Homeસાહિત્ય‘ચા’-‘બુક’ સાથે અભિષેક : ‘મહોબ્બત’ની લખાણશૈલી મને અતિશય પ્રિય છે

‘ચા’-‘બુક’ સાથે અભિષેક : ‘મહોબ્બત’ની લખાણશૈલી મને અતિશય પ્રિય છે

૧. ઘણાંને લેખક બનવું છે આવું કોલેજમાં આવતાં આવતાં લાગે, તમારું વાંચન અને લેખન ક્યારે શરું થયું અને લખવું છે એવું ક્યારે લાગ્યું ?

જવાબ :- કોલેજમાં આવતા આવતા ઘણું લાગે….શર્ટનું ઉપરનું બટન ખુલ્લું રાખવાથી માંડીને યુ.પી.એસ.સી. ક્રેક કરવા સુધીના મનખાં કોલેજમાં આવતા આવતા છોકરાના મનમાં જાગે. હું તો આને એક પ્રાકૃતિક ફેરફારથી વધુ કાંઇ માનતો નથી. આવું લગભગને થાય છે. કારણ કે આ ઉંમરે શરીર બદલતું હોય છે, શરીરની સંવેદનાઓ બદલતી હોય છે અને જુવાનજીવને વ્યક્ત થવાની કોઇ એક કલા આકર્ષે છે. એમાં આપણી જનરેશનમાં લેખન તરફનું ઘેલું થોડું વિશેષ છે. એટલે સૌને આ ઉંમરે એમ થાય કે લખીએ. હું તો અમસ્તો જ લખતો થયો તો. ક્યારથી એવું પૂછો તો એનો કોઇ જવાબ નથી. હાઇસ્કુલના અભ્યાસ પહેલાં મેં લખ્યું છે એવું મારા સ્મરણમાં છે. હા, કોલેજમાં આવતા આ ઝરણું ધોધ બન્યો. અભ્યાસલક્ષી હોય કે યુથ ફેસ્ટિવલ હોય કે કોઇપણ સ્પર્ધા હોય… હું એમાં ભાગ લઉં. સકારણ અને અકારણ બસ લખતો રહ્યો છું. ‘લખવું છે.’ એવું તો હજુ ય નથી થયું. લખતો રહું છું.

૨. મોટાભાગે એવું બનતું હોય છે કે કોઇને લેખક બનવું હોય તો વાર્તા કે નવલકથાથી શરૂ કરે. તમારા કિસ્સામાં એવું નથી બન્યું. અથવા તમે પણ વાર્તા લખી છે ?

જવાબ :- કોલેજકાળમાં મે અઢળક કવિતાઓ લખી છે. ત્યારે એવો પ્રવાહ હશે મારી અંદર. મને કવિતાનું બંધારણ અને નિયમોનું અજ્ઞાન. પણ પ્રાસ અને ભાવ એમાં છલકતા રહેતા. એનો મને પોતાને બહુ આનંદ આવે. પછી હું લેખો એટલે કે ગદ્ય લખતો થયો. મારા પહેલા પુસ્તક ‘મહોબ્બત’ માં પણ લેખો જ છે. અને બીજા પુસ્તક ‘સ્પર્શ’ માં પણ નિબંધ, કાવ્ય અને લેખોનું સંકલન છે. મેં હમણાં સુધી ક્યારેય વાર્તા કે નવલકથા પર હાથ અજમાવ્યો નહોતો. મને એવો ડર કે લાંબા લખાણો મારાથી થતાં નથી. મારામાં વિચારોની એકસૂત્રતાનો અભાવ છે એવી ગ્રંથિ ય ખરી. પણ આ કોવિડ-૧૯ને કારણે આવી પડેલું લોકડાઉન મને ફળ્યું. મને ચેલેન્જ આપીને મેં આ લોકડાઉનના દિવસોમાં જેને ખરાં અર્થમાં નવલકથા કહી શકાય તેવી ૩૬ પ્રકરણોમાં નવલકથા લખી છે. એટલે કવિતા,નિબંધ અને હવે નવલકથાનો અનુભવ મને એવું કહેવા પ્રેરે છે કે, જેને લખવું છે એને સાહિત્યના પ્રકારમાં પડવાને બદલે ભીતર ઉઠતાં પ્રવાહને તાબે રહેવું જોઇએ. જે આવે એ ફોરમેટમાં લખવું જોઇએ. શબ્દને શરણે રહેવાય, શબ્દના માલિક ન થવાય.

૩. તમારા પુસ્તક ‘સ્પર્શ’ વિશે વાત કરો. ‘સ્પર્શ’ સાથેની આખી સફર તમારી કેવી રહી હતી ?

જવાબ :- મેં એક એવી આદત રાખી છે કે હું મારી પાસે આવતા શબ્દનો વેડફાટ ન થવા દઉં. ગમે તેવો વિચાર હોય, પછી એ રિપિટ મોડમાં ય કોઇ નવો સંદર્ભ લઇને આવતો હોય તો ય હું એને સાચવી લઉં. એટલે હું બસમાં હોઉં, ઓફિસના કામમાં હોઉં, મીટીંગમાં હોઉં, કોઇ પ્રસંગમાં હોઉં, ભીડમાં હોઉં કે સુવાની તૈયારીમાં હોઉં… મને કોઇ વિચાર આવે એટલે એને મારા હાથમાં જે આવે એમાં હું નોંધી લઉં. આમ કરવું ખબર નહીં કેમ પણ મને બહુ ગમે છે. ક્યારેક ઓફિસવર્ક કરતો હોઉં અને કંઇક સ્પાર્ક થાય તો હું એની એજ વર્ડફાઇલમાં એ વિચારને લખી લઉં. વિચારને વેડફુ નહીં. ડાયરી, લેપટોપ, મોબાઇલ, ટિકિટો, પુંઠા….બધે શબ્દો ટાંક્યા છે. ‘સ્પર્શ’ આવા વિચારોનું સંકલન છે. એ પ્લાન્ડ પુસ્તક નથી. મારા જ ચાર પાંચ વર્ષના રેન્ડમ વિચારોનું મેં કરેલું સંપાદન છે. ‘સ્પર્શ’માં રહેલા લખાણો ક્યારેક સંપૂર્ણ સ્વસ્થતા સાથે ડાયરીમાં લખાયેલા હશે, ક્યારેક હડબડીમાં કોમ્પ્યુટરમાં ટાઇપ થયા હશે, ક્યારેક બસના ધક્કામાં મોબાઇલમાં ટાઇપ થયા હશે. સ્પર્શના તમામ લખાણોની પોતાની એક દાસ્તાન છે. અમુક મને ય યાદ નથી રહી…કે આ મે ક્યારે અને કેમ લખ્યું હશે !

૪. તમારા ‘સ્પર્શ’ પુસ્તક વિષે ઘણાને ખબર છે,પણ ;મહોબ્બત’ વિશે નહીં. જો કે ‘મહોબ્બત’ એ તમારું પ્રથમ પુસ્તક હતું. તેમાં શું ખાસ છે.

જવાબ :- સાહિત્યમાં સૌથી વધુ લખાતા વિષયોમાં ‘પ્રેમ’ આવે. પુખ્ત પ્રેમ અને પરમ પ્રેમની પણ ખુબ ચર્ચા થાય. પરંતુ પ્રેમના પહેલો પ્રહાર તરુણાઇમાં થતો હોય છે. જ્યારે છોકરો કે છોકરી ચૌદ કે સોળ વર્ષના થયા હોય છે. એમાં ‘પ્રેમતત્વ’ નહીંવત હોય છે પણ છોકરાની નીંદર કોઇ છોકરીને નામ થઇ જાય છે, અને છોકરીની લટ કાબુ બહાર થઇ જાય છે. છોકરાની છાતીમાં વંટોળ અને છોકરીની પાનીએ તરંગો ઉગાડતી આ ઉંમરની વાત ભાગ્યે જ થઇ છે. એ ઉંમર કે જ્યારે છોકરાને ગાલે દાઢી અને છોકરીને ગાલે લજ્જા ફુટે છે. આલિંગન અને ચુંબનના અભરખા ફાટે છે. વિરહ અને દર્દના પેટમાં રાસ રચાય છે. આ વિસ્ફોટક ઉંમર તરફનું આપણું વલણ ઓરમાયું છે. આ ઉંમરે થતો પ્રેમ ભલે પુખ્ત નથી હોતો પણ મારી નજરે પ્રેમયાત્રાનું એ પહેલું ચરણ છે. જો આપણા જેવી જ કોઇ સામાન્ય વ્યક્તિ સાથે આપણને પ્રેમ નથી થતો તો ઇશ્વર તો બડી દૂર નગરી. ‘મહોબ્બત’ માં પ્રેમના આ પ્રાથમિક ચરણને ઉજવવામાં આવ્યું છે. એમાં આવેગોની આરાધના થઇ છે. એમાં ‘વ્હાલ’ને વેવલાવેળાના આક્ષેપથી ક્યાંય દૂર જઇને એની પુજા કરવામાં આવી છે. જે જે સભ્ય લોકો તરુણાઇના પ્રેમને નકારે છે એ કુદરતને નકારે છે. કુદરતના આયોજનને નકારે છે. કુદરતની સહજતાને નકારે છે. હા, હું કબુલુ છે કે આ ઉંમરે પ્રેમનું ઊંડાણ સમજાતું નથી,ઘણા એનો દૂરપયોગ પણ કરે જ છે. હું એના મૂળ તત્વને પકડીને ‘મહોબ્બત’માં વાત કરી રહ્યો છું.

ખાસ માટે કહું તો એટલું કે એ મારું પહેલું પ્રકાશિત થયેલ પુસ્તક છે. અન્યથા ‘મહોબ્બત’ની લખાણશૈલી મને અતિશય પ્રિય છે. એમાં શબ્દએ મારા પર કૃપા કરી હોય એવું મને એ પુસ્તક વાંચતા લાગે. 

૫. તમને ક્યારેય લાગ્યું છે કે તમારા લખાણમાં જુનાગઢ અને એની પ્રકૃત્તિનો મોટો ફાળો છે ?

જુનાગઢ મારુ કાળજું છે. ગિરનાર તો અનંત અનુભુતિઓનો અવધૂત. જુનાગઢની જગ્યાઓ વિશે કોઇ મને પૂછે કે ગિરનાર વિશે કોઇ મને પૂછે તો મારી પાસે માહિતી એટલી મળે નહીં. પણ પેલું કહેવાય છે ને કે કોઇક સાથે ન હોય પણ તમને એની હાજરીનો અનુભવ રહ્યા કરે. ઋષિકેશની ગંગા અને જુનાગઢનો ગિરનાર મને ક્યારેય દૂર નથી લાગ્યા. આ તો આખું અનુભુતિનું ક્ષેત્ર અને છતાં કહેવાનું મન થાય કે ગંગા તો મારી આંખે આવીને બેઠી છે ને ભીતર જે આત્મો ઝળહળે છે એ મારો ગિરનાર.

બાકી ભુમિભાગ મુજબ જઇએ તો તો જુનાગઢમાં મારું ઘર છે. મારા માવતર ત્યાં રહે છે. ત્યાં મને મૂંછ ફુટી. ત્યાં હું જવાન થયો. મારું આ શરીર બાંધનાર જ જુનાગઢની પ્રકૃત્તિ. એટલે લખાણ હોય કે જીવન… મૂળમાં તો ગંગા-ગિરનાર અને કોઇની કરૂણા જ કામ કરે છે. એ જ હતા. એ જ છે. એ જ રહેશે. બાકીના નગરોમાં તો નસીબની દોરીએ લટકીને નાટક કરવાના છે. કરું છું.

૬.લખવા અને વાંચવા સિવાયનો શું શોખ છે ?

જવાબ :- લખવું અને વાંચવું મારો શોખ નથી. લખવું તો હજુ ય ગમે. વાંચવુ તો મારી જરુરિયાત છે. એટલે વાંચુ. વિચારો સિમિત ન થઇ જાય અને બદલતા રહે માટે. અને શોખ તો સમજ સાથે બદલતા રહે. મને બાઇક ચલાવવી ગમે. હિંડોળે એકલા બેસવું ગમે. ઘરકામ અને રસોઇ કરવી ગમે. મારા આંગણે આવતા પક્ષીઓને જોવા ગમે. વર્ષે એકવાર સોલોટ્રીપ કરવી ગમે. કોઇ માટે પ્રાર્થના કરવી ગમે. બની શકે કે ક્યારેક લખવું અને વાંચવુ મારા શોખ બની ય જાય. શું ખબર !

૭. તમારા ગમતા કેટલાક પુસ્તકો વિષે કહો :

લેખકપુસ્તક
છ અક્ષરનું નામરમેશ પારેખ
ઓથારઅશ્વિની ભટ્ટ
મહોબ્બતઅભિષેક અગ્રાવત
ઘેર જતાંગુલામમોહમ્મદ શેખ
રખડુંનો કાગળમહેન્દ્રસિંહ પરમાર
દોજખનામારવિશંકર બલ (હિન્દી)
ગોદાન અને નિર્મલામુંશી પ્રેમચંદ (હિન્દી)

બીજા કોઇ હાલ યાદ નથી આવતા. અને પુસ્તકો વિષે કહેવા જઇશ તો આનો જવાબ બહુ લાંબો થઈ જશે. અને દરેક ગમતા પુસ્તક વિષે ટુંકમાં હું ન્યાય આપી શકું એમ લાગતું નથી. એટલે આ અમુક શિર્ષકોને જ આના જવાબ તરીકે માન્ય રાખશો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments