Homeસિનેમાવાદઅંદાજ અપના અપના : જેનો ક્લાઈમેક્સ બોલિવુડની જ એક ફિલ્મથી પ્રેરિત હતો

અંદાજ અપના અપના : જેનો ક્લાઈમેક્સ બોલિવુડની જ એક ફિલ્મથી પ્રેરિત હતો

ઝાલાવાડી જલજીરા: ફિલ્મો સાથે વણાઈ ચૂકેલા એક પારિભાષિક શબ્દ ‘કલ્ટ’ વિશે ઘણા લોકોએ સાંભળ્યું હશે. બોલચાલની ભાષામાં પણ ઉપયોગ લેવાય છે કે આ ફિલ્મ કલ્ટ ક્લાસિક છે. પણ ફિલ્મ કલ્ટ ક્યારે બને ? જ્યારે કોઈ વસ્તુ દરેક સમાજમાં લોકપ્રિય બની જાય તેને કલ્ટ કહેવામાં આવે છે. શુદ્ધ કાઠિયાવાડીમાં જે વસ્તુ જીભે ચડી જાય. અંદાજ અપના અપના દરેક વર્ગની જીભે ચડી ગઈ હતી. એક એવી ફિલ્મ જે ચેનલ બદલતા કોઈ ચેનલમાં આવતી હોય તો હાથ બે ઘડી ત્યાં જ સ્થિર થઈ જાય અને ચહેરા પર સ્મિત લહેરાઈ આવે. અત્યારે જે ફિલ્મને હિટ કહી રહ્યા છીએ તે ફિલ્મ એ જમાનામાં તો ફ્લોપ નિવડેલી. સચિન તેડુલકરે ફિલ્મના મુહુર્ત શોટનું ઉદ્ધાટન કરેલું. અજબ ગજબના ફેક્ટ આ ફિલ્મ સાથે સંકળાયેલા છે. એક એવી ફિલ્મ જેને જોયા પછી ક્રિટિસાઈઝ ન કરી શકીએ.

બે મધ્યમવર્ગીય પિતાની ઉંચા સપના જોતી સંતાન એટલે કે અમર આમિર ખાન અને પ્રેમ સલમાન ખાન છે. ખિસ્સામાં એક રૂપિયો નથી પણ સપનાં હીરો બનવાના અને જુહી ચાવલા સાથે વેવિશાળ કરવાના જુએ છે. એવામાં મેગેઝિનમાં ધનાઢ્ય સુંદરી રવિનાના લગ્નની જાહેરખબર વાંચી આ બંન્ને પિતાની દુકાનની ગેમ બજાવી પરણવા નીકળી પડે છે. પણ મુસીબતો ઘણી છે. એ મુસીબતોને વટાવતા વટાવતા અમર-પ્રેમની મુલાકાત તેજા સાથે થાય છે. તેજા વિલન છે. જેનો ભાઈ રામ બજાજ છે. રામ કરોડોનો માલિક છે અને તેની સંપત્તિ હડપી લેવાનો તેજાને થનગનાટ છે. આ માટે તેને રોબર્ટ અને ભલ્લા નામના બે સાથીદારો મદદ કરે છે. જેમની પાસે ‘પીલાન’ છે પણ બુદ્ધિ નથી. તેજાને જલ્દીથી રૂપિયા મેળવવા છે, કારણ કે તેની પાછળ મોગેમ્બોનો ભત્રીજો ગોગો એટલે કે શક્તિ કપૂર પડ્યો છે. ઘટનાઓ ઘટ્યા રાખે છે અને ક્લાઈમેક્સ હોલિવુડની જગ્યાએ બોલિવુડની જ એક જૂની ફિલ્મમાંથી કોપી કરવામાં આવ્યો છે.

ફિલ્મના ડાયરેક્ટર રાજકુમાર સંતોષી ગંભીર અને મારધાડ પ્રકારની ફિલ્મો બનાવવા માટે પોપ્યુલર છે. એ સમયે તેમણે ઘાયલ અને દામીની બનાવી હતી. જેનો બોલિવુડમાં સિક્કો પડતો હતો. આમિર ખાનને ફાઈનલ કર્યો, પણ સામે સલમાન ખાનની શરત એ હતી કે ફિલ્મમાં મારો રોલ મોટો હોવો જોઈએ. આ એટલા માટે કે ફિલ્મની સ્ક્રિપ્ટ લખતા પહેલા સ્ટારકાસ્ટ ફાઈનલ થઈ અને પછી ફિલ્મ તૈયાર થઈ. ફિલ્મને બનતા ત્રણ વર્ષ લાગેલા. આ એક પ્રકારની ટોમ એન્ડ જેરી ટાઈપ સ્ટોરી છે. જેમાં જીવતા ટોમ એન્ડ જેરી અમર અને પ્રેમ છે. ફિલ્મના એક એક સીનમાં મુર્ખતા ભરેલી છે. મુર્ખતામાંથી જ હાસ્ય નિપજે જેને રાજકુમાર સંતોષીએ કુશળતાપૂર્વક પડદે સાકાર કરી બતાવ્યું છે. ઉદાહરણ તરીકે બાપને કિડનેપ કરી દીકરી પાસેથી પૈસા માગતો તેજા. જેને અમર સમજાવે છે, ‘તારે દીકરીને કિડનેપ કરી બાપ પાસેથી પૈસા માગવા જોઈએ. લગતા હૈ કચ્ચા ખિલાડી હૈ !’

અંદાજ અપના અપનાએ બોલિવુડને શીખવ્યું કે ફિલ્મના ક્લાઈમેક્સમાં કેવી રીતે કલાકારોને ભેગા કરી હાસ્ય ઉપજાવી શકાય. એ ફિલ્મમાંથી પ્રેરણા લઈ ઘણી ફિલ્મો હાસ્ય ઉપજાવવાની જગ્યાએ હાસ્યાસ્પદ બની ગઈ. ફિલ્મમાં અમર-પ્રેમ એક મકાનમાં છે, તેના પરથી એક મકાનમાં જ કોમેડી થાય તેવી હાઉસફુલ અને ગોલમાલ સિરીઝ આવી. ફિલ્મમાં બે મિત્રોની વાર્તા છે જે પોતાના ટાર્ગેટને પામવા માટે દુશ્મન બને છે. તેવું ધમાલ અને ઢોલમાં પણ આવી ગયું. ફિલ્મોમાં કલાકારોની સંખ્યા વધી પણ કોમેડીનું સ્તર અંદાજ અપના અપના જેટલું બન્યું નહીં. હિરોઈનો ઉલટ ફૂલટ થાય તેવું ઓલ ધ બેસ્ટ અને હાઉસફુલ-1માં પણ બતાવ્યું. એટલે કે આ માત્ર કલ્ટ ક્લાસિક નહીં આ પાયાની ફિલ્મ પણ હતી. કોઈને સર્જન માટે પ્રેરણા આપે તેવી ફિલ્મ.

કોમેડી ફિલ્મોમાં અભિનય સાથે સમયસર ડાઈલોગ ફટકારવાની ક્ષમતા હોવી જોઈએ. પરેશ રાવલનો તેજાનો કિરદાર, ડાઈલોગ બોલવામાં આરોહ-અવરોહ પણ કામ લાગે જેમ કે ભલ્લા અને ગોગો, કોમેડી ફિલ્મમાં ઓડિયન્સ હસવી જોઈએ કલાકાર નહીં, પણ કલાકાર હશે તો પણ મજ્જા આવે તેવો રોબર્ટ. આમિર ખાન અને સલમાન ખાનની ટોમ એન્ડ જેરી અદાકારી સિવાય આ ફિલ્મમાં રવિના અને કરિશ્મા માત્ર અને માત્ર ફિલ્મનું કોલેસ્ટ્રોલ વધારતી હતી. બીજું કે ધ્યાનથી જુઓ તો ફિલ્મમાં હીરો કરતા વિલન મહત્વનો છે. ફિલ્મની પટકથા પણ તેના પર જ ભાર મૂકે છે.

ખુદ પર હસી શકો તો સારું હાસ્ય સર્જી શકો. ફિલ્મમાં સલમાન અને આમિરે પણ પોતાની જ ફિલ્મના ગીતોને કોમેડીમાં ઢાળી દીધા. સાજનનું દેખા હૈ પહેલી બાર અને કયામત સે કયામત તકનું પાપા કહેતે હૈ બડા નામ કરેગા. ખાસ તો આ ફિલ્મની કોમેડી રાજકુમાર સંતોષીની દામિનીથી જ શરૂ થઈ ગઈ હતી. દામિનીમાં આમિરનું કેમિયો સોંગ પૂર્ણ થયા બાદ એક પ્રશંસક આવી આમિરને પૂછે છે, ‘સર તમારી અંદાજ અપના અપના ક્યારે રિલીઝ થશે ?’ કારણ તમે અગાઉના લેખમાં જાણી ચૂક્યા છો કે ફિલ્મ ચાર વર્ષે રિલીઝ થઈ હતી॥

ફિલ્મની સૌથી મોટી ખાસિયત તેના ડાઈલોગ હતા. ખાસ તેજાની જીભેથી નીકળતો સંવાદ, ગેમ કર ડાલૂંગા, પત્તે બીછા દૂગા, ક્રાઈમ માસ્ટર ગોગોનો આંખે નીકાલ કે ગોટીયા ખેલૂંગા, આમિર ખાનનો હાઈલા, સલમાન ખાનનો ઉંઈમાં, રોબર્ટનો સર ગલતી સે મિસ્ટેક હો ગયા, ભલ્લાનો હમારે નયે પ્લેન કે મુતાબીક. ફિલ્મમાં જેટલા કલાકારો છે તે બધાની પોતપોતાની એક પંચલાઈન છે. જેના વિના કોઈ સીનની શરૂઆત નથી થતી.

અગાઉ કહ્યું તેમ ફિલ્મનો ક્લાઈમેક્સ સીન 1973ની ફિલ્મ વિક્ટોરિયા નંબર 203થી પ્રેરિત હતો. ફિલ્મમાં મહમૂદના પ્રોડક્શન હાઉસનું નામ હોય છે વાહ વાહ પ્રોડક્શન. હકીકતે આ પ્રોડક્શન હાઉસ તેમની 1966માં રિલીઝ થયેલી ફિલ્મ પ્યાર કિયે જામાં પણ આ જ નામથી હતું. જે ડાઈલોગ સાંભળી તાળીઓ પાડવાનું મન થાય છે તે સ્ક્રિપ્ટમાં હતાં જ નહીં, તે તો બસ શૂટિંગ સમયે જ મનમાં આવ્યા તે નક્કી કરી લીધા હતા. ગોગોનું કિરદાર પહેલા ટીનું આનંદ કરવાના હતા પણ બાદમાં શક્તિ કપૂરના હાથમાં આવી ગયું.

ફિલ્મના એક વિવાદ વિશે તો બધાને ખ્યાલ છે કે ફિલ્મ બનીને તૈયાર હોવા છતા રિલીઝ માટે અટકી પડેલી. પણ આ ફિલ્મથી સલમાન ખાન ખરા અર્થમાં દબંગ બનેલા. સરોજ ખાનને ખરી ખોટી સંભળાવેલી, જે પછી સલમાને 1994થી આજ સુધી તેમની સાથે કામ નથી કર્યું. આ વાતનો સરોજ ખાન પણ એક ઈન્ટરવ્યૂમાં સ્વીકાર કરી ચૂકી છે. આ વિવાદ યે રાત ઔર યે દુરી ગીતથી ઉપડ્યો હતો. કોરિયોગ્રાફીમાં સરોજ સલમાન કરતા આમિરને વધારે મહત્વ આપતી હતી. ગુસ્સેલ સલમાને કહ્યું, ‘જ્યારે હું મોટો સ્ટાર બની જઈશ ત્યારે તને મારી એક પણ ફિલ્મમાં નહીં લઉં.’ ખેર સરોજજી તો 2020માં જ ચાલ્યા ગયા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments