Homeવિશેષકોલેજ કથા - ઉષેન્દ્રિય

કોલેજ કથા – ઉષેન્દ્રિય

ઘરેથી નીકળો તો રાખજો સરનામું ખિસ્સામાં,
મળે છે કોણ જાણે કેવા ઝંઝાવાત રસ્તામાં.

‘આ મારો દીકરો ઈન્દ્ર. હમણાં જ તત્વજ્ઞાનની જીપીએસસીની પરીક્ષા પાસ કરી પ્રોફેસર થયો છે.’ ખુરશી પર પલોઠી ચડાવીને બેઠેલા અને સબડાક સબડાક અજગરની જેમ ફુંક મારી ચાની ચુસ્કી લેતા નાથાલાલે સામે બેઠેલા ભાવી વેવાઈને ભાવી જમાઈનો પ્રાથમિક પરિચય આપ્યો.

આજે મોટર ભરીને આખું ઘર છોકરીની મેટર પતાવવા નીકળ્યું હતું. ઈન્દ્રને ઘરેથી કહેવામાં આવ્યું કે છોકરીનું નામ ઉષા છે ત્યારથી તેના શ્વાસના અનુલોમ-વિલોમનો વેગ વધી ગયો હતો. ઘરમાં ઉષા પંખો ફરતો હતો છતાં તેને પરસેવો વળી ગયો હતો. બે ચાર લોકો તો તેને પૂછી પણ ગયા કે હજુ તો છોકરીનું નામ પડ્યું છે ત્યાં તો શિયાળામાં પરસેવો વળવા લાગ્યો. આગળ જતા તો શું શું થશે ?

મોટરમાં બેઠો બેઠો ઈન્દ્ર એક જ વાતનું મનમાં પોપટની જેમ રટણ કરતો હતો કે આ ઉષારાણી પેલી ન હોય તો સારું.

નાથાલાલે ચાની ચુસ્કી પતાવી અને હવે છોકરો છોકરી એકાંતમાં મળી લે તો સારું આમ થનાર વેવાઈ તરફ શબ્દોનો મોર્ડન ફુવારો માર્યો. ફુવારાની થપાટથી ભીંજાય જતા ઉષાના બાપુજીએ તેમની પત્ની સામે પલળેલા પાનની જેમ નજર મિલાવી.  

ઉષાની માં ઈન્દ્રને દોરી જતી હતી ત્યારે ઈન્દ્ર ગાય જેવો લાગતો હતો. તેણે રૂમમાં પગ મૂક્યો. એણે પહેલા જ મા-બાપનો સરવાળો માંડી તેમની અણસારમાંથી ઉષાનો ક્યાસરૂપી જવાબ કાઢી લીધો હતો. તો પણ મન હવાતિયાં મારતું હતું કે આ એ ઉષા ન હોય તો સારું. તત્વજ્ઞાનના પ્રોફેસર ઈન્દ્રને છોકરી જોવામાં પણ ચોપડીના બે પાનાં વચ્ચેના વિચારો આવતા હતા. ‘‘જો ત્યાં ધૂમાડો છે તો અગ્નિ છે.’’

રૂમમાં દાખલ થતા જ સામે સાડીમાં સજ્જ રૂપ રૂપના અંબાર સમો પચાસ કિલો વજની એવી ઉષા ઉભી હતી. પાછળથી દરવાજો બંધ થઈ ગયો. ઈન્દ્ર અને ઉષા એકલા પડી ગયા. ઈન્દ્ર બારણાની પાસે સંગ્રહાલયની કોઈ અપરિચિત મૂર્તિની જેમ જડ બનીને ઊભો હતો. સામે ઉષા અગનગોલાને આંખના પટારામાં સંઘરીને ઊભી હતી. ઉષાના ઘરનો રૂમ કોલેજના ક્લાસરૂમમાં ફેરવાઈ ગયો.

****

‘કેવો વિષય રાખ્યો ? અને કેવી કોલેજ ભટકાઈ ગઈ છે? બીજા ડિપાર્ટમેન્ટમાં બહુમતિની સંખ્યામાં છોકરીઓ અને અહીં લઘુમતી પણ નહીં.’ જીતેન્દ્રએ હર્ષદની સામે જોઈ કહ્યું.

સામે ઊભેલા બટકબોલા અને કોલેજમાં ભણવા ખાતર ભણતા ચંદ્રેશબાબુએ ગુસ્સામાં મટકું મૂક્યું, ‘ગ્લેમરનો સદંતર અભાવ છે. કોલેજ તો કન્યાઓથી શોભે પણ અહીં ભણાવવા પૂરતી પણ મહિલા પ્રોફેસર નથી. છે એ બધાં ઢાંઢા જેવા વાંઢા પ્રોફેસરો છે. પરણતા પણ નથી અને બીજાને પરણવા દેતા પણ નથી. કામદેવને આપણા ભવન સાથે કંઈક અંગત અદાવત લાગે છે. તેમના પ્રતિશોધને શાંત કરવો રહ્યો. હું તો કઉં નિવેધ કરાવો. બનારસથી ગંગાજળ લઈ ભવનમાં છાંટો અને ભૂવાને બોલાવી તાંત્રિક વિધિ કરાવો. હું તો ત્યાં સુધી કહું છું કે કોઈની બલિ ચડાવવી પડે તો પણ મને પરવા નથી. છોકરીઓ એડમિશન માટે આવે તો મનમાં વિશ્વામિત્રની જેમ એકચિત્તે તપશ્ચર્યા કરતા આપણા ગુરૂજનોએ કંઠી બાંધેલી જ રાખેલી હોય કે, છોકરો આવે તો એડમિશન પાક્કું બાકી છોકરીનું નહીં. અરે આ કંઈ વાંઢા વિલાસ થોડી છે. ’

ઈન્દ્રએ છાતી કૂટતા કહ્યું, ‘આવા લોકોને તો નર્કમાં પણ જગ્યા નથી મળતી. કાલ કેન્ટીનમાં હું પફ લેવા ગયો તો જગ્ગો મને કહે એ વાંઢા ભવનીયા આવ્યા. એક દિવસ તો આ બધાને બતાવી જ દેવું છે. બસ ખાલી ભવનમાં એક છોકરીની એન્ટ્રી થઈ જાય એટલે તેની કમરમાં હાથ નાખી જગ્ગાને ગલગલીયા કરાવું.’

વાત સાચી જ હતી. છોકરાઓ ભણવા સિવાય પ્રેમિકા કે ભાવી પરણેતર માટે પણ કોલેજમાં આવતા હોય છે. જોકે તત્વજ્ઞાનના આ ભવનમાં એવું કશું ન હતું. ભવનના હેડ હઠિયા સાહેબ પોતે પણ અપરણિત હતા. તેની પાછળનું કારણ કોઈને ખબર નહીં. બીજા બે પ્રધ્યાપકો પણ એમની જેમ કન્યા મેળવવામાં ઠન ઠન ગોપાલ નીકળ્યા હતા. પાંચ આંકડાનો પગાર હતો પણ ઘરે પ્રેમથી પાંચ શબ્દો કહી શકીએ તેવી સ્વરૂપવતિ નહોતી. યુનિવર્સિટીમાં છાશવારે થઈ જતા પ્રોફેસર અને વિદ્યાર્થિનીઓના છમકલાંથી હેરાન થઈ આ ભવને છોકરીઓને એડમિશન દેવાનું ટાળ્યું હશે, તેવું એક વખત અખબારમાં બે કોલમમાં પણ છપાઈ ગયું હતું.

આ પછી તો ભવનમાં છોકરીઓને એડમિશન નહી આપી અન્યાય કરાય છે તેવો વિદ્રોહ ફાટી નીકળેલો. જેની આગેવાની ચંદ્રેશબાબુ, ઈન્દ્ર, હર્ષદ અને જીતેન્દ્રએ લીધી હતી. જન્મ જન્મના પ્રેમ વિહોણા અને કઠણાઈના કડુહલા એટલે આ ચંડાલ ચોકડી. ‘હઠિયો હાઈ હાઈ…’ નામના રાગળા પણ ચારેયે તાણેલા.

કમિટીની ઉપર સુધી વાત પહોંચી અને નક્કી થયું કે છોકરીઓ આવે તો એડમિશન આપી દેવું. યુનિવર્સિટીમાં રખડતા પત્રકારોએ બીજા દિવસે આ ઘટનાને ઈમ્પેક્ટ તરીકે છાપી હતી.

ગૌતમ દોડીને આવ્યો અને ઝાડને અઢેલીને ઉભેલા મિત્રોને નારદ મુનિની જેમ સમાચાર આપ્યા કે રૂપના ત્રણ ત્રણ બંડલોના પહેલી વખત ભવનમાં એડમિશન થયા છે. જુવાનિયાઓના પ્રેમને ઈજન મળ્યું.

ગૌતમના મોઢે વાત સાંભળતા જ ચારેના હ્રદયના એરિયલનું પ્રસારણ ફટ દેખાનું પકડાઈ ગયું. ચેનલનું નામ હતું લવદર્શન. જીતેન્દ્રએ ખિસ્સામાંથી દાંતિયો કાઢી કઢંગી રીતે પથરાયેલા વાળને ભારત પાકિસ્તાનની બોર્ડરની જેમ નોખા પાડી દીધા. હર્ષદે નંબરવાળા ચશ્મા સરખા કર્યા અને પોતાને અંદરથી હીરોમાં ખપાવવા લાગ્યો. એક વર્ષથી સુક્કા રણમાં રહેતા ચંદ્રેશબાબુના હ્રદયમાં ગુલાબ ખીલ્યું. દરિયા પર ચાલવા માટે પથ્થરનો સેતુ રચાવાનો હતો.

‘કોણ છે છોકરી ?’ બધા એક સાથે બોલી ઉઠ્યા.

ઓફિસમાં ક્યારનો ભરાઈને પડેલો ગુલદસ્તો બહાર નીકળ્યો. બે તો સામાન્ય હતી પણ એક પર બધાની નજર ચોંટી ગઈ. ઉષા.

ચારે વાંઢકુંવરો એક સાથે બોલી ગયા, ‘આ મારી છે.’

યુનિવર્સિટીના કેમ્પસમાં વાતો થવા લાગી કે તત્વજ્ઞાનમાં આ વખતે ત્રણ છોકરીઓએ એડમિશન લીધા છે. એ સાથે જ વાંઢાનું વર્ષો જૂનું લાગેલું લેબલ હટી ગયું. પોતાના ડિપાર્ટમેન્ટની કન્યાઓને ત્યજી બીજા પણ તત્વજ્ઞાન ભવનમાં ઉષાની ઝલક મેળવવા પાટ પથારીઓ પાથરવા લાગ્યા. નારંગીની ચીર જેવા તેના હોઠ. ફાટફાટ થતું જોબનિયું. મંજાયેલા કલાકારે લીસોટા મારી તૈયાર કરેલી તેની કમર. જીન્સના પેન્ટમાંથી બહાર નીકળવા થનગની રહેલા બે ઉરોજ.

લેક્ચર બંક મારનારા પણ હવે લેક્ચર ભરવા લાગ્યા. હાજરીનું સમસ્યારૂપી વાવાઝોડું ફંટાય ગયું. ઉષા સાથે વાત કરવાના અવનવા પેંતરાઓ વિદ્યાર્થીઓ અજમાવા લાગ્યા.

હર્ષદે તેને હાઈ કહેલું.

ચંદ્રેશબાબુએ તેને ચા માટે પૂછેલું.

ઈન્દ્રએ તેની ઈયરરિંગના વખાણ કરેલા.

જીતેન્દ્રએ તેના જીન્સની પ્રશંસા કરેલી.

પણ સામેથી જવાબ શૂન્ય હતો. ચારેય આર્યભટ્ટ પર ગુસ્સો ઠાલવવા લાગ્યા. ઉષાને પટાવવી અધરી હતી. ઉષાને પણ ખબર હતી કે તેના જોબનને ચાહનારાઓની સંખ્યા વધી ગઈ છે. છોકરીને આ વાતની ખબર પડે એટલે તેના સાજ શણગારમાં ખર્ચા વધી જાય.

રાતના રૂમ પર ઉષા નામના બિલને પાસ કરવા છોકરાઓની બેઠક મળી. બધાને ઉષા જોઈતી હતી. બધા ઉષાના કિરણની જેમ નીકળતા સ્તનના આશિક હતા. કોઈને ભાવ ન આપતી ઉષારાણીના હોઠની ઉષ્માને મેળવવા માટે મહાગઠબંધન કરવું જરૂરી હતી. બહારના ભવનનો છોકરો પંખો કાઢીને લઈ જાય તે પહેલા સ્ક્રૂ ટાઈટ કરી દેવાના હતા. ‘તો મારા વ્હાલા મિત્રો… ઉષા એક જ છે. આખી યુનિવર્સિટીમાં યૌવનનું મઘમઘતું સૌંદર્ય છે. બીજી બે તો ફ્રીમાં આવેલી લક્સની નાની ગોટી છે. જે જોઈતી ન હોવા છતાં ઉપરવાળાએ આપણા ખોળામાં પરાણે નાખી દીધી છે. ઉષાને પામવા માટે આપણા ચારે વચ્ચે સ્પર્ધા છે તે આપણે જાણીએ છીએ. કદાચ ઉષા પણ જાણે છે. દસ દિવસ પછી વેલેન્ટાઈન ડે આવશે. કોઈ એક જ ભમરો ફુલને ચૂંટી શકશે. એ દિવસે આપણે ચારે તેને એક બાદ એક એમ પ્રપોઝ કરીશું. ઉષા નામનો પંખો જેને હા પાડે છે હવા તેને જ ખાવાની બીજાએ ગરમી ખાવાની. અને…’

એક સામટા અવાજે બધાએ હકારમાં માથું ધુણાવ્યું. મહાગઠબંધન પાર્ટીએ ઉષા નામનો ખરડો બહુમતી સાથે પસાર કર્યો. દસ દિવસ તો પથારીમાં આળસ મરડો એમ વીતી ગયા.  

વેલેન્ટાઈન ડેના દિવસે ઉષાને પામવા હર્ષદ નામનો હી-મેન હીરલો મેદાને પડ્યો. ક્લાસમાં તે એકલી હતી. હર્ષદે બેગમાંથી ગુલાબનું ફૂલ કાઢી ઉષાની સામે ધર્યું અને કહ્યું, ‘ઉષા વિલ યુ બી માય વેલેન્ટાઈન.’

થોડી ક્ષણોમાં તો ઉષાએ હર્ષદના ગાભા કાઢી નાખ્યા. પ્રેમનો પ્રસ્તાવ હવામાં ધુમાડો થઈ વિલીન થઈ ગયો. પ્રેમના યુદ્ધમાં પરાજીત થયેલા હર્ષદે ગુલાબ‘શસ્ત્ર’ને ડસ્ટબીનમાં નાખી દીધું અને પોતાનો પરાજય સ્વીકારી લીધો.

જીતેન્દ્રએ ક્લાસમાં જઈ ઉષાને હળવા સાદે કહ્યું, ‘હે ખંજન નયની તું આ રણવીરની દીપિકા બનવા માગે છે?’

અફસોસ કે ઉષા દીપિકા જેવી દેખાતી હતી પણ તેની આંખો માટે જીતેન્દ્ર રણવીર સિંહ ન બની શક્યો. ક્લાસમાં પડઘા પડતા રહ્યા અને જીતેન્દ્રની આખી હીરોગીરી કોલેજની દીપિકા પદુકોણે હ્રદય સોંસરવી કાઢી નાખી.

સિનીયર એવા ચંદ્રેશબાબુ પહોંચ્યા. ઉષા પહેલી બેન્ચમાં જ બેઠી હતી. અગાઉના બે છોકરાઓને તેણે પોતાના ગુસ્સાથી નિર્વસ્ત્ર કરી નાખ્યા હતા. બેન્ચની બાજુમાં આવી ચંદ્રેશે ઉષાની લટને પોતાના હોઠની વચ્ચેથી ફૂંક મારી હવામાં ઉડાવી. ક્લાસમાં સટાક કરતો અવાજ આવ્યો. બહાર ઉભેલા બે પરાજીત અને એક બાકી રહેલા ઉમેદવારના હ્રદયમાં પણ ઝણઝણાટી વ્યાપી ગઈ. મારતા ઘોડે ગયેલા ચંદ્રેશબાબુ ગાલ પર હાથ પસવારતા પાછા આવ્યા.

‘રેવા દેજે ઈન્દ્ર. ઉષાનો હાથ નહીં હથોડો છે.’ ચંદ્રેશે જવાબ આપ્યો અને પોતે શું કર્યું તે વાત તેની સામે રાખી દીધી. ગુલાબમાં કંઈક વધારે જ કંટકો હતા. હર્ષદ અને જીતેન્દ્ર બાદ ચંદ્રેશબાબુના જે હાલ થયા હતા તે પરથી ઈન્દ્રની તો હવે હિંમત જ નહોતી ચાલતી.

બાકડા પરથી ઈન્દ્ર ઊભો થયો. શરૂઆત ક્યાંથી કરવી એ તેને સમજાતું ન હતું. તેના પગ તેના શબ્દોની જેમ જ અત્યારથી લથડતા હતા. વીસ મિનિટની અંદર જ ત્રણ યોદ્ધાઓ પ્રેમની પરીક્ષામાં શહીદ થઈ ગયા હતા.

ઈન્દ્ર ક્લાસરૂમના બારણા પાસે પહોંચ્યા અને તેનામાં હિંમત આવી ગઈ. તેણે ક્લાસરૂમની અંદર જઈ બારણું બંધ કરી દીધું. બહાર ઉભેલા જીતેન્દ્ર, હર્ષદ અને ચંદ્રેશબાબુ તો કંઈ સમજી નહોતા રહ્યા.

હર્ષદે કહ્યું, ‘ચંદ્રેશ તને તો ખાલી થપ્પડ મારી છે, પણ ઈન્દ્રને તો હોસ્પિટલે લઈ જવો પડશે. તૈયારી કરી લઈએ.’

‘આ છંછૂદર અંદર શું કરતો હશે ? હવે એ કેમ ખબર પડે ?’ જીતેન્દ્રએ ઊંડા નિસાસા નાખતા કહ્યું.

‘પાછળની બારીએ ચાલો.’ ચંદ્રેશબાબુએ સુજાવ મૂક્યો.

ત્રણે બારી પાસે ગયા અને અંદર શું ચાલી રહ્યું છે તે જોવા માટે નજર નાખી.

ઉષા જગ્યા પરથી ઊભી થઈ ગઈ હતી. તેને ખબર હતી કે ત્રણ વાંદરા પછી ચોથો વાંદરો સફરજન ખાવા આવ્યો છે. તે ઊભી થઈ અને બારણું ખોલવા પગ ઉપાડ્યા. ઈન્દ્રએ તેનો હાથ પકડી લીધો. એક પણ શબ્દની આપ-લે બંને વચ્ચે નહોતી થઈ. શબ્દોની જગ્યાએ ઈન્દ્ર પૌરુષત્વ પર ઉતરી આવ્યો. ઉષાના હાથને પકડીને ખેંચ્યો અને તેને પોતાના બાહુપાશમાં જકડી લીધી. ઉષા પણ કંઈ બોલી નહોતી રહી. બારી પાસે નજર રાખીને બેસેલા ત્રણે વાંદરાઓ પણ ચોથા વાંદરાના ક્રિયા કલાપોથી હેરાન થઈ ગયા હતા.

આગામી બોલમાં ઉષા ચોગ્ગો જ ફટકારશે તેની રાહ જોઈ બેઠેલા ત્રણેના માથા ભમી ગયા જ્યારે ઈન્દ્રએ ઉષાના નારંગી જેવા હોઠમાંથી ખટાશ ચુસી લીધી. ઉષાના ચહેરાનો પારો ચડી ગયો.

‘હવે ખેર નથી.’ ચંદ્રેશબાબુએ ધીમેથી બાજુમાં ઉભેલા જીતેન્દ્ર અને હર્ષદને કોણી મારતા કહ્યું.

સાચેક ખેર ન રહી. ઈન્દ્રના હોઠની!!

તત્વજ્ઞાન ભવનની કોલેજ કથાની આ પ્રેમગાથાને હજુ પાંચ જ દિવસ થયા હતા. બપોરનો સમય હતો અને ઈન્દ્ર ત્રાટકી પડ્યો. હર્ષદ, જીતેન્દ્ર અને ચંદ્રેશબાબુની પીઠમાં શબ્દધારી ચાબુક ફટકારી, ‘ચાલો રૂમ ખાલી કરો.’

‘તું તો પણ ભારે ઉતાવળો હો…’ મિત્રો મશ્કરી કરતા ગયા અને રૂમ દાઢી મૂછાળાઓની વિદાય બાદ રૂપવતીનાં સૌંદર્યથી પાવન થઈ ગયો. ઉષા માટે ઈન્દ્રએ ચા મૂકવાની તૈયારીમાં હતો. ગરમ દૂધની ટોપળી સ્ટવ પર મૂકી તેણે ધીમા તાપે ગરમ કરવાની શરૂઆત કરી. ગાદલા પર બેસેલી ઉષાના વળાંકો પર લસરપટ્ટી ખાવા માટે ઈન્દ્રનો રથ આગળ વધ્યો. ઈન્દ્રના આંખમાં આવેલી એ ચમકને ઉષા પારખી ગઈ હતી. ઉષાનો એક અર્થ થાય ખારી જમીન જેને હવે ઈન્દ્ર મીઠી કરી દેવાનો હતો. લીલીછમ કરી દેવાનો હતો. ગ્રહણ બનીને ત્રાટકવાનો હતો. બે દેહ હાંફવા લાગ્યા. પથારી ચીમળાવા લાગી. ધીમા તાપે મુકેલું દૂધ પણ હવે ગરમ થઈ ચૂક્યું હતું. ઉફાણની તૈયારીમાં હતું. બંને એક સાથે ઉભરાયા અને શાંત થઈ ગયા.

સતત બે વર્ષ સુધી. ઉષાની સુંદર સવારને ઈન્દ્ર જૂએ કે રથ લઈ ચડી પડતો. એ દિવસે પણ એમ જ થયું. રૂમ પર બંને ઉષેન્દ્રિયો તૃપ્ત થઈ બેઠા હતા. ઈન્દ્રએ રણકાર કર્યો, ‘આજથી તું તારા રસ્તે હું મારા રસ્તે.’

ઉષાને ઈન્દ્રના કારણે તો શરીર દુ:ખતુ જ હતું પણ હવે તેના શબ્દોથી હ્રદય પણ દુ:ખવા લાગ્યું. એ નજીકમાં પડેલી સાલ વડે અનાવૃત શરીરને ઢાંકતા બોલી, ‘કેમ ?’

‘જો, મને ફેરવી ફેરવી ને વાત કરતા નથી આવડતી. તું આવી ત્યારે જ અમે નક્કી કરી લીધું હતું કે બીજા ભવનમાં જેમ છોકરાઓ મોજ કરે છે એ જ મોજ અમારે પણ કરવી છે. સુક્કી જમીનને હરિયાળી કરી દેવી છે. કેન્ટીનમાં અમને વાંઢા વાંઢા કહેનારાઓને બોલતા બંધ કરી દેવા છે. અમારામાંથી કોઈને પણ તું હા પાડેત સ્થિતિ તો આ જ થવાની હતી. દૂધ ઉભરાવાનું જ હતું. ચંદ્રેશના પેન્ટમાં પડેલી સિગારેટ કાઢી તેણે સળગાવી અને ધૂમાડો ઉષાની માથે ફેંક્યો.’

રૂમમાં ઉષા અને ઈન્દ્ર જૂની યાદોમાંથી પાછા ફર્યા. કોઈ અજાણ્યો ધૂમાડો તેમની વચ્ચેથી પસાર થઈ ગયો હોય તેવું લાગ્યું. જે થવાનું હતું એ જ થયું. ઉષાએ ઈન્દ્રનું માગુ ફગાવી દીધું. જે વ્યાજબી હતું. ઉષાના ઘરમાંથી નીકળતા ઈન્દ્રએ રાહતનો શ્વાસ લીધો.

****

ઈન્દ્રને પીએચડીની ગાઈડશીપ મળતા વાર ન લાગી. તેની નીચે પીએચડી કરનારી વિદ્યાર્થિની કેબિનમાં આવી તો ફરી ઈન્દ્રને પરસેવો વળી ગયો. એ ઉષા હતી. ઈન્દ્રનો રથ ગબડી પડ્યો.

કેબિનમાં કોઈ ન હતું. ઈન્દ્રની નજીક આવી માથા પર હાથ ફેરવતા તે એટલું જ બોલી, ‘સાંભળ્યું છે જલ્દી પણ પીએચડી થઈ શકાય છે. તમે તો કોલેજ કાળથી જ માહિર છો.’

‘જૂનો શરાબ માણવાની મજા જ અલગ હોય છે.’ ઈન્દ્ર બોલ્યો અને ઉષા સાથે જૂની રમત શરૂ કરી દીધી.

એક મહિના પછી ઈન્દ્રના નસીબ ભરપુર ચમક્યા. તે ટીવી પર આવતો હતો. આખી કોલેજનું માથું નીચું નમી ગયું હતું. ટીવી પર ટોપ બેન્ડ બ્રેકિંગ સાથે ચાલતા હતા. ગુજરાતી એન્કરો બરાડા પાડતા હતા. ચપટી વગાડતા પીએચડી કરાવી દેતો નરાધમ પ્રોફેસર. લંપટ પ્રોફેસર. પ્રોફેસરના છાનગપતિયાં… ને એવું ઘણું બધું.

નિવૃત થયેલા ભવનના વૃદ્ધ પ્રધ્યાપક હઠિલા સાહેબ પણ ટીવી પર આ સમાચાર જોઈ રહ્યા હતા. તેમના હોઠ વચ્ચેથી શબ્દો સરી પડ્યા, ‘ઉષા કાળે વિપરિત બુદ્ધિ.’

(શીર્ષક પંક્તિ – રશીદ મીર)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments