એક માછલી તરતાં બચતાં છેવટ સમજી મર્મ કથાનો,
માછીમારથી શું ડરવાનું સૌથી મોટી જાળ સમંદર
પુનમે કરવટ લીધી. તેની મદમસ્ત કાયા આશ્લેષની પીઠ સાથે અથડાઈ. આશ્લેષે તેને આખી રાત ઊંઘ નહોતી લેવા દીધી. નજીકમાં આવી રૂપની રાણી હોય ત્યારે કયો રાજા ઊંઘે. પુનમ આશ્લેષની નજીક આવી અને તેના ગાલ પર તસતસતુ ચુંબન કરી દીધું. આશ્લેષ પર જાણે પહેલો વરસાદ વરસી ગયો, પણ આવા તો કંઈ કેટલાય પુનમના ચોમાસા આશ્લેષે પોતાની ધરતી પર ખમ્યા હતા. આશ્લેષને ખબર પડી ગઈ કે સવાર થઈ ગયું છે, પણ એ હજુ ઉંઘવા માંગતો હતો. પુનમે આશ્લેષનો મોબાઈલ હાથમાં લીધો. મોબાઈલ ખોલતા જ તેની આંખો ફાટી ગઈ.
*******
પુનમ અને આશ્લેષ બંન્ને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. કોલેજમાં પહેલું પગલું મૂક્યું ત્યારે જ આશ્લેષને પુનમ ગમી ગઈ હતી. તેના માટે તો પુનમ એ ઘડીએ ડ્રેસમાં નહીં પણ નવવધુના શણગાર સજીને આવી હોય તેવી લાગતી હતી. તેના હાથમાં પુસ્તકોની જગ્યાએ વરમાળા હતી. પોતે વરરાજો બની ગયો હતો. ક્લાસ રૂમમાં નહીં જાણે મંડપમાં કુમકુમના પગલાં પાડતી હોય તેવી જાજરમાન લાગતી હતી. ક્લાસમેટ તેને જાનૈયા લાગતા હતા જે ફૂલોનો વરસાદ કરતાં હતા. અને પેલા સાહેબ તેને પંડિત લાગવા માંડેલા. પણ આ પંડિતે વેવિશાળની જગ્યાએ ગુસ્સાના મંત્ર ભણી તેના વિચારવાયુમાં ખલેલ પહોંચાડી.
આશ્લેષને સીધોદોર કરવા ક્લાસની વચ્ચે ખખડાવી નાખ્યો. પુનમે પણ જ્યારે આ દ્રશ્ય જોયું કે એક નબીરો તેની પાછળ મોહી પડ્યો છે તો તેની અંદર સ્મિતની એક લહેરખી ફૂટી નીકળી. જે તેણે દબાવી દીધી. એને પોતાની સુંદરતા પર અભિમાન થઈ ગયું.
ચંદ્ર પર ખાડા છે કે નહીં એ જોવા આશ્લેષ નહોતો ગયો પણ પુનમના ગાલમાં બે મોટા ખંજન છે એ જોઈ તેને પામવાના અવનવા પેંતરા કરવા લાગ્યો. કોલજમાં ફિઝિક્સની જગ્યાએ હંસલ ભચેચની પણ હું તો તને પ્રેમ કરું છું ચોપડી હાથમાં આવી ગઈ.
આશ્લેષે હવે પુનમની પાછળ રોજના ધક્કા ખાવાના શરૂ કરી દીધા. તેને કેટલાયે કહ્યું કે, ‘અમીર બાપની સંસ્કારી અને નમણી નાર છે. આખા શહેરને ખવડાવે તોય ખાધે ખૂંટે નહીં એટલા રૂપિયા છે. તારાથી આ સુંદરતાનો ખજાનો નહીં લૂંટી શકાય.’ પણ આવી બે કોડીની નેગેટિવ વાતોને કાને ગંભીરતાથી લે અને હાર માને તો આશ્લેષ શાનો ?
એને ક્યાં મોટું વૈજ્ઞાનિક બનવું હતું. ચંદ્ર પર ઉતરવું હતું. પુનમની ધરતી પર ઉતરવા મળી જાય તો પણ બહુ !! પછી ભીતરની ઊંડાઈ તો એને માપતા આવડતી જ હતી.
આશ્લેષ સાવ કાઢી નાખ્યા જેવો ઠોઠડો નહોતો. પુનમ અને અમાસ વિતતી ગઈ. પુસ્તકોની આપ-લે બંન્ને વચ્ચે થવા લાગી. આ બહાને આશ્લેષ કુમાર પુનમ કુમારીને હાથ અડકાવી લેતા અને આયખાનું સુખ ક્ષણિક વાર માટે ભોગવી લેતા. પુનમનો હાથ અડે ત્યારે આખો દિવસ હાથ ન ધુએ. કેન્ટીનમાં બેસીને તેના વિચારોમાં આટોળ્યા રાખે. અને આ વિચારો સુહાગરાતની પથારી તરફ પ્રયાણ કરવાના હોય ત્યાં તેનો નવરો મિત્ર ભાવીક કાન પાસે આવી કહે, ‘હવે ભાલીયા સાહેબનો ક્લાસ છે.’
તેના વિચારોની રિબીન કપાઈ જાય. આંખો સામે પુનમની જગ્યાએ મુછાળો ભાલીયો આવી જાય. સૌમ્ય ચહેરો હટી જાય અને બરછટ શીતળાના ડાઘા ધરાવતો, ચોમાસે તૂટી ગયેલા રોડ જેવું થોબડું આવી જાય. પાતળી કમરનું સ્થાન સ્થૂળ પેટ લઈ લે. એના દાંત ખાટા થઈ જાય અને ફરી પાછો ક્લાસમાં.
આશ્લેષને આવા ઉમળકા દિવસમાં વારંવાર આવવા લાગ્યા અને એક દિવસ નક્કી કર્યું કે આ કેટરીના કૈફને પ્રપોઝ કરી જ દેવું પણ કેવી રીતે ? આશ્લેષે તુરંત એક કીમિયો ઘડી કાઢ્યો અને પુનમની પાક્કી બહેનપણી રક્ષાને મેદાનમાં ઉતારી. રક્ષા બોલવાની મશીન હતી. બે ચાર શબ્દોમાં પીગળી જાય એવી. સુંદરતામાં પુનમથી જરાક ઓછી ઉતરે એવી. એણે કેન્ટીનમાં ચા પીવા બોલાવી રક્ષાને બધી વાત કહી અને રક્ષા હસતા હસતા સૌંદર્યની સાક્ષાત્ શીલા પાસે ગઈ. પુનમના કાને આશ્લેષની વાત મૂકી. પહેલા તો પુનમે એક ઝાટકે ના પાડી દીધી.
આ વાત જ્યારે આશ્લેષને ખબર પડી તો એ પણ તેને હવે નહોતો બોલાવતો. વાત ઠંડી પડી ગઈ. પણ એક દિવસ ચાલીને જતી પુનમને કેટલાક ગુંડાઓએ છેડી. પાછળ જ આશ્લેષ આવી રહ્યો હતો. પુનમની આવી સ્થિતિ જોઈ એ ગુંડાઓની સંખ્યા જોયા વિના તૂટી પડ્યો. ગુંડાઓએ આશ્લેષની પીટાઈ કરી નાખી. ઋત્વિક રોશન જેવા ચહેરા પર ભાલીયા સાહેબ જેવા જ ઢીમચા ઉપસી ગયા, જાણે હમણાં જ કોઈ ફિલ્મનો સ્ટંટ ન ભજવાયો હોય. તેની આ બહાદુરી પર પુનમ પણ મીણની જેમ ઓગળી ગઈ. તેના હૈયામાં આશ્લેષે જગ્યા લઈ લીધી.
નાણાવટીને હવે રાવલ બનાવવાની આશ્લેષ મીઠી મીઠી વાતો કરવા લાગ્યો. પુનમને થીએટરમાં ઘુમાવી, મેળામાં લઈ ગયો, અમદાવાદના સ્પતક કાર્યક્રમથી લઈ નાટકોમાં લઈ ગયો. નાટક તો કોને જોવું હતું આશ્લેષને તો મનભરીને પુનમના આ ચાંદને માણવો હતો.
અને પછી રાતો વીતવા લાગી. આશ્લેષની ભરાવદાર છાતીમાં પોતાનું માથું ભરાવી પુનમ પડી રહેતી. આશ્લેષ પણ હાથમાં આવેલી આ રતિના વાળમાં પોતાના હાથ ફેરવ્યા કરતો અને સમયે સમયે પુનમનું રસપાન કરી લેતો.
પુનમને પણ ખબર ન રહી કે આશ્લેષના ગળાડૂબ પ્રેમમાં એ અત્યાર સુધીમાં ચાર લાખનો ધુમાડો કરી ચૂકી હતી. બાપ તો માગ્યા વિના બે ત્રણ લાખ એમનેમ આપી દેતો અને દીકરી માગે તો ? ભાવી વર ભાવી વર કરી કરી ને એણે આશ્લેષ ઉપર મન મૂકીને ખર્ચ કર્યો. આશ્લેષ પણ હાથમાં આવેલી આ જડીબુટ્ટીને જવા દે એવો ક્યાં હતો.
પુનમ કંઈ પૂછતી કે આ બધા પૈસા ક્યાં જાય છે તો રોમિયોના અંદાજમાં ધબકારા ચૂકી જવાય એવા મલાઈદાર જવાબો આપી આશ્લેષિયો છટકબારી શોધી લેતો. એ જવાબોથી પુનમનો આખો દિવસ નીકળી જતો. એ એમાં લસર્યા કરતી.
******
ગઈ કાલ રાત્રે નાઈટમેર હોટલમાં આશ્લેષ અને પુનમ આવ્યા હતા. એકબીજાને ભરપૂર પ્રેમ કર્યો અને આશ્લેષે પણ ત્રણ રાતનું એક સાથે વટક વાળી દીધું. તેની ઊંડી નાભીમાં ડૂબવા મથતું આશ્લેષનું નાક. પુનમના શરીરના ગમતાં અંગો પર આશ્લેષે હોઠની છાપ છોડવા માંડી. પુનમ પણ ખાટલા પર હાથ ખોડીને આશ્લેષને તેના દાવ અજમાવવા દેતી હતી અને આશ્લેષને તો જ્યારે ઓલમ્પિકનો ગોલ્ડ મેડલ મેળવવો હોય એ રીતે એક એક દાવ અજમાવી રહ્યો હતો. પુનમ પર રાત આખી આશ્લેષ નામનું ગ્રહણ સવાર રહ્યું. કોને ખબર હતી કે નવી સવાર પુનમના જીવનમાં તોફાન લઈને આવશે.
આખી રાત આશ્લેષે આપેલો થાક બાજુ પર મૂકી પુનમ ઉઠી અને મોબાઈલ હાથમાં લીધો તો તેની આંખો વિસ્ફારીત થઈ ગઈ. મોઢામાંથી કારમી ચીસ નીકળી ગઈ જે સાંભળી આશ્લેષ સફાળો જાગી ગયો.
‘શું થયું ? કેમ આટલી રાડો નાખે છે ? ગરોળી જોઈ લીધી કે શું ?’
‘આ શું છે ?’
‘કોણ ?’ આશ્લેષની આંખોમાંથી હજુ ઊંઘ નહોતી ઊડી, પણ પુનમની આખી જિંદગીની ઊંઘ ઊડી ગઈ હતી. તેણે તેને મોબાઈલમાં રહેલ ફોટો બતાવ્યો.
‘ઓહ તારી બહેનપણી રક્ષા.’ આશ્લેષે બેફિકરાઈથી જવાબ આપ્યો. પુનમને આવા જવાબની આશા નહોતી.
‘હા, મને ખબર છે રક્ષા છે. પણ તારી સાથે આમ કઢંગી હાલતમાં…!!’ પુનમે મોબાઈલને રાતભર મસ્તી કરેલા અને વળી ગયેલા ઓછાડ પર ફેંકી દીધો.
હસતા હસતા આશ્લેષે મોબાઈલને હાથમાં લીધો અને અછડતી નજર પુનમ પર ફેંકી, ‘તો સાંભળ, તારી સાથે સેટીંગ પાડવા માટે રક્ષાને મેં કેન્ટીનમાં બોલાવી અને પછી રક્ષાડી ને તારી વાત કહી, પણ તારી વાત વાતમાં રક્ષા પણ મારાથી પટી ગઈ. એને આપણે સંબંધ રાખીએ તેમાં કોઈ વાંધો નહોતો. મહારાણી સાથે પટરાણી મળતી હોય તો મને શું વાંધો હોવાનો. મને એમ કે સમય આવ્યે તને કહી દઈશ ત્યાં આ તસવીરે જ બધું રહસ્ય ખોલી દીધું. કંઈ વાંધો નહીં સારું જ થયું.’
પુનમે તેના તરફ જોયું અને પૂછ્યું, ‘હવે કંઈ કહેવાનું બાકી છે.’
આશ્લેષે તકિયાનો સહારો લીધો અને બેડ પર નમી ગયો, ‘તારી પાસેથી ત્રણેક લાખ અને પછી પાંચેક લાખ જેવા લીધા હતા ને એ તારી બહેનપણી પર જ ઉડાવી દીધા. આઈ હોપ કે તને ખોટું નહીં લાગે.’
ગુસ્સામાં પુનમ ત્યાંથી ચાલી ગઈ. હોટલના રૂમમાં આશ્લેષનું હાસ્ય પડઘાતું હતું. તેના મોબાઈલમાં ફોન આવ્યો, ‘ગઈ ?’
‘હા ગઈ. આઠ લાખ તારી પાસે રાખજે. આવીને મારો ભાગ લઈ જઈશ. યોજના કારગત નીવડી. અને હવે પેલા ગુંડાઓને એમના પાંનસો પાંનસો આપી દે તો સારું !!!’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત