Team Chabuk : છઠ્ઠી પછી સાતમી પુતળી કૌમુદીએ રાજા ભોજને કંઈક આ રીતે રાજા વિક્રમાદિત્ય અને પિશાચીનીની વાર્તા કહી.
એક રાતે વિક્રમાદિત્ય પોતાના શયન કક્ષમાં વિશ્રામ કરી રહ્યા હતા. અચાનક તેમની ઊંઘ કરુણ આક્રંદ સાંભળીને તૂટી ગઈ. વિક્રમાદિત્ય સફાળા જાગી ગયા અને ધ્યાન દઈને સાંભળ્યું તો રડવાનો અવાજ નદીની તરફથી આવી રહ્યો હતો. કોઈ સ્ત્રી હતી જે નિરંતન વિલાપ કરતી રડી રહી હતી. વિક્રમને તો સમજમાં જ ન આવ્યું કે તેના રાજ્યમાં કોઈ સ્ત્રીને એવું કયુ દુ:ખ આવી પડ્યું કે તે વિલાપ કરીને ચોધાર આંસુએ રડી રહી છે. આટલી વિવશ થઈ રહી છે. એમણે તુરંત રાજવસ્ત્રો ધારણ કર્યા કમરમાં તલવાર લટકાવી અને અવાજની દિશામાં ચાલવા લાગ્યા.
ક્ષિપ્રા નદીના તટ પર આવીને તેમને એ વાતની ખબર પડી કે એ અવાજ નદીના બીજા કિનારે વસેલા અરણ્યમાંથી આવી રહ્યો છે. એમણે અવાજની દિશામાં જવા માટે તુરંત નદીમાં છલાંગ લગાવી અને તરીને ત્યાં જવા ઉપડી પડ્યા. તરતા તરતા એ જગ્યાએ પહોંચ્યા જ્યાંથી રડવાનો અવાજ આવી રહ્યો હતો. એમણે જોયું કે વૃક્ષોની વચ્ચે કોઈ સ્ત્રી રડી રહી છે.
એ સ્ત્રીની નજીક જઈ વિક્રમે તેને રડવાનું કારણ પૂછ્યું, ‘હે સ્ત્રી, હું મારા મહેલમાં ઊંઘી રહ્યો હતો. મારા રાજ્યમાં અડધી રાતે કોઈ સ્રીનું રૂદન આવી રીતે સંભળાય તે તો હું માની જ નથી શકતો. આખરે તારી માથે એવું કયુ મોટું આભ તૂટી પડ્યું છે કે તું આટલો વિલાપ કરી રહી છે.’
સ્ત્રીએ રાજાની સામે જોઈ કહ્યું, ‘હું તો મારી વેદના સૌ કોઈને સંભળાવી ચૂકી છું. પણ કોઈ ફર્ક નથી પડતો. કંઈ ફાયદો નથી થતો.’
રાજાએ કહ્યું, ‘હું તને વિશ્વાસ અપાવું છું કે, હું તારી હરેક સંભવ મદદ કરીશ.’
‘નહીં રાજા તમે મારી મદદ ઈચ્છવા છતાં નહીં કરી શકો.’
‘હું મહારાજ વિર વિક્રમાદિત્ય છું. મહારાજા છું તો મારું કર્તવ્ય છે કે હું સૌની મદદ કરું. તું કહે કે તારા પર કયુ દુ:ખ સવાર થયું છે. હું અબઘડી એ દુખનો નીવેડો લાવી દઈશ.’
સ્ત્રીએ કહ્યું, ‘મહારાજા મારો પતિ ચોર છે. ચોરી કરવાના અપરાધમાં તેને નગરના કોતવાલે વૃક્ષ પર ઉલટો લટકાવી દીધો છે.’
‘શું તું આ નિર્ણયથી ખુશ નથી? તારો પતિ ચોર હતો અને ચોરી કરવી એ મોટો અપરાધ છે. તારે તો ખુશ થવું જોઈએ કે તું એક પાપીના હાથમાંથી મુક્ત થઈ છો.’
‘મને આ નિર્ણય પર કોઈ આપત્તિ નથી મહારાજ. ચોરને તો સજા થવી જ જોઈએ, પણ હું તેની પત્ની છું. ક્યાં સુધી હું તેને વૃક્ષ પર ઉલટો લટકેલો જોઉં. એ ભૂખ્યા છે. એમને તરસ લાગી હશે. તેમને સજા થઈ છે પણ તેમાં એવી વાત તો ક્યાંય નથી કે એ ભૂખ્યા અને તરસ્યા રહે. ઉલટા લટકાવાની જ સજા મળી છે.’ આટલું બોલતા સ્ત્રી ફરી ભાંગી પડી અને પોક મૂકીને રડી પડી.
‘તો તે અત્યાર સુધી તેના માટે ભોજન અને જળની વ્યવસ્થા કેમ ન કરી ?’ વિક્રમે સ્ત્રીને પ્રતિપ્રશ્ન કર્યો.
જેના પર જવાબ આપતા સ્ત્રી બોલી, ‘મારો પતિ એટલી ઊંચાઈ પર ટીંગાયેલો છે કે કોઈની પણ સહાયતા વિના હું ત્યાં સુધી પહોંચી નથી શકતી. હું માર્ગમાંથી પસાર થતા લોકોની મદદ માગુ છું પણ તે રાજાની સજાના ભયથી સહાયતા નથી કરી રહ્યા. મારી પાસે રડવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.’
વિક્રમે કહ્યું, ‘ચાલ હું તારી સાથે ચાલું છું. તારી મદદ કરું છું.’
ન્યાયપ્રિય રાજા વિક્રમાદિત્યની વાત સાંભળી સ્ત્રી હરખભેર ઊભી થઈ ગઈ, પણ વિક્રમને નહોતી ખબર કે એ સ્ત્રી લટકતા ચોરની પત્ની નહીં પિશાચીની હતી. વિક્રમાદિત્યના ખભા પર સવાર થઈ તે એ ચોરને ખાવા માગતી હતી.
બેઉં વૃક્ષ પાસે પહોંચ્યા. તેણે હાથમાં પાણી ભરેલો કટોરો લીધો. રાજાએ તેને ખભા પર ચડાવી અને તેની જીભ ચોરના શરીરને અડતા જ તેને ચટ કરી ગઈ. રાજા તો શું બોલવું શું નહીં એ દ્રિધામાં પડી ગયો. તેને સમજતા વાર ન લાગી કે આ ચોર તેનો પતિ નહોતો અને આ સ્ત્રી સ્ત્રી નહીં પિશાચીની છે. પિશાચ સ્ત્રીએ ચોરનું ભોજન કર્યા પછી ખુશ થતા રાજાને કહ્યું, ‘વિક્રમાદિત્ય તે મારી ભૂખ સંતોષી છે. તારે જે જોઈએ તે બોલ.’
વિક્રમે પણ ખૂબ મોટી વસ્તુ માગી લીધી, ‘અન્નપૂર્ણા પ્રદાન કરો, જેથી મારી પ્રજા કોઈ દિવસ ભૂખી ન રહે.’
પિશાચીની મુંઝાઈ ગઈ. અન્નપૂર્ણા આપવું એ તેના હાથમાં નહોતું. હા, તેની બહેન આપી શકતી હતી. એ વિક્રમને તેની સાથે લઈ નદી કિનારાની ઝૂંપડી પર ગઈ.
ઝૂંપડી પાસે પહોંચી પિશાચીનીએ તેની બહેનને અવાજ કર્યો. બહેન ઝૂંપડીમાંથી બહાર નીકળી અને તેણે રાજાનો પરિચય આપ્યો અને અન્નપૂર્ણાના સાચા અધિકારી છે તેમ પણ કહ્યું. તેની બહેને અન્નપૂર્ણા તેના સહર્ષ અધિકારી એવા વિક્રમને આપી દીધી. હવે સવાર થવાની હતી. રાજાએ મહેલ તરફ પગ ઉપાડ્યા.
રસ્તામાં જ તેમને એક બ્રાહ્મણ મળ્યો. તેણે રાજા પાસે ભીક્ષા માંગી. રાજા પાસે એ વખતે અન્નપૂર્ણાના પાત્ર સિવાય તો કંઈ નહોતું. તેણે પાત્રની પરીક્ષા કરવા માટે કહ્યું, ‘અન્નપૂર્ણા આ બ્રાહ્મણને ભરપેટ ભોજન કરાવો.’
બ્રાહ્મણની સામે વિવિધ પ્રકારના વ્યંજનો આવી ગયા. તેણે પેટ ભરીને ખાધુ. વિક્રમને ઈચ્છા થઈ કે ભૂદેવને દક્ષિણા આપીએ. બ્રાહ્મણ તો પોતાની આંખોથી જ અન્નપૂર્ણાનો ચમત્કાર જોઈ ચૂક્યો હતો. તેણે રાજાને કહ્યું, ‘જો તમે આપવા જ માગતા હો તો દક્ષિણાસ્વરૂપે મને આ પાત્ર આપી દો. જેથી મારે કોઈ પણ વખતે ભોજન માટે હાથ ફેલાવો ન પડે.’
વિક્રમે ક્ષણની પણ રાહ જોયા વિના તેને અન્નપૂર્ણાનું પાત્ર આપી દીધું. બ્રાહ્મણ મહારાજાનો આશિર્વાદ અને તેનું પાત્ર લઈ ચાલ્યો ગયો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત