Team Chabuk-Special Desk: રિચાર્ડ એટનબરોએ 1992ની સાલમાં ચાર્લી ચેપ્લિનના જીવન પર આધારિત ચેપ્લિન નામની ફિલ્મ બનાવી હતી. મહદઅંશે અને સિનેમા તરફના વધી રહેલા જુવાળના કારણે એ ફિલ્મ સૌ સિનેમાપ્રેમીઓએ જોઈ જ હશે. ગાંધી પછી એ એમનો ગમતો પ્રોજેક્ટ હતો. રોબર્ટ ડોની જૂનિયરે સારો અભિનય કર્યો હતો પણ ફિલ્મ રિચાર્ડની જ ગાંધીની તોલે ન આવી શકી. આ ફિલ્મનો એક સીન યાદગાર છે. જ્યારે ટ્રેનમાં બેસેલા ચાર્લીને ખબર પડે છે કે એ લોકપ્રિય થઈ તેની પૂર્વ પ્રેમિકા જેને મુગ્ધઅવસ્થામાં લગ્નનું વચન આપ્યું હતું. તેની મુલાકાતે જાય છે ત્યારે તેને ટ્રેનના કોચમાં જાણકારી મળે છે કે એ તો મૃત્યુ પામી છે.
પછી સુકા આંસુઓનો અભિનય કરવાનો છે. બહાર જનતા ચાર્લી માટે ઊભી છે અને ચાર્લી ઉપર ટ્રેનના ડબ્બામાં આફતનું પૂર ઉમટી પડ્યું છે. ભીનું હ્રદય છે. ત્યાંથી આંસુ આંખમાં ન આવી જાય તેવો અભિનય કરવાનો છે અને ચાર્લી એ પરિક્ષામાં ઉતીર્ણ થઈ જાય છે. જનતા ચાર્લીને જોઈ ખુશ થાય છે. ચાર્લી જનતાને જોઈ ખુશ થાય છે. માથા પરની ટોપી ઉતારી અભિવાદન ઝીલે છે. સાચા ચાર્લી સાથે પણ આવું જ થયું હતું.
જીવનમાં કંઈ કેટલીય પરિસ્થિતિઓ એવી આવી જાય છે જ્યારે આપણે આપણું કામ કરવાનું છે અને જે તે વ્યક્તિને યાદ પણ નથી કરવાનું. એ ગુજરી ગયો હોય તો પણ. મોટાભાગના કિસ્સામાં એવું બને છે કે પ્રિય વ્યક્તિનાં મૃત્યુના સમાચાર જ્યારે તમે વધારે ખુશ હોઉં છો ત્યારે આવે છે. કદાચ એટલે જ તેને ખુશી છિનવનાર કહેતા હશે. હાસ્ય કલાકાર સાથે કોઈ અનહોની ઘટના ઘટી છે અને તેણે હસાવવાનું છે.
ચાર્લીએ જે મુકામ હાંસિલ કર્યું એ બધી બહારની દુનિયા છે. ચમક-દમકવાળી. એક વખત કોઈ જગ્યાએ પહોંચ્યા પછી એ દુનિયાનું સત્ય આપણી સમક્ષ ઉજાગર થઈ જાય છે. દૂરથી જે ટાપુ તમારી કે મારી આંખને સુંદરતા બક્ષી રહ્યો છે ત્યાં એવા કેટલાય ભયંકર જીવો રહેતા હશે જે તમારો કે મારો જીવ લેવાની પ્રતીક્ષામાં હશે. આપણને બસ એ ટાપુ સુંદર લાગે છે. આપણે ત્યાં જઈએ છીએ. વાસ્તવિકતાનો સ્પર્શ કરીએ છીએ અને ત્યાંથી પાછા આવી જઈએ છીએ. અન્ય લોકોને પણ ત્યાં જવાની ઘસીને ના પાડીએ છીએ, પણ એ લોકો આપણી વાત સાંભળતા નથી.
એ ખૂદ અનુભવ કરે છે. એક જ ક્ષેત્રના લોકો પાસેથી એટલે જ જાતજાતની વાતો આપણે સાંભળતા હોઈએ છીએ. મનુષ્ય અનુભવકર્મ કર્યા વિના પાછો નથી આવતો. એક જ વ્યક્તિ પ્રત્યે દરેકના એટલે જ જુદા જુદા મંતવ્યો હોય છે. કોઈ માટે ચેપ્લિન સારો છે કોઈ માટે ચેપ્લિન ખરાબ છે. ફલાણી ફિલ્મ તમને ગમે છે મને નથી ગમતી.
આત્મકથાઓ વંચાય છે. સમજાતી નથી. આત્મકથાઓને એક હીરોઈક દૃષ્ટીથી વાંચવાનો આપણે ત્યાં પરાપૂર્વથી ટ્રેન્ડ છે. એ હીરો જે રીતે બન્યો એમ હું પણ સંઘર્ષ કરી હીરો બનું. આત્મકથાઓમાં કોઈના સંઘર્ષ વિષેની વાત અલગ તારવવાની જગ્યાએ આપણે એ વાતો અલગ તારવવી જોઈએ કે આત્મકથા વાંચ્યા પછી મારે મારા જીવનમાં શું શું નથી કરવાનું.
સ્ટીવ જોબ્સની આત્મકથા વાંચ્યા પછી તમારે એવા લોકોની પસંદગી કરવાની છે જે તમને તમારા સ્થાનેથી પદભ્રષ્ટ ન કરી દે. તમારા જ લોકો તમારી સામે શિંગડા ન ભરાવે. સ્ટીવની આત્મકથા એ પણ શીખવે છે કે એવી કોઈ વસ્તુનું સર્જન ન કરો જેની પાછળ આખી દુનિયા આંધળી દોટ મૂકે. નહીં તો સ્ટીવ પોતાના સંતાનોને શા માટે મોબાઈલથી દૂર રાખવાનો આગ્રહ રાખતો હતો?
ચાર્લીની આત્મકથા ગુજરાતીમાં રવીન્દ્ર ઠાકોરે અનુવાદિત કરેલી છે. ગુર્જર દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. વાંચવા લાયક કોઈ આત્મકથાઓ હોય તો તેમાં ચાર્લીને આંખ મીંચીને મૂકી જ શકાય. બેશક ચાર્લી જેટલો ફિલ્મમાં હસાવતો જોવા મળે છે એટલો એ આત્મકથામાં મજાક મસ્તી કરતો નથી જોવા મળતો. હસાવતા કલાકારો હ્રદયમાં ભૂતકાળની ભયાવહ સૃષ્ટી દાટીને બેઠા હોય છે. જતાં જતાં આવા કલાકારો આપણી સામે એ ભયંકર ચિત્તાની રાખનો ઢગલો મૂકી જાય છે. આપણે એ રાખને સુંઘવાની હોય છે. ચાર્લીની આત્મકથા એ રાખ છે.
પર્વત જોયો જ હશે. ચાર્લીનું જીવન પર્વત જેવું છે. એ નીચેથી શરૂ થાય છે. ટોચ પર પહોંચે છે. ત્યાંથી સરકીને નીચે આવે છે, ફરી પાછું ઊંચે જાય છે. ચાર્લી એ પર્વતો જેવો છે જેનો ઢાળ વારંવાર આવ્યા રાખે. એ પૈસેટકે સુખી થાય છે તો અન્ય રીતે સુખી નથી થઈ શકતો. ચાર્લીની આત્મકથામાં અને ફિલ્મમાં પણ જે દર્શાવવામાં આવ્યું છે તે પરથી તારણ કાઢી શકીએ કે ચાર્લીને કળાની રજૂઆત કરનારા કલાકારની ફજેતી થાય એ તો બિલકુલ પસંદ નહોતી.
એની ખૂદની માતા ગીત ગાતી બંધ થાય છે તો ઉપસ્થિત મહેમાનો તેની હાંસી ઉડાવવા લાગે છે. તક ઝડપી ચાર્લી સ્ટેજઆરોહણ કરે છે અને બધાને પોતાના અવાજથી મંત્રમુગ્ધ કરી દે છે. અહીં વાત માત્ર માની આબરુની નથી, કળાની પણ છે. વર્ષો સુધી આપણે એ દૃશ્યને એ રીતે સમજતા હતાં કે ચાર્લીની માતા ગાતી બંધ થઈ ગઈ તો દીકરાએ માની આબરુ સાચવી લીધી. દીકરાએ માતાની નહીં પણ કળાની આબરુ સાચવી હતી. ચાર્લીના જીવનમાંથી મળતો આ બોધપાઠ છે.
કોઈ વખાણ કરે એ કક્ષાનું લખો. કોઈ વખાણ કરે એ ઊંચાઈ સુધીનું નૃત્ય કરો, ગીત ગાવ. પૂરી તૈયારી સાથે જંપ લાવો જેથી કોઈ પાછળથી કહી ન જાય. જો એ કક્ષા સુધીની તમારી તૈયારી નથી તો પગ પણ ન મૂકો, કારણ કે આપણે જીતવા માટે જવાનું હોય છે, હારવા માટે નહીં. તમે બીજા સામે ખોટું બોલી શકશો તમારી અંતરાત્મા સાથે ખોટું નહીં બોલી શકો. તમારી અંદરના વ્યક્તિને ખબર જ હશે કે તૈયારી કેવી કરી છે? આ એક જ એવો વ્યક્તિ છે જેને તમે છેતરી નથી શકતા.
કળામાં જીવો છો તો ચાર્લીની માફક જીવો. કળાની ફજેતી ન ઉડવી જોઈએ. ચાર્લીની આત્મકથાના ફક્ત એક દૃશ્યમાંથી આટલું બધું આપણને મળતું હોય તો એ આખી આત્મકથા કેવી હશે?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત