ઝાલાવાડી જલજીરા : ખુબ પ્રચલિત સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલની 12મી સિઝન શરૂ થઈ ચૂકી છે. કોરોના કાળમાં ઓડિશન ઓનલાઈન લેવામાં આવ્યા હતા ત્યારબાદ તેમાંથી પસંદ કરેલા કેટલાક ઉમેદવારોને રૂબરૂ ઓડિશન માટે બોલાવાયા હતા. ટોપ-15 સિંગરને પણ પસંદ કરી લેવામાં આવ્યા છે અને શોની સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. પરંતુ ઉડીને આંખે વળગે તેવી માહિતી એ છે કે ઇન્ડિયન આઈડલની 12મી સિઝન ભલે નવા રંગ રૂપ સાથે શરૂ થઈ હોય પરંતુ પસંદ કરાયેલા સિંગરો લગભગ જુના જ છે.
ટોપ-15 સ્પર્ધકમાંથી મોટાભાગના સિંગરોનો અવાજ તમે કોઈને કોઈ રિયાલિટી શોમાં સાંભળી ચૂક્યા હશો. એટલે કે કહી શકાય કે ઈન્ડિયન આઈડલની સિઝન ભલે નવી હોય પરંતુ અવાજ જુનો જ સાંભળવા મળશે. જો કે ઘણા સિંગરોને તમે પ્રથમ વખત પણ સાંભળશો.
વૈષ્ણવ ગિરીશ
કેરળનો આ સિંગર અગાઉ ઈન્ડિયન આઈડલમાં જ પોતાના અવાજનો જાદુ પાથરી ચુક્યો છે. વૈષ્ણવ ગિરીશ વર્ષ 2015માં ઈન્ડિયન આઈડલ જુનિયર સિઝન-2માં ટોપ-13માં પસંદ થયો હતો. સારેગામાપા લિટલ ચેમ્પ્સમાં પણ તે સ્પર્ધક તરીકે રહી ચુક્યો છે. તેના અવાજના કારણે તેણે દેશભરમાં ખ્યાતિ મેળવી હતી. તે ઈન્ડિયન આઈડલ જુનિયરમાં ફાઈનલમાં પહોંચતા પહોંચતા રહી ગયો હતો.તે વખતે વૈષ્ણવ ગિરીશના અવાજની ઘણા સિંગરો અને એક્ટરોએ પ્રશંસા કરી હતી. ઓડિશન રાઉન્ડમાં જ્યારે વૈષ્ણવ સ્ટેજ પર આવ્યો તો વિશાલ દદલાની તેને જોઈને ખુશખુશાલ થઈ ગયા અને પરત આવવાનું કારણ પૂછ્યું તો વૈષ્ણવે કહ્યું કે, ‘હું મારું પર્ફોમન્સ વધુ સારું કરવા માગું છું.’

સન્મુખાપ્રિયા
ઝી ટીવી પર આવતા સૌથી જુના રિયાલિટી સિંગિગ શો સારેગામાપામાં આ સિંગર દેખાઈ ચુકી છે. વર્ષ 2017માં આવેલી સારેગામાપા લિટલ ચેમ્પ્સ સિઝનમાં સન્મુખાપ્રિયા ફાઈનલિસ્ટ બની હતી. સારેગામાપા લિટલ ચેમ્પ્સમાં જુના મેલોડી ગીતો ગાયને સન્મુખાપ્રિયાએ સૌને નાચતાં કરી દીધા હતા. હવે તે પોતાનો મેલોડીયસ અવાજ લઈને ઈન્ડિયન આઈડલમાં પહોંચી ગઈ છે.

પવનદિપ રાજન
ઉત્તરાખંડના ચંપાવત જિલ્લામાંથી આવતો આ સિંગર તો એક રિયાલિટી શો પણ જીતી ચુક્યો છે. પવનદિપ રાજન 2015માં એન્ડ ટીવી પર શરૂ થયેલા ધ વોઈસ ઇન્ડિયા સિંગિગ શોનો વિજેતા રહી ચૂક્યો છે. આ શોના જજ તરીકે હાલના ઇન્ડિયન આઈડલ સિઝન 12ના જજ હિમેશ રેશમિયા પણ હતા. ધ વોઈસ ઇન્ડિયાની પ્રથમ સિઝન જીતીને પવનદિપ રાજન દેશભરમાં પ્રચલિત થઈ ચુક્યો હતો. પવનદિપ ચંદીગઢના રોક બેંડ ગ્રુપ સાથે પણ જોડાયેલો છે. તેના પિતા સુરેશ રાજન પણ લોકગાયક છે.

અંજલી ગાયકવાડ
2017માં આવેલા સારેગામાપા લિટલ ચેમ્પસની અંજલી ગાયકવાડ વિજેતા છે. સારેગામાપા લિટલ ચેમ્પ્સની આ સિઝનમાં શ્રેયાન ભટ્ટાચાર્યની સાથે અંજલી ગાયકવાડને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવામાં આવી હતી. અંજલી ઇન્ડિયન આઈડલમાં પોતાની બહેન સાથે ઓડિશન આપવા આવી હતી પરંતુ તેની બહેનની પસંદગી ટોપ-15માં થઈ નહતી. જ્યારે અંજલી ક્લાસિકલ ગીતો ગાઈને જજને ખુશ કરવામાં સફળ રહી હતી.

સાહિલ સોલંકી
સાહિલ સોલંકી અલગ અલગ બે રિયાલિટી સિંગિંગ શોમાં જોવા મળ્યો હતો. સૌ પ્રથમ 2015માં આવેલા ધ વોઈસ ઇન્ડિયાની પ્રથમ સિઝનમાં તે જોવા મળ્યો હતો. મિકા સિંહની ટીમમાં સાહિલ સોલંકી સામેલ હતો. ત્યારબાદ 2018માં આવેલી સારેગામાપા સિંગિંગ રિયાલિટી શોમાં સાહિલ સોલંકી ફાઈનલિસ્ટ રહી ચૂક્યો છે. અગાઉના રિયાલિટી શોમાં સાહિલ સોલંકી પોતાના યુનિક અવાજથી દર્શકોના દિલ જીતી ચૂક્યો છે.

અરુનિતા
કોલકત્તાની આ સિંગર પોતાના સુરીલા અવાજના કારણે ઇન્ડિયન આઈડલની 12મી સિઝનમાં ટોપ-15માં સામેલ થઈ ગઈ છે. જો કે તમે આ સિંગરને અગાઉ સારેગામાપા લિટલ ચેમ્પ્સની 2014ની સિઝનમાં સાંભળી ચૂક્યા હશો. અરુનિતા સારેગામાપા લિટલ ચેમ્પ્સની આ સિઝનમાં ફાઇનલમાં પહોંચી હતી પરંતુ વિજેતા બની શકી ન હતી. હવે તે ઇન્ડિયન આઈડલમાં વિજેતા બનાવાનો દ્રઢ નિર્ણય કરીને આવી છે.

શ્રીશા ભગવાતુલા
આ સિંગરને આમ તો તમે પહેલી વખત સાંભળશો પરંતુ તમિલ રિયાલિટી શો સુપર સિંગરની છઠ્ઠી સિઝનમાં શ્રીશા ભાગ લઈ ચૂકી છે. આ શોમાં શ્રીશા ફાઈનલિસ્ટ પણ બની હતી. જો કે આ શો તમિલ ભાષા પૂરતો સિમિત હતો તેથી અન્ય રાજ્યના લોકો પ્રથમ વખત આ સિંગરને સાંભળશે. શ્રીશા ચિત્રાજીના ગીતો ગાવા માટે જાણિતી છે.

આશિષ કુલકર્ણી
આ સિંગરે ઓડિશન, થિએટર રાઉન્ડ અને ગ્રાન્ડ પ્રિમિયર રાઉન્ડમાં ત્રણેય જજને ખૂબ જ ઇમ્પ્રેસ કર્યા હતા. આશિષ કુલકર્ણીને લગભગ લોકો પ્રથમ વખત સાંભળશે પરંતુ તે આજથી બાર વર્ષ પહેલા એક રિયાલિટી શોમાં દેખાય ચૂક્યો હતો. જેનું નામ છે સારેગામાપા મરાઠી લિટલ ચેમ્પ્સ. આ શો મહારાષ્ટ્ર પૂરતો મર્યાદિત હતો અને 12 વર્ષ પહેલા ઓન એર થયો હતો એટલે આશિષનો અવાજ અન્ય રાજ્યના લોકો માટે નવો હશે.

નચિકેત લેલે
આ સિંગરના અદાકારી અને ગાયકીથી ત્રણેય જજ ખૂબ જ પ્રભાવિત થયા છે. નચિકેત સિંગર ઉપરાંત થિયેટર પણ કરે છે. જોકે નચિકેત સારેગામાપા મરાઠી 2018ની સિઝનનો વિજેતા રહી ચૂક્યો છે. 2016માં પણ તેણે સારેગામાપા સિઝનમાં ભાગ લીધો હતો પરંતુ જીતી શક્યો ન હતો. બે વર્ષ બાદ ફરી સારેગામાપા મરાઠી 2018ની સિઝનમાં આવ્યો અને શો જીત્યો. તેથી મહારાષ્ટ્રના લોકો નચિકેતને અગાઉ સાંભળી ચૂક્યા હશે.

મહોમ્મદ દાનિશ
મહોમ્મદ દાનિશ એન્ડ ટીવી પર પ્રસારિત થઈ ચૂકેલા ધ વોઈસ સિઝન-2માં પોતાનો અવાજ દેશને સંભળાવી ચૂક્યો છે. હવે તે ફરીથી ઇન્ડિયન આઈડલની 12મી સિઝનમાં આવ્યો છે.

એટલે કે ઇન્ડિયન આઈડલની 12મી સિઝનમાં પસંદ થયેલા કુલ 15 સિંગરોમાંથી 10 સિંગરો અગાઉ કોઈને કોઈ સિંગિંગ રિયાલિટી શોમાં ભાગ લઈ ચૂક્યા છે. માત્ર પાંચ જ સિંગર એવા છે જેને તમે પ્રથમ વખત સાંભળી રહ્યા હશો. આ પાંચ સિંગરમાં સૌથી સરપ્રાઈઝિંગ નામ છે રાજસ્થાનથી આવેલા સવાઈ ભાટનું. જે રસ્તા પર કઠપૂતળીનો તમાશો કરે છે અને હવે તે પોતાનું કિસ્મત અજમાવવા માટે ઇન્ડિયન આઈડલમાં પહોંચી ગયો છે.
બારમી સિઝનમાં અત્યારથી જ સવાઈ ભાટનું નામ વિજેતા તરીકે લેવાઈ રહ્યું છે. તેનું નામ અગાઉના વિજેતા સલમાન અલી અને સની હિંદુસ્તાનીની હરોળમાં લેવાઈ રહ્યું છે. છેલ્લી બે સિઝનથી વિજેતા નામમાં રાજસ્થાનનો દબદબો છે ત્યારે આ સિઝનમાં સવાઈ ભાટના રૂપમાં એક વધુ વિજેતા તરીકે દાવેદાર રાજસ્થાનથી આવ્યો છે.
બાકી નવા અવાજમાં સાયલી કાંબલે, અનુષ્કા બેનર્જી, સમ્યક પ્રસના અને નિહાલ છે. આ સિંગરો સાવ નવા છે. ઇન્ડિયન આઈડલની 12મી સિઝનમાં વિશાલ દદલાની, નેહા કક્કર અને હિમેશ રેશમિયા જજ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત