Homeસાહિત્યકવિતા આસ્વાદ- આ નભ ઝૂક્યું તે કાનજી- -કૉમરેડ જસ્મીન

કવિતા આસ્વાદ- આ નભ ઝૂક્યું તે કાનજી- -કૉમરેડ જસ્મીન

આ નભ ઝૂક્યું તે કાનજી
ને ચાંદની તે રાધા રે,
આ સરવરજળ તે કાનજી
ને પોયણી તે રાધા રે,
આ બાગ ખીલ્યો તે કાનજી
ને લ્હેરી જતી તે રાધા રે,
આ પરવત-શિખર કાનજી
ને કેડી ચડે તે રાધા રે,
આ ચાલ્યાં ચરણ તે કાનજી
પગલી પડે તે તે રાધા રે,
આ કેશ ગૂંથ્યા તે કાનજી
ને સેંથી પૂરી તે રાધા રે,
આ દીપ જલે તે કાનજી
ને આરતી તે રાધા રે,
આ લોચન મારાં કાનજી
ને નજરું જુએ તે રાધા રે !

આપણા સાહિત્યમાં કૃષ્ણ-રાધા પર બહુ બધુ સર્જન થયું છે, કવિ પ્રિયકાંત મણિયારનું આ કાવ્ય તેનો વિસ્તાર કરી ગુર્જરી સાહિત્ય નદીમાં વધુ એક વહેણ ભેળવે છે. આ ગીત ખૂબ જ કર્ણપ્રિય છે. કૃષ્ણ-રાધાના પ્રેમનું વિચાર-વિસ્તાર કરતું આ કાવ્ય આપણને એક અલગ વિશ્વમાં લઈ જાય છે. કૃષ્ણ અને રાધાએ આપણા લોકજીવનમાં વણાયેલા પાત્રો છે. કૃષ્ણ-રાધા વિશે તમને દરેકના મુખે કંઈક તો સાંભળવા મળશે છે જ. પ્રેમનું પ્રતિક બની ચુકેલા કૃષ્ણ-રાધાને આ કવિતાના માધ્યમમાં પ્રિયકાંત મણિયારે પ્રકૃતિની સાથે વણી લઈને એક અદભુત કાવ્ય કૃતિ ગૂંથી છે.

રાધાનાં અસ્તિત્વ વિશે અનેક કથાઓ છે, શાસ્ત્રમાં પણ મતમતાંર પ્રવર્તે છે પરંતુ કોઈ કહે છે રાધાજી હતા, કોઈ કહે છે એવું કોઈ પાત્ર ન હતું, પરંતુ કૃષ્ણ-રાધાની પ્રેમકથા દરેક હૈયામાં આજે પણ જીવંત છે. કવિ પ્રકૃતિના તત્વો સાથે કૃષ્ણ-રાધાની સરખમાણી કરી ત્યારે લાગે કે આ બન્ને તો એક જ છે. કૃષ્ણ વગર રાધા ન હોય શકે અને રાધા વગર કૃષ્ણ ન હોય શકે. કવિએ પંચતત્વોને પણ સાંકળી લીધા છે. આકાશ, જળ, વાયુ, અગ્નિ અને પૃથ્વી આ પંચમહાભૂત પ્રકૃતિના તત્વો કવિતાને વધુ અસરકારક બનાવે છે.

‘આ નભ ઝૂક્યું તે કાનજી’માં કવિએ નભ એટલે આકાશ (અવકાશ) તત્વને વણી લીધુ છે. ‘આ સરવરજળ તે કાનજી’ (જળતત્વ), ‘ને લ્હેરી જતી તે રાધા રે’ (વાયુ તત્વ), ‘આ પરવત-શિખર કાનજી’ (પૃથ્વી તત્વ) અને ‘આ દીપ જલે તે કાનજી’ (અગ્નિ તત્વ) આમ પાંચેય તત્વોને વણી લીધા છે.

આ ગીત તમને પ્રકૃતિના વૈભવની પણ પ્રતિતિ કરાવે છે. કવિ પ્રિયકાંત મણીયાર મુશાયારાના અંતમાં આરતીરૂપે પોતાના અંદાજમાં આ ગીત રજૂ કરતાં હતાં. ગુજરાતી પદ્ય સાહિત્યનું એક અણમોલ ઘરેણું છે આ કાવ્ય.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments