યશ ખખર: વાત છે 1972ની. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તે સમયે નવોદિત અમિતાભ બચ્ચન ‘બોમ્બે ટૂ ગોઆ’ નું શૂટિંગ કરી રહ્યા હતા. અમિતાભની પેહલી ફિલ્મ “સાત હિન્દુસ્તાની” રિલીઝ થઈ એને 3 વર્ષ થઈ ચુક્યા હતા, પણ તેમ છતાં હજી પણ તે ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. છેલ્લા 3 વર્ષની નિષ્ફળતાઓથી કંટાળીને તે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવાનું નક્કી કરી ચુક્યા હતા. એ સમયે જ તેમને તેમના મેન્ટર મેહમુદે ‘બોમ્બે ટૂ ગોઆ’ માં હીરોનો રોલ ઑફર કર્યો હતો. જો આ ફિલ્મ ન મળી હોત તો કદાચ અમિતાભ બચ્ચને પોતાનો સમાન સમેટીને મુંબઈ છોડી દીધું હોત એ હદે અમિતાભ નાસીપાસ થઈ ચુક્યા હતા.. ફિલ્મનું શૂટિંગ શરૂ થયું. પણ મેહમુદને એક ચિંતા હતી. અને એ એ કે અમિતાભ બચ્ચન પાસે ડાન્સ સિક્વન્સ કઈ રીતે શૂટ કરાવવા? અમિતાભ બચ્ચન જેટલા સારા એક્ટર હતા એમનો ડાન્સ એટલો જ ખરાબ હતો. મેહમુદે ફિલ્મનું શૂટિંગ શરૂ થયા પહેલા પણ અમિતાભ પાસે ડાન્સ સિક્વન્સ માટે ખાસ્સું રિહર્સલ કરાવેલું જેથી શૂટિંગ વખતે તકલીફ ન પડે.
હવે કરેલી રિહર્સલ કેટલી સફળ થઈ છે એ જોવાનો સમય હતો. ડાન્સ સિક્વન્સ શરુ થયો અને થોડી વારમાં તો કોરિયોગ્રાફર કંટાળી ગયો. અમિતાભ બચ્ચન એક પણ ડાન્સ સ્ટેપ ઠીકથી નહતા કરી શકતા. અમિતાભ બચ્ચન ડાન્સ શરૂ કરે અને કોરિયોગ્રાફર થોડી જ વારમાં કટ બોલી દે. ઘણો સમય થઈ ગયો છતાં પણ અમિતાભ બચ્ચનથી એક પણ સ્ટેપ સરખી રીતે નહતું થઈ રહ્યું. કોરિયોગ્રાફર અમિતાભ બચ્ચન પર સતત તાડુકી રહ્યો હતો. સેટ પરના અમુક લોકો તો આ જોઈને હસી રહ્યા હતા. આ બધું જોઈને મેહમુદે તરત જ શૂટિંગ અટકાવીને 15 મિનિટનો બ્રેક અનાઉન્સ કરી દીધો. મેહમુદને એ જ નહતું સમજાતું કે હવે શું કરવું. આટલી રિહર્સલ બાદ પણ અમિતાભથી એક સ્ટેપ પણ ઠીકથી નહતું થઈ રહ્યું.
તેમ છતાં મેહમુદ અમિતાભને સમજાવવા માટે સેટ પરના તેમના રૂમમાં ગયા, પણ હજી દરવાજા પાસે પહોંચ્યા જ હતા ત્યાં જ તેમને અમિતાભ બચ્ચનના રડવાનો અવાજ સંભળાયો. મેહમુદે બહારથી જોયું તો દેખાયું કે અમિતાભ પોતાના રૂમમાં પોતાની ખુરશી પર બેસીને રડી રહ્યા હતા. મેહમુદ બરાબરના મૂંઝાયા. હવે કરવું શું ? અત્યાર સુધી ફિલ્મનું એટલું શૂટિંગ થઈ ચૂક્યું હતું હવે અમિતાભને રિપ્લેસ કરીને બીજા કોઈ એક્ટરને લઇ શકાય તેમ નહતો અને અમિતાભને આ રીતે રડતા જોઈને મેહમુદને શંકા હતી કે હવે અમિતાભ પાસેથી તે પુરી ફિલ્મનું શૂટિંગ કરાવી પણ શકશે કે નહિ.
મેહમુદે બે ઘડી વિચાર્યું. પછી અમિતાભને ખબર ન પડે એમ ચુપચાપ બહારથી જ તેમના રૂમનો દરવાજો બંધ કરી દીધો અને સેટ પર જઈને બધાને બોલાવ્યા અને કહ્યું કે અમિતાભ હવે ચાહે ગમે તેવો ડાન્સ કરે તમારે દરેક ટેક પછી તાળિઓ પાડીને અમિતાભને વધાવી લેવાનો છે. કોરિયોગ્રાફરને પણ સમજાવી દીધું કે આ ગીતમાં હવે કોઈ રીટેક ન કરાવવા. અમિતાભ જેમ ડાન્સ કરે છે તેમ તેને ડાન્સ કરવા દેવો. બધાને એવું સમજાવીને પછી એક આસિસ્ટન્ટને કહીને અમિતાભને બોલાવ્યા. મેહમુદ એ એવી રીતે જ વર્તન કર્યું કે એમને ખબર નથી કે અમિતાભ પોતાના રૂમમાં રડી રહ્યા હતા.
ગીતનું શૂટિંગ ફરીથી શરૂ થયું અને જેમ મેહમુદે બધાને કહ્યું હતું તેમ સિક્વન્સનો જેવો એક ટેક પતે એટલે બધા તાળીઓ અને સીટી પાડીને અમિતાભને પાનો ચડાવવા માંડ્યા. ગીતના બધા શોટ્સ પણ એક એક ટેકમાં જ પતી ગયા. આ એક ઘટનાએ અમિતાભના આત્મવિશ્વાસમાં ઘણું પરિવર્તન લાવી દીધું અને આમ થોડા દિવસોમાં ‘બોમ્બે ટૂ ગોઆ’ નું શૂટિંગ પૂરું થયું. ફિલ્મ રિલીઝ થઈ અને હિટ રહી. અને અમિતાભ બચ્ચનના અભિનયના પણ ઘણા વખાણ થયા.
એ જ સમયે નવોદિત લેખક બેલડી સલીમ-જાવેદ પોતાની નવી ફિલ્મ માટે હીરોની શોધ કરી રહ્યા હતા. અત્યાર સુધી ધર્મેન્દ્ર, રાજેશ ખન્ના, રાજ કુમાર, દેવ આનંદ જેવા મોટા સ્ટાર્સ ફિલ્મને ના પાડી ચુક્યા હતા. અને તેમને જોઈએ એવો હીરી નહતો મળી રહ્યો. એ સમયે જાવેદ અખ્તરે ‘બોમ્બે ટૂ ગોઆ’ નો અમિતાભનો એક ફાઇટ સિક્વન્સ જોયો અને નક્કી કરી લીધું કે, બસ આ જ આપણો હીરો હશે. તેમણે પ્રોડ્યુસરને અમિતાભને હીરો લેવા માટે સમજાવ્યા અને અમિતાભને એ ફિલ્મ મળી. આ ફિલ્મ હતી ‘ઝંઝીર’ જેની સફળતા એ અમિતાભ માટે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળતાના દરવાજા ખોલ્યા અને પછી અમિતાભ ક્યારેય પાછું વળીને ન જોયું. અને એક પછી એક સફળ ફિલ્મ આપીને તે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર બની ગયા.
હવે ખાલી એક ક્ષણ માટે વિચારો કે જો એ દિવસે મેહમુદે અમિતાભના ડાન્સ પર આખા ક્રુ પાસે તાળીઓ પડાવાને બદલે અન્ય કોઈ પ્રોડ્યુસરની જેમ અમિતાભને ખખડાવી નાખ્યા હોત તો? તો પછી અમિતાભનું પરફોર્મન્સ એ ડાન્સ સિક્વન્સમાં કેવું રહ્યું હોત? એ ડાન્સ સિક્વન્સ જેમ તેમ કદાચ થઈ પણ જાત તો પણ આગળની ફિલ્મમાં અમિતાભનું પરફોર્મન્સ કેવું હોત? અમિતાભ તો આમ પણ આ ફિલ્મ મળ્યા પહેલા મુંબઈ છોડવાની તૈયારી કરી જ ચુક્યા હતા. કદાચ આ ફિલ્મના ખરાબ અનુભવ પછી તે એક્ટિંગ છોડી જ દેત. જો આમ થયું હોત તો વિચારો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ઇતિહાસ લખાયો હોત?
ક્યારેક ક્યારેક સાવ સામાન્ય ઘટનાઓ ભવિષ્યમાં મોટી ઘટનાઓ બનવાનું કારણ બનતી હોય છે. આ કદાચ એવી જ એક ઘટના હતી. બાય ધ વે, આ ગીત પર જેના પર ડાન્સ કરવામાં અમિતાભને આટલી તકલીફ પડી કે અમિતાભ રડવા લાગેલા એ ગીત એટલે કિશોર કુમારે ગયેલું ફેમસ ‘દેખા ના હાય રે સોચા ના હાય રે’. એ ગીત આજે પણ યુટ્યુબ પર જોશો તો જોઈને જ સમજી જશો કે કદાચ માનવું અઘરું લાગશે કે અમિતાભના મોટાભાગના શોટ આ ગીતમાં એક જ ટેકમાં લેવાયેલા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
