટિંગનો પ્રથમ પાઠ. પાત્રને તૈયાર કરતાં પહેલા તમારા જીવનમાં ડોકિયું કરો. તમારું જીવન તમને તમામ જવાબો આપશે. તમે કોઈ દિવસ પૂછવાનો પ્રયત્ન કર્યો છે ?

6 વર્ષની ઉંમરમાં તેના પિતાનું નિધન થઈ ગયું. પિતાની બેકરી શોપની દુકાન હતી. હવે દીકરાનું પાલન પોષણ કરવા માટે તેની મમ્મી ચલાવવા લાગી. સ્કૂલેથી છૂટીને રોજ એ ફિલ્મ જોવા જતો હતો. કેટલો કંટાળો આવે નહીં ? ફિલ્મના કિડા હોય તેને ન આવે. એલેક્ઝાન્ડર થીએટરનું નામ જ્યાં બોમનને ફિલ્મો જોવાની લત લાગી ગઈ.

ફિલ્મ જોતા જોતા આપણને કોઈ વખત અંદરથી અવાજ આવે કે ચાલ્યો જા મુંબઈ. જીવી લે તારી જિંદગી. બની જા બીજો શાહરૂખ ખાન. આપણા બોમન મુંબઈની મીઠીબાઈ કોલેજમાં એડમિશન લે છે. 2 વર્ષનો વેઈટરના કોર્સમાં. કોર્સ પૂર્ણ થાય છે અને તાજમહેલ હોટલમાં વેઈટર બની જાય છે. હું કે તમે હોઈએ, તો આપણી જિંદગી દુખણા ગાવામાં જ ચાલી જાય ને ?

બાપુજી છ વર્ષની ઉંમરમાં ચાલ્યા ગયા. ઘરની જવાબદારી માતા માથે આવી ગઈ. હું નાનો હતો. મમ્મીને પણ મદદ કરવાની હતી. વેઈટર બની ગયો. વગેરે વગેરે વગેરે…. આ ફિલ્મી ડાઈલોગ છે. સફળ વ્યક્તિઓ ખૂબ બોલે છે.

તાજ મહેલ હોટલમાં તો ક્યાં તેને કામ કરવું હતું. અમિતાભ કોઈ વાર ચા પીવા આવે તેને પણ ચા સર્વ કરવાનું સ્વપ્ન ન હતું. જિંદગી ફરી યુટર્ન મારે છે. બોમન પહોંચી જાય છે પોતાના પરંપરાગત ધંધામાં અને સાઉથ મુંબઈની બેકરી શોપ ચલાવવા લાગે છે. એ જ બોમન ઈરાની હવે તેના પિતા જેવો જ અને જેવડો જ લાગે છે.

કામ કરતા કરતા બોમનને મળી કેટલીક ટીપ. મુંબઈમાં અમીર માણસો આપે આપણે અહીં ગુજરાતમાં એ રિવાજ નથી. હા દિવાળી-બેસતાવર્ષ જેવા પ્રસંગે સામેથી માગી લેવાનો રિવાજ ખરો. એ ટીપમાંથી બોમને લીધો એક કેમેરો. એ ટીપ તાજ મહેલ હોટલમાં જ મળે તેમ હતી. બેકરીમાં નહીં. એટલે ટીપ પણ ત્યાંથી મળેલી. એ ટીપ એકઠી કરીને તેણે એક કેમેરો ખરીદ્યો. ત્યાં લોકલ સ્પોર્ટ્સ ઈવેન્ટ થતાં. બોમન ત્યાં પહોંચી જાય અને ફોટો કેપ્ચર કરી વેચી તેમાંથી થોડા રૂપિયા કમાય. આ આડી આવક નહોતી આ આડી મહેનત હતી.

સતત સાત વર્ષ આ માણસ સેવિંગ કરે છે. શું કામે ? એનું સપનું છે કે મારા પરિવારને લઈ હું ઉટી ફરવા માટે જાઉં. સાત વર્ષ સુધી એક માણસ પરિવારની ખુશી માટે પૈસા એકઠા કરતો રહે!! એ પરિવારને કેટલો પ્રેમ કરતો હશે?

1987ની સાલ આવતા આવતા બોમને પ્રોફેશનલ ફોટોગ્રાફર તરીકે કામ કરવાની શરૂઆત કરી દીધી. ઉદ્યોગમાં તેનું નામ થઈ ગયું. ફોટોગ્રાફીની સાથે તેના ફની ચહેરાને જોતા કેટલીક એડ મળી. જેણે આપણા બાળપણને હસી ખુશીથી ભરી દીધું. ભૈયા યે દિવાર તૂટતી ક્યોં નહીં હૈ, ક્રેકઝેકમાં મોટા સૂટ સાથે આવતો એક ડોન, ફેન્ટાની એડ. તેની પાસે ભરાવદાર અવાજ હતો. એક અભિનેતામાં હોવી જોઈએ તે તમામ ક્વોલિટી તેનામાં હતી. એક સમય આવ્યો કે બોમન એડ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધારે પૈસા લેનારા અભિનેતા બની ગયા. હંસરાજ સિદ્ધીએ તેને ટ્રેન કર્યો. તેને આગળ લાવ્યા અને થીએટરમાં કદમ મૂક્યો.

આ કલાકારને યાદ કરતા રાજુ કુમાર હિરાણી કહે છે, ‘એ સમયે અમારે એક એડ બનાવવી હતી. બોમન સારો કલાકાર હોવા છતાં અમે તેને નહોતા લેતા, કારણ કે તે ખૂબ મોંઘો હતો. આજે જુઓ એ ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે. મારી ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસ તેણે ઠુકરાવી દીધી હતી. આ તો વિધુ વિનોદ ચોપરા હતા જેના કારણે તેમણે ડોક્ટરનું પાત્ર ભજવ્યું.’

અને પછી લગલગાટ, લગે રહો મુન્નાભાઈ, પી.કે, 3-ઈડિયટ… રાજુની ફિલ્મોના પાત્રને પોપ્યુલર કરવા પાછળ બોમનનો મોટો હાથ રહેલો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળતા કોઈ એક વ્યક્તિની નથી હોતી. બધાની હોય છે. 42 વર્ષની ઉંમરે તેણે અભિનેતા તરીકે કરિયરની શરૂઆત કરી. લાગે છે ? બોમનની કોઈ પણ ફિલ્મો જુઓ બસ તેના પાત્રને જોઈ મજા જ આવ્યા રાખે. હેપ્પી બર્થડે બોમનજી. મુન્નાભાઈ અરશદ અને સંજય વિના ન બને તેમ તમારા વિના પણ કોઈ દિવસ ન બને.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments