Homeસિનેમાવાદઅરે બાપ રે...! આમિર ખાન VS અલ્લુ અર્જુન કન્ફર્મ

અરે બાપ રે…! આમિર ખાન VS અલ્લુ અર્જુન કન્ફર્મ

Team Chabuk-Cinema Desk: અલ્લુ અર્જુન એ સુપરસ્ટાર છે જેની ગુણવત્તાની દૃષ્ટીએ નબળી ફિલ્મ પણ આરામથી સો દોઢસો કરોડની કમાણી કરી જાય છે. જો તમિલ તેલુગુ સિવાયની ભાષામાં રિલીઝ ન કરવામાં આવે તોપણ. મોટાભાગે સાઉથ ઈન્ડિયન ઓડિયન્સને ગમે તેવી જ ફિલ્મો બનાવવા માટે ભારવર્ષમાં મશહૂર એવા અલ્લુ અર્જુનની આવનારી ફિલ્મ પુષ્પાની રિલીઝ ડેટ ફાઈનલ કરી દેવામાં આવી છે. પુષ્પાનો પ્રથમ ભાગ આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થશે અને ક્રિસમસ પર જ રિલીઝ થઈ રહી છે આમિર ખાનની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા. જે સત્તાવાર રીતે ફોરેસ્ટ ગમ્પની રિમેક છે.

આજે 3 ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવામાં આવ્યું છે કે પુષ્પા ક્રિસમસ પર રિલીઝ થાય છે. ખૂદ અલ્લુ અર્જુને પણ આ માહિતી શેર કરી છે. મુસીબત ત્યાં છે કે આ વખતે પુષ્પા માત્ર એક કે બે ભાષામાં નહીં કુલ પાંચ ભાષામાં રિલીઝ થાય છે. ગણિત એવું નીકળે છે કે ક્રિસમસ પર રાજ કરનારા આમિર ખાનને પણ કેટલીક સ્ક્રિન પુષ્પા માટે ખાલી કરવી પડશે. અલ્લુ અર્જુન નામ પરથી કમાણી કરાવી જાય છે અને આ બાજુ આમિર ખાનની છેલ્લી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાનની ખરાબ સ્થિતિ રહી હતી. જેથી સ્ક્રિનની રીતે જોવામાં આવે તો અલ્લુ ટોપ પર રહી શકે છે. આમ પણ મહામારીની આર્થિક થપાટ ખમી રહેલા થીએટર માલિકોને ધનવર્ષાની જરૂર છે.

અલ્લુ અર્જુનની છેલ્લી ફિલ્મ હતી અલા વૈકુંઠપુરમુલો. જે દક્ષિણની ઓડિયન્સને ગમે તે રીતે જ બનાવવામાં આવી હતી અને ભરપૂર કમાણી કરી ગઈ હતી. આમિર ખાન લાલસિંહ ચઢ્ઢાનું પુરજોશમાં શૂટિંગ કરી રહ્યા છે. એવામાં પુષ્પાનું એ જ તારીખે આવવું એ મેકર્સ માટે ફાયદાકારક નથી. અલ્લુની હાલની ફેન ફોલોઈંગ જોતા આમિર ખાને પારોઠના પગલા કરવા પડશે અને જો ન કરે તો પછી ટક્કર માટે તૈયારી રાખવી પડશે.

એક રીતે બંને માટે નુકસાની થશે. મહામારીનો સમય ચાલી રહ્યો છે. ઈશ્વર જાણે ક્રિસમસ પર શું સ્થિતિ હોય? લોકો અત્યારે પણ થીએટરમાં જતા ગભરાઈ રહ્યા છે. એવામાં બે બે ફિલ્મો સાથે આવી જાય તો શું લોકો મનોરંજન મેળવવા જશે? દેશભરના થીએટરની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. જેથી કોઈ પણ ફિલ્મ થીએટરમાં રિલીઝ નથી થઈ રહી, ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે અને ઓટીટી આરામથી થીએટરને ભૂતકાળ બનાવવાના પ્રયાસોમાં લાગ્યું છે. બીજી બાજુ લીક થવાની સમસ્યા તો એટલી વિરાટકાય છે કે ઓટીટી પણ તેનાથી ભયભીત છે. ઓટીટી માટે ફિલ્મનું લીક થવું એ મહામારી છે!

જો આ બંને ફિલ્મો અલગ અલગ દિવસ પર આગળ પાછળ રિલીઝ થાય છે તો ગણિત સરળ છે કે બંને ફિલ્મોને ફાયદો થશે. ડિસ્ટ્રીબ્યૂટર્સને ફાયદો થશે. પ્રોડ્યુસર્સને ફાયદો થશે. થીએટરનાં માલિકોને ફાયદો થશે. આ બંને ફિલ્મોમાં એવી ભરપૂર ક્ષમતા અને શક્યતાઓ ભરેલી પડી છે કે દર્શકોને ફરી થીએટર સુધી ખેંચી લાવે. જો બંને એક જ દિવસે રિલીઝ થાય છે તો ખતમ, ટાટા, ગુડબાય, ગયા…

અલ્લુની ફિલ્મનું પલડું ભારે એટલા માટે રહેશે, કારણ કે મહામારીમાં આ વર્ષે જ આવેલી માસ્ટરે ભરપૂર કમાણી કરી હતી અને હિન્દીપટ્ટીમાં પણ દક્ષિણનું સિનેમા વર્ચસ્વ જમાવી ચૂક્યું છે. બોલિવુડ પાસે છેલ્લા કેટલાય સમયથી વિષયનો અભાવ હોવાના કારણે હવે દરેક દર્શકનો ડોળો દક્ષિણ તરફ મંડાયો છે. બંનેને ગેરફાયદો રહેવાનું કારણ એ છે કે પહેલા જેમ દર્શકો બેક ટુ બેક એક જ દિવસે રિલીઝ થનારી બે ફિલ્મો જોતા, તેવું હવે નહીં થાય. કોરોના મહામારીએ દર્શકોના ખિસ્સા ખાલી કરી દીધા છે. કાં તો એક જોશે, કાં તો એક પણ નહીં જોઈ.

આમિર ખાનની ફિલ્મ ટોમ હેંક્સની ફોરેસ્ટ ગમ્પની સત્તાવાર રિમેક છે. ફોરેસ્ટ ગમ્પ જોઈ લેનારાઓ માટે આ ભારતીય વર્ઝન કેવું છે તે ઉત્સુકતા જગાવનારું રહેવાનું છે. સામે અલ્લુની ફિલ્મમાં રશ્મિકા મંદાના છે. જે ભારતની નેશનલ ક્રશ બની ચૂકી છે અને અભિનયમાં એક્કા કહેવાતા મલયાલમ ફિલ્મ ઉદ્યોગ જગતના શેરશાહ ફહાદ ફાઝિલ વિલનની ભૂમિકામાં છે. જેનું નામ જ કાફી છે. હવે જોઈએ આગળ શું થશે. જતાં જતાં એક વાત કે, બાહુબલીના બે ભાગ, કેજીએનાં બે ભાગ અને હવે પુષ્પાના બે ભાગ. દક્ષિણ જાણે છે દર્શકની આગળ ગાજર કઈ બાજુ લટકાવીને રાખવું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments