Team Chabuk-Literature Desk: એક જર્મન પરિચિતે ચંદ્રકાંત બક્ષીને કહેલુ કે, ‘હું તમારી ગોટુ ટેન હાઉસ અને પાણીપતનું ચોથું યુધ્ધ આ બે વાર્તાઓ મારા સંગ્રહમાં લેવા માંગુ છુ. તમારો પરિચય આપશો.’
બક્ષીએ કહ્યું, ‘હું ચંદ્રકાંત બક્ષી, ઉંમર વર્ષ 37.’
જર્મને ફરી પૂછ્યું, ‘ઇનામ મળ્યા છે?’
બક્ષી ગમગીની થઇ થોડું હસ્યાં, ‘ના, કદાચ મને પબ્લિક રિલેશન રાખતાં આવડતું નથી. કદાચ હું ખરાબ લખી શકતો નથી. કદાચ કુર્નીશ બઝાવીને, ઝુકી ઝૂકીને ગળા પર પટ્ટો બાંધીને પૂંછડી પટપટાવતાં આવડતું નથી…..’
બક્ષીએ મકાનનાં ભૂત વાર્તા 18 વર્ષની ઉંમરે લખી હતી. અને એ પછી તેઓએ 18થી 19 વર્ષ સુધી વાર્તા લેખન કર્યુ. જેમાં તેમણે અઢળક વાર્તાઓ લખી. પ્રવીણ પ્રકાશને હાલમાં જ તેમની 139 વાર્તાઓ ભાગ એક અને બે પ્રસિદ્ધ કર્યા છે. છેલ્લા કેટલાય સમયથી બક્ષીનાં એ સંપૂર્ણ વાર્તાસંગ્રહો અપ્રાપ્ય હતા. ગ્રંથાલયમાં પણ ચીંથરેહાલ હાલતમાં મળી જાય તો નસીબ નહીં તો મળે પણ નહીં. આ બંને વાર્તા સંગ્રહો મળવા એ બક્ષી પ્રેમીઓ માટે ખૂબ જ આનંદની વાત છે. આપણા ઘણા વાર્તા સર્જકો ઉપર જયંત ખત્રી, સુરેશ જોષી બાદ સૌથી વધારે પ્રભાવ બક્ષીની વાર્તાશૈલીનો રહ્યો છે. દર વર્ષે તેઓ પાંચથી સાત વાર્તાઓ લખતાં. થાય ત્યાં સુધી તેને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કરતા હતા. તેમની હિન્દીમાં સૌથી વધુ 40 વાર્તાઓ અનુવાદિત થઈ છે.
મકાનના ભૂત એ સત્ય ઘટના પર આધારિત વાર્તા હોવા છતા અંત સુધી તે વાર્તા બાકડા પર બેસીને લખી તે બક્ષીને ગમ્યું નહોતું. આ વાર્તા પ્રકાશિત થયા બાદ બચુભાઈ રાવતે કહેલુ, ‘તું ગુજરાતનો મોટો લેખક થવાનો.’ બચુભાઈએ આ વાર્તા સંદર્ભે શિવકુમાર જોશીને પૂછેલુ, ‘તમારા કલકત્તામાં કોઇ ચંદ્રકાંત બક્ષી નામનો છોકરો રહે છે ?’
બક્ષીની બીજી વાર્તા એટલે ‘છુટ્ટી’ બક્ષી મકાનનાં ભૂત કરતાં આ વાર્તાને પોતાની પ્રથમ વાર્તા ગણતાં. કારણ કે આ વાર્તાથી તેઓ લેખક બક્ષી બની ગયેલા. છુટ્ટીથી યાદ આવ્યું કે બક્ષીની કુત્તી વાર્તાએ બક્ષી પાસેથી વાર્તા લેખન છીનવી લીધું હતું. એ પછી એક નવા બક્ષીનો જન્મ થયો જેણે સામાયિકોમાં અને અખબારોમાં આર્ટિકલ લખ્યા. બક્ષીના આર્ટિકલો અને તેમની તેજાબી શૈલીએ એક મોટા વર્ગને આવરી લેવાનું કામ કર્યું. એ જમાનામાં ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે જે અઠવાડિયે પ્રસિદ્ધ થતાં બક્ષીનાં લેખને નહીં વાંચતો હોય.
નવાઇ લાગશે પણ સ્ત્રી વિષે અઢળક લખનારા બક્ષીની શરૂઆતની વાર્તાઓમાં સ્ત્રી આવતી જ નથી. કુમારમાં વાર્તા છપાઈ ત્યાં સુધી તેઓ બે જ લેખકોને વાંચતા. સારંગ બારોટ અને શિવકુમાર જોશી. પન્નાલાલ પટેલની ગ્રામ્ય ભાષા તેમને ફાવતી નહીં. આવા ચંદ્રકાંત બક્ષીએ વાર્તાના કેટલાક ક્વોટેશન આપ્યા છે. આગળ વધો.
1) પહેલી વાર્તા લખાઇ ત્યારે સિદ્ધાંતોમાં હું માનતો હતો પણ મને શબ્દો મુકતા આવડતાં ન હતાં. એ જ સિદ્ધાંતોમાં હું માનું છું. સિદ્ધાંતો ઘડીને પછી એમનું પ્રતિપાદન કરવા વાર્તા ન લખાય.
2) જેને સમજાય એવી સહેલી ભાષામાં વાર્તા લખતાં આવડતી નથી એને વાર્તા ન લખવી જોઈએ.
3) અનુભવ. માણસોનો, વસ્તુનો, દુનિયાનો, વસ્તુઓનો, સ્થાનનો. જ્યારે અનુભવોનો જીવનસ્ત્રોત અટકી જાય છે, ત્યારે કલાકૃતિ અર્થાત્ વાર્તા ડહોળાઇ જાય છે. વાસી બની જાય છે. ગુજરાત સરકારના ઇનામોને લાયક બની જાય છે.
4) વાર્તાનું ઉદગમન સ્થાન છાતી છે, મગજ નહીં, ફીલીંગ છે, બુદ્ધી નહીં. બુદ્ધી હલબલાવી નાખવાથી વાર્તા નહીં વરસી જાય. માત્ર શબ્દો ઢોળાઇ જશે.
5) જ્યારે કોઇ વાર્તા પાછી આવી છે ત્યારે મને મારી કૃતિ નબળી હોવાની કલ્પના આવી જ નથી.
6) હું તો બહુ સામાન્ય વાર્તા લેખક છું. એવી નમ્રતા મારાથી કોઇ દિવસ કેળવી શકાય નથી.
7) હું બહુ જ સારી વાર્તાઓ લખવામાં માનું છું અને મારી ગઇકાલની વાર્તાઓ કરતાં આવતી કાલની વાર્તાઓ વધુ સારી હોવી જોઇએ. એ જીદ હું રાખું છું. કેમ કે કલાકાર માટે અહંકારનો દુર્ગુણ જરૂરી છે.
8) વાર્તાઓ લખી હું સરસ્વતી કે સાહિત્યની કોઇ સેવા નથી કરી રહ્યો.
9) હું વિચારું છું અત્યારની યીદીશ, જાપાનીઝ અને મેક્સિકન વાર્તા સામે બક્ષીની વાર્તા ક્યાં છે?
10) મારી વાર્તાઓ એટલે કલકતા… કલકત્તા… કલકત્તા… અને ચંદ્રકાંત બક્ષીનો જન્મ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત