Homeવિશેષકોલેજ કથા : વાત એક ઉનાળાની

કોલેજ કથા : વાત એક ઉનાળાની

હવાનાં ઊછળતાં હરણ આવશે
ને સૂરજનું ધગધગતું રણ આવશે

ઉનાળાનો બળબળતો તાપ પડતો હતો. માણસ તો શું જાનવર પણ રસ્તા વચ્ચે દેખાતું ન હતું. રાજકોટથી જસદણ જતા રસ્તાની વચ્ચે આવે આટકોટ. એક પચ્ચીસેક વર્ષનો યુવાન હાથમાં બેગ લઈ ઊભો હતો. લિફ્ટ માગવાના ઘણા પ્રયાસો કર્યા પણ કોઈએ ગાડી ન રોકી.

ચરરરર…. કરતી એક બાઈકનું પૈડું ઘસાઈને ઊભું રહ્યું. તેણે પહેરેલું હેલમેટ ઉતાર્યું અને પછી છોકરા સામે જોઈ વિવેક કર્યો, ‘તમે ક્યાંય જવા માગો છો ? યુ વોન્ટ લિફ્ટ.’

બાઈકની બંને બાજુ પગ રાખી ઊભેલા છોકરાએ સામે ઊભેલા હમઉમ્ર છોકરાને કહ્યું. આ તો ભાવતુ તુ ને વૈધે કીધું જેવો ઘાટ ઘડાયો. છોકરો ઘોડો પલાંગ કરીને બેસી ગયો. બેગ પાછળ નાખ્યું અને ગાડી ફરી ચરરર કરતી નીકળી ગઈ.

પવનના ગરમ ગરમ સૂસવાટા પાછળ બેસેલા છોકરાના ગાલે અથડાતા હતા. બાઈક ચલાવતા છોકરાએ હેલમેટને પોતાના બે પગ વચ્ચે દાબી દીધું અને પછી વાતનો દોર શરુ કર્યો, ‘આ બાજુ ક્યાં ? જસદણ?’

‘હા, ગુણવંત નામ છે મારું. જસદણ છોકરી જોવા જઉં છું.’

‘એલા તારી કંઈ ઉંમર છે છોકરી જોવાની ? હજુ તો પચ્ચીસેકનો લાગે છે. મારી ઉંમરનો જ અને છોકરી જોવા નીકળ્યો છે. ભણે છે?’

‘હા.’

‘ક્યાં?’

‘સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસ ડિપાર્ટમેન્ટમાં.’

‘વાહ.’ બાઈક ચલાવતા છોકરાનો ચહેરા સૂર્યના પ્રકાશ અને પાછળ બેસેલા છોકરાની વાત બંનેથી ચમક્યો. પવનચક્કી આવવાની શરુઆત થઈ ગઈ હતી. ગુણવતંનું ધ્યાન એ ચક્કીઓને જોવામાં હતું, ‘અરેન્જ મેરેજ ફાવશે તને ? આવા સારા છોકરાને હજુ સુધી કોઈ છોકરીએ ભાવ નથી આપ્યો કે શું ?’

‘એવું નથી. ભણવા સિવાયની આવી કોઈ ઈત્તર પ્રવૃતિમાં મને રસ નથી.’

‘વ્હાલા આને ઈત્તર પ્રવૃતિ ન કહેવાય આને ઈશ્ક પ્રવૃતિ કહેવાય. હું પી.ડી. માલવિયામાં ભણું છું છતાં તમારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક બે ફટકાને મારા ખિસ્સામાં લઈને ફરું છું. અલબત્ત પહેલાં લવરબોય ટાઈપ હતો પણ પછી ધીમે ધીમે એક છોકરી સાથે પ્રેમજાળમાં ફસાતો ગયો. બાય ધ વે રસ્તો અને વાતો અહીં સુધી પહોંચી ગઈ પણ મેં તમને મારું નામ ન કહ્યું. હું વિવેક છું.’

‘નામ એવા જ ગુણ છે. હું તો રસ્તામાં રાહ જોતા જોતા થાકી ગયો પણ કોઈએ બાઈક ઊભી રાખવાનો વિવેક ન કર્યો. અહીં સુધી તો એક મિત્રની કારમાં આવી ગયો, પણ પછી તે આટકોટના રસ્તે ચાલ્યો ગયો. હું રહ્યો એકલો અટૂલો મુસાફર, કોઈ બસ મળી જાય તો પણ આપણે છોકરીના ગામે ચાલ્યા જઈએ, પણ બસ તો ગુજરાતના બેરોજગારો દ્વારા ભરતીમેળામાં ભરાતા મબલખ ફોર્મની જેમ ભરચક હતી. ડ્રાઈવરે બસ ઊભી જ ન રાખી, પણ ડ્રાઈવરના એ અવિવેકની પાછળ તમારો, આમ કહું તો મારો વિવેક આવી ગયો. મને લાગે છે કે ઈશ્વરે તમને મારા માટે જ મોકલ્યા છે.’

‘તમે માનો છો કે ઈશ્વરે મને તમારા માટે જ મોકલ્યો છે?’

‘હા બિલકુલ. નહીં તો આમ બપોરના ધોમધખતા તાપની વચ્ચે મારા માટે અને એ પાછી તમે જ બાઈક કેમ ઊભી રાખી. વિધાતાએ આપણા લેખ લખ્યા હશે.’

‘વાતો મજાની કરો છો આપ. બે અજાણ્યા જુવાનિયા ભેગા થાય ને તો છોકરીની જ વાતો કરાય. આપણે તો પછી પાછા ક્યારે મળીશું એટલે પૂછી લઉં કે તમે એ છોકરીને પહેલાં જોઈ છે જેને જોવા જઈ રહ્યા છો?’

‘ના. આ તો મમ્મી-પપ્પાએ કહ્યું એટલે એમની વાતનું માન રાખીને જાઉં છું. ઘરેથી ટોણા મારે છે કે હવે ઢાંઢો થઈ ગયો, વાંઢો રહી જા એ પહેલાં પરણી જા, કેટલું ભણવું છે તારે. અને તમને તો ખ્યાલ જ છે કે છોકરાઓની એક ઉંમર થાય એટલે મા-બાપ વરસી પડે. હું પણ ધોધમાર વરસી પડેલા મા બાપના વરસાદી વહેણથી જસદણ તરફ જતો ધોરીયો જ છું.’

‘સરસ અલંકારિક શબ્દો વાપરો છો. સાહિત્યમાં રસ ખરો કે ?’

‘હા, યુનિવર્સિટીમાં બે વખત કવિતાની સ્પર્ધામાં ભાગ લીધો, પણ એમાં યુનિવર્સિટીના જ જસ્મીનભાઈનો નંબર આવે છે. એટલે મારે કવિતા અને સાહિત્યમાં હજુ ઘણું શીખવાનું બાકી છે.’

‘યુવા મહોત્સવનો કવિ જસ્મીન. ઓળખું છું પણ કોઈ વખત થાય છે કે એ કવિતાઓ એણે જ લખી છે કે કોઈ બીજાએ. મને થઈ આવે છે કે બીજાની ઉઠાંતરી મારી હશે. કવિતા લખવામાં અને બોલવામાં જ માંસલ દેહની વિદ્યાને પટાવી ગયો અને હવે ગાર્ડનમાં વિદ્યાના ગુલાબજાંબુ જેવા હોઠમાંથી ચાસણી ચૂસતો હોય છે.’

‘આ વાતની તમને કેમ ખબર?’

‘હવે યાર લવરિયાવના લવરિયાવેડા છુપાઈ નહીં. હું તો નવરો થઈને યુનિવર્સિટીની કેન્ટીનમાં મારી જાનુ સાથે બેઠો હોઉં અને કોઈ છોકરો અને છોકરી આવે એટલે મારી જાનુનો હાથ પકડીને કહી દઉં કે તેઓ કોઈ મિત્રના રૂમ પર સેક્સ કરીને આવ્યા છે.’

‘આ કેવી રીતે ખબર પડે ? શું લગ્ન પહેલાં આ વાતની ખબર મેળવી શકાય કે છોકરી વર્જીન છે કે નહીં.’ ગુણવંત સેક્સમાં એક અશિક્ષિત છોકરાની જેમ બોલ્યો અને વિવેકને તેને સેક્સ એજ્યુકેશન આપવાનો ઉમળકો થઈ આવ્યો.

‘મને તો લાગે છે આવી છોકરીઓ સુહાગરાત પર ઓવર ઓર્ગેઝમ દર્શાવી પતિને ખુશ કરતી હશે. સુહાગરાતના રૂમમાં વધારે રાડારાડી કરી પતિ સામે કૌમાર્યનું સર્ટિફિકેટ પુરવાર કરતી હશે. જોકે મને આવી વાતની કંઈ નથી પડી. બે ચાર છોકરીઓને ઘુમાવી છે. શહેરમાં પણ અને મારી કાયા પર પણ. આ બળબળતા ઉનાળા જેવા ગરમ દેહનો તરવરાટ માણ્યો છે. ઉનાળો પછી ચોમાસુ અને પછી શિયાળો, ઋતુ પ્રમાણે છોકરીઓ બદલી પણ નાખી છે. હવે જે છોકરી છે તેની સાથે આવું નથી કરવું. હા પ્રપોઝ કર્યાના બાવીસમાં દિવસે જ… મિસ્ટર ગુણવંત સાંભળજો પ્રપોઝ કર્યાના બાવીસમાં દિવસે જ તે મારી પથારીમાં નેકડ હતી. હું તમારી જેમ કવિ તો નથી કે સાહિત્યનો પ્રેમી નથી. બાકી તેના ઘાટીલા અંગો વિશેની એક એક વાત તમારી સામે રાખી દેત.’

‘તમને તો મજા આવી હશે વિવેક?’

‘કયા છોકરાને ન આવે ? કોલેજની કુંવારિકાઓના કૌમાર્યને ભંગ કરવા નવ્વાણું ટકા છોકરાઓ આખલાની જેમ ધણધણતા હોય છે. સવારમાં તેની કલ્પનાથી હોસ્ટેલના ખાટલાઓ ધ્રૂજી જતા હોય તો જરા વિચારો ગુણવંતજી કોલેજના કોઈ સૌથી ભોળા છોકરાને કોલેજની મિસ વર્લ્ડના રૂમમાં રાખવામાં આવે તો મિસ વર્લ્ડના શરીરના તે સુંતળી બોમ્બની જેમ છોતરા ઉડાવી નાખે.’

‘આવું કઈ રીતે કહી શકો છો ?’

‘અનુભવથી કહું છું. કોલેજની મિસ વર્લ્ડને તમે કોલેજના લબરમૂછીયા છોકરાના રૂમમાં પેક કરી દો અને પછી કોલેજના સૌથી ભોળા છોકરાના રૂમમાં પેક કરી દો. આ પછી મિસ વર્લ્ડને પૂછો કે કોણે સૌથી સારું કૌશલ્ય બતાવ્યું, તો મિસ વર્લ્ડ ડંકાની ચોટ પર કહેશે કે જેને હું ભોળો સમજતી હતી તે તો….’ વિવેક હસવા લાગ્યો અને પછી ચાલતી બાઈકમાં ગુણવંતની સામે જોઈ બોલ્યો, ‘મને અહીં જ અટકવા દો બાકી હવે હું જે નવા નવા શબ્દ બોલીશ એ સાંભળીને તો તું ચાલતી ગાડીએ નીચે પડી જઈશ..’

ચાલતી ગાડીમાં બંને હસવા લાગ્યા. રસ્તો સાંકડો હતો. ખટારાઓ અને બસનું ધ્યાન રાખવું પડતું હતું. રસ્તા પર મૃગજળ દેખાતા હતા. આજુબાજુનું ખેતર, જેનું દૃશ્ય કોઈ વખત ગામડામાં અને કોઈ વખત જંગલમાં બદલી જતું હતું.

 ‘છોકરીનું નામ શું છે ?’

‘કોણ?’

‘ગુણવંતજી તમે જેને જોવા જવાના છો એ છોકરીનું ?’ વિવેકે માથું પાછળ કરી પૂછતા પવનની થપાટથી વાળ ગુણવંતના ચહેરા પર લાગ્યા.

‘ઓહ સોરી. આપણે એટલી બધી છોકરીઓની વાત કરી કે હું તો ભૂલી જ ગયો કે કઈ છોકરીની વાત કરવાની છે.’

‘એક મિનિટ… તમે મગજમાં કલ્પના કરો કવિ ગુણવંત કે તમને છોકરી કેવી જોઈએ? તમારી ભાવિ પરણેતર વિશે તમે કેવા સ્વપ્નો સેવેલા છે ? અને પછી મને નામ કહો. તમારી વાત પૂરી થાય એટલે હું હેલમેટ પહેરી લઉં બાકી આ સોહામણા ચહેરા પર ઉનાળો લાલ ચાઠા પાડી દેશે.’

‘શું કહું એના વિશે.’ ગુણવંતે બોલવાની શરૂઆત કરી, ‘હું જે છોકરીને જોવા જાઉં છું વિવેક. હું ઈચ્છું કે એ મારી આંખોને ગમે એટલી જ સુંદર હોય. મારે કોઈ તાજમહેલ નથી જોતો. જેના ઈતિહાસને બીજા બધા પણ જાણતા હોય અને વાતો કરે. એ સુંદરતામાં નાનું એવું મંદિર હશે પણ તેને ત્યાં માથું ટેકવા માટે એક એક લોકોની લાઈન લાગતી હશે તો મને ગમશે. મને ગમશે કે સુંદરતાના એ નાના અમથા મંદિરની આગળ મેં માથું નમાવ્યું અને તેણે મારી જ માનતા પૂરી કરી. એ હોશિયાર હોવી જોઈએ. ન હોય તો પણ મને વાંધો નથી. હું જ એને બધું શીખવાડી દઈશ. પહેલી મુલાકાતમાં જ હું તેને પૂછી લઈશ કે હું ભલે ઈતિહાસનો વિદ્યાર્થી રહ્યો પણ મારો પ્રેમનો ઈતિહાસ નિરક્ષર છે. મારા હ્રદયની પાટી કોરી છે. એમાં કોઈ છોકરીના નામનો એકડો નથી ઘુંટાયેલો. મારા હ્રદયની અંદર પ્રથમ વરસાદે ભીની થયેલી માટીમાંથી નીકળતી મઘમઘતી સુગંધમાં તમારા પગલાની છાપ પડશે તો મને ગમશે.’

‘ઊભા રહો… ઊભા રહો…. હવે બસ કરો. બસ કરો ગુણવંતજી.’ વિવેકે ગાડી ઊભી રાખી દીધી, ‘જો આ વાત તમે કોઈ છોકરીની આગળ યુનિવર્સિટીમાં કરી હોત ને તો એ પાળેલી બકરીની જેમ તમારી પાછળ બે બે કરી દોડતી આવેત.’

વિવેકે ગાડીને સેલ્ફ સ્ટાર્ટ કરી અને પછી કહ્યું, ‘આ દુનિયા અજીબ છે ગુણવંત. જેની પાસે પ્રિયતમાને કરવા આવી પ્રેમભરી વાતો છે તેની પાસે છોકરીઓ નથી. છોકરીઓ તેમની પાસે જ છે જેઓ બસ ખાટલાના ચાર પાયા ડગમગાવવા માગે છે.’

વિવેકે ગરમીથી બચવા હેલમેટ પહેર્યું. ગુણવંતે એ હેલમેટ પહેરે તે પહેલા જ એક વાત કાને નાખી દીધી, ‘તમે સેક્સી વાતો ખૂબ કરો છો.’

‘સેક્સ પણ ખૂબ જ કરું છું.’ બંને હસવા લાગ્યા. જસદણ હવે દસ કિલોમીટર જ દૂર હતું, ‘હવે છોકરીનું નામ બતાવી દો. જસદણ તો હમણાં આવી જશે. પછી તમે તમારા રસ્તે હું મારા રસ્તે.’ વિવેકે ગુણવંતને પૂછ્યું.

‘લજ્જા.’

‘ખૂબ જ સરસ નામ છે. વાંધો ન હોય તો આખું નામ જાણી શકું.’

‘લજ્જા શીલજભાઈ તણસાગરા.’

‘સરસ નામ છે ગુણવંત. હમણાં આપણે બંને વિખૂટા પડી જઈશું. એવું લાગશે કે આપણે મળ્યા હતા કે નહોતા મળ્યા. પછી તો હું છોકરીઓને પટાવવા યુનિવર્સિટીમાં આવીશ ત્યારે અચૂક ઈતિહાસ ભવનમાં આપણે બંને મળીશું. એ દિવસે મારા તરફથી તમને….’

‘અરે હોય કંઈ તમારે નહીં મારે તમને ફરજિયાત ચા પીવડાવવાની હોય.’ ગુણવંતે વિવેકની વાત અધવચ્ચે જ કાપી નાખી અને વિવેક કર્યો.

‘ચાલો લજ્જા માટે બેસ્ટ ઓફ લક.’

ને અચાનક બાઈકનો એક કાર સાથે અકસ્માત થયો. બેગમાં રહેલા કોલેજના આઈકાર્ડથી છોકરાઓની ઓળખ કરવામાં આવી. એક છોકરો ઘાયલ થયો હતો જ્યારે એક છોકરાના મૃતદેહ વિશે તેના માતા પિતાને જાણ કરવામાં આવી. મૃતક છોકરાનું નામ ગુણવંત હતું.

નજીવી ઈજાઓ સાથે પથારીમાં પડેલા વિવેકને મળવા એક બાદ એક મહેમાનો આવતા હતા. તેની કોલેજની પ્રિયતમા પણ આંસુઓ સારતી તેને મળવા દોડી આવી. ખાટલા પર પડેલા વિવેકને તેણે છાતી સરસો ચાંપી દીધો. તેની આંખમાંથી આંસુ વહ્યા અને વિવેકની છાતીને ભીની કરી ગયા, ‘થેન્ક યૂ વિવેક મારે આવા કોઈ ગુણવંત સાથે લગ્ન નહોતા કરવા.’  

(શીર્ષક પંક્તિ – આદિલ મન્સૂરી)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments