અશોક સરિયા : કાયદો અને કાનુન વ્યવવસ્થા પ્રજાના હિત માટે હોવા જોઇએ. જેમાં પ્રજાના પ્રશ્નોને સરળતાથી ઉકેલી શકાય અને તેમના નૈતિક મૂલ્યોનું રક્ષણ થાય. પરંતુ વર્તમાન સરકારોનું વલણ એવું જોવા મળી રહ્યું છે કે આવા કાયદા અને કાનુનો દ્વારા પ્રજાને પરેશાન કરી તેને હેરાન કરીને તેની પાસેથી જબરજસ્તી દંડ અને દંડાના જોરે પરાણે કાયદાનું પાલન કરાવડાવે છે. ખરેખર જો કાયદો જનહિત માટે હોય તો તેમાં જનતાનું હિત થવું જોઇએ પરંતુ અહીં તો સરકાર અને અમલદારોની જો હુમકમી ચલાવીને તેમનો ઇગો સંતોષાય એ માટે તેમને છૂટો દોર અને મન ફાવે તેવું વર્તન તથા દંડની વસુલાતો કરીને આવક અને અહંકાર દેખાડાઇ રહ્યો છે.
જો કાયદો જનહિત માટે જ હોય તો કાયદાનો ભંગ કરનાર જનતાને સમજ આપી તેઓ ફરી એવું વર્તન ન કરે એ માટે સમજાવવી જોઇએ. કાયદા અંગે અને તેના ઉપયોગ અંગે તેમજ તેની અસરકારકતા લોકોના હિત માટે હોય એ બાબત સૌની સમક્ષ છતી કરવી જોઇએ. લોકો સમજણથી કાયદામાં રહે એવું વલણ અપનાવવું જોઇએ. અને મહત્વની વાત એ પણ છે કે કોઇ પણ કાયદો હોય એ ખરેખર પ્રજાના હિતનો હોવો જોઇએ નહિ કે તેનાથી પ્રજા પીસાય અને સરકારને તેનો ફાયદો થાય.
જો કાયદો જ લોકહિતનો હશે તો લોકો સ્વેચ્છાએ જ તેનો અમલ કરશે. તેનો અમલ કરવા માટે અમલદારોએ પોતાની અમલદારી દેખાડવી નહીં પડે. પરંતુ અહીં તો કાયદાને બનાવીને ત્યાર બાદ પૂરતો પ્રચાર થયા વિના જ અમલદારોના દંડા અને દંડ દ્વારા તેનો યેનકેન પ્રકારે અમલ કરાવવામાં આવે છે. જેનાથી પ્રજા તો પરેશાન થાય જ છે અને દંડ સ્વરૂપે તેની આવક હોય એના કરતા પણ વધું રકમ ભરીને તેની આંતરડી કકળી ઉઠે છે. પરંતુ વાતાનુકૂલિત ઓફિસોમાં બેઠેલા સત્તાધારિઓને તેનાથી કોઇ ફેર પડતો નથી.
પ્રજાના પ્રતિનિધિઓ તો આવા કાયદાથી વેગળા રહે છે એટલે તેમને પણ આવા કાયદાની આક્રમક અસરો જણાતી નથી. ઉપરાંત તેઓ તો પોતાની વગથી તેમાંથી બાકાત પણ થઇ શકે છે પરંતુ સામાન્ય જનતા બિચારી તેમાં પીસાય અને રીબાય છે. હકીકતે કાયદો એવો હોવો જોઇએ કે જેને પ્રજા સર્વસામાન્ય રીતે સ્વીકારી શકે. નહીં કે તેને જબરદસ્તી સ્વીકાર કરાવડાવવો પડે.
વર્તમાનમાં તો દંડાના જોરે એવો દંડ વસુલ કરાય છે કે જાણે આવા કાયદા માત્ર સરકારની તીજોરી ભરવા માટે જ બનાવવામાં ન આવ્યા હોય ! ઘણા જાગૃત નાગરિકો તેનો વિરોધ પણ દર્શાવે છે પરંતુ હાલની સ્થિતિ એવી સર્જાઇ છે કે સરકારના વિરોધીને દેશનો વિરોધી બતાવીને તેને યેનકેન પ્રકારે બંધ કરાવી દેવાય છે. જનતાના ટેક્સના પૈસાથી જેના પગારો થાય છે એ જ સરકારના પ્રતિનિધિઓ એ જ જનતાને સતાવવામાં સીમાઓ પાર કરી જાય છે.
સામાન્ય રીતે કાયદો કોઇ પણ હોય તેને દેશના દરેક નાગરિકે અનુસરવો પડે છે. પરંતુ અહીં તો ઘણીવાર એવો ઘાટ ઘડાય છે કે અમલમાં આવેલા કાયદાના પાલનમાં સરકારી બાબુઓ બરખાસ્ત ને જનતા જમાદારના હવાલે. એટલું જ નહીં આવા સરકારના સભ્યો કાયદાઓનો ભંગ કરીને માત્ર માફી માગીને તેમાંથી છટકી પણ શકે છે જ્યારે આમ જનતાએ તો એમ કરવાની પણ પરવાનગી નથી હોતી.
જ્યારે પણ કોઇ કાયદો બનાવવામાં આવે ત્યારે સૌથી પ્રથમ એ બાબતો પર દૃષ્ટિપાત કરવો આવશ્યક હોય છે કે તે સામાન્ય જનતા માટે કેટલો ઉપયોગી અને જરૂરી છે. જનતા તેને સહજતાથી સ્વીકારી શકે અને સ્વેચ્છાએ જ તેનો અમલ અનુસરે. આ માટે જરૂરી પ્રક્રિયાઓ પણ કરવી પડે. નહીં કે માત્ર કાયદા ઘડનારાઓના ભરોસે એ કાયદાને સીધી મંજુરી આપી દેવી અને ત્યાર બાદ તેના અમલ માટે યોગ્ય અયોગ્ય કોઇ પણ ભોગે તેનો જનતા પાસે અમલ કરાવવો.
હા ઘણા કાયદા એવા હોય કે જે જરૂરી હોય પણ આમ જનતા સરળતાથી તેને સ્વીકારી ન શકે પરંતુ એ માટે જરૂરી માહિતી દ્વારા જનતાને સમજ આપી તેની જરૂરીયાત અને અનિવાર્યતાથી અવગત કરાવવા માટે પણ પુરતા પ્રયાસો કરવા પડે. ત્યાર બાદ જ તેનો અમલ થાય એવા પ્રયાસો કરવા જોઇએ. પરંતુ આજે તો સોટીના જોરે શિક્ષાનો પૂરાતન પ્રયોગ કરવામાં આવે છે. જેનાથી પ્રજાને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સરકારોએ પણ એ વાતની ગાંઠ વાળવી ઘટે કે જો કાયદો સાચો અને સારો હશે તો પ્રજા પણ તેમાં સાથ સહકાર અને સ્વેચ્છાએ તેના પાલનમાં પાછી પાની નહીં કરે. તેના માટે આવા કાયદાઓના અમલ માટે કોઇ સખતાઇ કરવી નહીં પડે. પણ કોઇ કાયદો બનાવીને તેને જનતા ઉપર ઠોકી બેસાડવાનો કોઇ તાર્કિક અર્થ રહેતો નથી. જો કાયદો કસાયેલો હોય તો તેમાં કોઇને ફસાવવાની જરૂરત નહીં પડે.
ઘણા એવા લોકો પણ હોય કે જેઓને માટે કાયદો કોઠે ન પડતો હોય તો એમના માટે વિશેષ પદ્ધતિઓ અપનાવવી જોઇએ. પરંતુ દરેક વ્યક્તિને આવી આવારા સમજીને તેને માત્ર અપરાધીની નજરથી જ જોવાનો કોઇ અર્થ નથી. આનાથી પ્રજાના પ્રશ્નોના નિરાકરણની જગ્યાએ તેઓની પરેશાની વધે છે. કાયદો એટલે બંધન નહીં પણ કાયદો એટલે અનુશાસન. આવી સમજદારી પૂર્વક કાયદાનું નિર્માણ અને તેનો અમલ કરાવવામાં આવે તો જ તેની યોગ્યતા પૂરવાર થાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત